(જન્મઃ 28-07-1940 • નિધનઃ 26-02-2025)
અનિલ જોશીનો જન્મ ગોંડલમાં. કોલેજનો અભ્યાસ અમદાવાદમાં. વસતા હતા મુંબઈમાં. શબ્દલય અને ભાવલયના બે કાંઠા વચ્ચે તેમની કવિતા નદીની જેમ એનાં વહેણ, વળાંક અને નૈસર્ગિક ગતિ સાથે વહે છે. કવિએ એક પંક્તિમાં કહ્યું છેઃ ‘શબ્દોમાં હું એમ પ્રવેશું જેમ આગમાં સીતાજી’. ‘કદાચ’ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ. ‘સ્ટેચ્યુ’ નિબંધસંગ્રહ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે.
•••
બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી
મને પાનખરની બીક ના બતાવો!
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે.
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો!
એકેય ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર.
એક પછી એક ડાળ ખરતી જોઈને પૂછુંઃ
પડવાને કેટલી છે વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો!
•••