ઘણા સમયથી આ સવાલ મનમાં વાસી ગયો છે. નિમિત્ત તો ભરઉનાળે લોથલના અનુભવનું હતું. ટ્રેનમાં એક નાનકડું સ્ટેશન આવે, સ્ટેશન માસ્ટર ઝંડી લઈને, ‘ભૂરખી... ભૂરખી...’ જોરથી બોલે. ભૂરખી ગામથી થોડા કિલોમીટર પર જે ખંડિયેર ઊભાં છે, તે જ 5000 વર્ષ પહેલાનું લોથલ. કોઈ વાતની ખામી નહિ. બજાર, ગલી, નિવાસ, મેદાન, સ્નાનઘર. દીવાલો. કોઈને ય કલ્પના આવે નહિ કે એક વેળા અહીં દરિયો ઘૂઘવતો હશે, નદી વહેતી હશે ને દેશ-પરદેશના વ્યાપારીઓ, મુલાકાતીઓ આવતા હશે, કારણ કે આ તો ખ્યાત, આંતરરાષ્ટ્રીય સમુદ્ર-મથક હતું!
આખી વાત ગુજરાતના અનેક પ્રાચીન, પુરાતત્વીય સ્થાનોની રહી, જે લોથલની છે. ધોળા વીરા, રંગપુર, રોજડી, મુએ-જો-ડેરો, દેશલપર, ખીરસરા, કુરણ, મહેશ્વર, પ્રભાસ પાટણ, દ્વારિકા... ક્યાંય પણ જાઓ તો ભવ્ય ભૂતકાળ વેતાળની જેમ નજર સામે આવીને ઊભો રહી જાય. આ વેરાન જમીન પર કોઈ કાળે સમૃદ્ધ વસાહતો હશે, પીડા અને મહત્વાકાંક્ષાના કેવા કેવા પડાવ પાર કર્યા હશે?
ના... આ કોઈ કલ્પનાની રંગોળી નથી, ધરતી પરની વાસ્તવિક્તાનો મિજાજ છે. નહિ તો લોથલ ચાર વાર સુનામીમાં નષ્ટ થયા પછી દરેક વખતે લોથલવાસીઓએ ફરી વાર દરેક વખતે કઇ રીતે ખડું કર્યું હશે? આ સવાલને હું આપણાં ઈતિહાસકારો, ઉત્ખનનકારો, પુરાવિદ્દોની સાથે સાંકળું છું.
ધોળાવીરાના રવીન્દ્રસિંહ બિષ્ટ, હડપ્પા ખોજમાં જોડાયેલા ડો. જગત્પતિ જોશી, ડેક્કન કોલેજના પ્રો. એમ.જે. ધવલીકર, ડો. હસમુખ સાંકળીયા, ડો. બી. સુબ્બારાવ, એમ.એન. દેશપાંડે, વી.એસ. અગરવાલ, બી.બી. લાલ ડો. યદૂવીર સિંહ રાવત, ડો. વાકણકર અને બેશક, આપણાં તેજનક્ષત્ર સરખા પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા (એટલે કે સંશોધકોમાં જાણીતા પી.પી. પંડ્યા)... કેવી અનુભૂતિ, કેવો પરિશ્રમ અને કેટલું સંશોધન કરીને આપણાં અતીતને અંધકારમાંથી ઉજાશ તરફ દોર્યો અને સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.
બીજો કોઈ ઇતિહાસ-પ્રેમી દેશ કે સમાજ હોત તો પુરાતત્વવિદ્દની પ્રતિમા અને શાનદાર સ્મારક રચાયું હોત. ધૂમકેતુની પેલી વાર્તામાં આવે છે ને કે બ્રિટિશ અફસરને વિદાય આપવાની થઈ ત્યારે શું સ્મૃતિ-ભેટ આપવી તેને માટે મહાજનો એકઠા થયા. પેલા અફસરે કહ્યું કે આપવું જ હોય તો ગામના પાદરે થોડાક શિલ્પ સ્થાપત્યના ટુકડા પડ્યા છે તે આપો. ગ્રામજનોને નવાઈ લાગી, અરે, આ શું માંગી રહ્યો છે, ત્યાં તો ગોપાલકો પોતાના પશુઓને ચરવા માટે લઈ જાય છે, ને આ પથરાઓ પર બેસીને રોંઢો (બપોરનું ભોજન) કરે છે... અફસરે કહ્યું: આ પત્રો નથી, સંસ્કૃતિનો પ્રાણ છે. હું મારે ગામ જઈશ, તે ગામના એક ચોકમાં સુંદર ઉદ્યાન બનાવીશ ત્યાં આ સ્થાપત્યોને સ્થાપિત કરીશ અને તેને જોવા આવનારાઓને કહીશ કે જુઓ, આ સ્થાપત્ય જેની ધરોહર છે એવા દેશના એક ગામમાં હું રહ્યો હતો... બરાબર આ ભૂમિકાએ રહીને આપણાં પુરાતત્વવિદ્દોએ કામ કર્યું હશે.
તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર અને પછી કેન્દ્રીય, સંયુક્ત અને પ્રદેશ સરકારના વહીવટી અવરોધો છતાં પી.પી.એ માત્ર 39 વર્ષની ટૂંકી વયમાં કેટલું ઐતિહાસિક કામ કર્યું હતું, જાણો છો? મહેશ્વર, નાવડા ટોડી, સતલજ નદીનો કિનારો, જામનગર જિલ્લામાં લઘુ પાષાણકાલીન ઓજારો, લાખાબાવળ, આમરા, બેડ, ફલા અને કોટામાં હરપ્પા સામના ટિંબા, શેરડીમાં અશ્મયુગના ઓજારો, જૂનાગઢ જિલ્લાના બેરણ અને કેશવ ગામમાં અંતિમ અશ્મયુગના ઓજારો, કાલાવડ, અરેણા, બોરિચા, સુત્રાપાડા, ભંડારિયા, પ્રભાસ પાટણ, પાળિયાદ, આટકોટ, પિઠડીયા, ઢાંકી, વગેરે હરપ્પીય 100થી વધુ સ્થાનો, મધ્ય સૌરાષ્ટ્રના રોજડી, ઝાલાવાડના રોઝ્કપૂર, જામનગરના ફલા વગેરેની માનવ વસાહતો 17 આદ્ય ઐતિહાસિક સ્થાનો, બૌદ્ધ ગુફાઓ, ભીંતચિત્રો, શિલાલેખો, રંગપુર, અલીયાબાડા, ઓડદર વગેરે જગ્યાઓ, 71 જેટલા ચૌલુક્ય કાલીન મંદિરો, તામ્રપત્રો, શિલાલેખો, ગુફાઓ, 100 જેટલી હરપ્પીય વસાહતોનું ઉત્ખનન તથા તે વિશેના સંશોધન લેખો, બે પુસ્તકો, 1200 માઈલની સંશોધન રઝળપાટ... આ બધું નાનકડા કોટડા સાંગાણી (રાજકોટ જિલ્લો)માં 8 નવેમ્બરે જન્મેલા, અને 12 ફેબ્રુઆરી 1960ના અવસાન વચ્ચેની જિંદગી! તેમનું સંશોધન એટલું વ્યાપક અને મહત્વનું હતું કે જો વધુ જીવ્યા હોત તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે એવો પુરાતત્વવિદ્દ આપ્યો હોત, જેને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હોત. તેમના મહત્વના સંશોધન અવસાન સમયે કાર્યાલયમાં હોવાથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા, પણ પી.પી. પંડ્યાની સ્મૃતિ જાળવવા તેમના સંતાન પિયુષભાઈ અને હવે પરેશ પંડ્યા સ્વર્ગસ્થ માતા જયાબહેન ફાઉન્ડેશનના માધ્યમથી કાર્યરત છે, બે પુસ્તકો પણ થયા. પરિચય પુસ્તિકા સંધ્યા ભટ્ટે લખી. પરંતુ ઇતિહાસ-બોધ સાથે આજીવન સક્રિય પી.પી. અને તેમના કાર્યો સ્થાન-સ્વરૂપે, શબ્દ-સ્વરૂપે, સ્મારક-સ્વરૂપે હોવાના અધિકારી છે. તેનું કારણ ઇતિહાસ-બોધની અનિવાર્યતા છે.
ઇતિહાસ-શૂન્ય સમાજ નિર્જીવ હાડપિંજર જેવો બની જાય છે. ભગિની નિવેદિતા જ્યારે સ્વામી વિવેકાનંદના શિષ્યા બનીને ભારત આવ્યા ત્યારે સ્વામીજીએ સૂચવ્યું હતું કે ભારતની ભીતર પહોંચજે. ભગિની નિવેદિતાએ ભારતભરની યાત્રા કરી, ભારતને પારખ્યું, અને પછી કહ્યું કે આ દેશની સંસ્કૃતિ યાત્રા એકાંગી
નથી, ખંડિત નથી, અખંડિત છે. તે ભૂતકાળની ક્ષિતિજેથી પાર થઈને વર્તમાનની પગદંડી અને ત્યાંથી ભવિષ્યના મહાપથ સુધી પહોંચે છે.
આ કામના વાહકોનો એક વર્ગ છે પુરાવિદ્દોનો, બીજો ઈતિહાસકારોનો. ઇતિહાસ-શૂન્ય અભિશાપથી તે જ બચાવે છે. આ માત્ર ઇતિ-અ-હાસ નથી. પથપ્રદર્શક દીવાદાંડી પણ છે. એટલે તો તેનું વારંવાર વિશ્લેષ્ણ, મૂલ્યાંકન અને પુન: લેખન તો થવું જ જોઈએ, સમાજશક્તિને તેમાંથી સક્રિયતા મળે તેવા સામાજિક-રાજકીય પ્રતિનિધિઓનો સમાજ અને સરકાર અને શિક્ષણ હોવાં જોઈએ.