બોધ

આપણી કવિતાનો અમર વારસો...

- બાલાશંકર કંથારિયા ‘કલાન્ત’ Wednesday 31st July 2024 08:06 EDT
 
 

આ સપ્તાહે બાલાશંકર કંથારિયા ‘કલાન્ત’

• જન્મઃ 17-5-1858 • નિધનઃ 1-4-1898

આ કવિ, ગઝલકાર અને અનુવાદકનો જન્મ નડિયાદમાં. અરબી, ફારસી, વ્રજ ભાષા ને પિંગળના જાણકાર. કલાન્તને નામે ને વધુ તો મસ્તકવિ ‘બાલ’ને નામે એ વિશેષ પ્રસિદ્ધ. આ કવિ પોતાને દલપતરામના ‘પદરજ સેવક’ ગણાવે છે. એ પોતે કહે છે કે શંૃગારી, વિલાસી અને વૈરાગી - આ ત્રણેય મારી કવિતા પોતપોતાની રીતે સમજશે, પણ એની પાછળનો ધબકારો તો હું સમજું છું. 

•••

બોધ

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જૂઠી વાણી વિશે જો દુ:ખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.
રહેજે શાંતિ-સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે.
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પિયે તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો,
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે? નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો પરોવી, કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter