મારી કટારના વાચકોને જાણ હશે જ કે પાકિસ્તાની મૂળના પુરુષોના હાથે બળાત્કાર, હિંસક શોષણ અને દુરુપયોગનો શિકાર બનેલી નિર્બળ, અસુરક્ષિત શ્વેત છોકરીઓની યાતનાઓનો પર્દાફાશ હું એક દાયકા કરતાં વધુ સમયથી મારી કટારમાં કરતો આવ્યો છું. આ દેશ, તેના રાજકારણીઓ, તેનું મીડિયા અને તથાકથિત સેલેબ્રિટી ઈન્ફ્લુઅન્સર્સ, આ બધા જ પીડિતાઓ પર દોષારોપણ અને શોષણખોરોને દોષમુક્ત ઠરાવવાના ષડયંત્રમાં સામેલ હતા. યાદ રાખો કે તેમને જ્યારે કાવતરાંખોરો કોણ છે તેના વિશે જાણકારી હતી છતાં, સાચા અપરાધીઓની ઓળખ છુપાવવા તેઓ ‘એશિયન’ શબ્દનો ઉપયોગ કરતા હતા. હું વારંવાર પૂછતો હતો કે આ પ્રકારના વ્યાપક બહુમતી શોષણ કે અપરાધ શા માટે લેબર પાર્ટીના નિયંત્રણ હેઠળની કાઉન્સિલોમાં થાય છે? શા માટે આટલાં બધાં યૌનશોષણો લેબર મેયર્સની નજર હેઠળ થતા રહ્યાં હતાં? આનાથી વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે મોટા ભાગના આ અપરાધો તો પોલીસ કમિશનરોની નિયુક્તિ લેબર રાજકારણીઓ દ્વારા કરાઈ હતી ત્યાં જ થતા હતા.
વ્હીસલ બ્લોઅર મેગી ઓલિવરે (ગ્રેટર માન્ચેસ્ટર પોલીસમાં પૂર્વ ડિટેક્ટિવ કોન્સ્ટેબલ) કહ્યું હતું કે 2008માં ગોર્ડન બ્રાઉને યુકેના તમામ પોલીસ દળોને એક સર્ક્યુલર પાઠવ્યો હતો જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે,‘આ રેપ ગેંગ્સ સામે પ્રોસિક્યુશન કાર્યવાહી કરશો નહિ, આ બાળકો તેમની લાઈફસ્ટાઈલની પસંદગી કરે છે.’ તમે જરા અનુમાન લગાવો કે તે સમયે પબ્લિક પ્રોસિક્યુશન્સના ડાયરેક્ટર કોણ હતા? તેઓ આપણા પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર જ હતા. આ તો એના જેવું થયું કે પુરુષ દ્વારા સ્ત્રીનું શોષણ કરાય અને પછી સ્ત્રીને આ સંબંધોમાં હોવા બદલ દોષિત ગણાવાય. પીડિતોને જ દોષિત ઠરાવવાને સહેલો વિકલ્પ મનાયો હતો. તેમના માટે બોલનારું કોઈ ન હતું, તેમના માટે કોઈ લડનારું અથવા તેમનું રક્ષણ કરનારું કોઈ ન હતું. બધી એજન્સીઓ તેમને ભૂલી જતી, અવગણના કરતી અને તેમનો વિશ્વાસઘાત કરતી રહી. સૌથી ખરાબ બાબત તો એ રહી કે આ મોટા પાયા પરના વિશ્વાસઘાત, બ્રિટનાના આત્મા પરના બળાત્કાર છતાં, બ્રિટિશ પ્રજાએ લેબર સરકારને ભારે બહુમતી સાથે ચૂંટી કાઢી. આ ગાંડપણ નહિ તો શું કહેવાય?
વાચકોને જરા પણ એમ ન લાગવું જોઈએ કે હું ટોરીઝને દોષમુક્ત રાખી બચાવ કરીશ, મિત્રો દિલગીર છું, તમારે અત્યાર સુધી મને બરાબર ઓળખી લેવો જોઈતો હતો. હું તમામ રાજકીય પક્ષોને કોઈ પણ ખચકાટ વિના પડકાર ફેંકીશ. ટોરીઝ એક દાયકા કરતાં વધુ સમયથી સત્તા પર હતા તો, તેમણે શું કર્યું? ઉત્તર સીધોસાદો છે, કશું જ નહિ. તેમણે મળતા કોઈ પણ બહાના હેઠળ આ મુદ્દાને બાજુએ કરી દેવાનું પસંદ કર્યું. જ્યારે પ્રીતિ પટેલ અને સુએલા બ્રેવરમેન જેવાં મજબૂત નેતાઓ સત્તા પર આવ્યાં તો તેમને અવગણવામાં આવ્યાં અને આખરે તેમણે તેમનાં હોદ્દા છોડવાં પડ્યાં હતાં. નમાલા રાજકારણીઓના વડપણ હેઠળનું એસ્ટાબ્લિશમેન્ટ સૌથી નબળા લોકોની રક્ષા કરવાની કામગીરીમાંથી પોતાને બચાવવા સિવિલ સર્વન્ટ્સના બ્યુરોક્રેટિક વાહિયાત બકવાસ પાછળ છુપાતું રહ્યું. તેઓ ગ્રૂમિંગ ગેંગ્સ, ગેરકાયદે માઈગ્રેન્ટ્સ, EHRC, કટ્ટરવાદી દેખાવકારો, હેટ માર્ચર્સ અને અન્ય મુદ્દાઓ પર દંડાઓ પછાડતા રહ્યા અને દેશનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા.
આ દેશનો બળાત્કાર મોટા ભાગે લેબરના અંકુશ હેઠળની કાઉન્સિલોમાં થયો તેમજ એક દાયકા કરતા વધુ સમય સુધી ટોરીઝે કશું જ કર્યું નહિ. મને એ વાંચતા ખુશી થઈ છે કે નવા ટોરી નેતા કેમી બેડનોક સંપૂર્ણ ઈન્ક્વાયરીની માગણી સાથે બહાર આવ્યાં છે. એ તો દયાજનક જ છે કે ટોરીઝ જ્યારે સત્તા પર હતા ત્યારે તેમનામાં વ્યાવહારિક સમજ અથવા યોગ્ય સમયે યોગ્ય કામગીરી કરવાની બુદ્ધિ ન હતી. મેં ટોરી પાર્ટીના ચાવીરૂપ લોકોને તેઓ ક્યાં ખોટી રીતે આગળ વધી રહ્યા છે તેના વિશે જણાવ્યું હતું અને તેમનો પ્રતિભાવ એવો હતો કે આ રાજકારણ છે, અમે બધુ સમજીએ છીએ અને અમારી પાસે પ્લાન છે! પહેલા લેબર સરકાર અને તે પછી ટોરી સરકાર, બંનેના બે દાયકા દરમિયાન હું એક બાબત તો શીખ્યો છું કે પોતે રાજકારણને સમજે છે તેમ વિચારતા રાજકારણીઓ પોતાને જ મૂર્ખ બનાવે છે. જ્યારે રાજકારણીઓ અને સરકાર લોકસમૂહોને, તેમની આશા-આકાંક્ષાઓને, તેમની જરૂરિયાતો, ન્યાય માટે તેમની માગણીઓને અવગણે છે ત્યારે મતપેટીઓ તેમને આંચકો આપે તો કોઈએ ખાસ આશ્ચર્ય પામવું ન જોઈએ. બ્રિટને 2024માં વેરવિખેર લેબર પાર્ટીને જંગી બહુમતી સાથે સત્તા સોંપી કારણકે ટોરીઝ આકાશી તારા ગણી રહ્યા હતા અને રિફોર્મ યુકે પાર્ટીએ જમણેરી વોટનો મોટો હિસ્સો આંચકી લીધો હતો. જમણેરી રાજકારણીઓ બરાબર કામગીરી નહિ કરે ત્યાં સુધી ડાબેરી ઉન્માદીઓ, જેઓ કટ્ટરવાદીઓ, આતંકવાદીઓ અને બાળ યૌનશોષકોના તુષ્ટિકરણમાં રાચે છે, સત્તા પર ફરી પાછા આવે તેમાં નવાઈ પામશો નહિ. હું સમગ્ર ગ્રૂમિંગ ગેંગ્સ ફિઆસ્કોમાં સંપૂર્ણ પબ્લિક ઈન્ક્વાયરી નિહાળવા માગું છું એટલું જ નહિ, અગ્રણી રાજકારણીઓ, જાહેર વ્યક્તિત્વો, કાયદા અમલપાલન કર્મચારીઓ, ચાઈલ્ડ પ્રોટેક્શન એજન્સીના કર્મચારીઓ અને મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે કામ ચલાવાય અને દોષિત ઠરાવાય તો જેલભેગા કરાય તેમ ઈચ્છું છું. આમ કરી શકાય તે માટે શું આપણા રાજકારણીઓ પાસે મનોબળ કે નેતિક શુદ્ધતા છે ખરી? કમનસીબે આનો ઉત્તર ‘ના’ છે.
મેં અગાઉ લખ્યું હતું કે લેબર કાઉન્સિલો અને આપણી કેટલીક અગ્રણી સંસ્થાઓએ ઈસ્લામોફોબિઆની ભ્રષ્ટ વ્યાખ્યાને સ્વીકારી લીધી છે જે માત્ર ખોટી હોવાં સાથે આ દેશના પોત માટે ભારે જોખમકારી પણ છે. લેબર પાર્ટીએ આ જ ઈસ્લામોફોબિઆ વ્યાખ્યાને બહાલી આપી છે અને કેર સ્ટાર્મર ભલે ગમે તે કહેતા હોય, આ તેમની પાર્ટીની પોલિસીનો અભિન્ન હિસ્સો રહેશે. આ બંને વચ્ચે કોઈ અરસપરસનો સંબંધ છે અને શા માટે લેબરના નિયંત્રણ હેઠળની કાઉન્સિલોમાં પાકિસ્તાની પુરુષો દ્વારા આટલી મોટી સંખ્યામાં શ્વેત છોકરીઓને બરબાદ કરી દેવાઈ તેનો નિર્ણય હું તમને જ કરવા દઈશ.
બ્રિટન પર બળાત્કાર માત્ર નિર્બળ વ્હાઈટ છોકરીઓનાં સંદર્ભે નથી. આ દેશને તે જે હોવાનું બનાવે છે તેવાં પાયાઓનો બળાત્કાર છે. આપણા સમાજના પોતમાં આવો સડો જેટલો આગળ વધવા દઈએ તે જ આપણો વિનાશ છે. આપણા દેશની લોહીનીંગળતી હાલતને અટકાવવાનો જ નહિ, તેને 21મી સદીના પડકારોનો સામનો કરવા વધુ એકસંપ, મજબૂત અને તંદુરસ્ત બનાવી રાખવાનો આ સમય છે.