પશ્ચિમી જીવનમાં પંડ પ્રથમ અને અન્ય અવકાશે એમ જીવાય છે. સામાન્ય રીતે પતિ-પત્ની બંને કામ કરે તો જ જીવાય એવા સંજોગો. કામચોર કે બહાનાંબાજોની નોકરી ટકવી મુશ્કેલ. આવા વખતે કોઈને એરપોર્ટ પર જવું હોય કે આવવું હોય તો ટેક્સી કરવી પડે કે કોઈની મદદ લેવી પડે. સૌને નોકરી સાચવવાની હોય. દવાખાનામાં જવા-આવવામાં પણ એ જ પ્રશ્ન. વળી રસ્તા પર ટોલ ભરવાનો ય થાય. આવું કામ બીજા માટે માત્ર સેવાભાવે વર્ષો સુધી કરનાર રતિ પટેલ. કોઈનોય ધક્કો ખાવાનો હોય, લગ્ન માટે કોઈ પાત્ર સૂચવવાનું હોય કે ક્યાંક નોકરી માટે ભલામણ કરવાની હોય, રતિને ના કહેતાં આવડે જ નહીં.
સેવા એમના સ્વભાવમાં વણાઈ ગઈ છે. ૧૩ વર્ષની વયે તેમને લકવાગ્રસ્ત પિતા ભગવાનદાસની સેવા કરવાની આવી. પિતાના હાથ-પગ કામ ના કરે ત્યારે સંડાસ લઈ જવાનું, કપડાં પહેરાવવાનું, નવડાવવાનું, ચા-દૂધ પાવાનું કે ખવડાવવાનું કામ કરતા. કામનો કંટાળો નહીં. પોતાને તરવાનું-રમવાનું ગમે, પણ સેવા પહેલી. મરતા બાપે દીકરાની સેવાથી પ્રસન્ન થઈ કહેલું, ‘તેં ખૂબ સેવા કરી છે. તારે કોઈની સેવા લેવાનો વારો ના આવે એવો સાજોસમો રહેજે. બીજા દુઃખીઓની સેવા કરવા ખૂબ ભણજે, કમાજે અને ગામમાં દવાખાનું કરજે.’
૧૯૪૧માં જન્મેલા રતિને ૭૫ થયાં પણ ક્યારેય માથું કે દાંત દુઃખ્યા નથી. તાવ આવ્યો નથી. આરોગ્યનો વીમો છે, પણ એનો ઉપયોગ કરવાનો વારો આવ્યો નથી.
રતિનું ગામ વડોદરા નજીક કોસિન્દ્રા. દાદા રામદાસ ખેડૂત. પિતા ભગવાનદાસ તે જમાનામાં પ્રાથમિક શાળાંત પાસ કરીને શિક્ષક બનેલા. જાણીતા શિક્ષક કરુણાશંકર મહેતાજીનો ગામમાં આશ્રમ અને એમના સંગે સેવાભાવથી સિંચાયેલા. આ સેવાભાવે ટૂંકી અને બાંધી આવક હોવા છતાં તેમણે ગામમાં પાણીની સમસ્યા હલ કરવા જાહેર જનતા માટે કૂવો બનાવેલો, નાનું તળાવ ખોદાવેલું જેથી ઢોરને પાણી મળે. ગામમાં નાનકડું પુસ્તકાલય બનાવેલું અને મરતી વખતે પુત્રોને કહેલું, ‘મારી પાછળ રિવાજો અને વિધિમાં ખર્ચ કરવાને બદલે ગીતાનાં પુસ્તક વહેંચજો.’
રતિ મોટાભાઈ ભીખુભાઈને ત્યાં વડોદરા રહીને ભણ્યા. દસમા અને અગિયારમામાં ભણતી વખતે માસિક ત્રીસ રૂપિયાના પગારે નીરા કેન્દ્રમાં નોકરી કરી. કોલેજમાં ભણતાં ભણતાં સવારની પાળીમાં શિક્ષક બન્યા અને ૧૯૬૫માં અંગ્રેજી સાથે એમ.એ. થઈને વલ્લભ વિદ્યાનગરની કોમર્સ કોલેજમાં અંગ્રેજીના લેક્ચરર થયા. કોલેજમાં ભણતા હતા ત્યારે એનસીસીના તેજસ્વી કેડેટ હતા. શૂટિંગમાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં બીજા આવેલા. કોલેજમાં નોકરી વખતે એનસીસીના ઓફિસર તરીકે કામ કરતા હતા. તેમની કોલેજના કેડેટને દર વર્ષે પ્રજાસત્તાક દિનની દિલ્હીની પરેડમાં જવા તક મળતી હતી.
૧૯૭૮માં બહેન શારદાબહેને કરેલી ફાઈલથી તે યુએસએ વસવા આવ્યા. નોકરી માટેની ‘શિક્ષક જોઈએ છે’ જાહેરાત વાંચીને અરજી કરી. ઈન્ટરવ્યુમાં ગયા. પૂછવામાં આવ્યું, ‘કાર અને ડ્રાઈવિંગ લાયસન્સ છે?’ જવાબ ‘ના’. તો બીજો પ્રશ્ન પૂછ્યોઃ ‘અહીં કેમ આવ્યા છો?’ જવાબ આપ્યોઃ ‘શિક્ષક થવા.’ જવાબમાં કહેવાયું, ‘આ તો ઈન્સ્યોરન્સ કંપની છે.’
રતિ કહેઃ ‘મેં ઈન્સ્યોરન્સની નોકરી માટે અરજી કરી નથી. ભારતમાં વીમા એજન્ટની કોઈ આબરૂ નથી. ઘર ગણવાનાં, ના સાંભળવાની અને અપમાનિત થઈને પાછા ફરવાનું. મારે આવી નોકરી કરવી ય નથી.’
કંપનીના મેનેજર ટોમ કાર્કી કહે, ‘અમેરિકામાં આવું થતું નથી. તમારે નોકરી જોઈએ તો આપું. આ જિમ તમને શીખવશે.’ રતિએ નોકરી સ્વીકારી. શરૂમાં જિમ માત્ર સેવાભાવે રતિને પાંચ-સાત ગ્રાહકને ત્યાં પોતાની કારમાં લઈ ગયો. ગ્રાહકોને સમજાવે, રતિ માત્ર જોયા કરે. આ પછી પંદર-વીસ જગ્યાએ રતિ બોલે, સમજાવે અને જિમ શ્રોતા બને. રતિને તાલીમ આપી. રતિને રીતસરનો પગાર મળતો થયો ત્યાં સુધી જિમ પોતે રતિને ખિસ્સા ખર્ચ પણ આપતો! જિમના માનવતાભર્યા વર્તાવને રતિ આજેય ભાવપૂર્વક યાદ કરે છે. રતિની સેવાની ભાવના વધારવામાં પિતાના વારસા સાથે જિમના વર્તાવે પણ ભાગ ભજવ્યો.
રતિમાં આત્મશ્રદ્ધા વધી. હિંમત વધી અને વીમા એજન્ટ તરીકે ગાડી પાટે ચઢીને સડસડાટ દોડી. પ્રોવિડન્ટ મ્યુચ્યુલ લાઈફના વીમા એજન્ટ તરીકે પોલિસીઓ વેચવામાં સતત તે પ્રથમ રહેતા. પછી એ કંપની નેશનવાઈડ બની ત્યારે પણ એ પોલિસી વેચવામાં મોખરે રહેતા. આ બદલે તેમને અવારનવાર સન્માનપત્રથી બિરદાવાયા હતા. નેશનલ ક્વોલિટી એવોર્ડ, નેશનલ એચીવમેન્ટ એવોર્ડ વગેરે મળ્યા હતા. ૧૯૮૪માં સમગ્ર અમેરિકામાં વીમા પોલીસીઓ વેચવામાં બે વ્યક્તિ મોખરે હતી - એક જયદેવ પટેલ અને બીજા રતિ પટેલ.
વીમા કંપનીઓ ટોચની પોલિસીઓ વેચનારને સજોડે પરદેશ લઈ જાય તેમાં એકાદ ડઝન વારથી વધારે તે ગયા છે, પણ તેમાં ખાવાપીવાની બધી સગવડો હોય, પણ રતિ મદ્યપાન ન કરે. કોક, પેપ્સી, ચા, કોફી પણ ન પીએ. કાંદા-લસણ ના ખાય. આઈસ્ક્રિમ ના ખાય. શુદ્ધ શાકાહારી ખાવા જાતે જ સ્ટવ પર ખીચડી બનાવી લે. ગોળ કાણામાં ચોરસ ખીલા જેવા બનીને તે બીજા એજન્ટો સાથે હળે-ભળે, મળે. કપાળે સ્વામિનારાયણી ચાંદલો કરીને જ બધે ફરે અને રહે. સંપૂર્ણ ભારતીય આહાર, વિચાર અને આતિથ્યના ગુણ તે ધરાવે છે.
નેશનવાઈડમાં ત્રીસ વર્ષ કામ કરીને છૂટા થયા પછી પાન મ્યુચ્યુઅલ કંપનીમાં તેમને આગ્રહભેર બોલાવાતાં તેમાં જોડાયા. કંપનીએ તેમને અદ્યતન સગવડયુક્ત ઓફિસ આપી છે અને તેમની સાથે કોઈ શરતોનું બંધન રાખ્યું નથી.
રતિ ભારતમાં હતા ત્યારથી જ પ્રમુખસ્વામી મહારાજમાં અનન્ય શ્રદ્ધા. તેમના એ કૃપાપાત્ર અને લાડીલા. વર્ષોથી વર્ષના મોટાભાગના દિવસો તે બીએપીએસની વિવિધ પ્રકારની પ્રવૃત્તિમાં ખર્ચે છે. આમાંય કોઈનાય મરણના સમાચાર વાયા વાયા સાંભળે, ઓળખીતા ને સંબંધી હોય, પોતાને સીધો સંબંધ ના હોય તો ય અંતિમક્રિયામાં હાજર. ઠાકોરજીનો ફોટો અને પ્રમુખસ્વામી મહારાજનો છાપેલો આશીર્વાદપત્ર લઈને છેલ્લાં પંદર વર્ષથી જાય છે. અંદાજે ૭૦૦ વખત ગયા હશે.
રતિએ વતનના ગામ કોસિન્દ્રામાં પિતાનો સેવાનો સંકલ્પ પૂરો કરવા પ્રમુખસ્વામી મહારાજની સલાહથી હોસ્પિટલનું મકાન બંધાવ્યું. તેના ઉદઘાટન નિમિત્તે ત્રણ દિવસનો કાર્યક્રમ રાખ્યો. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજ પણ ત્રણ દિવસ તેમને ત્યાં રોકાયા હતા. કાર્યક્રમના પહેલા દિવસે વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું સંમેલન બોલાવ્યું. મોટાભાઈ ભીખુભાઈ વડોદરામાં શિક્ષક હતા. પિતા શિક્ષક હતા. પત્ની શકુંતલાબહેન અને રતિ પોતે પ્રોફેસર હતા. આ કારણથી સમગ્ર પરિવારનો લગાવ શિક્ષણ તરફ હોવાથી શિક્ષક સંમેલન યોજ્યું હતું. બીજા દિવસે પ્રમુખસ્વામી આરોગ્ય મંદિર નામ આપીને પ્રમુખસ્વામી પ્રત્યે અનન્ય શ્રદ્ધા દર્શાવીને તેનું ઉદઘાટન યોજ્યું. ત્રીજા દિવસે શિક્ષાપત્રીનું પારાયણ રાખ્યું. ત્રણેય દિવસમાં બધા મળીને ૧૫,૦૦૦ વ્યક્તિઓ જમી. બધું ખર્ચ રતિએ ભોગવ્યું. આ જ વખતે ગામમાં મનની તંદુરસ્તી અર્પતું મંદિર કરવા સંકલ્પ કર્યો. આ મંદિર પણ થયું.
રતિ પટેલના અમેરિકાવાસને ચાર દસકા વીત્યા છે. અમેરિકાએ એમને આર્થિક સમૃદ્ધિ આપી છે છતાં એમની હૃદય સમૃદ્ધિ અને ભારતીય સંસ્કારવારસો એવાં જ સમૃદ્ધ રહ્યા છે. એમની દીકરી નિકેતાએ પ્રમુખસ્વામીમાં શ્રદ્ધા રાખીને એ સૂચવે તેની સાથે પરણવા ઈચ્છા બતાવી અને તે પરિમલને પરણી. પુત્ર નિશીથ અને એના સંતાનો સ્વામીનારાયણ સત્સંગ અને પ્રવૃત્તિમાં અગ્રણી છે. તેની પાસે ત્રણ મોટા સેવન ઈલેવન સ્ટોર હોવાથી તેને પિતાના વ્યવસાયમાં રસ ન હતો. આથી જમાઈ પરિમલે રતિનો ધંધો સંભાળીને રતિને માનસિક હળવાશ આપી, જેથી રતિ પોતાનો મોટાભાગનો સમય સત્સંગ પ્રસારની બીએપીએસની પ્રવૃત્તિમાં ખર્ચી શકે છે. આમ છતાં વ્યવસાય સમૃદ્ધિ અને શરીરની તંદુરસ્તી ટકી છે તેનો યશ તે સંતોના આશીર્વાદને આપે છે.