યુગ-યુગાન્તરોથી પરમ પિતા પરમેશ્વરનાં અનેક અવતારો તેમજ તેમનાં દિવ્ય પ્રતિનિધિ સમા અનેક સંતપુરુષો આ ધરતી પર પ્રગટ થયા, પરંતુ તેમાંનાં કોઈએ પરમેશ્વર પ્રત્યેનાં દિવ્યપ્રેમનું આટલી સુંદર રીતે અને આટલું ભક્તિભાવપૂર્વક ભક્તોમાં વિચરણ કર્યું નથી જેટલું ગૌર સુંદર અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કર્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણનાં અવતાર સમકક્ષ ગણાતા શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જન્મ હાલના પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશના નાદિયા ગામ પાસે આવેલા માયાપુરમાં સંવત 1407, ફાગણ સુદ પૂનમ (આ વર્ષે 14 માર્ચ)ના રોજ થયો હતો.
વૈદિક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્રી ચૈતન્ય મહાપ્રભુજીને ઇતિહાસમાં એક સંત-સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓડિશાના એક સમાજસુધારક ગણવામાં આવે છે, પરંતુ ગૌડિય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ રાધારાણીના ભાવ અને સ્વરૂપમાં હોવાનું માને છે. તેમના માતાનું નામ શચીદેવી હતું જ્યારે પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું.
ભારતના સંન્યાસીઓને શ્રીકૃષ્ણની ભક્તિમાં તથા પરમ વૈરાગ્યના માર્ગે વાળવા માટે તેમણે માત્ર 24 વર્ષની યુવા વયે કેશવ ભારતીજી પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કર્યો. આ પવિત્ર સ્થળ હતું નાદિયા નજીક આવેલું કટવા ગામ. સંન્યાસ સ્વીકાર્યા પહેલાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશ્વંભર તરીકે ઓળખાતા હતા. વિશ્વંભર શબ્દનો અર્થ થાય છે, જે સમગ્ર વિશ્વની સંભાળ રાખે છે, જે સર્વ જીવાત્માઓને પોતાનાં આશીર્વાદ આપે છે.
શ્રી ચૈતન્ય મહાપ્રભુ હૃદયનાં કોમળ હોવા છતાં પણ તેઓ નક્કી કરેલા સિદ્ધાંતો પાળવામાં અત્યંત ચુસ્ત હતા, એટલે જ તેઓ જનસમાજમાં વૈદિક વ્યાખ્યાનાં સારરૂપ ભગવદ્ ભક્તિ અને શ્રીકૃષ્ણ ભાવનામય કાર્ય કેન્દ્રોનો પ્રસાર કરવા, પોતાનાં ગામ, પરિવારનો ત્યાગ કરી નીકળી પડયા. અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ કેટલાય ભક્તોને ચતુર્ભુજરૂપે, દ્વિજરૂપે, ષડ્ભુજરૂપે શ્રીકૃષ્ણ રૂપનાં દર્શન કરાવ્યાં. તેમણે અનેક ચમત્કાર કર્યા હતા. કેટલાક રોગી, કોઢીઓને રોગમુક્ત કર્યા હતા. દક્ષિણમાં એક તળાવની પાળને ‘મધ’ બનાવ્યું હતું. આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કારણી’ નામે દક્ષિણમાં પ્રખ્યાત છે.
કહેવાય છે કે જીવનનાં છેલ્લાં છ વર્ષ મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં હતાં. રાધાજી જેમ શ્રીકૃષ્ણના વિરહમાં રાત-દિવસ રડતાં હતાં તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા. ક્યારેક નાચવા લાગતા, ક્યારેક દોડવા લાગતા તો ક્યારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતા હતા.
શ્રી મહાપ્રભુજીને કૃષ્ણ વિરહમાં રડતાં જોઈને મોટા-મોટા પંડિતો પણ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા હતા. કેટલાય દુરાચારીઓ પણ શ્રી મહાપ્રભુજીના સંગમાં આવીને કૃષ્ણભક્ત બની ગયા. શ્રી મહાપ્રભુજી વેદાંતના પ્રખર પંડિત હતા. શ્રી મહાપ્રભુ ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. તેમના પહેલા પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું, જેના મૃત્યુ પછી શ્રીમહાપ્રભુજીએ વિષ્ણુપ્રિયા સાથે લગ્ન કર્યાં.
ચૈતન્ય મહાપ્રભુજી કેટલીય વખત જગન્નાથ પુરીની ગલીઓમાં શ્રીકૃષ્ણ નામનો નાદ કરતાં ગલીએ ગલીએ ફરતા હતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ જ છે. તેમણે લખેલું કૃષ્ણભક્તિનું અષ્ટક (શિક્ષાષ્ટક) તેમના હૃદયના શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. તેમણે ભરયુવાનીમાં સંન્યાસ લીધો. વિધવા માતા તથા અપ્સરા જેવી સુંદર પત્નીનો ત્યાગ કર્યો અને ભારતમાં ગામેગામ ફરી બધાને હરિનામ સંકીર્તનમાં જોડ્યા.
તેમણે ખરેખર તો ઇચ્છા અનુસાર સંન્યાસ લઈને વૃંદાવન મથુરામાં સ્થિર થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ માતા વૃદ્ધ હોવાથી તેમની ઇચ્છાને માન આપીને જગન્નાથ પુરીમાં મુખ્ય મથક રાખ્યું. પુરીમાં રથયાત્રા દરમિયાન ચૈતન્ય મહાપ્રભુજી રથની આગળ પ્રચંડ નૃત્ય કરીને જગન્નાથજીને ખૂબ આનંદ આપતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના ભક્તરૂપે અવતરી પોતાની જ ભક્તિ શી રીતે કરવી એ દુનિયાને શીખવવા માટે અવતર્યા તે જ છે ચૈતન્ય મહાપ્રભુ. તેઓ રાધારાણી ભક્તિનું મૂર્તિવાન સ્વરૂપ છે તથા પ્રભુની આનંદશક્તિ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનાં અવતાર સમાન હતા. તેનાં ઘણા બધા પ્રમાણો શાસ્ત્રોમાંથી જોવા મળી આવે છે.
શ્રીમદ્ ભાગવદ્ના 11મા સ્કંધમાં કરભાજનમુનિ નીતિ રાજા સમક્ષ કળિયુગમાં હરિનાં અવતારનું વર્ણન કરતાં કહે છેઃ ‘કળિયુગમાં સાક્ષાત કૃષ્ણ ગૌર રંગમાં આવશે, અને તેમનું શરીર તેજસ્વી આવરણોથી વીંટળાયેલું હશે. ભક્તપ્રેમી માનવો, આ અવતારની સંકીર્તન પ્રધાન યજ્ઞો દ્વારા તેમની પૂજા કરશે.’
આ વર્ણન શ્રીમહાપ્રભુ સાથે ઘણું મળતું આવે છે. એમની સંગીતમય વાણીમાં ભગવદ્તા પ્રતિપાદિત થાય છે, જેમાં સમગ્ર માનવજાતનાં કલ્યાણ માટે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણે જેવો માર્ગ સૂચવ્યો છે, તેવો સર્વશ્રેષ્ઠ અને અત્યંત વ્યવહારુ પણ છે.
આ વિષયમાં ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં આગળ જણાવે છે, ‘હું જ્યારે જ્યારે મનુષ્યનાં રૂપમાં અવતરૂં છું ત્યારે મૂઢ લોકો મારી અવજ્ઞા કરે છે. પણ તેઓ મારી દિવ્ય પ્રકૃતિ અને સમસ્ત સજીવોનાં પરમેશ્વર એવા ને જાણતા જ નથી.’ તેમનો સંદેશો સ્પષ્ટ છેઃ ‘સર્વધર્મો છોડી, તું મને એકને શરણે આવ, હું તને સર્વે પાપોથી મુક્ત કરીશ, તું શોક ન કર.’ એ જ પ્રમાણે શ્રી ચૈતન્ય મહાપ્રભુનો ઇશ્વર સાક્ષાત્કાર કરવાનો માર્ગ સંપૂર્ણ રીતે આધ્યાત્મિક છે અને તેઓ શ્રીકૃષ્ણ ભગવાનની શરણાગતિથી શરૂઆત કરે છે. અને એમનાં માર્ગ દ્વારા આપણે શ્રીકૃષ્ણ ભગવાન સાથે મૈત્રી પૂર્ણભાવથી જોડાઈ શકીએ. આવા મૈત્રી સંબંધો અનંતકાળ સુધીનાં હોય છે.
શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જીવન અને તેમનાં ઉપદેશોને સમજવાથી માનવજીવનમાં આધ્યાત્મિક પ્રકાશ ફેલાશે અને શુદ્ધ દિવ્ય આત્માની પ્રવૃત્તિ સક્રિય થશે. જિજ્ઞાસુઓએ વધારે જાણકારી માટે શ્રીકૃષ્ણદાસ ગોસ્વામી રચિત ‘શ્રીચૈતન્ય ચરિત્રામૃત’નો અભ્યાસ કરવો રહ્યો.