ભગવાન કૃષ્ણના જીવન-કવનનો વિવિધ લીલાઓના સ્વરૂપમાં અનેક વખત આપણે સાક્ષાત્કાર કર્યો છે. આપણા જીવનમાં કૃષ્ણ વિનાની કોઈ જગ્યા નથી અને જ્યાં કૃષ્ણ નથી ત્યાં ખાલીપો છે, વિરહ છે.
બાળલીલા કરતા શ્રીકૃષ્ણ ગોકુળને પ્રેમલક્ષણા ભક્તિ શીખવે છે. સાથોસાથ અનિષ્ટોનો નાશ કરે છે. દરેક સ્થિતિના સામનાની શીખ આપણને કૃષ્ણના જીવનમાંથી મળે છે
• તેજની ધારા કાનુડોઃ ગોકુળના બાળકૃષ્ણ સાચા બાળપણનું દર્શન કરાવે છે. નિર્મળ-પવિત્ર-પ્રકૃતિ સાથે જીવમાત્રને પ્રેમ આપવાની પ્રથમ શરૂઆત બાળપણથી જ થાય છે. બાળકૃષ્ણનો પ્રેમ મેળવવા ઝંખતાં ગોકુળને જુઓ, કેટલું મધુર બાળપણ હતું આ નંદલાલાનું! બાળક કશું ના કરી શકે એ આજે પણ માન્યતા છે, પણ કૃષ્ણએ જે બાળપણમાં કર્યું તે તો તે ક્યારેય નથી કરી શક્યા. કૃષ્ણ માત્ર બાળક નથી. કૃષ્ણ બાળકમાં રહેલી અપાર ચેતનાઓ દેખાડનાર તેજપુંજ છે. બાળકમાં અપાર ચેતનાઓનો વિરાટ જથ્થો છે. મારા ગામની સંપત્તિનું મૂલ્ય આંકનારા મથુરામાં કોણ? આ વિચાર બાળકનો હતો. મારા ગામની પ્રકૃતિ છીનવાઈ ના જાય એના માટે 'વૃંદા' તુલસીના અને કદમ્બના ઝાડને અઢળક પ્રેમ કરી પ્રકૃતિની સંવેદના જન જન સુધી ફેલાવી છે. કૃષ્ણનો માતૃ, પારિવારિક, ગ્રામ્ય, પ્રકૃતિ અને સખા પ્રેમ ધ્યાનથી જોતાં ખ્યાલ આવશે કે યદુનંદનના બાલ્ય સંસ્કારો શું હતા!
• પ્રેમનો પુજારીઃ રાધા અને કૃષ્ણના પ્રેમને બાળકમાં રહેલી વૈચારિક સામ્યતા કહેવાની વધારે ઇચ્છા થાય છે, કારણ કે રાધા કે કૃષ્ણ બાહ્ય આકર્ષણ નથી કે નથી શારીરિક આકર્ષણ, પરંતુ ભીતરીય ઊંડાણને ગમતી બાબત છે. શું ગમે છે? એવો સવાલ નથી, પરંતુ કૃષ્ણ જે કાંઈ ક્રિયાઓ કરે છે તે બધી જ ગમે છે. આ જ તો કૃષ્ણનો આત્મસાત્ અને પૂર્ણ વિશ્વાસ છે. વાંસળીનો મધુર ધ્વનિ રેલાવી સંગીત એ ધરાનો પોકાર છે એ તેમણે પ્રસ્થાપિત કર્યું છે. કદમ્બના ઝાડવે ચડીને ગોપીઓને આજીજી કરાવતો બાલકૃષ્ણ નિર્લજ્જ નહીં, પરંતુ યુવાનીના ઉંબરે ઊભેલી ગોકુળ કન્યાઓનાં શરીર પર કોઈની વિકારી દૃષ્ટી ના પડે એનો સભાનતાપૂર્વક ખ્યાલ આપે છે. શુદ્ધ, સાત્વિક, સ્નેહનાં સંભારણાં સાચવી રાધાને હૃદયસ્થ રાખનારા યુવાન ક્યારેય કશું જ નથી કહેતા અને રાધા પણ તેમની ધારા બની હૃદયસ્થ વહી રહી છે. કૃષ્ણએ દરેક ગોપી સાથે પ્રેમ કર્યો છે અને આપ્યો છે.
• માર્ગદર્શક રાજપુરુષઃ મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પાંડવોના પક્ષે નહોતા. એ સત્ય અને ધર્મના પક્ષમાં હતા. હા, એ પાંડવોના સાચા પથદર્શક હોવાના નાતે સમાધાનકારી વલણના હિમાયતી હતા એવું ના કહી શકાય, પરંતુ યુદ્ધના મહાવિનાશમાં હોમાનાર તમામ વ્યક્તિનો બચાવ કરવા માટે વારંવાર શાંતિનો માર્ગ અપનાવે છે. જેમાં અસંખ્ય જીવોનો ભોગ અકારણ લેવાતો હોય ત્યારે તે યુદ્ધને અટકાવવા છેવટ સુધી સમાધાનના પ્રયાસો આ મહાનાયકે નાયક બનીને કર્યા છે. યુદ્ધ નક્કી જ છે તો પસંદગી થવાની જ, પણ સત્ય સાથે રહીને ધર્મના સારથી બન્યા. 'ધર્મરક્ષા', 'પ્રાણરક્ષા' કરી વીર યોદ્ધાને છાજે તેવી શૌર્યતાનાં વાક્યોનો ઉપયોગ કર્યો અને એટલે જ ગોકુળનો ગોવાળ વૃંદાવન વિહારી વાંસળી વગાડનાર કુરુક્ષેત્રના મેદાનમાં 'શંખનાદ' કરી અસત્યનો નાશ કરવાનું પાર્થને આવાહન આપે છે. જ્યારે યુદ્ધમાં અર્જુનનું મન વિચલિત થાય છે ત્યારે વિશ્વવિરાટ રૂપ બતાવીને ‘ગીતાજી’નું ગૌરવજ્ઞાન આપ્યું અને સમજાવ્યું કે તું તો માત્ર નિમિત છે, તેનો કર્તાહર્તા તો હું જ છું. ગ્વાલ, ગોવાળ, યુવરાજ, રાજા, રાજનીતિજ્ઞ શ્રીકૃષ્ણને દુનિયાએ પ્રથમ વખત આધ્યાત્મ ગુરુ તરીકે ગીતા ઉપદેશ આપતા જોયા.
• ઋણાનુરાગી - આજ્ઞાપાલકઃ ભગવાન કૃષ્ણ જ્યારે ઇન્દ્રપ્રસ્થ સભામાં શિશુપાલનો વધ કરે છે ત્યારે તેમની આંગળીમાંથી નીકળતા રક્તને અટકાવવા દ્રૌપદી તેની સાડીનો પાલવ ફાડીને આંગળીની રક્ષા કરે છે. ત્યારે કૃષ્ણએ એટલું જ કીધું હતું કે દ્રૌપદી આજે હું તારો ઋણી થઈ ગયો, અને આ ઋણ ભગવાને તેનાં વસ્ત્રહરણ વખતે ચીર પૂરીને કર્યું હતું. મહાભારતના યુદ્ધ પછી ભગવાન ગાંધારીને મળે છે. ગાંધારી કહે છે તમે ધાર્યું હોત તો આ વિનાશને રોકી શક્યા હોત, પણ તમે તેમ ના કર્યું, માટે હું તમને શ્રાપ આપું છું કે મારા પરિવારની જેમ યદુવંશનો પણ નાશ થશે.
આટલો મોટો શ્રાપ મળ્યા પછી પણ હસતાં મોઢે શ્રીકૃષ્ણ કહે છે, હવે તો હું તમને નમન પણ નહીં કરી શકું માતા, અન્યથા આપ મને ચિરંજીવના આશીર્વાદ આપી દેશો. હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, માતા. અને અંતમાં યદુવંશનો પણ નાશ થાય છે.
આપણને સહુને ગહન વિટંબણાઓમાંથી મહામાર્ગ બતાવનારા ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં કોટિ કોટિ વંદન.