આજકાલ મોટા ભાગના દંપતિઓ એક જ બાળક થયા બાદ એ પર પૂર્ણ વિરામ મૂકી દે છે. એની પાછળના કેટલાક ન્યાયી કારણો હોઇ શકે એની ના નહિ! આજની ભયંકર મોંઘવારી. સ્પર્ધાત્મક જીવન, જરૂરિયાતોનું મોટું લીસ્ટ. વૈભવી જીવનશૈલી.
આ બધું જોતા આર્થિક -સામાજિક જીવન વચ્ચેની સમતુલા જાળવવા એક જ બાળક બસની વાત ગળે ઉતરે. વધુ કમિટમેન્ટ લેવાની તૈયારી ના હોય એ સમજી શકાય છે. ભારતમાં અગાઉ રસ્તા પર મોટા-મોટા બોર્ડ પર જાહેરાતના પોસ્ટર લગાડેલા આપે જોયા હશે કે, “અમે બે, અમારા બે; નાનું કુટુંબ, સુખી કુટુંબ" પણ હવે તો એકમાં જ થાકી જનારા કેટલાય મા-બાપને જોયાં છે અને કહેતાં સાંભળ્યા છે કે, આ એક તો દશને ભારે છે. ખબર નહિ, પહેલાના જમાનામાં બાળકોની લાંબી વણઝાર કઇ રીતે મેનેજ થતી હશે. એમ કરવામાં મા-બાપને તકલીફ નહિ પડી હોય?!
હાલમાં એક પ્રતિષ્ઠિત મેગેઝીનમાં આવો એક લેખ "સેલીબ્રેટ યોર સીબલીંગ્સ" વાંચતાં થયું કે આ માત્ર રસપ્રદ જ નહિ પણ માહિતિ વર્ધક છે. સમજવા જેવો વિષય છે.
આપણે જ્યારે નાના હોઇએ ત્યારે ભાઇ-બહેન કે બહેન-બહેન યા ભાઇ-ભાઇ વચ્ચે હૂસ્સ તૂસ્સી, મારા મારી કે બોલાચાલી થાય ને કૂતરા બિલાડીની જેમ બાઝતાં હોઇએ પણ એના ફાયદાઓનો અંદાજ નહિ હોય! જેના કારણે આપણી માનસિક અને શારિરીક સુખાકારી સચવાય છે. એ કેવી રીતે? જો કે આપણે એ તો અનુભવ્યું હશે જ કે, બે ભાઇ-બહેન કે બહેન-બહેન અંદર અંદર ઝગડતાં હોય પણ મોટા કે વડિલ એમને બોલે તો બન્ને એક થઇ એકબીજાનો પક્ષ લઇ લે!
• નાના ભાઇ કે બહેન હોય તો તમને પાતળા રહેવામાં મદદરૂપ થાય. મીશીગન યુનિવર્સિટીના અભ્યાસના તારણમાં જણાયું કે, જે બાળકની ઉમર છ વર્ષની કે એની અંદરની હોય અને એનો નવો ભાઇ કે બહેન જન્મે તો એનું આરોગ્ય તંદુરસ્તીભર્યું (BMI) હોય છે. બીજા ભાઇ કે બહેન આવતા એની પીડા વધી જાય છે. એના તરફનું ધ્યાન વહેંચાઇ જાય છે. બાળપણની સમસ્યાઓ પુખ્તવયના હોય એવી ઇર્ષ્યાજનક બની જતા વજન વધવા પર આપોઆપ કાબૂ આવી જાય છે.
• બહેન તમને ડીપ્રેશનમાં જતા બચાવે છે. બહેન નાની હોય કે મોટી એ પોતાના ભાઇ-બહેનને પોતે દોષિત હોવાની કે એને કોઇ પ્રેમ કરતું નથી, એકલતા, જાત પ્રત્યેની વધુ પડતી સભાનતા, ભય આદી લાગણીઓમાં રક્ષણ કવચ પૂરૂં પાડતાં હોવાનું યુ.એસ.ની બ્રીગહામ યંગ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું. આ બાબતો બોનસ સમાન હતી એ પુખ્તવયના થયા પછી સમજાય છે.
• સીબલીંગને કારણે સહાય કરવાની વૃત્તિ (ચેરિટેબલ) આવે છે. આવા જ એક ૩૯૫ કુટુંબોના અભ્યાસનું તારણ સૂચવે છે કે, સીબલીંગ હોવાને કારણે એમનામાં સત્કાર્ય કરવાની લાગણી બેવડાય છે. પોતાના ભાઇ-બહેનના દુ:ખે દુ:ખી કે સુખે સુખી થવાના ભાવ એ બીજામાં પણ સમાંતરે જોવાની કે અનુભવવાની દ્રષ્ટિ વિકસે છે. અને આવા જ ૪૫૦થી વધુ કેનેડીયન કુટુંબોના અભ્યાસમાં જણાયું કે એક પ્રેમાળ અને દયાળુ હોય તો બીજામાં પણ એવા ગુણ પાંગરે છે.
• ભાઇ કે બહેન હોવાને કારણે સુખી લગ્ન જીવનની શક્યતા વધી જાય છે. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું કે ભાઇ-બહેન વધારે હોય તો દંપતિઓમાં છૂટાછેડા થવાની સંભાવના ઓછી રહે છે. સંશોધકોએ તારણ કાઢ્યું કે કુટુંબમાં ભાઇ-બહેન વધારે હોય તો કટોકટીભર્યા સંજોગોમાં નજીકના સંબંધો સાચવા સમાધાન વૃત્તિ કેળવવાની કળા હસ્તગત કરવી જ રહી જે લગ્ન જીવનમાં પણ કામ લાગે છે. આપણે કહીએ છીએ ને કે સંજોગો માણસને ઘડે છે એમ.
• પાછલા જીવનમાં નૈતિક મૂલ્યો બળવત્તર બને છે. ભાઇ-બહેન હોય તો એકબીજાના સુખ-દુ:ખના સાથી બનવાને કારણે સારૂં આરોગ્ય રહે છે અને માનસિક શાંતિ અનુભવાય છે. એક પ્રકારનો સંતોષ અને ખાત્રી હોય છે કે જરૂરત સમયે એકબીજાનો સહારો મળી રહેશે. એકબીજા સાથે પોતાની અંગત વાતો કરવાથી મગજ પરનો બોજ હળવો થાય જે ડીપ્રેશનમાં સરતા બચાવે છે. ઉમર વધવા સાથે બોન્ડીંગ વધુ ગાઢ બને છે. ( તાજેતરના એક અંકમાં અમે જણાવ્યું હતું કે એક પરિવારની પાંચ બહેનો એક સાથે હોલિડેમાં ગઇ) .
• સીબલીંગ આરોગ્ય વર્ધક જીવન શૈલી માટે ઉપકારક બને છે. ૧૫,૦૦૦થી વધુ બહુરાષ્ટ્રીય જનસમૂહના સર્વેમાં જણાયું કે,
૪૩ % લોકોએ કહ્યું કે, તેમના સારા આરોગ્યનો જશ એમના કુટુંબીજનો અને મિત્રોને મળે. ભાઇઓ-બહેનો એકબીજાને તંદુરસ્તી તેમજ આરોગ્ય વર્ધક, પોષક આહારની સલાહ માટે હંમેશા તૈયાર હોય છે.
• દીર્ઘાયુ માટે મદદરૂપ બને છે. અમેરિકન સોસીયોલોજીકલ એસોસિએશનના અભ્યાસમાં વયોવૃધ્ધજનોએ જણાવ્યું કે , તેઓ એમના કુટુંબીજનો સાથે "અત્યંત નિકટ" હોવાને કારણે આગામી પાંચ વર્ષ દરમિયાનમાં ૬% મૃત્યુ પામવાની શક્યતા જુએ છે. એની સરખામણીમાં જેઓને પોતાના કુટુંબીજનો સાથે નિકટતા નથી તેઓ માટે ૧૪% મોતનો ખતરો છે.
• સારા મિત્રો હોય તો પણ ભાઇ-બહેન હોવા જેવા બધા જ ફાયદા મળે છે. બધાને ભાઇ-બહેન હોય એવું જરુરી નથી. અને હોય તો કામ લાગે કે કેમ? એ પણ એક પેચીદો સવાલ છે. તમારે ભાઇ-બહેન ના હોય તો નિરાશ થવાની કે ગભરાવવાની જરૂર નથી. સંશોધકો એમ પણ જણાવે છે કે મિત્રો સાથેની નિકટતા હોય તો એ પણ તમારી તંદુરસ્તી, સુખાકારી અને દીર્ઘાયુ બધાને પુષ્ટિ આપે છે. કોઇ ગૃપ અથવા ક્લાસીસમાં જોડાઇ મિત્રો બનાવો , જેમાં તમને આનંદ આવે એમાં એમને પણ આવે. ટૂંકમાં જીવનમાં વિશ્વાસપાત્ર કંપની ખૂબ જરૂરી છે જેની સાથે આપણી અંગત વાતો ખુલ્લા દિલે કરી શકાય.