ભારત અને યુકેઃ મજબૂત આર્થિક ભાગીદારો

શ્રીમતિ રુચિ ઘનશ્યામ Wednesday 03rd March 2021 04:40 EST
 
 

ગ્રાન્ટ થોર્નટન ભારત (GTB) દ્વારા તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સાથે મળીને અને યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી ‘બ્રિટન મીટ્સ ઈન્ડિયા (BMI)’ રિપોર્ટ લોન્ચ કરાયો છે. BMI રિપોર્ટમાં ભારતીય અર્થતંત્રમાં રેવન્યુ, વિકાસ અને રોજગારીના ક્ષેત્રે અનન્ય-ગણનાપાત્ર યોગદાન આપી રહેલી સૌથી મોટી અને ઝડપથી વૃદ્ધ કરતી યુકેની કંપનીઓ તેમજ ભારતમાં કાર્યરત યુકે કંપનીઓ, તેમની ભૌગોલિક પસંદગીઓ, સેક્ટર્સ અને ભારતીય અર્થતંત્ર પર તેમની અસરની ઓળખ કરાઈ છે.

BMI રિપોર્ટ ભારતમાં ૫૭૨ યુકે કંપનીઓની ઓળખ કરે છે જેમનું સંયુક્ત ટર્નઓવર આશરે ૩૩ બિલિયન પાઉન્ડ છે, આશરે ૧.૭ બિલિયન પાઉન્ડનો ટેક્સ ચૂકવે છે અને ૨૦૧૯-૨૦ દરમિયાન ૪૧૬,૧૨૧ લોકોને સીધી રોજગારી આપેલ છે. ભારતમાં ઝડપથી વૃદ્ધિ કરતી યુકે કંપનીઓની ૨૦૨૧ની યાદીમાં ૯૧ કંપનીઓ છે જેમનો સરેરાશ વૃદ્ધિદર ૨૬ ટકાનો છે. BMI અનુસાર, ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરનારી યુકેની કંપની ડાયસન ટેકનોલોજીસ અને તેના પછી અવિવા લાઈફ ઈન્સ્યિરન્સ કંપની છૈ જેમનો વૃદ્ધિદર ૧૦૦ ટકાથી પણ વધુ છે. સૌથી વધુ આવક રળનારી કંપની વેદાંતા લિમિટેડ છે જ્યારે G4S Plc ટોપ એમ્પ્લોયર છે.

ભારતના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ ઈન્ટર્નલ ટ્રેડના પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ના સ્ટેટેસ્ટિક્સ મુજબ અત્યારે યુકે ભારત માટે છઠ્ઠા ક્રમનું સૌથી મોટું રોકાણકાર છે જેમાં એકત્રિત ઈનફ્લો-પ્રવાહ (૨૦૦૦-૨૦૨૦) ૨૯.૫ બિલિયન અમેરિકી ડોલર અંદાજાયો છે, જે ભારતના કુલ FDIના આશરે ૬ ટકા થવા જાય છે. યુકે સાથે માલસામાન અને સર્વિસીસનો ભારતનો વેપાર ૨૦૧૫માં ૨૧.૯ બિલિયન અમેરિકી ડોલર હતો જે ૨૦૨૦માં વધીને ૨૬.૭ બિલિયન અમેરિકી ડોલર થયો છે.

GT/Bharat દ્વારા BMI રિપોર્ટ GT/UK દ્વારા મૂકાયેલા વાર્ષિક ‘ઈન્ડિયા મીટ્સ બ્રિટન’ ટ્રેકરને સ્પષ્ટપણે દર્શાવે છે. આ ટ્રેકરની હવે સાતમી આવૃત્તિ છે અને તેમાં યુકેમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી અને સૌથી વધુ રોજગાર સર્જન કરતી ભારતીય કંપનીઓની ઓળખ કરે છે. ૨૦૨૦માં આ ટ્રેકર થકી યુકેમાં કાર્યરત લગભગ ૮૫૦ ભારતીય કંપનીની ઓળખ કરાઈ હતી જેમની, સંયુક્ત રેવન્યુ ૪૧.૨ બિલિયન પાઉન્ડ હતી જે ૨૦૧૯ની ૪૮ બિલિયન પાઉન્ડ કરતાં ઘટી હતી. તેમણે સંયુક્તપણે ૪૬૧.૮ મિલિયન પાઉન્ડ કોર્પોરેશન ટેક્સ ચૂકવ્યો હતો જે ૨૦૧૯ની ૬૮૪.૨ મિલિયન પાઉન્ડ કરતાં ઘટ્યો હતો. ભારતીય કંપનીઓએ ૧૧૦,૭૯૩ લોકોને રોજગારી આપી હતી જે ૨૦૧૯ની ૧૦૪,૭૮૩ લોકોની રોજગારી કરતાં વધી હતી. GT/UK દ્વારા ૨૦૧૯માં યુકેમાં ભારતીય ડાયસ્પોરાની માલિકીની કંપનીઓના યોગદાનનું મૂલ્યાંકન કરતો અન્ય રિપોર્ટ પણ જાહેર કરાયો હતો. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન તેમજ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સહયોગથી તૈયાર કરાયેલો આ રિપોર્ટ યુકેમાં ભારતીય ડાયસ્પોરાની માલિકીના બિઝનેસીસ અને તેમના દ્વારા રોજગારી સર્જનના વ્યાપક યોગદાનનું હેતુલક્ષી મૂલ્યાંકન કરવાનો પ્રથમ પ્રયાસ હતો. વાર્ષિક ઓછામાં ઓછાં ૧૦૦,૦૦૦ પાઉન્ડના ટર્નઓવર સાથેની ૬૫૪ કંપનીઓનો અબ્યાસ કરાયો હતો અને જમાયું હતું કે તેમનું એકત્રિત વાર્ષિક ટર્નઓવર ૩૬ બિલિયન પાઉન્ડ હતું અને યુકેમાં ૧૭૪,૦૦૦થી વધુ લોકોને રોજગારી અપાઈ હતી.

આપણે જ્યારે GTBharat/GTUK રિપોર્ટ્સમાં માલસામાન અને સર્વિસીસમાં ભારત-યુકેના દ્વિપક્ષી વેપાર ઉપરાંત, હાઈલાઈટ કરાયેલાં FDI અને રોકાણના આંકડા પર નજર કરીએ છીએ ત્યારે ભારત-યુકેની આર્થિક ભાગીદારીના વિશાળ મૂલ્યની માન્યતા જોવા મળે છે. આપણા બંને દેશ આ પાર્ટનરશિપના મૂલ્યને બરાબર ઓળખે છે જે યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ લિઝ ટ્રસની તાજેતરની ભારત મુલાકાતે દર્શાવ્યું છે. બ્રેક્ઝિટ થવા છતાં, યુકે માટે ભારત યુરોપના ઉચ્ચ ઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકોમાં એક છે. ભારતીય કંપનીઓએ યુકેમાં ગણનાપાત્ર ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે જેના પરિણામે, કોઈ પણ દેશ કરતાં સૌથી વધુ રોજગારી સર્જન કરાયું છે. વિશ્વની હાલત ગત ૧૦૦ વર્ષમાં કદી નહિ દેખાયેલી આફત કોવિડ-૧૯ મહામારીની અભૂતપૂર્વ અસર હેઠળ ભારે ખરાબ થયેલી છે. તેણે વૈશ્વિક અર્થતંત્ર માટે વિનાશ વેર્યો છે જેના પરિણામે, જિંદગીઓ, જીવનનિર્વાહ પર ભયાનક અસર પહોંચી અને વૈશ્વિક સપ્લાય ચેઈન્સને પણ તીવ્રપણે અસર થઈ હતી. ભારત-યુકે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપ, વિશેષતઃ વેક્સિન રિસર્ચ અને ઉત્પાદન સહિત આવા ખરાબ સંજોગોમાં પણ સહકાર દ્વારા અખંડપણે પ્રવાહિત રહી હતી.

ભારતે ઘણાં ક્ષેત્રોમાં હિંમતપૂર્વક આર્થિક સુધારા હાથ ધર્યા છે જેના થકી વિશ્વ બેન્કના ઈઝ ઓપ ડુઈંગ બિઝનેસ (બિઝનેસ કરવા સરળતા)ના ઈન્ડેક્સમાં ૨૦૧૯માં ભારતનો ક્રમ ૬૩ આવ્યો છે જે સ્થાન ૨૦૧૮માં ૭૭નું હતું. આમ, ભારત, વિશાલ ઘરેલુ બજાર, વધી રહેલા મધ્યમ વર્ગ અને કુશળ વર્કફોર્સ સાથે આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ લક્ષ્ય બની રહેલ છે. બ્રેક્ઝિટ પછી યુકે તેનું ધ્યાન યુરોપની બહાર કરી રહ્યું છે ત્યારે ભારત અને યુકે વચ્ચે વેપાર અને આર્થિક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવા પ્રસંગોચિત આપસી મંત્રણાઓમાં વધારો થયો છે.

આ બંને અર્થતંત્રો કોવિડ-૧૯ની અસરમાંથી બહાર આવવા મથી રહ્યા છે ત્યારે એકબીજામાં માર્કેટ્સમાં ઈન્વેસ્ટમેન્ટને વધારવું તે વૃદ્ધિને સપોર્ટ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.GT Bharatના રિપોર્ટ માટે આનાથી વધુ અનુકૂળ સમય બીજો કયો હોઈ શકે!

(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter