ભારત-અમેરિકા સંબંધોના નવા યુગના મંડાણ પર પાશ્ચાત્ય મીડિયાએ ધ્યાન નથી આપ્યું

અલ્પેશ પટેલ OBE Tuesday 25th February 2025 09:11 EST
 
 

વડા પ્રધાન મોદી USAમાં હતા તે વિશે પાશ્ચાત્ય મીડિયામાંથી તમને કોઈ માહિતી મળશે નહિ. તેઓ વધુ એક યુરોપિયન યુદ્ધ બાબતે ઘણા વ્યસ્ત છે. આ ખંડ-- તેમાં રહેલા દેશો ભલે ગમે તેટલા નાના હોય તેઓ એકબીજા સાથે યુદ્ધ કર્યા વિના રહી જ શકતા નથી? અને ફરાજ મને કહેવાની એટલી ગુસ્તાખી કરી શકે છે કે અમે ભારતીય ઉપખંડની સમસ્યાઓ યુકેમાં લાવી રહ્યા છીએ! ભલે, ફરાજ જેવી તમારી ઈચ્છા.

એક રાજકીય નૃત્ય, જેને ભલભલા કુટિલ રાજમુત્સદ્દીઓ પણ ઈર્ષા સાથે નિહાળે તેવી ઘટનામાં પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની તાજેતરની યુએસએ મુલાકાતને ભારે સફળ ગણાવાઈ રહી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં 13 ફેબ્રુઆરી 2025ની મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે શ્રેણીબદ્ધ ચર્ચાઓ થઈ જેના પરિણામે, ભારત-અમેરિકા સંબંધોમાં નવા યુગના મંડાણનો તખ્તો રચાયો છે.

વેપારસંબંધોઃ ટેરીફના મતભેદથી જબરજસ્ત વેપાર સુધી

આંતરરાષ્ટ્રીય સંબંધોના બગીચામાં ઘણી વખત કાંટાળું ફળ ગણાતા વેપારનો મુદ્દો ચર્ચાઓ દરમિયાન કેન્દ્રસ્થાને રહ્યો. શબ્દો સાથે જરા પણ ચોરી નહિ કરતા પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારતના અગાઉના ટેરીફ્સને ‘અન્યાયી અને ઘણા કઠોર’ ગણાવ્યા. સામા પક્ષે પ્રાઈમ મિનિસ્ટર મોદીએ અનુભવી યોગીની રાજદ્વારી કુનેહ સાથે દ્વિપક્ષી વેપારને 2030 સુધીમાં બમણો એટલે કે જંગી 500 બિલિયન ડોલર સુધી લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો. આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય લાંબા સમયથી યુએસ વહીવટીતંત્રને કનડી રહેલી વેપારખાધના પ્રમાણને સંતુલિત કરવા સાથે મલમપટ્ટો પણ કરશે.

સંરક્ષણ સોદાઓઃ અતિ દૂરના સ્વપ્નોથી ગોપનીય વાસ્તવિકતા સુધી

સંરક્ષણના મોરચે જોઈએ તો, બંને દેશોએ અમેરિકા-ભારતની મહત્ત્વપૂર્ણ ડિફેન્સ પાર્ટનરશિપ માટે 10 વર્ષના ફ્રેમવર્કમાં હનુમાન કૂદકો લગાવ્યો છે. આમાં, ભારત માટે પ્રતિષ્ઠાજન્ય F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ હાંસલ કરવાની ભારતની યોજના પણ સમાવિષ્ટ છે. આ પગલાંથી સંરક્ષણ વિશ્લેષકો તો મધની ફેક્ટરીમાં ગુંજારવ કરતી મધમાખીઓની જેમ કાર્યરત થઈ ગયા છે. આ સોદા થકી ભારતની સંરક્ષણ ક્ષમતાઓને ચાર ચાંદ લાગી જશે એટલું જ નહિ, બંને લોકશાહી રાષ્ટ્રો વચ્ચે વધુ ગાઢ લશ્કરી સહકાર તરફની વ્યૂહાત્મક ધરીનું મહત્ત્વ દર્શાવે છે.

ઈમિગ્રેશનઃ સમૂહોના હંગામાથી સુસંવાદી નીતિઓ સુધી

ઈમિગ્રેશનનો મુદ્દો ખંડમાં રહેલા ભારતીય હાથી જેવો છે જેનું આશ્ચર્યજનક સાફદિલી સાથે નિરાકરણ લાવી દેવાયું છે. પ્રાઈમ મિનિસ્ટર મોદીએ યુએસમાં ગેરકાયદે વસતા ભારતીય નાગરિકોને પરત લઈ લેવાની સંમતિ દર્શાવી. આ ચેષ્ટા વર્તમાન વહીવટીતંત્રના કડક ઈમિગ્રેશન વલણને તરફેણકારી લાગવાની શક્યતા છે. આ પગલું કાયદેસર માઈગ્રેશન તરફ ભારતની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરે છે તેની સાથે જ વિશ્વના વૈશ્વિકીકરણમાં માનવ ગતિવિધિઓની સંકુલતાને પણ સ્વીકારે છે.

પ્રત્યર્પણઃ ભાગેડુઓની કલ્પનાથી મજબૂત હસ્તધૂનન

કાઉન્ટરટેરરિઝમના નિષ્ણાતોએ વધાવી લીધું છે તેવા આ પગલામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે 2008ના મુંબઈ હુમલાઓમાં દોષિત ઠરાવાયેલી વ્યક્તિઓ અને ખાસ કરીને, તહવ્વુર હૂસૈન રાણાના પ્રત્યર્પણ અંગે સપોર્ટ જાહેર કર્યો છે. આ નિર્ણયથી ભારતમાં ઘરઆંગણે સુરક્ષા-સલામતી પ્રયાસોને બળ મળશે તેમજ વૈશ્વિક આતંકવાદનો સામનો કરવામાં બે દેશો વચ્ચે સહકારપૂર્ણ ભાવના હોવાનું દર્શાવે છે.

અંગત સદ્ભાવનાઃ હસ્તધૂનનથી આલિંગન સુધી

મોદી અને ટ્રમ્પ વચ્ચે અંગત કેમિસ્ટ્રી સ્પષ્ટપણે નજરે પડતી હતી. બંને નેતાઓએ ભવ્ય કાર્યક્રમમાં અનુભવી રાજદ્વારીઓની માફક પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. ટ્રમ્પે મોદીને ‘મારા કરતા પણ વધુ બહેતર વાટાઘાટકાર’ ગણાવ્યા હતા. સામા પક્ષે, મોદી પણ પાછા પડે તેવા નથી. તેમણે ટ્રમ્પના જ સ્લોગન ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન’ને યાદ કરવા સાથે ‘મેક ઈન્ડિયા ગ્રેટ અગેઈન’ના પોતાના દૃઢ નિર્ધારને પણ અભિવ્યક્ત કરી દીધો હતો. આ મિત્રાચારી ભવિષ્યના સહકારો માટે સારી સૂચક છે તેમજ જીઓપોલિટિકલ જોડાણને અંગત સ્પર્શ પણ આપે છે.

હું તો કહીશ જ 10/10. શાબ્બાશ. કદાચ સારું જ છે કે પાશ્ચાત્ય મીડિયાએ આની નોંધ લીધી નથી. વડા પ્રધાન અને પ્રેસિડેન્ટના સંબંધો પર ઈર્ષાખોર કાળી છાયાની કાળી નજર ન પડે તેવું જ ઈચ્છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter