ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વે તમામ ભારતીયોને મારા હાર્દિક અભિનંદન અને ભારતના ઉજળા ભવિષ્ય માટેની શુભેચ્છાઓ. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં આપણા દેશની પ્રગતિ બાબત નકારાત્મક માનસિકતા પ્રવર્તે છે કે ભારતે છેલ્લા સાત દાયકામાં કંઈ જ પ્રગતિ કરી નથી. લોકોના આ અભિગમથી નિરાશા સાંપડતાં, ભારતને ૧૯૪૭માં સ્વતંત્રતા મળી ત્યારે કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી તેનું - જગ્યાની મર્યાદાને કારણે - થોડાક શબ્દોમાં ચિત્ર રજૂ કરવા પ્રયત્ન કરું છું. આ પ્રયાસનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે નકારાત્મક અભિગમને તિલાંજલી આપીને આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચ્યો છે તે વાતનો આપણે આનંદ માણી શકીએ.
અંગ્રેજી વસાહત (Colonialisation)ના કારણે, ભારત દુનિયામાં એક સૌથી વધારે સમૃદ્ધિ દેશ હતો કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે બ્રિટનનો ફાળો દુનિયાની GDPના ૧૮ ટકા હતો અને ભારતનો ફાળો ૨૩ ટકા હતો, જે ૧૯૦૦થી ૧૯૪૦ દરમિયાન સાર્થક વધારો ફક્ત ૦.૮% જેટલો નીચે પહોંચી ગયો હતો. ભારત વિકસેલ ઔદ્યોગિક દેશ હતો. જે ચીન સાથે દુનિયાના ઔદ્યોગિક ઉત્પાદનના ૭૫ ટકા ફાળો ધરાવતો હતો. ભારત એશિયાનો પ્રકાશ હતો કે જ્યારે જાપાનની ગણતરી નહિવત્ હતી. ભારત સમૃદ્ધ, આબાદ, વ્યાપારિકરણ, વિકસીત બેન્કીંગ વ્યવસ્થા, એકતા, ભણતરની વ્યવસ્થા એમ તમામ રીતે સફળ દેશ હતો.
૧૭૫૦માં ભારતીયોનું જીવનધોરણ બ્રિટનમાં વસતા બ્રિટીશરો જેવું હતું. મોગલ બાદશાહ ઔરંગઝેબની આવક રાજા લુઈસ ૧૪ કરતાં ૧૯ ગણી વધારે હતી અને બેન્કીંગ વ્યવસ્થા બેન્ક ઓફ ઇંગ્લેન્ડના જેટલા નાણાંનો વહીવટ કરતી હતી. પરંતુ બ્રિટીશ વસાહતની કથા આવા સમૃદ્ધ દેશને ગુલામી, લૂંટ, યુદ્ધો, લાંચરૂશ્વત, જમીન પચાવી પાડવાની યોજનાઓ, દુકાળ, શોષણ, કત્લેઆમ, દરિદ્રતા વગેરેથી લપેટી ભારતને એક ગરીબ, પછાત, સાક્ષરતારહિત, રોગોથી સપડાયેલા અને કંગાલિયતથી ખદબદતા દેશ જેવી પરિસ્થિતિમાં રૂપાંતરિત
કરનાર છે.
સ્વતંત્રતા સમયે ભારતીયોનું આયુષ્ય ૨૭ વર્ષ, નિરક્ષરતા ૧૬ ટકા, ગૃહઉદ્યોગોનાં અંત અને આજની પરિભાષા પ્રમાણે ૯૦ ટકા ગરીબી રેખા નીચે જીવતા હતા. ઇલેક્ટ્રિસિટીના આગમનના પ્રથમ ૫૦ વર્ષમાં યુરોપ, અમેરિકા, બ્રિટન વિગેરેમાં તમામ સ્થળે વિદ્યુત જોડાણ થઈ ગયા હતા. જ્યારે ભારતના ૬,૪૦,૦૦૦ ગામડાઓમાંથી ફક્ત ૧૫૦૦ને જ જોડાણ મળ્યું હતું. જે સ્વતંત્ર ભારતની સરકારે બીજા ૫૦ વર્ષમાં ૩૨૦ ગણું વધાર્યું હતું. આ પ્રમાણે શોષણ અને તાનાશાહી તળે કચડાઈ કંગાળ બની ગયેલ ભારતની પ્રગતિ એ આપણું ગૌરવ અને સ્વતંત્રતા દિવસની સાચી ઉજવણી છે.