ભારતના એરપોર્ટ ટર્મિનલ્સમાં ઐતિહાસિક વારસાને આધુનિકતાનો ઓપ

ચિત્તાકર્ષક, નયનરમ્ય એરપોર્ટ ટર્મિનલ્સ શું કહે છે?

Tuesday 25th March 2025 06:21 EDT
 
 

ભારતમાં હવાઈપ્રવાસ નિરાશાજનક કે શિરદર્દ જેવો હોઈ શકે છે. મુખ્ય એરપોર્ટ્સ પરની ફ્લાઈટ્સ મોટા ભાગે મોડી થાય છે, એકથી બીજાં શહેરોમાં સિક્યોરિટી પ્રોટોકલ્સ અલગ હોઈ શકે છે. એરપોર્ટ્સ પર મળતા બિયરની પ્રાઈસથી કદાચ હીથ્રો એરપોર્ટ પણ શરમાઈ જાય. આમ છતાં, એક પાસું એવું છે જે આ બધી નારાજગીઓને સરભર કરી શકે છેઃ ભારતીય એરપોર્ટ્સ વિશ્વમાં સૌથી સુંદર એરપોર્ટ્સમાં ગણાય છે. તેઓ ભારત શું કરી શકેની ક્ષમતા દર્શાવે છે અને તે ક્યાં ઉણું ઉતરે છે તે પણ દર્શાવે છે.

વિશ્વમાં અત્યાધુનિક એરપોર્ટ્સ ગ્લાસ અને સ્ટીલના થીમ સાથે નિર્માણનું વૈવિધ્ય ધરાવે છે જ્યાં ચોતરફ શ્વેત રંગ છવાયેલો રહે છે. ઉભરી રહેલા દેશો પણ ભવ્ય અને અતિ ખર્ચાળ ઈમારતોના નિર્માણ પાછળ નાણા વેરવામાં અચકાતા નથી. ગત 25 વર્ષોમાં આર્થિક સત્તા તરીકે ઉભરી આવેલા એશિયા અને મધ્ય પૂર્વના દેશોએ પ્રચંડ અને વિશાળ ટર્મિનલ્સના બાંધકામ સાથે પોતાની નવી મહત્તા સ્થાપિત કરી છે. કતારમાં 2014માં હમાદ ઈન્ટરનેશનલ ખુલ્લું મૂકાયું. તુર્કીએ પણ ઈસ્તંબુલમાં 2018માં વિશ્વમાં સૌથી વિશાળ એરપોર્ટ્સમાં એકનું ઉદ્ઘાટન કર્યું તો ચીન દ્વારા 2019માં બેઈજિંગ ડેક્શિંગ ખુલ્લું મૂકાયું. આ બધા જ એરપોર્ટ્સ ગગનચૂંબી કમાનો, આકર્ષક વળાંકો અને અરસપરસ સાંકળતી હળવાશપૂર્ણ સપાટીઓ ધરાવે છે. આ એરપોર્ટ્સ તેમના દેશોનાં ભવિષ્યની જાહેરાત કરે છે.

જોકે, ભારતના એરપોર્ટ્સ ભિન્ન છે. 2023માં ખુલ્લાં મૂકાયેલાં બેંગલોરના ટર્મિનલ 2ની ડિઝાઈન ‘ગાર્ડનમાં ટર્મિનલ’ સ્વરૂપે કરવામાં આવી હતી જે મેટ્રોપોલીસની ‘ગાર્ડન સિટી’ તરીકેની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવે છે. આ ચીન અથવા મિડલ ઈસ્ટ કરતાં તદ્દન અલગ તરી આવે છે. વિશાળ ઝૂલતાં પ્લાન્ટર્સમાંથી ઉતરી આવતી પાંદડેદાર વનસ્પતિની હરિયાળી છવાઈ રહે છે. ઈમારતના બીમ્સને વાંસનું આવરણ છે જે એવી છાપ ઉપસાવે છે કે સમગ્ર ઈમારતનું નિર્માણ ઓર્ગેનિક સામગ્રીથી કરાયું છે.

ભારતીય ભવિષ્યવાદઃ ભૂતકાળનું નાવીન્યકરણ

તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા અમેરિકી વિચારક (થિન્ક-ટેન્કર) બિલ ડ્રેક્સેલ બેંગલોરના નવાં ટર્મિનલથી આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. આ જ પ્રવાસમાં સાથે આવેલા એનાલિસ્ટ ટેનર ગ્રીરે લખ્યું હતું કે, ‘સૌંદર્યશાસ્ત્રની દૃષ્ટિએ ભારતીય ભવિષ્યવાદ ખૂબ આનંદદાયક છે. તે અણઘડ અને કદરૂપ-બેડોળ ચાઈનીઝ ભવિષ્યવાદની સરખામણીએ ઘણો સારો છે.’ ભારતના આધુનિક એરપોર્ટ નિર્માણની તેજીમાં મુખ્ય નવા ટર્મિનલ્સ પેલા ચાઈનીઝ ટર્મિનલ જેવા હતા. બેંગલોર અને હૈદરાબાદમાં 2008માં ખુલ્લાં મૂકાયેલા એરપોર્ટ્સ ગ્લાસ અને સ્ટીલના ઉપયોગ સાથે સ્ટાન્ડર્ડ હતાં. દિલ્હીમાં 2010માં ખુલ્લું મૂકાયેલું ટર્મિનલ 3 પણ એ જ પ્રમાણે સુંદર હતું, માત્ર તેની કુખ્યાત કદરૂપી કાર્પેટથી અલગ પડતું હતું.

2014માં પૂર્ણ થયેલું મુંબઈનું ટર્મિનલ 2 નવાં વળાંકનું પ્રતીક હતું. તેની મુખ્ય નિર્માણસામગ્રી કોંક્રીટ હતી. ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરના પીંછાની કલાત્મક ભાત લાઈટના ફિક્ચર્સમાં છતને જકડી રાખતા વિશાળ સ્તંભાકારમાં દૃશ્યમાન થતી હતી. અમેરિકન ફર્મ som દ્વારા ડિઝાઈનની વિભાવના એવી હતી કે જે કોઈ વ્યક્તિ એરપોર્ટ પર આવે તો તરત જ પારખી શકે કે તેઓ ભારતમાં છે. som દ્વારા ડિઝાઈન કરાયેલું બેંગલોરનું બીજું ટર્મિનલ પણ આ જ પ્રકારે નિર્માયું છે. ગોવાનું બીજું એરપોર્ટ 2023માં ખુલ્લું મૂકાયું તેનું ઈન્ટિરિયર પણ ગોવામાં જોવાં મળતાં પોર્ટુગીઝ મકાનોના મોખરાના દેખાવ જેવું છે.

મુંબઈનું બીજું એરપોર્ટ ટુંક સમયમાં ખુલ્લું મૂકાનાર છે તેનો મોખરાનો દેખાવ ભારતીય રાષ્ટ્રીય પુષ્પ કમળના જેવો છે. બ્રિટિશ ફર્મ ઝાહા હાદિદ આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઈન કરાયેલું એરપોર્ટ વિલક્ષણ બની રહેવાની ખાતરી અપાય છે. ભારતના એરપોર્ટ્સની ડિઝાઈન દેશના ઊંડા સત્યોને ખુલ્લાં કરે છે જેમાંથી એક સૌંદર્ય અથવા સજાવટ-શણગાર માટે નાણાકોથળી ખુલ્લી કરવાની ઈચ્છાનું છે.

બાહ્ય દેખાવથી અંદરની હકીકતો બદલાતી નથી

બીજી નોંધવાલાયક બાબત એ છે કે ભારત આધુનિકતા સાથે આગળ વધવામાં તેના ઈતિહાસ અને પરંપરાઓને જતાં કરવા તૈયાર નથી. મુંબઈના ટર્મિનલ2ની વાત કરીએ તો તેમાં સમકાલીનતાની સાથોસાથ ભારતીય વિરાસતનું પ્રતીક જણાય તે આવશ્યક હતું. gvk ફર્મના ડિઝાઈનર્સને પ્રેરણા મળે તે માટે પ્રાચીન અને ઐતિહાસિક સાઈટ્સનો પ્રવાસ કરાવાયો હતો. ચીન અને ભારતમાં લાંબો સમય વીતાવનારા ડ્રેક્સેલ કહે છે કે ચીનનું વલણ એવું છે કે તેઓ વિશ્વમાં કોઈનાથી પણ વધુ આધુનિક દેખાવા ઈચ્છે છે. બીજી તરફ, ભારતનું વલણ ‘ અમે અમે જ બની રહેવા માગીએ છીએ, અમે અમારી રાષ્ટ્રીય સંસ્કૃતિની પરંપરાઓને સુસંગત રહેવા માગીએ છીએ.’ દરમિયાન, ભારતીય એરપોર્ટ્સ ખાનગીકરણની તાકાતને દર્શાવે છે. અત્યાર સુધી સરકાર જ ભારતના દરેક એકપોર્ટ્સનું સંચાલન કરતી હતી અને દરેક પાછળ જંગી રોકાણો કરવામાં આવતા હતા છતાં, તેમની હાલત ખરાબ હતી. હવે દરેક એરપોર્ટના ખાનગીકરણ પછી પણ જંગી રોકાણો થઈ રહ્યાં છે પરંતુ, કાર્ય હજું અધુરું છે.

સંખ્યાત્મક પરિમાણ એ ગુણવત્તાનો તદ્દન નબળો વિકલ્પ છે

રાજ્યસંચાલિત એરપોર્ટ્સ અને અન્ય જાહેર ઈમારતો, ખાસ કરીને નવા રેલવે અને મેટ્રો સ્ટેશનો આંખને ખૂંચે તેવા છે. આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર બિમલ પટેલ કહે છે,‘ બાંધકામની ગુણવત્તા પણ મહત્ત્વની છે. નબળી ડિઝાઈન્સ, નબળાં વિવરણો અને નબળું બાંધકામ સાથે ઘણી બધી કામગીરી આંખને ખૂંચે છે.’ સરકારી પ્રોજેક્ટ્સને નબળી ડિઝાઈન્સ સાથેના કોન્ટ્રાક્ટ્સ, નકામી જડ જરૂરિયાતો અને ભ્રષ્ટાચાર નડી રહ્યા છે. ગયા વર્ષે ભારે વરસાદમાં ખાનગી સંચાલન સાથેના દિલ્હી એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટ્સની છત તૂટી પડી હતી. નવા હાઈવેઝ અને પૂલમાં ઝડપથી તિરાડો કે ખાડા દેખાવા લાગે છે. ફ્લાયઓવરના સાંધા યોગ્ય ન હોવાથી પ્રવાસમાં ધક્કા વાગે છે. સંશોધકોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવતા માપવા 2022ના એક અભ્યાસમાં 162 દેશોના મોટા શહેરો વચ્ચે સરેરાશ સ્પીડને તપાસી હતી. ગત બે દાયકામાં હજારો હાઈવેઝનું નિર્માણ છતાં, ભારત 127મા અને માત્ર સોમાલિઆથી આગળના ક્રમે છે.

ભવ્યાતિભવ્ય નવા વિશાળ ટર્મિનલ્સ અને વિશ્વસ્તરીય ઓપરેટર્સ પ્રવાસીઓના દિલોદિમાગમાં છવાયેલી જૂના જમાનાના, બિનકાર્યક્ષમ ભારતના ભૂતની અસર દૂર કરી શક્તા નથી. સિક્યોરિટી ઓફિસર્સ પ્રવાસીઓની તપાસ હાથથી જ કરે છે અને લગભગ દર ત્રીજી બેગની જાતતપાસ કરે છે. ઈમિગ્રેશન અધિકારીઓ હાર્ડ કોપી પેપરવર્કનો આગ્રહ રાખે છે. કસ્ટ્મ્સ પર પેસેન્જરોએ એરપોર્ટની બહાર નીકળતી વેળાએ જાતે જ બેગ્સને એક્સરે મશીન્સ પર લોડ કરવી પડે છે. ઘણા નવા એરપોર્ટ્સ પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ધરાવતા નથી. આ બધી જ કામગીરી સરકાર હસ્તક રહે છે. ભારતીય એરપોર્ટ્સ દેશના ભવ્ય ભૂતકાળને ઉજાગર કરે છે પરંતુ, બધો ભૂતકાળ જાળવી રાખવા જેવો હોતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter