ભારતના અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં કડીરૂપ બૌદ્ધ ધર્મ

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 22nd October 2019 09:33 EDT
 
 

વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં દેશ-વિદેશથી લાવવામાં આવેલી અનેક પ્રદર્શનકૃતિઓનો ખજાનો છે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી મ્યુઝિયમ જોવાની શરૂઆત કરીએ ત્યારે એક ગેલેરી બૌદ્ધ ધર્મને સમર્પિત જોવા મળે છે. ત્યાં બૌદ્ધ ધર્મને લગતી મૂર્તિઓ, ગ્રંથો કે બીજા પ્રદર્શન મટીરીયલ રાખવામાં આવેલ છે. બૌદ્ધ ધર્મનો ઉદભવ તો ભારતમાં થયેલો અને એટલા માટે તેનો સંબંધ ભારત સાથે હોય તેમાં કોઈ નવાઈ નહીં, પરંતુ ત્યારબાદ જેવી રીતે બૌદ્ધ ધર્મ દેશ-વિદેશમાં ફેલાયો, ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશોમાં તે અપ્રતિમ છે. એટલા માટે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમની બૌદ્ધ ગેલેરીમાં એ બધા દેશોમાંથી આવેલી કોઇને કોઇ નિશાની જોવા મળે છે.

દક્ષિણ ભારતમાંથી લાવવામાં આવેલી કેટલીક પ્રદર્શનકૃતિઓ અહીં જોવા મળે છે. શરૂઆતમાં દસમી-અગિયારમી સદી દરમિયાનની એક પ્રતિમા નજરે આવ્યા વિના ન રહે. આ સમય દરમિયાન દક્ષિણ ભારતમાં શક્તિશાળી અને સમૃદ્ધ ચૌલવંશનું સામ્રાજ્ય હતું. આ પ્રતિમા તે સમયની કલાકૃતિ છે. તેમાં દક્ષિણ ભારતમાં હોય તેવા દીવડા અને મંડપના શણગાર તો છે જ, પરંતુ સાથે સાથે ઉત્તર ભારતની લાક્ષણિકતાઓ જેવા શરીરને બંધબેસતા અંગવસ્ત્રનો ઉપયોગ પણ છે. તે દર્શાવે છે કે દક્ષિણ ભારતના વિસ્તારમાં રહેલા બૌદ્ધ સાધુઓ વિવિધ પ્રદેશોમાં ફરતા હશે.
નાગાપટ્ટીનમ્ નામના દક્ષિણ ભારતના વિસ્તારમાંથી લવાયેલી આ પ્રતિમા એટલું સૂચિત કરે છે કે ભારત અને અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન જે થયું તેમાં બૌદ્ધ ધર્મ ખૂબ મહત્વપૂર્ણ ગણાવી શકાય. ભારત અને બ્રિટનના સાંસ્કૃતિક આદાનપ્રદાનની વાત કરીએ તો તેમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતથી યુરોપ સુધી અને ખાસ કરીને બ્રિટન સુધી થયો હોય તેવું ખાસ જોવા મળતું નથી. બૌદ્ધ ધર્મ પ્રાચીન છે. ઈસુ કરતા અર્વાચીન તે ગણાવી શકાય. બૌદ્ધ ધર્મની ફિલોસોફી એટલે કે બૌદ્ધદર્શન તો વિશ્વમાં બધે જ ફેલાયું છે અને યુકેમાં પણ લોકો બૌદ્ધદર્શન પસંદ કરતા જોવા મળે છે. ખાસ કરીને બુદ્ધનું જે મધ્યમ માર્ગદર્શન છે તે આજની જીવનશૈલી માટે સચોટ લાગુ પડે છે.
ખ્રિસ્તીના મિશનરીઓ દેશવિદેશમાં ધર્મપ્રસાર અંગે નીકળ્યા ત્યાર પહેલા બૌદ્ધ ધર્મ પોતાનો વિસ્તાર કરી ચુકેલો. એશિયામાં ઇસ્લામ પહેલા ખ્રિસ્તીઓનો પ્રભાવ જણાતો નથી. ભારતમાં ચૌદમી-પંદરમી સદીમાં નોંધપાત્ર ખ્રિસ્તી મિશનરીઓ આવવાનું શરૂ થયું. ખેર, આજે યુકે કે ભારતમાં ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મ વચ્ચેની સમાનતાઓ અંગે કોઈ થોડું કામ કરે તો કદાચ તે થેમ્સ-ગંગા સેતુબંધને વધારે મજબુત બનાવવા અંગે મહત્વપૂર્ણ યોગદાન બની શકે.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter