ગુજરાતી ભાષાની પહેલી નવલકથા રાય કરણઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, વડોદરા રાજ્યના દીવાન મનુભાઈ મહેતાની દીકરી અને ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી જીવરાજ મહેતાની પત્ની.... ઓળખાણ પડી?
નામ હંસા મહેતા. હંસા સ્વયં સ્વયંપ્રકાશિત હતી. પરિવારના પડછાયામાં રહીને પણ છાબડે ઢાંક્યો સૂરજ ઢંકાય નહીં એમ હંસાની સૂર્યસમી પ્રતિભા ઝળહળી ઊઠેલી. હંસા દાંડીકૂચમાં ભાગ લઈને સ્વતંત્રતા સેનાની બની. મુંબઈ કોંગ્રેસ સમિતિની અધ્યક્ષ બની. ૧૯૩૭માં મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાઈને શિક્ષણમંત્રી તરીકે સેવાઓ આપી.
૧૯૪૭માં યુનો ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી. ૧૯૪૭માં જ, ૧૯૪૭ની મધ્યરાત્રિએ સત્તાના હસ્તાંતરણની ઘટના વખતે ભારતનો રાષ્ટ્રધ્વજ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એક સક્રિય સભ્ય તરીકે હંસા મહેતાના હાથે પંડિત જવાહરલાલ નેહરુને અપાયેલો. ભારતના બંધારણ સભાની કુલ પંદર મહિલા સભ્યની સમિતિમાં હંસાબેન મહેતા એક માત્ર ગુજરાતી મહિલા હતી.
વર્ષ ૧૯૪૬માં હંસા મહેતા મહિલા વિશ્વવિદ્યાલયની કુલપતિ બની. એ સાથે ભારતની પ્રથમ મહિલા કુલપતિ બનવાનું સન્માન મળ્યું. ૧૯૪૬થી ૧૯૪૮ સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે સેવારત રહી. ૧૯૪૯થી ૧૯૫૮ સુધી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કુલપતિ. કોઈ મહિલા કુલપતિ બને તેવી આ પ્રથમ ઘટના હતી. તેના કાર્યકાળ દરમિયાન એમ. એસ. યુનિવર્સિટીએ પ્રગતિનાં સોપાનો સર કર્યાં. આ યુનિવર્સિટીમાં હંસાએ સમગ્ર દેશમાં સૌ પ્રથમ હોમ સાયન્સ વિભાગની શરૂઆત કરી. યુવતીઓને વૈજ્ઞાનિક ઢબે ગૃહવિજ્ઞાન ભણવાની સગવડ પ્રથમ વાર પ્રાપ્ત થઈ. એ સમયે તેણે સ્ત્રીશિક્ષણમાં મદદરૂપ નીવડે એવી રીતે અભ્યાસક્રમો બનાવેલા તેમજ સ્ત્રીઓ માટે વ્યાવસાયિક તાલીમની પણ હિમાયત કરેલી. હંસાએ કરેલા અણમોલ પ્રદાનને પગલે ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે હંસાને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન 'પદ્મભૂષણ'થી પુરસ્કૃત કરી. ૧૯૫૮માં અલાહાબાદ યુનિવર્સિટીએ અને ૧૯૫૯માં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીએ હંસા મહેતાને ડી.લિટ.ની પદવી એનાયત કરી તેનું બહુમાન કર્યું.
કેળવણીકાર તરીકે પ્રખ્યાત થયેલી હંસા મહેતાનો જન્મ ૩ જુલાઈ ૧૮૯૭ના થયેલો. માતા હર્ષદકુમારી. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. ગુજરાતને ૧૮૬૬માં પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ આપનાર નંદશંકર તુળજાશંકર મહેતા હંસાના દાદાજી. નાનપણમાં માતાનું અવસાન થતાં પિતાની સીધી દેખરેખ નીચે ઉછેર. ૧૯૧૩માં મૅટ્રિકની પરીક્ષામાં બહેનોમાં પ્રથમ. સ્વાતંત્ર્ય-ચળવળની ભાવનામાં રંગાઈને વિદ્યાર્થીસમાજની સ્થાપના કરી. ૧૯૧૮માં ફિલૉસૉફી સાથે બી.એ. (ઑનર્સ) થયાં. પત્રકારત્વના અભ્યાસ માટે ૧૯૧૯માં ઇંગ્લૅન્ડ ગઈ. ત્યાં તેનો મેળાપ સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થયો.
૧૯૨૦માં જિનિવા ખાતેના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિની સાથે હિંદનાં પ્રતિનિધિ તરીકે હાજરી. સાથે જ સ્વાતંત્ર્ય સૈનિક બનવા પ્રેરાઈ. દરમિયાન, હંસા ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્નબંધને બંધાઈ.
હંસા મહેતા પ્રથમ ગુજરાતી સ્ત્રી પત્રકાર ગણાય છે. લેખન તેના રસનું અને વારસામાં મળેલું ક્ષેત્ર. હંસાએ અંગ્રેજી તેમજ સંસ્કૃતમાંથી કેટલાક અનુવાદો ઉપરાંત અંગ્રેજીમાં ત્રણેક કૃતિઓ આપી. તેણે સોળ ગુજરાતી અને ચાર અંગેજી મળીને કુલ વીસ પુસ્તકો લખ્યાં. હંસાને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાનો અવસર સાંપડ્યો. ૧૯૩૭માં પ્રાંતિક સ્વરાજની ચૂંટણીમાં હંસા મહેતા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ. મુંબઈ ધારાસભામાં પહોંચી.
૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને ફરી જેલમાં. પાંચ મહિના પછી જેલવાસમાંથી બહાર. ૧૯૪૬માં ભારતીય મહિલા વિશ્વ વિદ્યાલયની પ્રથમ મહિલા કુલપતિ બની. ત્યાર બાદ મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયની કુલપતિ બની. વર્ષ ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી બન્યા. મેઘધનુષના રંગ પરસ્પરમાં મળેલા હોય અને છતાં એકમેકથી નોખી આભા પ્રકટાવે એમ હંસા મહેતા અને જીવરાજ મહેતાની ઓળખ પરસ્પરમાં વિલીન થતી હોવા છતાં એકમેકથી ભિન્ન રંગછટા પ્રકટાવતી રહી. પતિ અને પત્ની બેય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં હોય ત્યારે જ આવું મનોહર દ્રશ્ય સર્જાતું હોય છે !