ભારતને ૧૫ ઓગસ્ટની મધરાતે કેમ મળી આઝાદી?

Wednesday 11th August 2021 03:17 EDT
 
સંસદ ગૃહમાં ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતે પ્રથમ પ્રવચન કરતા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ
 

ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળ તીવ્ર બની રહી હતી. બ્રિટીશ રાજની ગુલામીની બેડીમાંથી મુક્તિની માગ બુલંદ બની રહી હતી. આ દરમિયાન લાહોરમાં યોજાયેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં ઉપસ્થિત જનસમુદાયે ૨૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ ‘પૂર્ણ સ્વરાજ’ એટલે કે તે દિવસથી જ સ્વાતંત્ર્યનો સંકલ્પ સેવ્યો હતો. તે વખતે એવું પણ નક્કી થયું હતું કે ભારત જયારે ખરેખર આઝાદ થશે ત્યારે ૨૬ જાન્યુઆરીની તારીખ સ્વાતંત્ર્ય દિન તરીકે રાખીશું. તો પછી ૧૫ ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ કેવી રીતે બન્યો? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે...

સન ૧૯૪૫માં બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત તો થયું, પણ બ્રિટનને આર્થિક ક્ષેત્રે જંગી ફટકો પડ્યો હતો. વિશ્વ યુદ્ધ પછી બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો હતો. ચૂંટણી પૂર્વે લેબર પાર્ટીએ ઢંઢેરા (મેનિફેસ્ટો)માં જણાવ્યું હતું કે તેઓ સત્તા પર આવશે તો વારાફરતી જે તે દેશો કે કોલોની પર હુકુમત કરે છે તે ત્યજી દેશે.
લેબર પાર્ટીએ ભારત અને પાકિસ્તાનના ભાગલાની ફોર્મ્યુલા સાથે લોર્ડ વાવેલને ભારત મોકલ્યા. તેમણે પ્રસ્તાવ જ એ રીતે મૂક્યો કે ભારતભરમાં હિંસા ભડકી ઉઠી. લોર્ડ વાવેલની નિષ્ફળતા પારખીને લેબર પાર્ટીએ તેમને પરત બોલાવી લીધા અને લોર્ડ માઉન્ટબેટનને ભારત મોકલ્યા.
૩૦ જૂન ૧૯૪૮ સુધીમાં ભારત અને પાકિસ્તાનનું બે દેશોમાં વિભાજન કરીને બ્રિટનના શાસનમાંથી મુક્ત કરવાનું ભગીરથ કામ આ ડેડલાઈન સાથે તેમને સોંપાયું હતું.
લોર્ડ માઉન્ટબેટન પણ વકરેલી કોમી હિંસાને કાબુમાં નહોતા લાવી શક્યા. હવે ૩૦ જૂન ૧૯૪૮ સુધી તો રાહ જોવાય તેમ નહોતી. આથી તેમણે ભાગલાની પ્રક્રિયા - ફોર્મ્યુલા ઝડપથી આટોપવા ભારત અને પાકિસ્તાનના નેતાઓને દબાણ કર્યું તો બીજી તરફ જુલાઈ ૧૯૪૭માં બ્રિટિશ પાર્લામેન્ટે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કર્યો.
હવે ભારતનો આઝાદી દિન કયો રાખવો તે નક્કી કરવાની ઔપચારિકતા જ બાકી હતી. ભારતના નેતાઓએ ૧૯૨૯માં લાહોર અધિવેશનમાં લેવાયેલ ૨૬ જાન્યુઆરીનો સંકલ્પ યાદ કરીને ૨૬ જાન્યુઆરી ૧૯૪૮ને સ્વાતંત્ર્ય દિવસ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે હિંસા અને તણાવનો માહોલ જોતાં બ્રિટીશ સરકારને સંસદમાં ઠરાવ પસાર થઇ ગયા પછી પણ બીજા છ મહિના રાહ જોવાનું ઉચિત ના લાગ્યું.
બીજી તરફ, બ્રિટન એમ પણ ઇચ્છતું હતું કે સ્વાતંત્ર્ય દિનની તારીખ ભારત ખુદ નક્કી કરે અને તેની સાથે કોઈ યાદગીરી પણ સાંકળી લે. આ બધી વિચારણા દરમિયાન જ લોર્ડ માઉન્ટબેટનને યાદ આવ્યું કે બીજા વિશ્વ યુદ્ધમાં તેઓ ચીફ ઓફ ધ ઇસ્ટર્ન એલાઇડ કમાન્ડ તરીકે બ્રિટિશ સૈન્યમાં હતા ત્યારે બ્રિટન માટે સીમાચિહ્નરૂપ સફળતા મેળવતા તેમની રાહબરી હેઠળ જ જાપાનને બ્રિટનના શરણે થવા મજબૂર કર્યું હતું. આ સાથે, બ્રિટનના વિજય સાથે, બીજા વિશ્વ યુદ્ધનો પણ અંત આવ્યો હતો. અને આ દિવસ હતો ૧૫ ઓગસ્ટ ૧૯૪૫.
બસ, તેની યાદને અમર કરવા માટે લોર્ડ માઉન્ટબેટનના સૂચનને સ્વીકારી લઇને બ્રિટીશ સરકારે ભારતનો આઝાદી દિન ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નક્કી કરી નાખ્યો. ભારતને ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત કરવાની તારીખ જાહેર થઇ કે તરત જ દેશના જાણીતા જ્યોતિષીઓ કામે લાગી ગયા હતા. તેમણે ગ્રહદશાના આધારે કુંડળી તૈયાર કરીને હોબાળો મચાવી દીધી કે ભારત માટે ૧૫મી ઓગસ્ટની તારીખ સ્વાતંત્ર્ય દિવસ માટે કોઇ પણ પ્રકારે શુભ નથી.
બીજી તરફ, બ્રિટન ભારતને શાસનધૂરા સોંપી દેવા માટે ૧૫ ઓગસ્ટ માટે મક્કમ હતું. લાંબી ચર્ચાવિચારણા અને માથાઝીંક બાદ વચલો રસ્તો એવો નીકળ્યો કે ૧૪ ઓગસ્ટની મધરાતે ભારતને આઝાદી આપવી. આની પાછળની ગણતરી કંઇક એવી હતી કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૧૪ ઓગસ્ટની મધરાતે ૧૨ના ટકોરે ૧૫મી તારીખ થઇ જશે જયારે હિન્દુ કેલેન્ડર અનુસાર સૂર્યોદય પછી તારીખ બદલાતી હોય છે. આમ મધરાતે ભારતીય ધ્વજ લહેરાયો! આ છે ફ્રીડમ એટ મિડનાઇટનું રહસ્ય...!
...અને હા, પેલી પૂર્ણ સ્વરાજના સંકલ્પની તારીખ ૨૬ જાન્યુઆરીનું શું થયું?! વેલ, આગળ જતાં આ તારીખ પણ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળની સીમાચિહ્ન સ્મૃતિ તરીકે જળવાય રહે તે માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે પસંદ થઇ ૨૬ જાન્યુઆરી...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter