ભારતનો ‘નાયક’ પૃથ્વીરાજ વિરુદ્ધ પાકિસ્તાનનો ‘નાયક’ મુહમ્મદ ઘોરી

ડો. હરિ દેસાઇ Tuesday 25th April 2017 07:47 EDT
 
 

ભગવાન શ્રીકૃષ્ણના વંશજોએ વસાવેલા ગઝનીના શાસકો સમયાંતરે ભારત માટે ખલનાયક બન્યા. સોમનાથ પર વારંવાર આક્રમણ કરીને લૂંટફાટ કરનારા મહમૂદ ગઝની પછી મુહમ્મદ ઘોરીએ ભારતવર્ષના આપસમાં લડતા-ઝઘડતા હિંદુ રાજવીઓની ફાટફૂટનો લાભ લીધો. સેંકડો વર્ષ લગી ભારતને મુસ્લિમ-તુર્ક શાસકો અને એ પછી અંગ્રેજી વેપારીમાંથી ધણી થઈ બેઠેલાઓની ગુલામીમાં ધકેલ્યું. સિંધના બ્રાહ્મણ રાજા દાહિર પરના આરબ આક્રમણખોર મુહમ્મદ બિન કાસિમના ઈ.સ. ૭૧૨ના આક્રમણ અને વિજય પછી છેક ઈ.સ. ૧૧૭૩માં ગઝનીના જ મુહમ્મદ ઘોરીએ વાયવ્ય ભારત ભણીના પ્રદેશને કબજે કરવા આક્રમણ આદર્યાં. ૧૧૭૮ સુધીમાં તો એણે પંજાબ, મુલતાન અને સિંધને કબજે કરી લીધાં હતાં.

બાહોશ પૃથ્વીરાજની ઉદારતા એને નડી

અત્યારના ગુજરાતમાં જન્મેલા અને મોટા થયેલા પૃથ્વીરાજ ચૌહાણના રાજવી પિતા સોમેશ્વરનું ૧૧૬૬ના સમયગાળામાં મૃત્યુ થતાં માંડ અગિયાર વર્ષના પૃથ્વીરાજે અજમેરની ગાદી સંભાળી. દિલ્હીના રાજવી તરીકે પણ એ સ્થાપિત થયા. દિલ્હીના રાજવી સોમેશ્વરે દિલ્હીની ધુરા પણ સંભાળી હતી. નાની વયે પૃથ્વીરાજે ગાદી સંભાળી એટલે માતા કર્પૂરીદેવી એના વતી વહીવટ કરતાં હતાં, પણ બાળપણથી જ શૂરવીર પૃથ્વીએ યુદ્ધકળામાં પારંગત થઈને ગાદીએ આવતાં જ નાની વયે યુદ્ધો ખેલવા માંડ્યાં.

ઉદાર દિલ અને શૂરવીર પૃથ્વીરાજ તૃતીય તરીકે મશહૂર દિલ્હી અને અજમેર બેઉ રાજધાની પરથી રાજ કરનાર આ હિંદુ સમ્રાટને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં વિશેષ રુચિ હતી. એમનું સામ્રાજ્ય અત્યારના રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અમુક હિસ્સામાં પથરાયેલું હતું. એણે અનેક હિંદુ રાજાઓને હરાવ્યા પણ પરાજિત રાજાઓ સાથે ઉદાર વલણ દાખવ્યું અને એની આ ઉદારતા જ એને ભવિષ્યમાં નડતરરૂપ બની. રાજા સોમેશ્વરનાં માતા ગુજરાતનાં રાજકુમારી કાંચનદેવી હતાં. સોમેશ્વરનું લાલન-પાનલ પણ ચૌલુક્યરાજ કુમારપાલે કર્યું હતું.

સંયોગિતાના અપહરણથી કનૌજ સાથે વેર

માંડ ૨૯ કે ૩૬ વર્ષની વયે મૃત્યુને ભેટેલા પૃથ્વીરાજ પરણવા ઈચ્છે ત્યારે યુદ્ધ કરવાની તૈયારી રાખતા. પૃથ્વીરાજનું નામ કનૌજના મહારાજા જયચંદની રાજકુમારી સંયોગિતા સાથે બહુચર્ચિત છે. પૃથ્વીરાજ અને જયચંદ બેઉ માસિયાઈ હોવા છતાં બેઉ વચ્ચેની દુશ્મની છતાં સંયોગિતા પૃથ્વીને પ્રેમ કરે એ બનારસમાં રાજમહેલ ધરાવનાર કનૌજપતિથી સહન શેં થાય? એમણે સંયોગિતાનો સ્વયંવર યોજ્યો. પૃથ્વીરાજ સિવાયના રાજવીઓ અને રાજકુમારોને તેડાવ્યા, પણ એ બધાની વચ્ચેથી પૃથ્વીરાજ પોતે સંયોગિતાનું અપહરણ કરી ગયો. અસ્સલ શ્રીકૃષ્ણ જે રીતે રૂકિમણીનું અપહરણ કરીને આવ્યા હતા એમ જ. કનૌજપતિ ગિન્નાયા.

આગલા વર્ષે ૧૧૯૧માં તરાઈનના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ અને મુહમ્મદ ઘોરી વચ્ચે યુદ્ધ થયું હતું. ઘોરી પરાજિત થયો હતો. એને સાંકળે બાંધીને પૃથ્વીરાજના દરબારમાં રજૂ કરાયો ત્યારે પોતાના ગુજરાતી નાગર પ્રધાનોની સલાહ વિરુદ્ધ પૃથ્વીરાજે એને ક્ષમા કરીને જવા દીધો. ઉપકારનો બદલો અપકારથી વાળવા ઘોરી સજ્જ થઈ રહ્યો હતો. એવામાં જ સંયોગિતાનું અપહરણ થયું એટલે જયચંદે પણ ઘોરીને મદદ કરવાનો સંદેશ પાઠવ્યો.

બીજા જ વર્ષે ઘોરી અને પૃથ્વીરાજ એ જ તરાઈનના મેદાનમાં ફરી ટકરાયા. યુદ્ધખોર પૃથ્વીરાજની મદદે હિંદુ રાજાઓ આવ્યા નહીં. ‘ગદ્દાર જયચંદ’ તો એનો ખાત્મો બોલાવવા આતુર હતો અને ઘોરી પૂરી તૈયારી સાથે આવ્યો હતો. મુહમ્મદે પૃથ્વીરાજને હરાવ્યો, આંખો ફોડી અને મોતને ઘાટ ઉતાર્યો. એ પછી ઘોરીએ કનૌજ પર આક્રમણ કરીને જયચંદને પણ મોતને ઘાટ ઉતાર્યો.

ભારતની ‘પૃથ્વી’ મિસાઈલ વિ. પાકની ‘ઘોરી’

બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા થયા અને ભારત-પાકિસ્તાનના આદર્શ પણ બદલાયા. ભારતે પૃથ્વીરાજ ચૌહાણને હીરો લેખ્યો, જ્યારે પાકિસ્તાને મુહમ્મદ ઘોરીને પોતાનો આદર્શ ગણ્યો. બંને દેશોની લશ્કરી મિસાઈલોમાં પણ ભેદ ઝગારા મારે છે. ભારતે ‘પૃથ્વી’ મિસાઈલ બનાવી ત્યારે સામે પક્ષે પાકિસ્તાને ‘ઘોરી’ મિસાઈલ બનાવી.

બેઉ દેશની દુશ્મનીને કારણે ક્યારેક અખંડ વારસો ધરાવતું ભારત વિભાજિત થતાં એમાંથી છૂટા પડેલાં પાકિસ્તાને બહુમતી ભારતીયો માટે ખલનાયક લેખાય એવા મુસ્લિમ શાસકો કે આક્રમણખોરોને, કમનસીબે પોતાના હીરો લેખવાનું કબૂલ રાખ્યું. ભારત પ્રત્યેની ઘૃણા પર તો પાકિસ્તાન પોતાનું અસ્તિત્વ ધરાવે છે.

પૃથ્વીરાજના ઈતિહાસમાં તથ્યો-કલ્પનોની ભેળસેળ

મુશ્કેલી એ રહી છે કે ભારતીય રાજા-મહારાજાઓ વિશે મહદ્અંશે મુસ્લિમ આક્રમણખોરો કે શાસકોના દરબારી ઈતિહાસલેખકો અથવા તો બ્રિટિશ ઈતિહાસલેખકો પર મદાર રાખવો પડે છે. ભારતીય ઈતિહાસલેખન પરંપરા નબળી રહી હોવાથી દરબારી કવિઓ કે લોકકથાઓમાં રાજા-મહારાજાઓનાં પ્રશસ્તિગાન થતાં હોય, પણ ઈતિહાસની તથ્યાત્મક નોંધો થયેલી નથી એટલે વિકૃત ઈતિહાસ સર્જાતો રહ્યો છે. પૃથ્વીરાજનું પણ એવું જ થયું છે. પૃથ્વીરાજ ચૌહાણ આજેય લોકોના દિલોદિમાગમાં સ્થાન ધરાવતાં હીરો હોવા છતાં એમનો સર્વસ્વીકૃત ઈતિહાસ ઉપલબ્ધ નથી. એમના જીવન, લગ્નો, સંતાનો અને અન્ય બાબતો વિશે નક્કર હકીકતો મળવી મુશ્કેલ છે.

પૃથ્વીરાજનું મોત અજમેરમાં, મઝાર કંદહારમાં!

ઈતિહાસકારો એવા તારણ પર આવ્યા છે કે મુહમ્મદ ઘોરી પૃથ્વીરાજને પરાજય પછી અજમેર લઈ ગયો અને ત્યાં જ એને મોતને ઘાટ ઉતાર્યો. જોકે, સમ્રાટ પૃથ્વીરાજ અને એમના રાજકવિ ચંદર બરડાઈની મઝાર કંદહારમાં દર્શાવાય છે. ડાકૂરાણી ફૂલન દેવીની હત્યાના આરોપી સમશેર રાણાએ જેલમાંથી ભાગી જઈને કંદહાર જઈ સમ્રાટ પૃથ્વીરાજની સમાધિની માટી ભારત લાવ્યાનું એની ‘જેલ ડાયરી’માં નોંધ્યું છે. પૃથ્વીરાજને ઘોરીએ ઈસ્લામ કબૂલવાનું કહ્યું, પણ એ નકાર્યું અને એમને મોતને ઘાત ઉતારાયા એવું મનાય છે.

જોકે, પૃથ્વીરાજના એકમાત્ર રાજકુમાર ગોવિંદરાજને ઘોરીના સામંત તરીકે મોટી ખંડણી ચૂકવીને અજમેર પર અમુક સમય માટે રાજ કરવા દેવાયું, પણ એમના જ કાકા હરિ રાજે એમને ઉથલાવ્યા અને ગોવિંદરાજે રણથંભોર જઈને રજવાડું સ્થાપ્યું હતું.

ઈસ્લામ અને પૃથ્વીરાજના વંશજો

આજેય ભારતમાં પ્રતિષ્ઠિત સામાયિકોમાં પૃથ્વીરાજના રાજકુમારોમાંથી ત્રણે ઈસ્લામ કબૂલ્યાની અને તેમની બે રાજકુમારીઓ ‘અજમેર ચિશ્તી કી નિકાહ મેં’ અને ‘નાગૌર શરીફ કી નિકાહ મેં’ ગયાની વાતો ચર્ચામાં રહે છે. જોકે, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના અભ્યાસી અને જાણીતા ઈતિહાસકાર ડો. બિંધ્યરાજ ચૌહાણ આ વાતો સાથે સંમત નથી. તેઓ તો કહે છે કે ત્રણથી ચાર લગ્ન કરનાર પૃથ્વીરાજને એક જ સંતાન એટલે કે રાજકુમાર ગોવિંદરાજ હતા. બીજી બાજુ, સંઘ પરિવારના અને વિશ્વ હિંદુ પરિષદ રાજસ્થાનમાં ચિત્તા અને મહેરાત કોમના હિંદુ અને મુસ્લિમ બેઉ ધર્મનું અનુસરણ કરનારા મુસ્લિમોની ‘ઘરવાપસી’ માટે પ્રયત્નશીલ છે. પૃથ્વીરાજથી ૨૬મી પેઢીના વંશજોએ ઈસ્લામ કબૂલ્યાનું જણાવાય છે અને આ તેમના વંશજ છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 29 Apri 2017 વેબલિંકઃ http://bit.ly/2oGe8id)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter