રાજા રામમોહન રાય ભારતીય રેનેસાં - નવજીવનના પિતા કે પ્રણેતા મનાય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ યુકેના બ્રિસ્ટોલમાં રહેલા અને ત્યાં જ તેમનો દેહાંત થયેલો. આજે પણ બ્રિસ્ટોલમાં તેમની સમાધિ છે.
અરનોસ વાલે સીમેટરી, બ્રિસ્ટોલ દ્વારા દર વર્ષે રાજા રામમોહન રાયની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ૨૯મી સપ્ટેમ્બર, રવિવારના રોજ સીમેટરીમાં નાનો કાર્યક્રમ રખાયો હતો. સીમેટરીના ટ્રસ્ટી અને જેમની મહેનતથી રાજા રામમોહન રાયને બ્રિસ્ટોલમાં યોગ્ય સ્થાન મળ્યું છે તેવા શ્રીમતી કાર્લા કોન્ટ્રાક્ટરે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં બ્રિસ્ટોલના મહત્વના પદાધિકારીઓ ઉપરાંત ભારતીય સમુદાયના સ્થાનિક લોકો, બ્રહ્મો સમાજના સભ્યો, યુનિટેરિઅન ફેઈથના લોકો, બ્રિસ્ટોલ મલ્ટી ફેઈથ ફોરમના લોકો આવેલા. ભારતીય હાઇ કમિશનમાંથી મને કાર્યક્રમમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું.
૨૨મી મે ૧૭૭૨થી ૨૭મી સપ્ટેમ્બર ૧૮૩૩ સુધીનો આ ધરતી પર સુક્ષમ દેહે જીવનકાળ લઈને આવેલા રાજા રામમોહન રાયનું યોગદાન તેમના જીવન અને સમય કરતા ઘણું વધારે અને ભવિષ્યવાદી હતું. તેમણે ભારતીય મહિલાઓના હક માટે જે લડત આપી તેનો અમલ આજે પણ આપણે પૂર્ણપણે કરાવી શક્યા નથી. સતીપ્રથા નાબુદી, મહિલા શિક્ષણ, મહિલાઓને મિલકતમાં હક, દહેજ પ્રથા નાબુદી, તેમણે સમાજમાં સમાન સ્થાન માટે તેમણે પ્રયાસ કરેલા. બહુ ઓછા વિચારકો કે સુધારકો એવા હોય છે કે જેમના જીવન દરમિયાન સુધારા આવે છે, પરંતુ રાજાજીએ કરેલા પ્રયાસોને તેમણે બ્રિટિશ કંપનીના લોર્ડ બેન્ટિન્ક સાથે મળીને સતીપ્રથા નાબૂદીને કાયદાકીય સ્વરૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવેલો અને પરિણામે તેમનો અમલ કરાવી શકેલા. આશ્ચર્યની વાત છે કે એ સમયે હિન્દુ ધર્મના કેટલાક પ્રતિનિધિઓએ આ કાયદો રદ કરાવવા લંડનમાં પ્રિવી કાઉન્સિલમાં અપીલ કરેલી. રાજાજીએ લંડન આવીને પ્રિવી કાઉન્સિલમાં સતી પ્રથા વિરુદ્ધ કાયદાકીય રજૂઆત પણ કરેલી અને કાયદો અમલી રાખવામાં સફળ થયેલા.
તેઓ માત્ર મહિલા અધિકારના પ્રણેતા ન હતા. તેમણે ભારતીય ધર્મમાં એકેશ્વરવાદ સ્થાપવા પ્રયાસ કરેલો. બ્રહ્મો સભાની સ્થાપના કરી અને તેમાંથી આજનો બ્રહ્મો સમાજ બન્યો. સામાજિક સુધારણાના પોતાના વિચારોનો ફેલાવો કરવા તેમણે ફારસીમાં ‘મિરાત-ઉલ-અકબર’ અને બંગાળીમાં ‘સંવાદ કૌમુદી’ નામના સમાચાર પત્રો પણ શરૂ કર્યા હતા. તેમણે પૂર્વ અને પશ્ચિમની તાલીમનો સમન્વય સાધીને બંનેના સારા પાસાઓ અંગીકાર કરેલા. બંને સંસ્કૃતિઓએ એકબીજા પાસેથી ઘણું શીખવાનું છે એવું તેમણે પોતાના લખાણોમાં સ્પષ્ટ કર્યું છે.
એક રાજનેતા, શિક્ષણવિદ્ તથા સમાજ સુધારક રાજા રામમોહન રાયનું અવસાન મેનિન્જાઈટિસ બીમારીથી સ્ટેપલટનમાં થયેલું જે બ્રિસ્ટોલમાં આવેલો એક વિસ્તાર છે. ત્યાંથી તેમનો મૃતદેહ અરનોસ વાલે સીમેટરીમાં ખસેડાયેલો. તેમના સમાધિસ્થાને સુંદર છત્રી અને સ્મારક બનાવાયેલું છે. ત્યાં રાજા રામમોહન રાયની પ્રતિમા પણ છે. રાજાજીની એક લાઈફ-સાઈઝ પ્રતિમા સીટી હોલના મેદાનમાં અને એક કાંસ્ય પ્રતિમા સીટી હોલમાં પણ રાખવામાં આવેલી છે. શ્રીમતી કાર્લા કોન્ટ્રાક્ટરના પ્રયત્નોથી આ પ્રતિમાઓ કલકત્તાથી બનાવડાવીને મંગાવાયેલી છે અને તે બ્રિસ્ટોલ શહેરમાં માનદ્ સ્થાન પામી છે.
પુણ્યતિથિના સમારોહમાં શહેરના લોર્ડ મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદેદારોની હાજરી સૂચવે છે કે રાજા રામમોહન રાયનું બ્રિસ્ટોલના લોકોના હૃદયમાં સન્માનજનક સ્થાન છે અને તેઓ બંને સંસ્કૃતિ વચ્ચે ખરો સેતુબંધ બન્યા છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)