વિદેશમાં જઈને ભણ્યા સિવાય આપબળે ભારતમાં રહીને જ વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન કરીને છેક ૧૯૩૦માં નોબેલ પારિતોષિક મેળવનાર સર સી. વી. રામનનો જોટો જડવો મુશ્કેલ છે. ‘રામન ઈફેક્ટ’ શોધ માટે સૌ પ્રથમ એશિયન તરીકે નોબેલ પ્રાઈઝ મેળવ્યું છતાં એ રામનને ભારત સરકાર જ નહીં, સાથી વૈજ્ઞાનિકોએ કનડવામાં કોઈ મણા રાખી નહોતી. મહિને દસ રૂપિયાનો શિક્ષક તરીકેનો પગાર મેળવનારા પિતાએ પોતાના સસરા કનેથી મહિને બીજા દસ રૂપિયાની લોન લઈને ઘર ચલાવવું પડતું હતું, એવા સામાન્ય પરિવારમાં જન્મેલા રામને મદ્રાસ (હવેના ચેન્નઈ) ખાતેની પ્રેસિડેન્સી કોલેજમાંથી બી.એ. અને પછીની અનુસ્નાતક પદવી મેળવી.
પિતાની ફરજના ભાર તળે દબાયેલી સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે મોટા ભાઈ સુબ્રમણ્ય સાથે ફાયનાન્શિયલ સર્વિસ પરીક્ષા ૧૯૦૭માં પાસ કરીને કોલકાતામાં આસિસ્ટન્ટ એકાઉન્ટ-જનરલ તરીકે નોકરી શરૂ તો કરી, પણ એનો જીવ મૂળે સંશોધનનો હોવાથી સરકારી નોકરી સિવાયનો સમય ઈન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશનલ ઓફ સાયન્સ (આઈએસીએસ)ની પ્રયોગશાળામાં જ ગાળવાનું રાખ્યું હતું. મૂળ તમિળ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હોવા છતાં સામાજિક સુધારાવાળું લગ્ન પોતાને ગમી ગયેલી કન્યા સાથે કરીને બ્રિટિશ રાજની રાજધાની ૧૯૧૧ સુધી જ્યાં રહી એ જ કોલકાતામાં કાયમ વસવાનો સંકલ્પ કરીને ત્યાં જમીન પણ ખરીદી હતી. જોકે, અહીં એમને સામેથી કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમંત્રવામાં આવ્યા. નિમંત્રણ આપનાર હતા કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ સર આશુતોષ મુકરજી. બ્રિટિશ સરકારની મોભાની નોકરી કરતાં પ્રાધ્યાપક તરીકે ઓછો પગાર મળવાનો હતો છતાં રામને પોતાના મનગમતા કામને ત્યાં તક મળશે એવું માનીને સરકારી નોકરી છોડવાનું પસંદ કર્યું.
સર આશુતોષે લાલ જાજમ પાથરી, શ્યામાબાપુએ કનડ્યા
રામન સરકારી નોકરી છોડીને યુનિવર્સિટીમાં જોડાયા. સંશોધન અને અધ્યાપનની સાથે જ વહીવટી જવાબદારી પણ એમના શિરે આવી. વ્યક્તિત્વ જ સમર્પિત હતું. વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય બન્યા. સંશોધન કાર્યમાં પણ પોતાના સાથીઓ અને વિદ્યાર્થીઓને જોડતા રહ્યા. યુનિવર્સિટીની સેનેટમાં પણ સક્રિય રહ્યા. નવા નવા અભ્યાસક્રમો શરૂ કરાવવાની દરખાસ્તો કરતા રહ્યા. એ માત્ર ફિઝિક્સમાં જ રસ લેનારા નહોતા, સંગીતનો શોખ પણ અન્યોને પ્રોત્સાહન પૂરું પાડતો રહ્યો. જોકે, અહીં એમનું નામ જેમ જેમ દેશ અને દુનિયામાં ગાજતું થયું, એમ એમના ભણી દ્વેષભાવ રાખનારાઓની સંખ્યા પણ વધવા માંડી.
રામન તો ઓલિયો માણસ. એણે પોતાના વિરોધીઓ ભણી ઝાઝું ધ્યાન આપ્યા વિના નોબેલ પ્રાઈઝ મેળવવાના લક્ષ્ય ભણી ધ્યાન આપવાનું રાખ્યું. અહીં મેઘનાદ સહા નામના બીજા વૈજ્ઞાનિક પણ નોબેલ પ્રાઈઝ ઝંખતા હતા. વાત બંગાળી અને દક્ષિણ ભારતીય વચ્ચેના વિવાદ લગી પહોંચી એ પહેલાં તો ‘રમન ઈફેક્ટ’ની એમની શોધ માટે એમને ૧૯૩૦માં ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જાહેર થયું. એમણે એના સ્વીકાર વ્યાખ્યાનમાં પોતાના સાથીઓને યશ આપવામાં કોઈ કંજુસાઈ કરી નહીં, પણ બંગાળી રાષ્ટ્રવાદ ફૂંફાડા મારવા માંડ્યો.
રામન દક્ષિણ ભારતીયોને મહત્ત્વ આપી રહ્યા છે એવી ચર્ચા ચાલુ થઈ. એમની વિરુદ્ધ અખબારોમાં ચર્ચાપત્રો છપાવાં શરૂ થયાં. જે તમિળ બ્રાહ્મણ વૈજ્ઞાનિક કોલકાતાને પોતાનું ઘર ગણતો હતો અને અહીં ઠરીઠામ થઈને રહેવા ઈચ્છતો હતો એને સર આશુતોષ મુકરજીના પુત્ર અને યુનિવર્સિટીના કુલપતિ બનેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજી અને બીજાઓએ કોલકાતા છોડી જવાની સ્થિતિ સર્જી. આ ડો. મુકરજી પેલા મેઘનાદ સાહાની કાનભંભેરણીનો ભોગ બનીને નોબેલ પારિતોષિક મેળવનાર સર સી. વી. રામનની પાછળ પડી ગયા.
બેંગલોરની ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં
વર્ષ ૧૯૩૦માં નોબેલ મેળવનાર સર રામન કોલકાતા યુનિવર્સિટી છોડીને બેંગલોરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં જોડાયા. અહીં ૨૪ એપ્રિલ ૧૯૩૪ના રોજ રામને ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સ નામની સંસ્થાની નોંધણી કરાવીને વિવિધ કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું. અહીં પેલી કોલકાતાની ટોળકી કાળોતરો બનીને એમનો મારગ અવરોધવા આવી પહોંચી. બેંગલોર આવી ગયેલા સર રામનને કોલકાતાની ‘ઈન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ’ સંસ્થાના માનદ મંત્રી પદેથી દૂર કરવામાં બંગાળીબાબુઓ સફળ રહ્યા. અહીં પણ ડો. શ્યામાબાબુએ સહાના ઈશારે જ જાણે રામનવિરોધી ઝુંબેશનું સુકાન સંભાળ્યું. આટલું બાકી હોય તેમ સર રામનને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના ડિરેક્ટરપદેથી દૂર કરાવ્યા.
નવાઈ તો એ વાતની લાગે કે ડો. મુકરજીએ સર રામનને હોદ્દેથી હટાવવા માટે બેઠકમાં હાજર રહેવા માટે ઈંગ્લેન્ડ જવાનું માંડી વાળ્યાનો પત્ર પણ મેઘનાદ સહાને લખ્યો હતો. જોકે, રામન અહીં ઈન્સ્ટિટ્યુટમાં પ્રોફેસર તરીકે પોતાની નિવૃત્તિ લગી ચાલુ તો રહ્યા પણ એમનું દિલ ખાટું થઈ ગયું હતું. સરકાર પણ એમની થતી રહેલી કનડગતની મૂકપ્રેક્ષક બની રહી. આઝાદી પછી પંડિત નેહરુની સરકારે સર રામનને પહેલા તબક્કામાં જ ‘ભારતરત્ન’ આપીને એમનું ગૌરવ કર્યું, પણ વૈજ્ઞાનિકોને શોધખોળ માટેની મોકળાશને બદલે બ્યુરોક્રસીના હાથમાં બધું સોંપી દીધું હતું એટલે સર રામન નેહરુના પણ ટીકાકાર બન્યા. એનાથી ઉલટુ નહેરુ સાથેની નિકટતાનો ભરપૂર લાભ મેઘનાદ સહાએ ઊઠાવ્યો!
સર રામનનું જીવંત સ્મારક
મહિસૂરના મહારાજા વાડ્યારનો સર રામન પર ખૂબ જ પ્રેમભાવ રહ્યો. એમણે રામનના પ્રકલ્પ માટે જમીન ભેટમાં આપી. રામને પોતાની રીતે નાણાં ઊભાં કરીને રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઊભી કરીને પોતાનું સંશોધન કાર્ય બેંગલોર પરિસરમાં આવેલી આ સંસ્થામાં આદર્યું. સરકારી નાણાં લેવા બાબત એમને હંમેશા સંકોચ રહેતો હતો, પણ વૈજ્ઞાનિક શોધખોળ માટે એમણે આ સંસ્થામાં જીવ રેડી દીધો. એમના મૃત્યુ પછી સરકારે એમના પુત્રને સંસ્થાના નિયામક બનાવીને સરકારી ગ્રાન્ટ પર એને ચલાવવાનું પસંદ કર્યું.
(વધુ વિગત માટે વાંચો Asian Voice અંક ૪ નવેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2gOJ9yS)