થોડા દિવસ પહેલાં સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં 1,63,370 ભારતીયોએ તેમની નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે. ભારતના ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 6 લાખ કરતાં વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. છેલ્લા બે દાયકામાં વિદેશોમાં જઇને વસનારા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 2015થી સપ્ટેમ્બર 2021 સુધીમાં 8,81,254 ભારતીયોએ વિવિધ કારણોસર પોતાની નાગરિકતા છોડી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર હાલ 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે.
શા માટે ભારતીયો દેશ છોડીને અન્ય દેશોમાં વસવાટ અને ત્યાંની નાગરિકતા સ્વીકારવાનું પસંદ કરી રહ્યાં છે. શા માટે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશોમાં અભ્યાસ કરવા જઇ રહ્યાં છે. શા માટે ભારતમાંથી કરોડોપતિઓ પલાયન કરીને અન્ય દેશોમાં સ્થાયી થઇ રહ્યાં છે. લોકસભામાં નિત્યાનંદ રાયના જવાબ બાદ ભારતીય મીડિયામાં આ મુદ્દો ગંભીરતાથી ચર્ચાઇ રહ્યો છે.
મોસ્કોમાં એનઆરયુ-એચએસઇ ખાતે પોલિટિકલ સાયન્સમાં પીએચડી કરી રહેલા આશિષ કુમાર સિંહ કહે છે કે, ભારતમાં પ્રવેશ પરીક્ષાઓમાં મેરિટ લિસ્ટમાં ઊંચા કટ ઓફ માર્ક્સના કારણે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવો અઘરો બન્યો છે. ભારતમાં સરકારો વધતી વસતીની સાથે પુરતા પ્રમાણમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઇ છે. ભારતમાં રિસર્ચની પાછળ જીડીપીના ફક્ત 0.7 ટકાનો જ ખર્ચ કરાય છે તેથી વિદ્યાર્થીઓને સંશોધનોની પુરતી તકો ઉપલબ્ધ થતી નથી. તે ઉપરાંત ભારતમાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પણ વિકસિત દેશો જેટલી આવકની કલ્પના કરી શકાતી નથી. 90 ટકા ભારતીયો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશોમાં જઇ રહ્યાં છે. આ તો થઇ વિદ્યાર્થીઓ અને શિક્ષણની વાત.
પરંતુ હવે ભારતના સમૃદ્ધ કરોડોપતિઓ પણ વિદેશમાં વસવાટ કરવાનું પસંદ કરી રહ્યાં છે. મોર્ગન સ્ટેન્લીના એક અહેવાલ અનુસાર 2014 પછી 2300 કરોડપતિ ભારતીયો વિદેશ ચાલ્યા ગયા હતા. 2019માં કરવેરાના માળખા અને આવકમાં ઘટાડાના કારણે 7000 કરોડપતિઓએ ભારત છોડી દીધો હતો. કતારમાં કામ કરી રહેલા આકાશ સિંહ કહે છે કે, વિકસિત દેશોમાં જીવનના ઉચ્ચ ધોરણો, કરલાભ વગેરે પ્રાપ્ત થતાં હોય છે તેથી આ માઇગ્રેશન વધી રહ્યું છે.
એમબીએનો અભ્યાસ કરનાર એક ભારતીય વિદ્યાર્થીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અભ્યાસ પૂરો કર્યા બાદ મેં કેનેડાના પીઆર માટે અરજી કરી હતી. હું સારી જીવનશૈલી ઇચ્છતો હતો. આ દરમિયાન મેં ભારતમાં કેટલીક નોકરીઓ કરી પરંતુ મને ક્યાંય સંતોષ મળ્યો નહોતો. લોકો સાથેના મારા અનુભવના કારણે મેં કેનેડા જતા રહેવાનો નિર્ણય કર્યો હતો. 2003માં કેનેડા ચાલ્યા ગયેલા અનીસ સિંહ કહે છે કે 2007માં મેં વતન પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. કેનેડાની નાગરિકતા મેળવ્યા છતાં હું પરિવાર સાથે ભારત પરત આવ્યો હતો અને અહીં બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ હોદ્દા પર જોડાયો હતો. પરંતુ મને મળતાં ભથ્થાંની સાથે મળતો તણાવ મને વિચલિત કરી રહ્યો હતો. હું આ બધા તણાવમાંથી મુક્તિ ઇચ્છતો હતો અને મેં અને મારી પત્નીએ કેનેડા પરત ચાલ્યા જવાનો નિર્ણય કર્યો હતો. અનીસ કહે છે કે હું કેનેડામાં ભારત કરતાં પણ ઓછા પગારે કામ કરતો હતો પરંતુ હું ખુશ છું. હું મારા પરિવાર અને બાળકોને અહીં પુરતો સમય આપી શકું છું. ભારતમાં મારા માટે તે અશક્ય બની ગયું હતું.
અર્થશાસ્ત્રી શ્રુતિ રાજગોપાલન કહે છે કે શ્રેષ્ઠની જ પસંદગી કરવાની આપણી શિક્ષણ પ્રણાલિના કારણે વિદ્યાર્થીઓને ઘણી ઓછી તક મળી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર ભારતમાં શિક્ષણની સાથે સાથે બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડિસેમ્બર 2021 સુધીના આંકડા અનુસાર દર પાંચ સ્નાતક પૈકીનો એક સ્નાતક બેરોજગાર હોય છે.
ભારત છોડીને વિદેશોમાં સ્થાયી થવું એ અત્યારે દરેક ભારતીયનું સ્વપ્ન બની રહ્યું છે. વિદેશોમાં બધું જ સારું છે એમ તો ન કહી શકાય પરંતુ વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયો સ્વદેશ પરત જવા ઇચ્છતા નથી. દરેકના અંગત અને વ્યક્તિગત કારણો હોઇ શકે છે પરંતુ હકીકત સ્વીકારવી રહી કે ભારતમાંથી વિદેશો તરફ પ્રયાણ કરી રહેલા લોકોનું પ્રમાણ અત્યંત ઝડપથી વધી રહ્યું છે.
નાગરિકતા છોડનારા ભારતીયો હૃદયથી ભારતીય જ રહે છે – સી બી પટેલ
ગુજરાત સમાચારના તંત્રી સી બી પટેલ કહે છે કે દર વર્ષે પાંચ લાખ જેટલા ભારતીયો ભારત છોડીને વિદેશો તરફ પ્રયાણ કરે છે. તેમાં પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ, કુશળ કામદારો, રોકાણકારો, વિદેશોમાં વસતા સંતાનોના આશ્રિતોનો સમાવેશ થાય છે. આપણામાંના બધા આ જૂથમાં સમાવિષ્ટ છીએ. વિદેશમાં સ્થાયી થતા ભારતીયો જે તે દેશની નાગરિકતા સ્વીકારવાનું પસંદ કરે છે ત્યારે ભારતના કાયદા પ્રમાણે તેમણે ભારતની નાગરિકતાનો ત્યાગ કરવો પડે છે પરંતુ હૃદયથી તેઓ ભારતીય જ રહે છે. આ સિલસિલો ચાલુ જ રહેવાનો છે અને તેમાં વધારો પણ થશે. સ્થળાંતરની આ પ્રક્રિયા યુગો યુગોથી ચાલતી આવી છે. સર્વાંગી દ્રષ્ટિએ જોઇએ તો ભારતીય માનવ ધર્મ અને મૂડીરોકાણ વિશ્વવ્યાપી બને તે આવકાર્ય છે.
8.81 લાખ ભારતીયોએ 7 વર્ષમાં નાગરિકતા છોડી
- 2015 – 1,31,489
- 2016 – 1,41,603
- 2017 – 1,33,049
- 2018 – 1,34,561
- 2019- 1,44,017
- 2020 – 85,242
- 2021 - 1,63,370
ભારતીયોએ મેળવેલી નાગરિકતા
અમેરિકા – 2,56,476
કેનેડા – 91,429
ઓસ્ટ્રેલિયા – 86,933
બ્રિટન – 66,193
ઇટાલી – 23,490