નાઈરોબીઃ / કમ્પાલાઃ સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી સાહસને વાસ્તવિકતામાં બદલવામાં પાયારુપ ભારતીય ડાયસ્પોરાની મહેનત અને ચતુરાઈનાં વિવરણોને મોટા ભાગે નજરઅંદાજ કરી દેવાયા છે. આપણે જ્યારે ભૂતકાળમાં ડોકિયું કરી રહ્યા છીએ ત્યારે બ્રિટિશ સંસ્થાનવાદના કાળમાં ઈસ્ટ આફ્રિકાના વિકાસમાં ભારતીય સમુદાયે છોડેલી અમિટ છાપ વિશે જાણકારી પણ આવશ્યક છે.
મોમ્બાસાનું ઈસ્ટ આફ્રિકાના બંદર શહેરોમાં ઐતિહાસિક મહત્ત્વ
કેન્યાના તટક્ષેત્રે આવેલું મોમ્બાસા ઈસ્ટ આફ્રિકાના સૌથી પુરાણા અને સૌથી મહત્ત્વના બંદર શહેરોમાં એક તરીકે ભારે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. સદીઓ સુધી વિસ્તરેલો સમૃદ્ધ ઈતિહાસ ધરાવતું મોમ્બાસા હિન્દ મહાસાગરના તટક્ષેત્રમાં વેપાર, વાણિજ્ય અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું ધરીરૂપ કેન્દ્ર રહ્યું છે. તેનું વ્યૂહાત્મક સ્થાન દરિયાઈ માર્ગોએ આફ્રિકાને એશિયા અને મિડલ ઈસ્ટ સાથે સાંકળવાની વિશેષતા સાથે સમગ્ર વિશ્વના વેપારીઓ, શોધખોળકારો અને વસાહતીઓને આકર્ષતું રહ્યું છે. સદીઓ સુધી મોમ્બાસા આરબ, પરિશીયન, પોર્ટુગીઝ અને બ્રિટિશ સહિત વિવિધ સભ્યતાઓથી પ્રભાવિત રહ્યું છે જેમણે તેના સ્થાપત્ય, વ્યંજનો અને રીતરિવાજો પર વિશેષ છાપ છોડી છે. આજે મોમ્બાસા વ્યસ્ત દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે કાર્યરત છે અને ભાવિ પેઢીઓ કદર કરે તેવા જોશીલા સાંસ્કૃતિક વારસાને જાળવવાની સાથે આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રવાસનને વધારી રહ્યું છે.
કેન્યાની શાળાઓમાં ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં મોમ્બાસાની સ્થાપનાનું વર્ષ ઈ.સ.900નું અપાયું છે. આરબ ભૂગોળવેત્તા અલ-ઈદરિસે વર્ષ 1151નો ઉલ્લેખ કર્યો છે તેમ મોમ્બાસા 12મી સદીમાં સમૃદ્ધ વેપાર નગર બની ગયું હતું. આશરે 14 અને 15મી સદીઓ દરમિયાન તે ઓમાની સામ્રાજ્યના અંકુશ હેઠળ રહ્યું હતું.
બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુખ્યત્વે ભારત સુધી વેપારી માર્ગો સુનિશ્ચિત કરવા અને આફ્રિકાના અંદરના વિસ્તારો કેન્યા અને યુગાન્ડાના સ્રોતોની સુવિધા હાંસલ કરવા 19મી સદીમાં મોમ્બાસામાં પોતાની હાજરી નોંધાવી હતી. આરંભે તો મોમ્બાસા સાથે બ્રિટિશ વેપારનું ધ્યાન હાથીદાંત, તેજાના જેવી વસ્તુઓ અને ગુલામો પર કેન્દ્રિત હતું જેના બદલામાં બ્રિટન અને ભારતમાં ઉત્પાદિત માલસામાનનો વિનિમય કરાતો હતો. મોમ્બાસા ઈસ્ટ આફ્રિકન સમુદ્રતટે ચાવીરૂપ વેપારકેન્દ્ર બની રહ્યું જે બ્રિટિશ મર્ચન્ટ્સ, આરબ વેપારીઓ અને સ્થાનિક આફ્રિકન કોમ્યુનિટીઓ વચ્ચે વેપારવણજને શક્ય બનાવતું રહ્યું.
બ્રિટિશ સરકારે સ્થાનિક શાસકો સાથે સંધિઓ અને કરારોના પગલે 1887માં મોમ્બાસા અને આસપાસના તટીય વિસ્તારો પરનો અંકુશ હસ્તગત કરી લીધો. આના પરિણામે, હિન્દ મહાસાગરના બંદર મોમ્બાસાને કેન્યાના અંદરુની વિસ્તાર સાથે સાંકળવા મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણનો માર્ગ મોકળો બન્યો હતો. રેલવેથી માલસામાન અને સંશાધનોના પરિવહનને મદદ મળવા ઉપરાંત, આ પ્રદેશમાં બ્રિટિશ વગ વધુ મજબૂત બની હતી.
મોમ્બાસા પોર્ટ રેલવે લાઈનથી આફ્રિકાની અંદર પહોંચવાની બ્રિટિશ યોજના
રેલવે લાઈનના બાંધકામમાં સીધાં ઉતાર-ચઢાવમાંથી પસાર થવું, પહાડોની ચટ્ટાનો અને કાદવભરી દળદળની જમીનો સહિત પારાવાર ઈજનેરી પડકારો હોવાં ઉપરાંત, રોગચાળો ફાટી નીકળવો, મજૂરોની અછત અને બ્રિટિશ સંસ્થાનવાદનો વિરોધ કરતી સ્થાનિક આદિવાસી જાતિઓ સહિતના અવરોધો પણ પ્રોજેક્ટને નડી રહ્યા હતા. ઘણા લોકોએ આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસને હસી કાઢવામાં આ રેલવેલાઈનને ‘લ્યુનેટિક લાઈન’ નામ પણ આપી દીધું હતું.આવા વિસ્તારમાં રેલવે લાઈન નાખવાનો પ્રયાસ કરવો તે ગાંડપણ કે મૂર્ખામીનું કામ ગણાવાયું હતું. જોકે, આટલી બધી મુશ્કેલી અને પડકારો છતાં, મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈન આખરે 1901માં પૂર્ણ કરાઈ હતી જેને સંસ્થાનવાદના ઈતિહાસ અને ઈસ્ટ આફ્રિકાના સામાજિક-આર્થિક લેન્ડસ્કેપના પરિવર્તનનાં સીમાચિહ્ન ગણવામાં આવે છે.
હવે ચિત્રમાં ભારતીય ડાયસ્પોરાનો પ્રવેશ
રોજગાર અને આગળ વધવાની તકથી આકર્ષાઈ હજારોની સંખ્યામાં ભારતીય મજૂરો, કારીગરો-કસબીઓ અને ઈજનેરોએ રેલવેના બાંધકામમાં ભાગ લેવા હિન્દ મહાસાગર ઓળંગીને આવવાનું સાહસ આદર્યું. ભારતીય ઉપખંડના વિવિધ પ્રદેશો અને વિવિધ પશ્ચાદભૂમાંથી આવતા આ લોકો તેમની સાથે કૌશલ્ય અને નિષ્ણાત જ્ઞાનની સંપત્તિ લેતા આવ્યા જે વખત જતાં મુશ્કેલ પડકારોનો સામનો કરવામાં અનિવાર્ય પુરવાર થવાની હતી. સામ્રાજ્યવાદી જર્મનીને આફ્રિકામાં આગળ વધતા અટકાવવા ઈચ્છુક બ્રિટિશરોના આદેશથી ભારતીય મજૂરો દ્વારા કેન્યામાં આ રેલવે લાઈન નાંખવામાં આવી. આ લાઈનમાં 32,000 ભારતીયો કામે લાગ્યા હતા જેમાંથી 6500 ભારતીયો કુદરતી કારણોસર, આફ્રિકન આદિવાસીઓ, જંગલી પ્રાણીઓથી ઈજાગ્રસ્ત થયા તેમજ બ્રિટિશ સામ્રાજ્યવાદી નીતિઓના કારણે 2500 ભારતીયો કદી વતન પાછા જઈ શક્યા નહિ. કેન્યામાં હિન્દ મહાસાગરના મોમ્બાસા તટથી યુગાન્ડાના કમ્પાલા સુધી સાંકળતા 1460 માઈલ આખરે 2350 કિલોમીટરની રેલવે લાઈનમાં ફેરવાઈ ગયા.
બે માનવભક્ષી સિંહોએ ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું
આ કેન્યા-યુગાન્ડા રેલવે લાઈનના બાંધકામ દરમિયાન, આફ્રિકન વન્યજીવન સતત પડકારો ઉભું કરતું રહ્યું. બ્રિટિશ રેઈલ એન્જિનીઅર કર્નલ જેટી પેટરસને આલેખેલા સંસ્મરણો ‘મેન-ઈટર્સ ઓફ ત્સાવો’ અનુસાર કેન્યાના ત્સાવો વિસ્તારમાં બે માનવભક્ષી સિંહોને ઠાર મરાયા તે અગાઉ તેમણે માર્ચથી ડિસેમ્બર 1898ના ગાળામાં 28થી 100 જેટલા રેલવર્કર્સનો શિકાર કર્યો હોવાનું કહેવાતું હતું. કર્નલ પેટરસનના શીખ જમાદાર ઉંગનસિંહને તેના તંબુમાંથી અડધી રાત્રે ખેંચી જવાયો હતો અને તેનું માથું જ મળી શકવાની ઘટનાએ ભારતીય અને સ્થાનિક આફ્રિકન મજૂરોમાં ભારે ભય ફેલાવી દીધો હતો.
ભારતીય ઉદ્યોગસાહસિકો, વેપારી, ઈજનેરો અને કારીગરોઓનું યોગદાન
ત્સાવો માનવભક્ષી સિંહોની ઘટના ઉપરાંત, દુકાળે પણ મજૂરોનું જીવન મુશ્કેલ બનાવ્યું હતું. એક શહેર તરીકે નાઈરોબીની સિકલ બદલી નાખનારા ભારતીય વેપારી અલીભાઈ મુલ્લા જીવણજીને ભારતથી મજૂરો લાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તેમણે મોટા ભાગે પંજાબથી જ મજૂરોની ભરતી કરી હતી અને તેમાં પણ શીખોની બહુમતી હતી. રેલવે લાઈનનું બાંધકામ મે 1896માં શરૂ કરાયું ત્યારે 1897 સુધીમાં આશરે 4000 ભારતીયો આફ્રિકા પહોંચ્યા હતા અને બ્રિટિશરો પણ સમજી ચૂક્યા હતા કે રેલવે લાઈનનું બાંધકામ સરળ રહેવાનું ન હતું. મજૂરોમાં મુખ્યત્વે વેઠિયા મજૂર હતા જેમના માટે ઈસ્ટ આફ્રિકામાં આગમન ભારે મુશ્કેલી અને શોષણથી ભરેલું હતું. તદ્દન ખરાબ સંજોગો અને નહિવત્ પગાર છતાં, તેમણે બેભાન કરી નાખતી ધોમધખતી ગરમી, રોગચાળો અને અકસ્માતોના સતત ભય વચ્ચે પણ અથાક મહેનત કરી હતી. તદ્દન પ્રતિકૂળ વિસ્તારોમાં માઈલો લાંબા ટ્રેક્સ નાખવા અને ખોદકામની કામગીરીમાં તેમની ધીરજ અને મક્કમતા નોંધપાત્ર હતી.
જોકે, માત્ર મજૂરોની મહેનતની ભૂમિકા મહત્ત્વની ન હતી. ભારતીય ઉદ્યોગસાહસિકો અને વેપારીઓએ આ પ્રોજેક્ટ્માં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રેલવે લાઈનના બાંધકામની કામગીરી જાળવી રાખવામાં આવશ્યક માલસામાન અને સર્વિસીઝ પૂરા પાડવાથી માંડી નાણાકીય સપોર્ટ પૂરો પાડવા સહિત તેમની ભૂમિકા ગણનાપાત્ર હતી. આ ઉપરાંત, રેલવે માર્ગની આસપાસ વસી ગયેલી ભારતીય કોમ્યુનિટીઓએ વેપારવણજ અને સંસ્કૃતિના મહત્ત્વના કેન્દ્રો તરીકે કામ આપી આ પ્રદેશના સામાજિક અને આર્થિક પોતને વણવામાં યોગદાન આપ્યું હતું.
આ જ પ્રમાણે ભારતીય ઈજનેરો અને કારીગરોએ પ્રોજેક્ટના ટેક્નિકલ પાસાઓ, સર્વે, આર્કિટેક્ચર અને બાંધકામમાં ટેકનિકલ કૌશલ્ય અને ચતુરાઈનો ઉપયોગ કરી ઈસ્ટ આફ્રિકન લેન્ડસ્કેપના પડકારોનો સામનો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંપરાગત બિલ્ડિંગ ટેક્નિક્સ અને સામગ્રીના ઉપયોગના અનુભવોને કામે લગાવી ઘાટીઓ, નદી-નાળાં પર પૂલ અને પહાડોમાં બોગદાં ખોદવા સહિતના પડકારોના નવતર ઉપાયોથી કામકાજ આગળ વધાર્યું હતું. તેમના યોગદાનથી બાંધકામની ઝડપ વધી એટલું જ નહિ, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ટકાઉપણા અને સલામતીની ચોકસાઈ પણ મળી હતી.
ઈસ્ટ આફ્રિકાના વિકાસ અને પ્રગતિમાં ભારતીય ડાયસ્પોરાનો ફાળો
મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ આજે પણ ટકી રહ્યો છે તે ભારતીય ડાયસ્પોરાના સ્થિતિસ્થાપતા, કૌશલ્ય અને ચતુરાઈ તેમજ ઈસ્ટ આફ્રિકન ઈતિહાસ પર અડીખમ અસરનો પુરાવો બની રહ્યો છે. રેલવે પ્રોજેક્ટના ભૌતિકઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં તેમની મદદથી પણ આગળ, તેમની હાજરીએ આ પ્રદેશના સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક લેન્ડસ્કેપ પર કદી ન ભૂંસાય તેવી છાપ ઉભી કરેલી છે. આજે આપણે આ સહિયારા ઈતિહાસ પર નજર નાખીએ છીએ ત્યારે ઈઇસ્ટ આફ્રિકાના વિકાસ અને પ્રગતિમાં ભારતીય કોમ્યુનિટીના અપ્રતિમ યોગદાનોની કદર કરવા સાથે તેને ઉજવવાનું આવશ્યક બની રહે છે. તેમની કહાણીઓ સંસ્થાનવાદી યુગમાં સત્તા, ઓળખ અને એજન્સીની પારસ્પરિક જટિલતા તેમજ આજે આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેને આકાર આપનારાઓની શાશ્વત ધરોહરની મર્મસ્પર્શી યાદ અપાવે છે.
આજે ઈસ્ટ આફ્રિકામાં ભારતીય ડાયસ્પોરાના વિશાળ બહુમતી લોકોના મૂળિયાં પણ આફ્રિકા અને મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટનું નિર્માણ કરનારા પોતાના વડવાઓ સુધી પહોંચે છે.