આપણે કેવિડ-૧૯ મહામારીને પાછળ છોડી દેવાની આશા સાથે ૨૦૨૧માં પ્રવેશ કર્યો છે. દરેક સમાજે આગવી રીતે તેનો સામનો કર્યો છે ત્યારે વૈશ્વિક રાજનીતિ-કૂટનીતિ ચોક્કસપણે એકસમાન ચિંતાઓ અને સાથે હાંસલ કરેલા બોધપાઠ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાંની મોટા ભાગની બાબતો ગ્લોબલાઈઝેશન-વૈશ્વિકીકરણના સ્વભાવની આસપાસ ફરતી રહી છે. આપણી પેઢીને તેની બાબતોમાં મુખ્યત્વે આર્થિક પાસાઓ વિશે વિચાર કરવાની આદત પડેલી છે. સામાન્ય લાગણી વેપાર, ફાઈનાન્સ, સર્વિસીસ, કોમ્યુનિકેશન, ટેકનોલોજી અને મોબિલિટી-હેરફેર વિશેની જ રહે છે. આનાથી, આપણા યુગની પરસ્પર આધાર અને પરસ્પર પગપેસારા વિશે જાણવા મળે છે. ખરેખર તો COVIDના પરિણામે, આપણા અસ્તિત્વની ઊંડી અવિભાજ્યતા બહાર આવી છે. વાસ્તવિક ગ્લોબલાઈઝેશન તો મહામારીઓ, ક્લાઈમેટ ચેન્જ અને ટેરરિઝમથી પણ કઈંક વિશેષ છે. આ બાબત આપણા રાજદ્વારી ચર્ચાવિચારણાના કેન્દ્રરુપ રહેવી જોઈએ. આપણે ૨૦૨૦માં નિહાળ્યું તેમ આવા પડકારોને નજરઅંદાજ કરવાથી ભારે કિંમત ચુકવવાની થાય છે.
ગ્લોબલાઈઝેશનના અનેક લાભ હોવાં છતાં, વિશ્વને તેના વિરુદ્ધ તીવ્ર પ્રતિક્રિયાઓ પણ જોવાં મળી છે. મોટા ભાગના રીએક્શન, સમાજોની અંદર અને વચ્ચે અસમાન લાભમાંથી ઉભા થયા છે. આવી બાબતોમાં નિયમો અને વહેંચણીમાં ભૂલો સ્વાભાવિક છે અને તેથી તેને પડકારાય છે. આપણે ચોકસાઈ રાખવી જોઈએ કે આ બાબત વિજેતા અને પરાજિતો વિશે નહિ પરંતુ, દરેક સ્થળે વિકાસ પામતી ટકાઉ-કાયમી કોમ્યુનિટીઓ વિશે છે.
કોવિડ-૧૯એ સુરક્ષા-સલામતીની આપણી સમજ- વ્યાખ્યાને નવો મર્મ આપ્યો છે. અત્યાર સુધી દેશો મોટા ભાગે મિલિટરી, ઈન્ટેલિજન્સ, આર્થિક અને કદાચ સાંસ્કૃતિક બાબતો પર જ વિચારતા હતા. આજે તેઓ માત્ર આરોગ્ય સુરક્ષાને ભારે વજન આપશે એટલું જ નહિ, વિશ્વાસપાત્ર અને લચકદાર સપ્લાય ચેઈન્સ મુદ્દે પણ ચિંતા કરશે. કોવિડ-૧૯ યુગના તણાવોએ આપણી વર્તમાન પરિસ્થિતિની નબળાઈ બહાર લાવી દીધી છે. વૈશ્વિક અર્થતંત્રને જોખમરહિત બનાવવા તેમજ વધુ પારદર્શિતા અને બજાર વ્યવહારુતા સાથે વૃદ્ધિવિકાસના વધારાના એન્જિન્સ-કાર્યચાલકોની જરુર છે.
બહુઆયામી સંસ્થાઓ આ અનુભવમાંથી સારી રીતે બહાર આવી શકી નથી. તેની આસપાસના વિવાદોની વાત અલગ રાખીએ તો પણ ૧૯૪૫ પછીની સૌથી ગંભીર વૈશ્વિક કટોકટી સામે સામૂહિક પ્રત્યાઘાત આપવાનો મિથ્યા દેખાવ પણ જોવા મળ્યો નથી. આ બાબત ગંભીર મનોમંથનનું કારણ માગી લે છે. અસરકારક ઉપાયોના સર્જન માટે બહુસાંસ્કૃતિકવાદને સુધારવાનું પણ આવશ્યક છે.
કોવિડ-૧૯ પડકારને મજબૂત પ્રતિકારક પ્રત્યાઘાત આપવાનો મુદ્દો ૨૦૨૧માં વૈશ્વિક રાજનીતિમાં મોખરે રહેશે. કયામતની આગાહી કરનારાઓની અવગણના કરીને અને મૃત્યુદરને લઘુતમ રાખવા અને સાજા થવાના દરને મહત્ત્મ બનાવવા આરોગ્ય ઉપાયની રચના સાથે ભારતે આગવી રીતે ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ આંકડાઓ સાથે આંતરરાષ્ટ્રીય સરખામણી આગવી કથા કહે છે. માત્ર આ બાબત જ નથી, ભારતે ૧૫૦થી વધુ દેશોને અને ઘણાને તો ગ્રાન્ટ સ્વરુપે મેડિસીન્સનો પુરવઠો પૂરો પાડીને વિશ્વની ફાર્મસી તરીકે આગેકૂચ કરી છે.
આપણો દેશ સામૂહિક વેક્સિનેશન પ્રયાસની શરુઆત કરી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વને પોસાય તેવી વેક્સિન પ્રાપ્ય બની રહે તેમાં મદદ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખાતરીનો અમલ કરાઈ જ રહ્યો છે. મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન્સના પુરવઠાના પ્રથમ કન્સાઈન્મેન્ટ્સ ભૂતાન, માલદીવ્ઝ, બાંગલાદેશ, નેપાળ, મોરેશિયસ, સેશેલ્સ અને શ્રીલંકા જેવા અમારા પડોશીને પહોંચાડાયા છે એટલું જ નહિ, બ્રાઝિલ અને મોરોક્કો જેવા દૂરના પાર્ટનર્સ દેશોને પણ પહોંચ્યા છે.
વર્તમાનકાળમાં અન્ય મહત્ત્વપૂર્ણ વૈશ્વિક પડકારો પણ આ જ પ્રકારનું ધ્યાન માગે છે. પેરિસ સમજૂતી પર પહોંચવામાં કેન્દ્રરુપ પક્ષકાર તરીકે ભારત ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાના મુદ્દે અડીખમ ઉભું છે. તેના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો અનેકગણા વધ્યાં છે, તેનું વન્યાવરણ વધ્યું છે, તેની બાયો-ડાયવર્સિટીનાં વિસ્તારમાં વધારો થયો છે અને જળવપરાશ પર તેનું ધ્યાન વધ્યું છે. ઘરઆંગણે મજબૂત બનાવાયેલી રીતરસમો હવે આફ્રિકા અને અન્યત્ર તેની વિકાસ ભાગીદારીઓમાં રંગ લાવી રહી છે. ભારતીય ડિપ્લોમસી આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ તેમજ કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પહેલો સહિત ઉદાહરણ અને ઉત્સાહ સાથે માર્ગ દર્શાવી રહી છે
ત્રાસવાદ અને કટ્ટરવાદનો સામનો કરવાનો પડકાર પણ ભારે જબરો છે. લાંબા સમયથી સરહદ પારના ત્રાસવાદી હુમલાઓનો શિકાર બનતા સમાજ તરીકે ભારત વૈશ્વિક જાગરુકતાને વધારવામાં અને સંકલિત કાર્યવાહીને ઉત્તેજન આપવામાં સક્રિય રહ્યું છે. સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્યપદ તેમજ FATF અને G૨૦ જેવા મહત્ત્વપૂર્ણ ફોરમ્સમાં ભારતીય રાજનીતિનું આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત રહેશે.
કોવિડ-૧૯ અનુભવોમાંથી ડિજિટલ ડોમેઈનની તાકાત વિશે જાણવા મળ્યું છે. સંપર્કોની શોધ હોય કે નાણાકીય અને ફૂડ સપોર્ટની જોગવાઈ હોય, ૨૦૧૪ પછી ભારતના ડિજિટલ ફોકસે પ્રભાવિત કરનારા પરિણામો હાંસલ કર્યા છે. કોવિડ-૧૯ પછી ‘કોઈ પણ સ્થળેથી કામ’ની પ્રેક્ટિસ એટલી જ મજબૂતાઈથી આગળ વધી છે જેવી અગાઉ ‘સ્ટડી ફ્રોમ હોમ’ની હતી. આ બધી બાબતો વિદેશમાં ભારતના વિકાસ કાર્યક્રમોના ટૂલકિટને વિસ્તારવામાં અને ઘણા પાર્ટનર્સની રિકવરીમાં સહાયરુપ બનશે.
વર્ષ ૨૦૨૦માં ઈતિહાસમાં સૌથી વિશાળ વતનવાપસી કવાયત જોવા મળી હતી જ્યાં, ચાર મિલિયનથી વધુ ભારતીયો સ્વદેશ પરત થયા હતા. આ જ બાબત વર્તમાન સમયમાં મોબિલિટી-ગતિશીલતાનું મહત્ત્વ દર્શાવે છે. સ્માર્ટ ઉત્પાદન અને નોલેજ ઈકોનોમી મૂળિયાં ઊંડે બેસાડી રહી છે ત્યારે ભરોસાપાત્ર પ્રતિભાની જરુરિયાત ચોક્કસપણે વધશે. રાજનીતિ દ્વારા તેની ગતિશીલતા- હેરફેરને શક્ય બનાવવી વૈશ્વિક હિતમાં રહેશે.
વર્ષ ૨૦૨૧માં સામાન્ય પરિસ્થિતિ સર્જાવાનો અર્થ સલામત પ્રવાસ, બહેતર આરોગ્ય, આર્થિક પુનરુત્થાન અને ડિજિટલી પ્રેરિત સર્વિસીસ છે. નવી વાતચીતો અને નવી સમજણોમાં તેને વ્યક્ત કરાશે. કોવિડ-૧૯ પછીનું વિશ્વ બહુધ્રૂવી, બહુવાદી અને પુનર્સંતુલિત બની રહેશે. ભારત પોતાના અનુભવો સાથે તફાવત સર્જવામાં મદદ કરશે.
(ડો. સુબ્રમણ્યમ જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે અને ‘The India Way: Strategies for an Uncertain World’ના લેખક છે. આ લેખમાં વ્યક્ત મંતવ્યો લેખકના પોતાના છે.)
‘ આ લેખ મૂળ ન્યૂઝવીક (https://www.newsweek.com)માં 2/10/21ના રોજ પ્રસિદ્ધ થયો હતો.)