એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સંસ્થાપક ગણાય છે, એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી કેપ્ટન હતી એ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી સિક્સર મારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર એ જ હતી, આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર પણ એ જ હતી, અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બરોબરીનો દરજ્જો નહોતો મળ્યો ત્યારે એના નેતૃત્વમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી જ્વલંત જીત મેળવેલી...
એનું નામ શાંતા રંગાસ્વામી... અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા ક્રિકેટર હોવાની સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ કેપ્ટન. એનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૪ના થયેલો. માતા રાજલક્ષ્મી અને પિતા સી.વી. રંગાસ્વામી. બાળપણમાં ઘરનાં આંગણામાં એ ક્રિકેટ ખેલતી. ક્રિકેટપ્રેમને આગળ વધારવા એણે ક્લબ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. જોકે પોતે ક્યારેય ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હિસ્સો બનશે એવું શાંતા રંગાસ્વામીએ વિચાર્યું નહોતું.
જે વિચાર્યું નહોતું, એ વાસ્તવિકતા બન્યું. શાંતા ટીમનો હિસ્સો તો બની જ, કેપ્ટન પણ બની. ભારતમાં પહેલી વાર મહિલા ક્રિકેટ ટીમની પસંદગી ૧૯૭૬માં થયેલી. મહિલા ક્રિકેટ ટીમનો પહેલો મુકાબલો વેસ્ટ ઇન્ડીઝ સામે હતો. નવેમ્બર ૧૯૭૬માં પટણામાં મોઈન-ઉલ-હક સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી. ટેસ્ટ શ્રેણી માટે જયારે મહિલા ખેલાડીઓનું ચયન થયું, એમાં શાંતા પણ સામેલ હતી. શાંતા રંગાસ્વામી ઓલરાઉન્ડર હતી. ઉમદા બલ્લેબાજ, ઉમદા બોલર અને ઉમદા ફિલ્ડર હતી. એથી શાંતાને કપ્તાની સોંપવામાં આવી. આ પહેલી ટેસ્ટ શ્રેણીમાં શાંતાએ આક્રમક બેટિંગ અને આક્રમક બોલિંગનું પ્રદર્શન કરીને વેસ્ટ ઇન્ડીઝને પરાજિત કર્યું. આ શાનદાર વિજયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અને શાંતા રંગાસ્વામીની આગવી ઓળખ ઊભી કરી.
એ પછી શાંતાએ પાછું વળીને જોવું ન પડ્યું. ‘લેડી ઇન બ્લ્યુ’ તરીકે ઓળખાતી ભારતીય મહિલા ટીમની ક્રિકેટર તરીકે એ આગળ વધતી રહી. ૧૯૭૬થી ૧૯૯૧ સુધી બાર ટેસ્ટ મેચ અને પંદર વન ડે મેચમાં ક્રિકેટમાં કપ્તાની કરીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની બાવીસ વર્ષની કારકિર્દીમાં શાંતાએ કેટલીયે મેચોમાં ઉપલબ્ધિ હાંસલ કરેલી. જોકે આ બાવીસ વર્ષોમાં ક્રિકેટમાંથી શાંતા રંગાસ્વામીને એક રૂપિયાની પણ કમાણી થઈ નહોતી. પણ શાંતાને એનો કોઈ અફસોસ નહોતો. પૈસો જ સર્વસ્વ નથી !
શાંતા માટે પૈસો નહીં, પણ ક્રિકેટ જ સર્વસ્વ હતું. એ વિશે શાંતાએ કહેલું કે, ‘મારા માટે ક્રિકેટ રમવું એ સૌથી અગત્યની પ્રાથમિકતા હતી. ક્રિકેટ સિવાય બીજું કાંઈ ન ખપે. અમે ક્રિકેટ રમવા જતાં ત્યારે ફાઈવ સ્ટાર હોટેલ કે ભવ્ય વિલાઓમાં ન રહેતાં. અમે ડોરમેટ્રી અને શાળાના કમરાઓમાં રહેતાં. અમે રમવા માટે ઘણો સંઘર્ષ કર્યો, પણ એ મજેદાર અનુભવ હતો. કારણ કે અમારા માટે રમવું જ મહત્વનું હતું, બીજું બધું ગૌણ હતું. આજે હું મારી પહેલી સદી અને ટેસ્ટ જીતનારી પહેલી કપ્તાન બનવું, એના વિશે વિચારું છું ત્યારે મને એ યાદ આવે છે કે અમે આજના ક્રિકેટરો માટે પાયાનો પથ્થર બન્યા છીએ !’
શાંતાએ ક્રિકેટ રમતા રહેવા માટે ખાસ્સો સંઘર્ષ કરવો પડેલો. એક મુલાકાતમાં શાંતાએ કહેલું કે, ‘મારી પાસે જે પહેલું દ્વિચક્રી વાહન હતું એ મને ૧૯૭૬માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પુણેમાં રમાયેલી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ પુરસ્કાર રૂપે મળેલું. એ પહેલાં મારી પાસે એક સાઈકલ પણ નહોતી.’
આવા અનુભવો વચ્ચે મહિલા ક્રિકેટ ટીમે લાંબો પ્રવાસ ખેડ્યો. ક્રિકેટ રમતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. પણ વેતન એમને ઓછું મળતું. શાંતા રંગાસ્વામીને આ વિશે પ્રશ્ન પૂછાયો, ‘શું તમને લાગે છે કે મહિલા ક્રિકેટરોને પુરુષ ક્રિકેટરની સમાન વેતન મળવું જોઈએ ?’ ઉત્તર વાળતાં શાંતાએ કહેલું કે, ‘જવાબ છે, અત્યારે તો નહીં. પણ પ્રયાસ જારી છે. દસેક વર્ષમાં વેતનની ખાઈ ઓછી થતી જરૂર દેખાશે.’
શાંતા દ્રઢપણે એવું માને છે કે પુરુષ ક્રિકેટર અને મહિલા ક્રિકેટર વચ્ચેના ભેદભાવ વહેલામોડા દૂર થશે. શાંતાનું એક એવું સ્વપ્ન છે કે બીસીસીઆઈના અધ્યક્ષપદે એક મહિલા બિરાજમાન હોય... શાંતા કહે છે, આ સપનું સચ્ચાઈ બનતાં કદાચ વીસપચીસ વર્ષ નીકળી જશે, પણ એ પૂરું જરૂર થશે !