સાધુઓને સત્તા કે ભૌતિક સુખોનું જરા પણ મહત્ત્વ ન હોય તેમ ભલે કહેવાતું હોય, ભારતમાં સત્તાની ગલિયારીઓમાં પોતાને ‘ભગવાન’ ગણાવતા પોલિટિકલ ફિક્સર સાધુઓનું મહત્ત્વ વધુ રહ્યું છે. ચંદ્રાસ્વામી પણ આવા જ એક (તક)‘સાધુ’ હતા. તેમના ‘ભક્ત-ગણ’માં પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ ઉપરાંત સંજય ગાંધી, બ્રુનેઈ સુલતાન, જોર્ડનના કિંગ હુસેન, એલિઝાબેથ ટેલર, ઈજિપ્તના હોસ્ની મુબારક, કેન્યા અને ઝામ્બિયાના પ્રમુખો અને સાઉદી શસ્ત્ર સોદાગર અદનાન ખાશોગીનો સમાવેશ થતો હતો. આવા સત્તાના દલાલ અને ઘણા વર્ષોથી ગુમનામીમાં જીવતા ‘ગોડમેન’ ચંદ્રાસ્વામીનું ૬૯ વર્ષની વયે ૨૩ મે ૨૦૧૭ના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોરથી અવસાન થયું ત્યારે કોઈ જાણીતા ભક્તો કે અગ્રણીઓ ઉપસ્થિત ન હતા.
રાજસ્થાનના બેહરુરમાં ૧૯૪૮માં નેમી ચંદ જૈન તરીકે જન્મેલા ચંદ્રાસ્વામીનો દાવો હતો કે પોતે બિહારના જંગલોમાં સાધના કરી તાંત્રિક સિદ્ધિ મેળવી છે. સામાન્ય જ્યોતિષી હોવા છતાં ચંદ્રાસ્વામીએ જે માર્ગ પસંદ કર્યો તે પછી તેમનું જીવન બધા માટે ઈર્ષાનું કારણ હતું. ભારતમાં ઉદારીકરણ યુગ પહેલા આ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ ખાનગી યોટ, જેટ્સમાં જ સફર કરતા અને ક્રીમ કહેવાય તેવો ભક્તગણ તેમને વીંટળાયેલો રહેતો હતો.
રેશમી ભગવા ઝભ્ભો, ગળામાં સોનાના મોટા મણકાની માળા અને હાથમાં દંડ રાખતા દાઢીધારી ચંદ્રાસ્વામી તાંત્રિક સિદ્ધિઓના સ્વામી હોવાનું મનાતું અને તેમણે યજ્ઞો દ્વારા પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની રક્ષા કર્યાની ડંફાસ જાણીતી છે. તેમના મહાયજ્ઞોમાં પ્રધાનો ને નેતાઓની હાજરી ધ્યાન ખેંચતી હતી. આથી તેઓ વધુ પ્રસિદ્ધિ મેળવતા હતા.
વરિષ્ઠ રાજદ્વારી અને લંડનમાં ભારતના તત્કાલીન ડેપ્યુટી હાઈ કમિશનર કે. નટવરસિંહે ૧૯૭૫માં બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ નેતા બનેલાં માર્ગારેટ થેચરની મુલાકાત કરાવી આપી ત્યારે ચંદ્રાસ્વામીએ તેઓ ચાર વર્ષમાં વડા પ્રધાન બનશે અને ૯,૧૧ કે ૧૩ વર્ષ સુધી શાસન ચલાવશે તેવી આગાહી કરતા થેચર પણ તેમનાથી પ્રભાવિત થયાં હતાં.
રાજીવ ગાંધીની ૧૯૯૧માં હત્યા પછી નરસિંહ રાવ વડા પ્રધાન બનતાં ચંદ્રાસ્વામીનું રાજકીય વજન વધતું ગયું હતું. તેમનો પ્રભાવ એટલો હતો કે વડા પ્રધાનના રેસકોર્સ રોડ નિવાસે ડ્રાઈ-વે પર તેમની કાર પાર્ક કરવાની તેમને છૂટ હતી. ઉદારીકરણ અને ખાનગીકરણના યુગમાં તેઓ કેબિનેટ મિનિસ્ટર પાસે સીધા જઈને કામ કઢાવી શકતા હતા. નેતાઓ અને બિઝનેસમેન તેમને મોટી રકમોનો ‘ચઢાવો’ કરતા અને તેમની ‘ઈચ્છા’ પૂર્ણ થતી હતી.
લંડનસ્થિત ભારતીય બિઝનેસમેન લખુભાઈ પાઠકે ચંદ્રાસ્વામી સામે છેતરપીંડીનો આરોપ મૂકતાં ૧૯૯૬માં તેમની ધરપકડ થઈ હતી. ‘પિકલ કિંગ’ તરીકે જાણીતા પાઠકનો દાવો હતો કે તેમણે ૧૯૮૩માં ન્યુઝપેપર પલ્પ મેળવવા તત્કાલીન વિદેશ પ્રધાન નરસિંહ રાવને પહોંચાડવા ૧૦૦,૦૦૦ ડોલરની જંગી રકમ ચંદ્રાસ્વામીને આપી હતી. દિલ્હી કોર્ટે તેમને દોષિત ઠરાવ્યા હતા. નરસિંહ રાવને વડા પ્રધાન બનાવવા રાજીવ ગાંધીની હત્યા માટે ચંદ્રાસ્વામીએ તામિલ આત્મઘાતી બોમ્બરને નાણાં આપ્યાનો પણ આક્ષેપ થયો હતો. જોકે તેના પુરાવા મળ્યા ન હતા.