2024ની સંસદનું દ્રશ્ય સાવ નવું નથી. હા, જવાબ આપવાના, સવાલો કરવાના, અને ભાષણ કરવાના મિજાજ બદલાયા છે, ભાષાનો ઢંગ અવનવો છે, વિરોધના તરિકાની ચર્ચા થઈ શકે ખરી? બિચારા લોકશાહી પંડિતો વર્ષોથી બોલતા આવ્યા છે કે ભાઈ, આ સંસદ છે, સંસદીય લોકશાહીની ગરિમાનું સ્થાન છે, તમે આ લોકતંત્રના બંધારણીય પ્રતિનિધિ છો... અધ્યક્ષની જગ્યા સુધી પહોંચી જાવ, કાગળિયા ફાડો, વિધેયકના દસ્તાવેજોના ચૂરેચૂરા કરો, હો-હા અને દેકારાથી આખું સ્વરૂપ જ બનાવી નાખો ને સંસદ વિરોધને અભિવ્યક્ત કરવા માટે છે, બહિષ્કાર માટે નહિ એ ભૂલી જવામાં આવે. કોર્ટ માર્શલ તમને ઊંચકીને બહાર લઈ જાય અને ગૃહ મુલતવી રાખવામાં આવે... આ તો અરાજકતા પેદા કરવાના અખતરાઓ છે. યાદ રહે કે રશિયા અને જર્મનીમાં લોકશાહીના ખરાબ હાલહવાલ થયા તે પછી જ સરમુખત્યારો અને બોલશેવિકો સફળ થયા હતા.
1952માં ભારતની પ્રથમ સંસદ મળી. બંધારણ પણ પ્રસ્તુત થયું. લોકશાહીના નવોદયનો ઉત્સાહ હતો. અંતરિયાળ ગામડાના લોકો ‘હવે જય હિન્દ આવ્યું છે’ એમ કહેતા. જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઇ જેવા નેતાઓ હતા. અગાઉના અંતરીમ મંત્રીમંડળમાં ડો. આંબેડકર, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, ચિંતામણિ દેશમુખ જેવા નેતાઓ હતા તે કાળક્રમે મંત્રી તરીકે છૂટા થયા. જયપ્રકાશ નારાયણ પણ અલગ પડ્યા. નેહરુજીના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં પુરુષોત્તમદાસ ટંડનની સામે ઊભા રહ્યા હતા તે આચાર્ય જીવતરામ કૃપલાણીએ તો અલગ કૃષક લોક પક્ષ સ્થાપ્યો, તેના ગુજરાતના સંયોજક ઇંદુલાલ ગાંધી હતા.
થોડા વર્ષોમાં ડો. શ્યામપ્રસાદ મુખર્જીએ હિન્દુ મહાસભાથી અલગ થઈને નવો ભારતીય જનસંઘ સ્થાપ્યો. જનસંઘના નસીબે છેક 1977 સુધી વિપક્ષનું નસીબ રહ્યું. પણ લોકસભામાં મુખર્જી નેહરુના કરીશ્માઇ નેતૃત્વને પડકારનારા સમર્થ નેતા હતા. ‘તમે જનસંઘને નષ્ટ કરી નાખશો એવું ભલે કહ્યું, હું તમારી કોઈને નષ્ટ કરવાની માનસિકતાને નષ્ટ કરી નાખીશ.’ આ વિધાન સમયાંતરે સાચું પડ્યું.
હિરેન મુખર્જી, એ.કે. ગોપાલન્, ત્રિદિબ ચૌધરી, બેરિસ્ટર નાથપાઈ, ભૂપેશ ગુપ્તા... હતા વિવિધ પક્ષોના, પણ સંસદમાં તેમની રજૂઆત, તેમના ભાષણો, તેમની દલીલો અને તેમનો સૌજન્યશીલ વ્યવહાર મહત્ત્વનો રહ્યો. ભાષામાં તાકાત હતી, કટાક્ષ પણ ખરો. મહાવીર ત્યાગી તો કોંગ્રેસનાં સાંસદ હતા, પણ ચીન સાથેની વિવાદની જમીન પર ઘાંસ પણ ઉગતું નથી, એવું જવાહરલાલ નેહરુએ કહ્યું ત્યારે તેમના પક્ષના જ નેતા હોવા છતાં તેમણે કહ્યું: ‘એમ તો સાહેબ, મારા માથા પર વાળ નથી, ટાલ છે, તો મારે તેને વધેરીને દુશ્મનને આપી દેવું?’
આ પછી લોકસભામાં પ્રવેશ્યા ડોક્ટર રામમનોહર લોહિયા. પૂર્વે આનંદ ભવનમાં નેહરુ પરિવારની સાથે કામ કરનાર, જર્મન ભાષામાં નમકની આર્થિક-રાજકીય મહત્તા પર શોધનિબંધ લખીને ડોક્ટર થયા. 1942ની ભારત છોડો ચળવળમાં બે ‘હીરો’ હતાઃ એક જે.પી. અને બીજા લોહિયા. પણ પછી કોંગ્રેસની નીતિરીતિથી નાસીપાસ થઈને સમાજવાદી પક્ષની સ્થાપના કરી. અચ્યુત પટવર્ધન પણ તેમાંના એક. એસ.એમ. જોશી, નાનાસાહેબ ગોરે, મૃણાલ ગોરે, રાજ નારાયણ વગેરે તે પછીની પંક્તિના સમાજવાદી નેતાઓ. જોકે આજે પણ સમાજવાદી પક્ષના કેટલાંક જુથ છે, પક્ષોને સાંભળે છે એટલે લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ પોતાને લોહિયાવાદી ગણાવે છે!
સંસદમાં વિરોધ પક્ષ એ પણ એક મહત્ત્વનો અને મૂલ્યાંકનનો વિષય છે. લોકતંત્રમાં વિરોધ પક્ષ એ વૈકલ્પિક સત્તાધારી પક્ષ ગણાય છે. અને જ્યારે તે વિરોધ પક્ષની પાટલી પર હોય ત્યારે સત્તા પક્ષની ભૂલો, મહત્ત્વના રાષ્ટ્રીય પ્રશ્નો પર નિર્ણયો, વિદેશનીતિ અને અર્થનીતિ પર શું થવું જોઈએ તેની ચર્ચા અને ચિંતન કરે તે અનિવાર્ય છે. બાબાસાહેબ આંબેડકરે તો બંધારણ વિશેના પ્રથમ વ્યાખ્યાનમાં જ કહ્યું હતું કે હવે લોકશાહી છે, પ્રજાના પ્રતિનિધિઓ છે, તો આ બંધ, દેખાવ, સત્યાગ્રહ, ધરણા આ બધું અરાજકતા પેદા કરતું વ્યાકરણ છે એટલે તેવા રસ્તા છોડી દેવા જોઈએ. આંબેડકર આદર્શવાદી નેતા હતા, ભારતીય સરકારોમાં તેમને વિશ્વાસ હતો કે હવે સંસદીય વિવેક અને અમલીકરણનો આગ્રહ રાખશે, પરંતુ એવું થયું નહીં અને એવા કેટલાક પ્રશ્નો પર ધ્યાન ખેંચવા માટે વિપક્ષો વિરોધ કરવાના મુદ્દે રસ્તા પર આવી ગયા. હજુ આપણે ત્યાં રેલી નીકળે છે, પાર્લામેન્ટની અંદર તોફાન થાય છે, બહાર દેખાવો કરવામાં આવે છે. લાંબી નહીં તો ટૂંકી મુદતના અનશન જાહેર કરવામાં આવે છે. બંધ, હડતાળ અને ધરણા રોજિંદા બની ગયા છે. જયપ્રકાશે તો ‘પ્રતિનિધિને પાછા બોલાવવાના અધિકાર’ની પણ વાત કરી.
ગુજરાતનાં નવનિર્માણ અને બિહારના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં આવી માગણીએ જોર પકડ્યું. સરકારે રાજીનામું આપી દેવું જોઈએ એ પ્રશ્ને તો કટોકટી આવી પડી અને વિરોધ પક્ષોને મિસા હેઠળ જેલોમાં પૂર્યા તે બરાબર જૂન મહિનો હતો. 1975માં 1.10 લાખ અટકાયતી હતા, અને 37,000 પ્રકાશનો સેન્સરશીપનો ભોગ બન્યા હતા તે આજની પેઢી માનશે? જેલોમાં જનારાઓમાં જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, મધુ દંડવતે, મધુ લીમયે, ચંદ્ર શેખર, બાળા સાહેબ દેવરસ, નાનાજી દેશમુખ, જ્યોર્જ ફર્નાન્ડીઝ, શ્યામનંદન મિશ્રા અને ગુજરાતમાં મોરારજીભાઇ દેસાઇ, બાબુભાઇ પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, રામલાલ પરિખ, પીલૂ મોદી, સૂર્યકાંત આચાર્ય, ચીમનભાઈ શુક્લ, ઇંદુલાલ પટેલ, મનુભાઈ પટેલ અને બીજા 1200 પણ જેલોમાં!
સંસદ અને બંધારણના નામે વિરોધ પક્ષોનું નામોનિશાન સમાપ્ત કરવાના એ સમય માટે લીફ્શુલ્ટ્ઝ નામે પત્રકારે ‘ગાર્ડિયન’માં નોંધ્યું હતું કે હવે કોઈ રીતે ભારતમાં સંસદીય લોકશાહી તેના આદર્શ સ્વરૂપે પાછી આવે તેવું લાગતું નથી. પણ આવી અનેકોની માન્યતાને ખોટી પાડીને મતદારોએ ચૂટણીમાં ભાગ લીધો. રાષ્ટ્રીય અને પ્રદેશિક પક્ષોના ઉમેદવારોને જીત અપાવી યા હરાવ્યા. સરકારો આવી, ટૂંકા સમયની સરકારો આવી, લાંબા સમય સુધી સ્થિર સરકારો પણ રચાઇ. પક્ષાંતરોના ખેલ થયા. રાષ્ટ્રપતિ શાસન લદાયા. આંદોલનો થયા.. આ બધું પાર કરીને 2024નો સતા અને વિરોધ પક્ષો અને તેના નેતાઓ આપણી નજર સામે છે!