વિધુર બાપ સંતાનોને સાચવવા ફરી ના પરણ્યા. સંતાનોની મા બનીને જીવ્યા. બાપ રણછોડભાઇ તે ગઢડા તાલુકાના માંડવાના વતની. ખેતી કરે. ધીરધાર કરે અને ગઢડા પાંચ માઈલ ચાલીને સ્વામિનારાયણ મંદિરની અગિયારસો ભરે. સંયમી જીવન જીવે. વ્યસનમુક્ત ભગત જીવ. મોટો દીકરો ગોવિંદ ૧૯૫૦માં જન્મ્યો. બાપના સંયમી જીવનના સંસ્કાર પામ્યો. ગામની શાળામાં પહેલો નંબર ના ચૂકે. આ પછી ૬૯ ટકા સાથે એસ.એસ.સી. થઈને સાયન્સમાં ગયો. ૧૯૭૨માં કેમેસ્ટ્રી સાથે ગ્રેજ્યુએટ થતાં અમેરિકા વધુ અભ્યાસ માટે જવા પિતાને કહ્યું. બાપા કહે, ‘બેંક લોન આપે તો લઈને જા.’ બેંકોમાં ધક્કા ખાઈને દુનિયા જોઈ. પિતાએ દીકરાને વાસ્તવિક્તાનું ભાન કરાવવા જ આ કહેલું. લોનમાં ધક્કા પર ધક્કા થયા. અંતે પિતાએ દીકરાને જરૂરી રકમ આપી અને ૧૯૭૩ના આરંભે તે લોસ એન્જેલસ પહોંચ્યા. કલાકે એક ડોલર સાઠ સેન્ટ લેખે અઠવાડિયે ૬૦ કલાક કામ કરે અને ભણે.
પિતાની કરકસરનો વારસો સાચવ્યો. બે વર્ષમાં ક્યારેય ડિઝનીલેન્ડ જોવા ના ગયા. બે વર્ષમાં એમ.બી.એ. ડિગ્રી મળી ત્યારે ખર્ચ જતાં ૯૦૦૦ ડોલર બચ્યા હતા!
લોસ એન્જલસના ઉપનગર બરબેંકમાં એમણે ટ્રાવેલ લોજ નામની ૨૮ રૂમની મોટેલ ખરીદી. સતત મહેનત અને સૂઝથી સમૃદ્ધિ વધી. પોતાના ભાઈઓને અમેરિકા બોલાવીને સ્થાયી થવામાં મદદ કરી. આજે એમની પાસે સારી ફ્રેન્ચાઈઝીની ચાર મોટેલો છે. ત્રણ શોપિંગ સેન્ટરોની માલિકી છે. કેટલાંક ભાડે આપેલાં મકાન છે. બધી થઈને ૨૯ મિલકતો ધરાવે છે.
ભારતીય મૂળની સંસ્થાઓના છત્રરૂપ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશનના દક્ષિણ કેલિફોર્નિયા વિભાગના તે પ્રમુખ ચૂંટાયા હતા. સધર્ન કેલિફોર્નિયાના હોટેલ મોટેલ ઓનર્સ એસોસિએશનના પણ બે વર્ષ પ્રમુખ હતા.
વતનમાં પિતા રણછોડભાઈની સ્મૃતિમાં તેમણે હાઈસ્કૂલનું મકાન બંધાવી આપ્યું છે. વતનમાંથી ભલામણ લઈને આવનારને તેઓ સગાં-સંબંધી કે મિત્રોને ત્યાં નોકરી અપાવીને તાલીમ મળે તેમ ગોઠવે છે. આ પછી એને ધંધે વળગાડવામાં મદદરૂપ થાય છે. ક્યારેક કડવો અનુભવ થાય તોય સારપ ચૂકતા નથી.
સૌરાષ્ટ્રની આતિથ્ય પરંપરા એમણે જાળવી રાખી છે. પત્ની સોનલબહેન ભૂતપૂર્વ ધારાસભ્ય બટુકભાઈ વોરાનાં પુત્રી છે. ગમેત્યારે આવતા કે પતિ દ્વારા લવાતા મહેમાનને એ વિના મોં મચકોડ્યે આવકારે છે. આવું બનવું પશ્ચિમી સંસ્કૃતિમાં જીવતા માટે મુશ્કેલ છે. તે પશ્ચિમમાં રહીને પૂર્વની સંસ્કૃતિ સાચવે છે. વધારામાં પતિના સેક્રેટરી તરીકે વર્તતી આ પત્ની પશ્ચિમી જીવનરીતિથી સાથી અથવા મિત્રવત્ વ્યવહાર કરે છે.
ગોવિંદભાઈની સંગઠનશક્તિનો અનુભવ બી.એ.પી.એસ.ને પણ છે. ૧૯૭૭માં પ્રમુખસ્વામી મહારાજ લોસ એન્જલસ પધાર્યા ત્યારે એ વિસ્તારમાં બી.એસ.પી.એસ.નો ખાસ પ્રચાર નહીં. પ્રમુખસ્વામીને ત્યારે ગોવિંદભાઈ મળ્યા. પ્રથમ મુલાકાતે ગોવિંદભાઈનું હૃદયમોતી વિંધાયું અને એ બાપાના થઈ ગયા. બાપાએ કહ્યું, ‘આ વિસ્તારમાં સત્સંગ ચલાવો અને વધારો.’ ગોવિંદભાઈ પૂરી લગનથી સત્સંગીઓ શોધવા અને વધારવા મંડી પડ્યા. બાપામાં એમને ભગવાન સ્વામિનારાયણનો વાસ જણાયો. તેમણે રવિ સભાઓ ચાલુ કરી. તે જમાનામાં મંદિર ન હતું. વારાફરતી એકબીજાને ત્યાં સત્સંગીઓ મળતા. સત્સંગીઓ વધતાં બેસવામાં કોઈનું ય ઘર નાનું પડે એવું થયું.
૧૯૭૭માં ગોવિંદભાઈ જોડાયા અને ચાર જ વર્ષમાં ૧૯૮૧માં બધાના સહિયારા પુરુષાર્થથી કિર્તન માટેનું મકાન લીધું. ૧૯૮૪માં પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં મૂર્તિપ્રતિષ્ઠા થઈ. બાપા ખૂબ રાજી થયા. ગોવિંદભાઈ લોસ એન્જલસ સત્સંગ વિકાસના સંયોજક થયા.
ગોવિંદભાઈના પરિવારમાં ભાઈઓ તથા બહેનો અને તેમના સંતાનો થઈને ત્રણ ડઝન કરતાં વધારે સંખ્યા છે. નોકરી કે વ્યવસાયને કારણે અલગ અલગ હોય તો પણ મંદિરમાં સભામાં બધાં ભેગાં મળે છે.
ગોવિંદભાઈમાં નમ્રતા છે. પૈસાનું અભિમાન નથી. પોતાની સમયશક્તિનો મોટો ભાગ તેઓ બી.એ.પી.એસ. માટે ખર્ચે છે. જીભની મીઠાશ અને નમ્રતા છે. સંતાનો એ પામે માટે એ ખૂબ જાગૃત હતા. એમનો મોટો દીકરો સંદીપ ૧૧ વર્ષનો હતો ત્યારે બાપાના પગ દબાવતો. મેં પૂછ્યું, ‘થાક્યા છો? તમારે શી જરૂર છે?’ તો કહે ‘દીકરામાં નમ્રતા અને સેવા આવે તે માટે.’
ગોવિંદભાઈ સેવા, ભક્તિ અને જીભની મીઠાશથી સમૃદ્ધ છે.