વિનાશક ભૂકંપની કારમી થપાટથી ભોંભીતર થયેલા કચ્છને ફરી બેઠું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદરેલા પ્રયાસો થકી આ અવિકસિત જિલ્લામાં ઔદ્યોગિક વાવાઝોડું ફૂંકાયું. શરૂઆતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ સામે ભૂકંપ બાદના બે દસકામાં ઉદ્યોગ ક્ષેત્રે ૧.૫ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવી ચૂક્યું છે. વાત અહીં પૂરી નથી થતી, આગામી પાંચ-સાત વર્ષમાં ઔદ્યોગિકરણના બીજા તબક્કાની ઉજળી સંભાવનાઓ સર્જાઇ છે.
એક સમયે કચ્છ રાજ્યના અન્ય જિલ્લા અને વિવિધ રાજ્યો માટે સજાનો જિલ્લો ગણાતો હતો અને કોઇ સરકારી નોકરિયાત પણ અહીં આવવા તૈયાર થતા નહોતા. કુદરતની કારમી થપાટ બાદ ઝડપી ઉભા થયેલા જિલ્લામાં ઔદ્યોગિકીકરણનો વેગીલો વાયરો ફૂંકાતા ન માત્ર દેશમાં, પરંતુ વિદેશમાં કચ્છ હવે પ્રવાસન, ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું સ્થળ બની રહ્યું છે. આઝાદી પછીના પાંચ દસકામાં જેટલો વિકાસ નહોતો થયો એથી અનેકગણો વધુ ઔદ્યોગિક વિકાસ છેલ્લા બે દાયકામાં થયો છે.
ભૂકંપ પછીના પ્રારંભિક તબક્કામાં જ ઔદ્યોગિક ક્ષેત્રે ૨૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. જે આંકડો બે દાયકામાં દોઢ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. વર્તમાન સમયે ૨૦૦ મોટા સહિત નાના તથા મધ્યમ કક્ષાના ૬૦૦૦ જેટલા ઉદ્યોગો કચ્છમાં કાર્યરત છે, જેમાં ૩૦૦૦ ટિમ્બર ઉદ્યોગનો સમાવેશ થાય છે. કચ્છ એક માત્ર જિલ્લો છે જ્યાં કંડલા જેવું નંબર વન મહાબંદર તો હતું જ પણ ભૂકંપ પછી વિશ્વકક્ષાનું મુન્દ્રાનું અદાણી બંદર પણ ધમધમતું થયું છે. બીજી બાજુ, પાંચ વર્ષ માટે જાહેર થયેલો ટેક્સ હોલીડે ઉદ્યોગોને ધબકતા રાખવા વધુ પાંચ વર્ષ માટે લંબાવાયો છે.
પશ્ચિમ કચ્છમાં અબડાસા અને લખપત તાલુકામાં વિપુલ માત્રામાં લાઇમસ્ટોન સહિતનું રો-મટિરીયલ હોવાથી હાલ મોટા સિમેન્ટ એેકમો કાર્યરત છે. તેનાથી વધુ ઉદ્યોગો આ બંન્ને તાલુકામાં આગામી પાંચથી સાત વર્ષના સમયગાળામાં કાર્યરત થાય તેવી સંભાવના છે, જેથી આ વિસ્તાર સમગ્ર એશિયામાં સિમેન્ટ ઉદ્યોગનું હબ બનશે. કચ્છ સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે તો હબ બનવા જઇ જ રહ્યું છે. વધુમાં લાકડા વેરવાનો મોટો ઉદ્યોગ, શો-પાઇપનું વિશ્વનું સૌથી મોટા કેન્દ્ર ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રે વેલસ્પન અને ઓક્સિજન સીમલેસ સિલિન્ડર વિશ્વના બીજા નંબરના પ્લાન્ટ કાર્યરત છે.
આ ઉપરાંત વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. પશ્ચિમ કચ્છમાં અબડાસા અને લખપત તાલુકામાં વિપુલ માત્રામાં લાઇમ સ્ટોન સહિતનું રો-મટિરીયલ હોવાથી હાલ મોટા સિમેન્ટ એેકમો કાર્યરત છે તેનાથી વધુ ઉદ્યોગો આ બન્ને તાલુકામાં આગામી પાંચથી સાત વર્ષના સમયગાળામાં કાર્યરત થાય તેવી સંભાવના છે, જેથી આ વિસ્તાર સમગ્ર એશિયામાં સિમેન્ટ ઉદ્યોગનું હબ બનશે. અબડાસા, લખપત તાલુકામાં આવનારા નવા ઉદ્યોગોને લઇને હાલે ભુજ-નલિયા ગેજ રૂપાંતરનું કામ ચાલી રહ્યું છે.
વધુમાં નલિયાથી વાયોર અને વાયોરથી કોટેશ્વર સુધી તેમજ ત્યાંથી સીધા બનાસકાંઠાના પાલનપુર સાથે રેલવે સેવાની વિચારણા ચાલી રહી છે, કચ્છ સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે તો હબ બનવા જઇ જ રહ્યું છે. દેશમાં બ્રોમિન ક્ષેત્રે ૮૦ ટકા રોકાણ અહીં કરાયું છે. આ ઉપરાંત વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. ભારતભરમાં સીએસઆર હેઠળ સૌથી શ્રેષ્ઠ કામગીરી કચ્છમાં થઇ રહી છે. જોકે, કાયદાની એક મર્યાદા છે કે, જે-તે ઔદ્યોગિક એકમ જે કચ્છમાં કાર્યરત હોય કે, અન્ય કોઇ જગ્યાએ પરંતુ તે દેશમાં ગમે ત્યાં સીએસઆર હેઠળ કામગીરી કરી શકે છે.