પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ સ્પેન, એની પૂર્વ તરફ ભૂમધ્ય સમુદ્રમાં આશરે ૮૦થી ૨૪૦ કિમી.ને અંતરે આવેલું બેલેરિક ટાપુઓનું જૂથ છે. આ સ્પેનિશ બેલેરિક ટાપુઓની રાજધાની છે પાલ્મા ડી મયોર્કા. સૂર્યપ્રકાશિત આરોગ્યપ્રદ હવામાન, મનોહારી દરિયા કિનારો, અતિસુંદર સિરા ડી ટ્રામુન્ટાનાની પર્વતમાળાઓ અને આહલાદક રિસોર્ટસ ખાસ કરીને બ્રિટીશ પ્રવાસીઓ અને ઉત્તર યુરોપિયનોને ખૂબ આકર્ષે છે.
આ વર્ષે ઠંડાગાર શિયાળાથી ત્રાહિમામ થયેલા આપણા ઘણા ભારતીય-ગુજરાતી સહેલાણીઓએ સ્પેનના વિવિધ આહલાદક સ્થળોનો પ્રવાસ કરી આનંદ માણ્યો છે.
દર વર્ષેની જેમ "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ યુ.કે.” દ્વારા આ વર્ષે સ્પ્રીંગ હોલીડે દરમિયાન (૭ મે' થી ૧૪ મે' ) સ્પેનના બેલેરિક ટાપુ મયોર્કા ડી પાલ્મા'ના પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં ૬૦થી વધુ પ્રવાસીઓ જોડાયા હતા. પાલ્મા ડી મયોર્કા એરપોર્ટથી ટૂર આયોજક દ્વારા દોઢેક કલાકના કોચ પ્રવાસ દરમિયાન ભૂમધ્ય સમુદ્રને કિનારે, સૌદર્યંથી ભરપૂર મેનાકોરના 'અલુઆ કાલાસ ડી મયોરકા'ના ભવ્ય રિસોર્ટસ પર "નોટ જસ્ટ ટ્રાવેલ' દ્વારા સૌની અગાઉથી જ રૂમો એલોકેટ કરાઇ હતી. મોગરાની સુગંધ જેવા પુષ્પોથી મહેંકતા નાનકડા વૃક્ષો, વેલીઓ અને વનરાજીઓ બ્રિટનની કંટાળજનક વેધરથી ત્રાસેલા સહેલાણીઓને જાણે તન-મનથી તરોતાજા કરી રહ્યા હોય એવું સૌના ચહેરા પર લાગતું હતું. "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ"ના સોશ્યલ સેક્રેટરી ઉર્વશીબેન ગજ્જર અને પૂર્વ સોશ્યલ સેક્રેટરી પ્રવિણભાઇ પટેલ દ્વારા યોજિત આ ટૂરમાં ૮૦થી ઉપરની વયના વડીલો પણ જોડાયા હતા. સૌના ખિસ્સાને પોષાય એવી ઓલ ઇકલુઝીવ સાત દિવસની ટૂરમાં બ્રેકફાસ્ટ, લંચ, ડીનર અને ફ્રી ડ્રીંકસ સાથે મોજમસ્તી માણતા યુવાનો અને વડીલોએ સ્વીમીંગ અને મોડીરાત સુધી મનોરંજક પ્રોગ્રામોનો આનંદ માણ્યો હતો.
મેનાકોરથી દસેક મિનિટથી દૂર સ્પેનિસ ગામડામાં ભરાતી માર્કેટમાં નોર્થ આફ્રિકનો એમની કલાકારીગરી અને હાથગૂંથણીથી બનાવેલ ચીજવસ્તુઓ જોવા મળ્યા. સ્પેનિસ લોકો ચિત્રકલામાં ખુબ નિપૂણ હોય એવું લાગ્યું. અહીં પીંછી વડે કાષ્ટ અને કાચ ઉપર ખૂબ ઝીણવટથી ફૂલ-વેલ અને સ્પેનિસ પરંપરા દર્શાવતી ઘરવપરાશની વસ્તુઓ જોવા મળી. સૌથી વધુ હેરાન પમાડએ એ "મેઇડ ઇન ઇન્ડિયા"ના લીનન ક્લોથની બજારમાં ભારે માંગ દેખાઇ. ભારતમાં પ્યોર લીનનની કોઇ કિંમત નથી એ લીનનના ટોપ કે પેન્ટની કિંંમત અહીં ૭૦ થી ૧૦૦ યુરો બોલાતી દીઠી..!
મોતી માટે વિખ્યાત મયોર્કા
મયોર્કા એ અસ્સલ મોતી (પર્લ) માટે ખૂબ જાણીતું છે. મેનાકોરથી અડધા કલાકના રસ્તે પર્લની ફેકટરીઓ જોવા મળે છે. અહીં છીપમાંથી નીકળતા જુદા જુદા આકારના સાચા પર્લને સ્વચ્છ કરી એની માળાઓ બનાવાય છે, અને સોનામાં પર્લ જડિત એરિંગ્સ, વીંટી, બ્રેસલેટ પણ મળે છે. ઉપરાંત આ ફેકટરીઓમાં જે છીપલામાંથી સાચા પર્લ મળે છે એના ભૂક્કાને પ્રોસેસ કરીને સાચા પર્લ જેવું રૂપ આપીને સુંદર માળાઓ, એરીગ્સ અને બ્રેસલેટ બનાવાય છે. મધ્યયુગીન સ્થાપત્ય શૈલી ધરાવતું મયોર્કા મોહક ગામડાઓ અને ઐતિહાસિક નગરોથી પથરાયેલું શહેર છે. એનું ઐતિહાસિક ભવ્ય "લા સેઉ" કેથેડ્રલ પાલ્માના ઓલ્ડ સિટીની મુલાકાત ખાસ લેવા જેવી છે. તેનું વિશાળ કેથેડ્રલ અગાઉની મસ્જિદ પર બાંધવામાં આવ્યું છે જે મૂળ તો ખ્રિસ્તી ચર્ચ જ હતું એના ઉપર કેથેડ્રલનું પુન:નિર્માણ કરાયું છે. આ કેથેડ્રલનું નિર્માણ ૧૯૦૧માં ગૌડી નામના આર્કિર્ટેકટે કર્યું હતું.
મધ્યયુગીન ઓલ્ડ સિટી
મધ્યયુગીન સ્થાપત્ય શૈલી ધરાવતા મયોર્કાના પાલ્માનું ઓલ્ડ સિટી જોવા જેવું છે. આરબ ભૂતકાળ તરફ સ્પષ્ટપણે સંકેત આપતી શેરીઓ અને વિશાળ ચોક પ્રવાસીઓથી ભરપૂર રહે છે. ઓલ્ડ સિટીની એકદમ સાંકડી ગલીઓ, સ્વચ્છ અને શાંત શેરીઓ જોવા તમારે ચાલીને જ જવું પડે, જેમાં વિવિધ પ્રકારની રસપ્રદ ઇમારતો અને એનું સ્થાપત્ય ખૂબ આકર્ષક છે.
અદભૂત ગૂફાઓ અને સરોવર
બેલરિક-મયોર્કાના આ ટાપુ ઉપર લગભગ નવેક કેવ્સ (ગૂફાઓ) છે. એમાં ભૂમધ્ય સમુદ્ર કિનારાને અડીને આવેલી એક કેવ્સ Cuevas de Drach ડ્રાચ નામની ગૂફા જોવા અમે ગયા. લગભગ ૨૫ મીટર ઊંડી અને ૪ કિ.મીટર લાંબી આ કેવ્સના ખડકોમાંથી સતત પાણી ઝમતું રહે છે અને કુદરતી રીતે જ અદભૂત આકારો સર્જાતા હોય છે. અહીં તમને સ્થાપત્ય શૈલીમાં કંડારાયેલા સ્તંભો અને વિવિધ આકૃતિઓ બનતી જોવા મળે છે એમાં અમે શિવલીંગ અને ઉમા,મહેશ અને ગણેશની ત્રિપૂટીનાંય દર્શન કર્યાં. આ ગુફામાં વિશ્વનું સૌથી મોટું ગૂભર્ગ સરોવર માર્ટેલ લેક છે એમાં સૌ સેંકડો પ્રવાસીઓ બેસીને જોઇ શકે એવા સંગીતબધ્ધ બોટ શો'નું આયોજન કરવામાં આવે છે.
અહીંની ધરતી પર કેસર, જવ, ઑલિવ, ઘઉં, બટાટા, નારંગી, દ્રાક્ષ, પીચીસ, તડબૂચ, ટેટી, કેળાં, દાડમ તેમજ અન્ય ફળોનો સમાવેશ થાય છે. સ્પેનનું કેસર ઉત્તમ કક્ષાનું હોય છે. આ ઉપરાંત મકાઈ, શક્કરિયા, ડુંગળી, ટામેટાં, સૂર્યમુખી બીજ, લીંબુ અને લીલાં શાકભાજીની ખેતી થાય છે. સ્પેનમાં આપણા ઘણા બ્રિટીશ ઇન્ડિયન-ગુજરાતીઓએ પોતીકા વિલા ખરીદ્યા છે. બ્રિટનની ડેમ્પી, ઠંડી વેધરથી કંટાળનારા આપણા ભાઇ-બહેનો સ્પેનમાં એમના વિલામાં આનંદ કરવા જતા હોય છે.