ભૂલાઈ ગયેલો બાંગ્લા દેશ... જ્યાં ક્રાંતિકારોએ આહુતિ આપી હતી...

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 11th September 2024 05:43 EDT
 
 

આજે તેની કલ્પના પણ ના આવે. અત્યારે જે ઝનૂની અને કટ્ટર તત્વોએ બાંગલા દેશમાં લૂટફાટ, હત્યા, અને હુમલાઓનો રક્તપાત સર્જ્યો છે, બળાત્કારથી બદલો લેવાય છે, એક કઠપૂતળી સલાહકાર-જે શેખ હસીનાની સરકારના હડાહડ વિરોધી છે અને જેણે 2011 ના જંગ દરમિયાન પાકિસ્તાની આક્રમણે સંગાથ આપ્યો હતો તેવી જમાતે ઇસ્લામીના પ્રતિબંધને દૂર કર્યો છે, મંદિરો અને હિન્દુઓની હત્યા, હિજરત માટે છૂટ્ટો દોર આપી દેવાયો છે,મોતના અને હુમલાના ડરથી ન્યાયમૂર્તિઓ રાજીનામાં આપવા માંડ્યા છે, આખો દેશ અરાજક્તામાં સપડાયો છે અને કટ્ટરવાદી સંગઠનો બંધારણને બદલાવી નાખીને શરિયતના કાનૂન મુજબ “ઇસ્લામી રાષ્ટ્ર” સ્થાપવાની માગણી કરી રહ્યા છે, ત્યાં...
હા, ત્યાં કોઈ સમયે બંગાળી ક્રાંતિકારો સંપૂર્ણ દેશની સ્વાધીનતાને માટે લડ્યા હતા તે કોઈ માનશે? ઇતિહાસ તેનો સાક્ષી છે. અને તેની શરૂઆત છેક વીસમી સદીના પ્રારંભથી થઈ હતી. 1905માં બ્રિટિશ સરકારે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવા માટે બંગ-ભંગની જાહેરાત કરી ને આખું બંગાળ તેના પ્રતિકાર માટે મેદાને પડ્યા. અત્યારના બાંગલા દેશ સહિતના બંગાળમાં જે આહુતિ આપવામાં આવી, ફાંસી અને જેલવાસની યાતનાઓ આપવામાં આવી તેવા નામો : ચારુચન્દ્ર બસુ, નરેન્દ્ર નારાયણ ચક્રવર્તી, ઇંદુભૂષણ રાય, સખરામ ગોરે, સંજીવ રાય, શ્રીશ ચંદ્ર મિશ્રા., સુશીલ ચંદ્ર લાહિરી, અનુજ ચરણ દેવગુપ્તા, દિનેશ મજૂમદાર, દિનેશ ગુપ્તા, કનહાઈ દત્ત, સત્યેન, અશોક નાંદી, વીરેન્દ્ર ગુપ્તા, વસંત વિશ્વાસ, જતીન મુખર્જી, મનોરંજન સેનગુપ્તા, નીરેન્દ્રનાથ સેનગુપ્તા, અનત હારી મિત્ર. રાજેન્દ્ર લાહિરી, પ્રમોદ રંજન ચૌધરી,...
આ બધા કોઈ કોલકાતા, કોઈ અલીપુર, કોઈ ઢાકા, કોઈ ખૂલના, કોઈ ચટ્ટગ્રામ, કોઈ જલાલાબાદ, કોઈ માણિકતોલા, કોઈ હાવડા, કોઈ બારિસાળ, કોઈ સિલ્ચર,.... આમાં આજના બાંગલાદેશના નગરો પણ છે, તેઓ ભારત માતાકી જય અને વંદે માતરમના જયઘોષ સાથે, હાથમાં ગીતા લઈને ફાંસીના માચડે ચડ્યા અથવા સામસામે ગોળીબારથી મોતને ભેટ્યા અને કેટલાક તો જેલોમાં જ ભીષણ યાતના વચ્ચે આંખો મિચી.
કદી નામ સાંભળ્યુ છે આપણાં પોતાના ઈતિહાસમાં , ચટ્ટગ્રામ ઘટનાનું? બ્રિટિશરોએ તેનું વિકૃત નામ ચિત્તાગોંગ કર્યું, તે સ્થાનિક બંગાળી ભાષામાં ચટગાવ પીએન કહેવાય છે. હમણાં બાંગલા દેશની હિંસામાં અહેવાલો આવ્યા કે કટ્ટર પંથીઓએ કેટલાક ઘરો બાળી નાખ્યા, મિલકત લૂટી બળાત્કાર કર્યા, વિદ્યાર્થી આંદોલનના નામે આ બધુ થયું. સ્પષ્ટ છે કે તેમાં અસમાજિક તત્વો ઘૂસી જઈને આ ઘૃણાજનક કામો કર્યા.” આંતર રાષ્ટ્રીય ખ્યાત મોહમ્મદ યૂનુસની કાર્યવાહી સરકાર હજુ સુધી તે તત્વોને પકડીને મુકદ્દમો ચલાવી શકી નથી. ક્યાંથી ચલાવે? તેની સરકારમાં જ બે છાત્રનેતાઓ છે જેના નેતૃત્વમાં તમામ જગ્યાએ લૂટફાટ અને આગજની થઈ. અરે, કેટલાક તો શેખ હસીનાના નિવાસ સ્થાને જઇને મૂલ્યવાન વસ્તુઓ ચોરી ગયા તેના દ્રશ્યો ટીવી પર દુનિયાએ જોયા.
પણ આ ચટગ્રામની એક બીજી તસવીર છે, જ્વલંત સંગ્રામની. બ્રિટિશ પંજામાથી મુક્તિ માટે જલાલાબાદની પહાડીઓ તેની સાક્ષી છે. બ્રિટિશ કેપ્ટન ટેટના પુસ્તકમાં તેનું વર્ણન છે. ચારે બાજુથી બ્રિટિશ સૈન્ય ઘેરી વળ્યું હતું, મુઠ્ઠીબીએચઆર ક્રાંતિકારોને પકડવા માટે. એક તરફ મિસ્ટર ફાર્મર , બીજી તરફ રેલ્વે બટાલિયન, ત્રીજી તરફ ઈસ્ટર્ન ફ્રટીયર રાઈફલ્સ અને કેપ્ટન ટેટની ટુકડી. સામે ક્રાંતિકારો હતા તેમણે ગોળીબારથી સામનો કર્યો. સવારથી સાંજ સુધી સંઘર્ષ ચાલ્યો.છેવટે અંગ્રેજોએ “જીત” મેળવી. કેવી જીત? માત્ર દશ ક્રાંતિકારોના મૃતદેહ! આ બધ સોળ સત્તર વર્ષના તરુણો હતા. નામ ભૂલી જવા જેવા નથી, જીવન ઘોષાલ, ધરમેન્દુ દસ્તદાર, પુલિણ ઘોષ, ત્રિપુરા સેન, નિર્મલ લાલા, વિધુ ભટ્ટાચાર્ય, મોતીલાલ કાનૂનગો, જિતેન્દ્ર દાસ, શશાંક દાસ, .. બધા લડતા લડતા શહીદ થ્ય. ધૂની વિપ્લવી હતા બધા. નરેશ રાય તબીબી વિદ્યાર્થી હતો. વિધુ તેનો સહપાઠી. બંનેની વય 30 વર્ષની. ત્રિપુર સેન નવમા ધોરણમાં ભણતો તરૂણ. સોળ વર્ષ જ થયા હતા તેને. બાકીના બધા સત્તર વર્ષના.
કેવા હતા આ બલિદાનો? પ્રીતિલતા શાહિદ થઈ ત્યારે એકવીસ વર્ષની હતી. કલ્પના દત્તને જન્મટીપની સજા થઈ. શાંતિ ઘોષ અને સુનીતિ જિલ્લા મેજિસ્ટ્રેટ સ્ટીવન્સનના બંગલામાં જઈને ગોળીથી ઠાર કર્યો. સુનીતિની ઉમર પંદર વર્ષની. આ જગ્યા કુમિલ્લા, બાંગલા દેશની. મમતા મુખર્જી, સુહાસિની ગાંગુલી, પારૂલ મુખર્જી, રેણુકા સેન, ઇન્દુમતિ સિંહ, લીલાવતી નાગ. ઇન્દુમતિ અને સુહાસિની ચટગાવની. મમતા કુમિલ્લાની. લીલા અને રેણુકા ઢાકાની. આ ઢાકાની કાલતા બજારમાં અત્યારે જ્યાં ભારે તોફાનો કરવામાં આવ્યા ત્યાં જ દેશની આઝાદી માટે અંગ્રેજોની સામે ક્રાંતિકારોની ટોળી લડી તેમાં નલિની અને તારીણી મૃત્યુને હતી. ભારત-પાક વિભાજન ના થયું હોત તો ત્યાં તેનું સ્મારક હોત! એક ત્રૈલોક્ય નાથ મહારાજે તો બ્રિટિશ અને પાકિસ્તાન સરકારની સામે લડ્યા અને પાકિસ્તાની સરકારે 11 વર્ષની સજા કરી.
ઢાકામાં સ્વાતંત્ર્યવીરોએ “અનુશીલન સમિતિ” રચી હતી. સ્વાધીન ભારત નામે અખબાર પ્રકાશિત થતું. અનુકૂલ ચક્રવર્તી, પ્રતુલ ગાંગુલી, નલિની ઘોષ, આદિત્ય દત્ત, નિકુંજ પાલ અહીના ક્રાંતિકારો, જેમણે અંગ્રેજ અફ્સરોનો વધ જાહેરમાં કર્યો. અરવિંદ ઘોષના પિતા ખૂલનામા તબીબ હતા. જેસોરમા જન્મેલા બાઘા જતીન અર્થાત જતિંદ્રનાથ મુખર્જીએ આહુતિ આપી અહી.
 કોઈ એક વિપ્લવી ઘટનામાં જોડાયેલા અને બલિદાની તરુણોની વાત કરવી હોય તો બાંગલા દેશના ચટ્ટગ્રામની ક્રાંતિ ઘટનાનું સ્મરણ કરવું જ પડે. સાંભળો આ હુતાત્માઓના નામ: માસ્ટર દા સૂર્યસેન. હરીગોપાલ બલ. નરેશ રાય. વિધુ ભટ્ટાચાર્ય. મધુસૂદન દત્ત. પ્રભાસ બલ. નિર્મળ લાલા. અમરેન્દ્ર નાંદી. મનોરંજન સેન. વિધુ ભટ્ટાચાર્ય.સ્વદેશ રાય. રામકૃષ્ણ વિશ્વાસ. પ્રીતિલતા વાદેદાર. કૃષ્ણ ચૌધરી. શૈલેશ્વર ચક્રવર્તી. લાલા મોહન સેન.મનોરંજન દાસગુપ્ત. અનુરૂપ ચંદ્રસેન. હિમાંશુ ચક્રવર્તી. વીરેન ડે, સુકુમાર કાનૂનગો. ફરીન્દ્ર નાંદી. સુરેશ વણિક. અશ્વિની ગુહા. સહાય સંપદ ચૌધરી. યશોદા પાલ. અને બીજા ત્રીસ. 1918થી સંગઠન થયું. વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્ર દત્ત અને સૂર્યસેનનું માર્ગદર્શન. ઇંડિયન રિપબ્લિક ચટ્ટગ્રામ ની ઘોષણા. તેનું ઘોષણપત્ર. આખું ચટ્ટગ્રામ મુક્ત. રાષ્ટ્રધ્વજ ફરકવાયો. પરિણામ ભીષણ યુદ્ધ. અનેકોના બલિદાન. બાકીનાણે ફાંસી.
આજે આ વીર બલિદાનીઓ વિભાજિત દેશ અને કટ્ટરવાદમાં હોમાયેલા સ્વદેશીઓના દ્રશ્યથી કેવા આહત હશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter