આમ તો નવા વર્ષે ઘણાય લોકો નવો સંકલ્પ લેતા હોય છે જોકે એ સંકલ્પ નિભાવનારાની સંખ્યા વર્ષના અંતે ઓછી જ થઈ હોય, પણ પોતાના સંકલ્પ પર અડગ રહેવા માટે તમે કઈ રીતે કમાણી મેળવો છો એ મહત્ત્વનું નથી, પણ તમે વ્યક્તિ તરીકે કેવા છો એ મહત્ત્વનું હોય છે.
બિલ ગેટ્સને એમની દાનવૃત્તિ અને શિક્ષણ વચ્ચેના સંબંધ માટે એકવાર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, હું હાર્વર્ડ યુનવર્સિટીમાં ભણ્યો છું, પણ દુનિયામાં કેવી રીતે જીવવું એ અંગેના એક પણ પાઠ મને ત્યાં ભણાવાયા નથી. એ તો દુનિયામાં જીવતાં જીવતાં તમારી આસપાસથી જ શીખવું પડે. આ જ સૂત્ર મહેસાણાના ગોદડિયા બાપુ માટે પણ યથાયોગ્ય છે.
ગોદડિયા બાપુનો આશ્રમ એટલે સડક. હા તેઓ ભિક્ષુક છે અને શ્રેષ્ઠ ભિખારીનો એવોર્ડ જીતી ચૂક્યાં છે. ગોદડિયા બાપુએ અનોખો નિર્ધાર કર્યો છે. તેમણે આ દિવાળીમાં મળેલી તમામ ભીખની રકમમાંથી સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને નવાં કપડાં અને પુસ્તક આપવાનો નિર્ણય કર્યો હતો.
ગોદડિયા બાપુ મહેસાણાના હાઈવે પાસે ભીખ માગે છે. તેમનું સાચું નામ ખીમજી
પ્રજાપતિ છે.
ખીમજી પ્રજાપતિને કોઈ ખીમજી નામથી બોલાવે તો તેમને ગમતું નથી. આ નામ સાંભળતા જ એમને એમનો ભૂતકાળ એને પરેશાન કરે છે. એટલે એનું નામ બહુ જ ઓછા લોકોને ખબર છે. લોકો એને ગોદડિયા બાપુ તરીકે જ ઓળખે છે. મૂળ રાજકોટના વતની ખીમજી પ્રજાપતિ એક જમાનામાં વરલી મટકાનો ધંધો કરતા હતા. તેઓ એક જમાને ખાસ્સા રૂપિયા કમાતા હતા. એમનો રૂઆબ પણ ઘણો હતો.
ખેલીઓ પૈસા હારી જાય તો પઠાણ ઉઘરાણી કરી પૈસા વસૂલતા હતા. આવી જ રીતે એના જુગારના અડ્ડા પર મોટી રકમ હારી ગયેલા એક જુવાનને એણે ધમકાવ્યો અને એ ત્રણ દિવસ દેખાયો નહોતો એટલે ખીમજીભાઈ એના ઘરે ગયા ત્યારે ખબર પડી કે જુગારમાં પૈસા હારી જનારે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
આ એમની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ. એને એ દિવસે પોતાના ખિસ્સામાં જે પૈસા હતા એ આત્મહત્યા કરનાર જુગારીની પત્નીને આપીને રાજકોટથી એસ. ટી. બસમાં બેસી ગયા અને રખડતાં રખડતાં મહેસાણા બસ સ્ટેન્ડ પર આવ્યા. રસ્તા પર ભૂખ્યા તરસ્યા પડી રહ્યા હતા. બાજુમાં મંદિર હતું. એના મેલાં કપડાં જોઈ લોકોએ ભીખ આપવાનું શરૂ કર્યું. પૈસા મળવા લાગ્યા, ખાધા-પીધા પછી પૈસા વધ્યા એનાથી એણે ગરીબોને દાન આપવાનું શરૂ કર્યું અને લોકોને ખબર પડી એટલે લોકો એને વધુ ભીખ આપવા લાગ્યા. લોકો મફતમાં જમવાનું આપવા લાગ્યા અને એક ગોદડી પહેરીને ફરતા ખીમજીને લોકો ગોદડિયા બાપુ તરીકે ઓળખવા માંડ્યા. એમની પાસે પૈસા બચે એટલે ગરીબોમાં દાન કરી દે.
ભિખારીના દાનની ખ્યાતિ એવી પ્રસરી કે એને અનેક સંસ્થાઓએ એવોર્ડ અને પૈસાના ઈનામ આપ્યાં. રસ્તા પર રહેતા ગોદડિયા બાપુ એવોર્ડ વેચી નાંખે. એમાંથી ઈનામના જે પૈસા મળે એમાંથી સરકારી સ્કૂલના ગરીબ બાળકોને દાન આપે. આ દિવાળીએ ગોદડિયા બાપુ પાસે રૂ. ૩ લાખથી વધુ ભેગા થયા હતા. તેમણે નક્કી કર્યું કે ભીખમાં મળેલા પૈસામાંથી સ્કૂલ ખૂલે એટલે ગરીબ બાળકોને નવાં કપડાં-પુસ્તકો અપાવવા.