વિશ્વના બધા ખંડોમાંથી કાયદેસર અને ગેરકાયદે અમેરિકામાં ઉજ્જવળ ભવિષ્યની આશાએ જનપ્રવાહ સતત આવતો રહ્યો છે. આમાંના કેટલાય અમેરિકામાં ખોવાઈ અથવા ખવાઈ જાય છે. અજાણી ભૂમિમાં આવેલી વ્યક્તિઓમાંથી કેટલાકને અણધારી આફત આવે. પોતાનાં માન્યાં હોય તે પારકાં બની જાય ત્યારે વ્યક્તિ નિરાધાર બની જાય. આવી નિરાધાર વ્યક્તિની ટેકણલાકડી બનનાર ડો. કમલેશ મેકવાન છે. ડો. મેકવાન ઈલીનોઈસ રાજ્યના પિયોરિયામાં સ્થાયી છે, પણ રાજ્યના મુખ્ય નગર શિકાગોમાં માનવતાથી ભરેલા ડો. મેકવાને જે કર્યું છે તે સમગ્ર ગુજરાતીઓને અને હિંદીઓને ગૌરવ અપાવે તેવું છે.
અમેરિકામાં હું ઠેર ઠેર ફર્યો છું. સેંકડો ગુજરાતીઓને મળ્યો છું. સેંકડોનો આડકતરો પરિચય છે. ગુજરાતમાં સમાજમાં આગળ પડતા મનાતા બ્રાહ્મણ, વણિક અને લોહાણાઓની અમેરિકામાં મોટી વસ્તી છે. તેમાં સંખ્યાબંધ ડોક્ટર, મોટેલમાલિક, સ્ટોરમાલિક, વેપારી, એન્જિનિયર વગેરે છે. જુદાં જુદાં ભારતીય મૂળના જ્ઞાતિ અંગેનાં સામાજિક સંગઠનો, ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠનો, વ્યવસાયિક સંગઠનો છે. તેઓ ભારતમાં મદદ પહોંચાડે છે. જલસા કરે છે. અમેરિકામાં ય ભાતભાતના કાર્યક્રમો યોજે છે. છતાં કોઈને ના જડ્યું તેવું આગવું સેવાક્ષેત્ર ડો. મેકવાનને જડ્યું છે. મેકવાન કરતાંય અનેકગણી આવક હોય તેવા સંખ્યાબંધ ગુજરાતીઓને હું જાણું છું, પણ મેકવાન એટલે મેકવાન જ એવું થયું છે.
ડો. મેકવાને શિકાગોમાં મેકવાન ફાઉન્ડેશન સ્થાપ્યું છે. શિકાગોના ડેવાન વિસ્તારમાં મેકવાન ફાઉન્ડેશનનું ૧૨ રૂમનું મકાન છે. જેને કોઈ આધાર ના હોય તેને અહીં છ અઠવાડિયા વિના પૈસે રહેવાની સગવડ મળે છે. ક્યારેક જરૂર પ્રમાણે એમાં બાંધછોડ કરીને વધારે રહેવા દેવાય છે. રહેનારને ચોખા, લોટ, દૂધ, તેલ વગેરે ગ્રોસરી વિનામૂલ્યે આપવામાં આવે છે તે રસોડામાં જાતે પોતાની રસોઈ તૈયાર કરી લે. રસોડામાં જરૂરી વાસણો, ગેસ વગેરે હોય છે.
અહીંની સગવડોનો લાભ લેનાર વ્યક્તિઓ ઘણી છે. કેટલાક ઉદાહરણ આ રહ્યા. એક મુસ્લિમ મહિલા પરણીને શિકાગો આવી. છ માસમાં પતિએ પોત પ્રકાશ્યું. મારઝૂડ રોજની થઈ. અંતે એક દિવસ ઘરમાંથી કાઢી મૂકી. મેકવાન ફાઉન્ડેશનનું નામ સાંભળીને આવી. તેને છ અઠવાડિયાને બદલે છ માસ આશરો મળ્યો. દુઃખની વેદના ઘટી અને પોતાનો રસ્તો શોધીને અંતરથી દુઆ દેતી વિદાય થઈ.
બહેન-બનેવીએ એક ભાઈ-ભાભીની ફાઈલ કરી. તેમને આવવાનું થતાં કહ્યું, ‘સાત દિવસ રાખીશું પછી તમારો રસ્તો તમારે શોધી લેવાનો!’. ભાઈ-ભાભીએ માનેલું કે ‘જઈશું એટલે રાખશે જ. સાત દિવસ થતાં ઓછા કાઢી મૂકશે? એ ખાલી કહેતા હશે...’ સાત દિવસ થતાં જ બહેને ભાઈનો સામાન રસ્તા પર મૂકી દીધો. આ ભાઈ-ભાભી મેકવાન ફાઉન્ડેશનમાં પહોંચ્યાં અને મેકવાન ફાઉન્ડેશન મહિનાઓ સુધી એમનું ઘર બની રહ્યું!
૮૦ વર્ષનાં વૃદ્ધ ભારતીય દીકરા અને વહુને ત્યાં આવ્યા. વહુને વેઠ ના ગમે. મેણાંટોણાં મારે. સરખું ખાવા ના આપે. ડોસા બધું વેઠી લે. વહુને થયું કે આ લપ માથે પડી. એક દિવસ તે વૃદ્ધને લઈને મોલમાં ગયાં. પછી ઉતારીને મોલના બાંકડે બેસાડીને કહ્યું, ‘અમે કામ પતાવીને આવીએ એટલે લઈ જઈશું.’ ડોસા બેસી રહ્યા. મોલ બંધ થવાનો સમય થયો. ડોસાને અંગ્રેજી આવડે નહીં. બેઠા જ રહ્યા. અંતે કોઈ દયાભાવથી મેકવાન ફાઉન્ડેશનમાં મૂકી ગયું અને રાખ્યા.
આવી જ બીજી ઘટના. ચાર-ચાર દીકરીઓની વિધવા મા અમેરિકા આવી. બધી દીકરીઓ પરણેલી. બધાંને બાળકો નાનાં ત્યારે મા એમને મમતાની મૂર્તિ લાગે. માજી બાળકો ઉછેરે અને દીકરી નોકરી કરે. અંતે બધી બહેનોનાં બાળકો મોટાં થયાં. તેમને માની ગરજ ન રહી. દરેક વિચારે મા મારી એકલાની થોડી છે? માજીને બધેથી જાકારો મળ્યો. એક દિવસ એક દીકરીએ માજીને નફ્ફટ થઈને કહ્યું, ‘મારે ઘર, વર અને બાળકો છે. મેં બહુ રાખ્યાં. હવે નહીં રાખું.’ અંતે મેકવાન ફાઉન્ડેશનનો આશરો મળ્યો.
મેકવાન ફાઉન્ડેશનના સ્થાપક ડો. કમલેશ મેકવાને આનો આરંભ ૧૯૯૯માં ૩૦ હજાર ડોલરથી કર્યો. બીજા વર્ષે ૫૦૦૦ ડોલર ઉમેર્યાં. પછીનાં ત્રણ વર્ષ દર વર્ષે ૭૫૦૦૦ ડોલર ઉમેર્યા પછી પણ દર વર્ષે તેમાં કંઈક ઉમેરે છે. પોતે સાદું જીવન જીવે છે. પતિ-પત્ની કરકસરથી બચાવે તે બીજા માટે ખર્ચી શકાય માટે.
ડો. કમલેશ મેકવાન ૧૯૫૭માં જન્મેલા. તેમના દાદા દાજીભાઈ. ખેડા જિલ્લાના ઉત્તરસંડાના મૂળ વતની. દુકાળ અને ગરીબીના વખતે બાળપણમાં એમને ખ્રિસ્તી મિશનરીઓની મદદ સાંપડી. અમદાવાદમાં મિશન શાળામાં ભણીને ત્યાં જ શિક્ષક બન્યા. તેમના પુત્ર તે સેમસન મેકવાન. તેઓ અમદાવાદમાં ભણીને બી.ઈ. ઈલેક્ટ્રિક થઈને અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની (એઇસી)માં એન્જિનિયર બન્યા. આ સેમસન પરણ્યા શાંતાબહેનને. શાંતાબહેન ત્યારે સાત ધોરણ ભણીને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં નર્સ બન્યાં.
નર્સ માતા અને એન્જિનિયર પિતાનો પુત્ર કમલેશ. ભણવામાં અત્યંત તેજસ્વી. એસએસસીમાં ૮૯ ટકા માર્ક્સ મેળવીને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાયા. પ્રિ-સાયન્સમાં ૮૮ ટકા આવતાં તેમને મેડિકલમાં પ્રવેશ મળ્યો. તેજસ્વિતાને લીધે કોલેજમાં શરૂથી છેક સુધી સ્કોલરશીપ મળી. ૧૯૮૩માં એમબીબીએસ થયા. આ જ વર્ષે મીનાબહેનને પરણ્યા. મીનાબહેનના પિતા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં કંપાઉન્ડર હતા અને માતા નર્સ. નર્સિંગને લીધે માતાને અમેરિકા આવવાનું થતાં દીકરીને સાથે અવાયું હતું. મીનાબહેનને ગ્રીનકાર્ડ મળતાં એમના અધિકારે કમલેશને ૧૯૮૪માં આવવાનું થયું. ૧૯૯૪માં રેસિડન્સી પતી. પીડિયાટ્રિશ્યન થયા પછી ત્રણ વર્ષના અભ્યાસે નિયોનેટોલોજી થયા. સમય પહેલાં જન્મેલાં અને એક માસથી નાનાં બાળકો માટેના અભ્યાસ અને સારવાર માટેનો આ અભ્યાસક્રમ. આ પસંદ કરવાનું કારણ તે કમલેશની નાનપણથી જ પડકારરૂપ કામ કરવાની રૂચિ.
ડો. મેકવાને જેમ વિશિષ્ટ અભ્યાસક્રમ પસંદ કર્યો, તેવી જ રીતે દાન આપીને બેસી રહેવાને બદલે દાનના ઉપયોગનું વિશિષ્ટ ક્ષેત્ર પસંદ કર્યું.
ડો. મેકવાન તેમના દાનના ક્ષેત્રથી ગુજરાતીઓમાં વિરલ છે.