એક જગ્યાએ હજારો માણસોનો મેળો ભરાયો હતો. લોકો આનંદથી મેળાના આકર્ષણોને નિહાળી રહ્યા હતા. એ આનંદ વચ્ચે એક અંધ વ્યક્તિ હાથમાં દિલરુબા લઈને નિરાશ વદને બેઠો હતો. તેની આગળથી લોકો પસાર તો થતા હતા, પરંતુ કોઈએ તેની મુશ્કેલી જાણવાનો પ્રયત્ન કર્યો નહીં.
એવામાં એક માણસ તેની પાસે આવ્યો. તેણે ઉદાસીનતાનું કારણ પૂછ્યું, ત્યારે તે અંધે કહ્યું, ‘હું દિલરુબા વગાડી બે-પાંચ પૈસા ભેગા કરીને પેટ ભરું છું. પણ આ ગિરદીમાં મારી હથેળી ચગદાઈ ગઈ એટલે હું દિલરુબા વગાડી શકું તેમ નથી. માટે આજે શું ખાઈશ? તેની ચિંતાથી નિરાશ છું.’ પેલા માણસે કહ્યું, ‘હું વગાડું?’ તેણે કહ્યું, ‘તમને આવડે છે?’ પેલા માણસે કહ્યું, ‘થોડું-ઘણું આવડે છે.’ એમ કહી તેણે સંગીત વગાડવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ભીડ જામવા લાગી અને પૈસાનો વરસાદ થયો. છેલ્લે બધા પૈસા ભેગા કરી તે માણસે પેલા અંધને આપી દીધા અને પોતાની ઓળખ આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. એ સજ્જન હતા મહાન સંગીતજ્ઞ ઓમકારનાથ.
સામાન્ય માણસો અને મહાન પુરુષોમાં આ જ ફેર રહી જાય છે. લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ કરવાની તો દૂર, પણ ન દેખ્યા જેવું વર્તન કરીને ત્યાંથી નીકળી જાય છે. હું શા માટે મદદ કરું? તે ક્યાં મારો સગો થાય છે? હું તેને નથી ઓળખતો! મને શું ફાયદો? વગેરે વિચારોની બેડી માણસને એવી જકડી રાખે છે કે, તેને તોડી, માનવીને ક્યારેય બીજાના માટે જીવવાનો વિચાર સુદ્ધાં નથી આવતો.
હિતોપદેશમાં કહ્યું છે કે, ‘જેના જીવવાથી બધા જીવે છે તેમનું જીવન સાર્થક છે. કારણ કે, માત્ર પોતાને માટે તો કોણ નથી જીવતું?’ માટે જો આવી બેડી તોડીને જીવન સાર્થક કરવું હોય, તો એક જ ઉપાય છે - ‘જરૂરિયાતમંદ માણસની પરિસ્થિતિ સમજી, હૃદયમાં તેને મદદ કરવાની ભાવના જગાડવી.’
એક વાર એક મોટા પ્રોજેક્ટ પર 70 વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા હતા. એક દિવસ એક વૈજ્ઞાનિકે પ્રોજેક્ટના હેડ અબ્દુલ કલામ પાસે જઈને કહ્યું, ‘મેં મારા બાળકોને આપણા શહેરમાં આવેલું પ્રદર્શન દેખાડવાનું વચન આપ્યું છે. માટે હું સાડા પાંચ વાગે જઈ શકું?’ કલામ સાહેબે હા પાડી. વૈજ્ઞાનિક પાછા કામે લાગ્યા, પણ કામ એટલું જટિલ હતું કે સમય વીતી ગયો. જ્યારે તેમને બાળકો યાદ આવ્યા ત્યારે 8-30 વાગી ગયા હતા. આથી તેઓ ઉતાવળે ઘરે પહોંચ્યા અને પત્નીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે, ‘બાળકો ક્યાં છે?’ ત્યારે પત્નીએ કહ્યું, ‘કલામ સાહેબ તેમને 5-30 વાગ્યાથી પ્રદર્શન જોવા લઈ ગયા છે.’
મદદ કરવાની ભાવના તેને જ જાગે જે બીજાની પરિસ્થિતિ સમજી શકે. મહાન પુરુષો દરેક વ્યક્તિની પરિસ્થિતિ સમજી શકે છે. એટલા માટે જ તેમની પાસે મદદ માગવી નથી પડી, તેઓ સામેથી જ મદદ કરવા પહોંચી જાય છે.
1962માં અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા-મહોત્સવ હતો. ઉત્સવના સમાપનની રાત્રિએ રસોડા વિભાગમાં સ્વચ્છતાની સેવા બજાવી રહેલો યુવાન, એંઠવાડથી ભરેલી લારીને ઢાળ ચઢાવવાનો પ્રયત્ન કરી રહેલો, પરંતુ ભાર ખૂબ જ હતો અને ઢાળ પણ ઊંચો, એટલે તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા હતા.
એટલામાં તેણે પ્રમુખસ્વામી મહારાજને થોડે દૂરથી પસાર થતાં જોયા, પણ તેઓને કાંઈ એંઠવાડની લારી ખેંચવા બોલાવાતા હશે? સંસ્થાના પ્રમુખ, મહોત્સવના મોવડી અને હજારોના આદરણીય એવા પ્રમુખસ્વામી મહારાજ પાસે કાંઈ આવું કામ કરાવાતું હશે?
યુવાન આ વિચારોની ગડમથલમાં હતો. એવામાં પ્રમુખસ્વામી મહારાજની નજર આ યુવાન પર પડી અને તેને જોતાંવેંત બધી જ પરિસ્થિતિ પામી ગયા. એ યુવાન હજુ મદદનો સાદ પાડે, એ પહેલાં તો પ્રમુખસ્વામી મહારાજ તેની મદદે પહોંચી ગયા અને એંઠવાડની લારીને ધક્કો મારવા લાગ્યા. થોડીવારમાં લારી ઢાળ તો ચઢી ગઈ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ત્યાંથી અટક્યા નહીં. એ લારીને જ્યાં ખાલી કરવાની હતી ત્યાં સુધી લારીને ખેંચી જવામાં પણ તેઓ એ યુવાનની સાથે રહ્યા. અરે! લારીને ખાલી કરાવવામાં પણ સાથે રહ્યા.
જરૂરિયાતમંદને કેવળ મદદ કરવી એટલું જ નહીં, પણ પૂરેપૂરી મદદ કરવી એવો એમનો સિદ્ધાંત હતો. પર-સેવા માટે પરસેવો પાડનારા આ મહાપુરુષે 45 જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં રાહતકાર્ય, 2 લાખથી વધુ પીડિતોને સહાય, 25 જેટલાં આખા ગામ દત્તક લઈને પુનઃ નિર્માણ, 21 હજાર જેટલાં દુષ્કાળપીડિત પશુઓની માવજત અને 29 લાખ પછાત વિસ્તારના દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરીને સમાજસેવાનો અમિટ અધ્યાય લખ્યો છે.
એટલે જ ભારતીય દલિત સમાજના ધાર્મિક વડા પૂ. શંભુ મહારાજ બોલી ઊઠ્યા, ‘પ્રમુખસ્વામી મહારાજની કરુણાગંગા સમાજના છેવટના માનવી સુધી પહોંચી છે.’
આપણે કદાચ આવા મહાપુરુષોની જેમ સૂર્ય બનીને સમગ્ર સમાજને પ્રકાશ ન આપી શકીએ, પણ તેઓમાંથી પ્રેરણા લઈને દીપક બની આપણી આસપાસના વ્યક્તિઓને જરૂર પ્રકાશ આપી શકીએ. સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણને એવી કેટલીય વ્યક્તિઓનો ભેટો થતો હશે, જેને કંઈક મદદની જરૂર હોય. તો આવો, તેમના મદદગાર થઈએ અને યાદગાર બનીએ.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન સૂત્ર જ હતુંઃ ‘બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણું સુખ.’
જેઓનું જીવન સદાય અન્યની સહાયમાં જ વીત્યું છે એમનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે. એવા યાદગાર મદદગાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીએ શત શત અભિવંદન...