સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી...
ઉમાશંકર જોષીની આ રચના આજે યાદ આવે છે. માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી સૌથી પહેલી બોલી કે ભાષા. અને એટલે મને મારી મા પાસેથી મળેલ પ્રથમ ભાષા એવી મીઠી ગુજરાતી બોલી ખૂબ જ પ્રિય. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ખૂબ સમૃદ્ધ છે. ગુજરાતી માત્ર ભાષા જ નહીં, પણ તે એક ગુણ અને સૌમ્યતાના સમન્વયની સંસ્કૃતિ છે.
આપણા ભારત દેશ પાસે વૈવિધ્યસભર ભાષાઓનો ખજાનો છે. હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, ઉડિયા, ગઢવાલી, પંજાબી, અવધી... આ દરેક ભાષાનું એક અલગ માધુર્ય અને મહત્વ છે. અરે! આપણી ગુજરાતી ભાષામાં જ જુઓ તો કાઠિયાવાડી, કચ્છી, સૌરાષ્ટ્રની સોરઠી, જામનગરની હાલારી, ચરોતરી, દક્ષિણ ગુજરાતની સુરતી... આ દરેકનો લય, હલકારો અને લહેકો પણ ખૂબ જ મીઠડો.
આટલી બધી વિવિધતા અને શબ્દવૈભવ હોવા છતાં આપણે વિદેશી ભાષાનો મોહ રાખીએ છીએ. નિશાળમાં પણ અમુક ધોરણ પછી બીજી વૈકલ્પિક ભાષા પસંદ કરવાની થાય ત્યારે ફ્રેન્ચ કે જર્મન ભાષા શીખવવાનો વાલી આગ્રહ રાખે છે. અરે ભાઈ! આટલો બધો પોતાની સ્વ-ભાષાનો અણગમો કેમ? ગુજરાતી ભાષા નહીં શીખવવાનું કારણ? શું રોજ તમારું બાળક તમારી સાથે ફ્રેન્ચ કે જર્મનમાં વાત કરવાનું છે? અને ધારો કે એ કરે તો શું તમે એ સમજી શકશો? ના, પણ આ દેખાદેખીનો દુરાગ્રહ.
અરે ભલા માણસ આપણા ગુજરાતી શબ્દોનો વૈભવ તો જુઓ... સવારના અલગ-અલગ પ્રહરને પણ કેવી સુંદર રીતે વર્ણવી શકાય. જેમ કે, પ્હો ફાટ્યો, ભળભાંખળું, ઉષારાણીનું આગમન ને પછી સૂર્યોદય.
તમે જ્યારે પોતાની માતૃભાષામાં કોઈ વાતનું વર્ણન કરો, તો તરત એ અનુભવાય... જેમ કે, પર્વત પરથી અથડાતું, પછડાતું આવતું ઝરણું ધરા પર ખળખળ વહેતું દોડવા લાગ્યું. તો સાંભળતાં જ એ ચિત્ર તમારી નજર સમક્ષ તાદ્દશ્ય અનુભવી શકાય. જ્યારે પોતાની ભાષા સિવાય બીજી ભાષામાં આ વાતને આટલી સહજ અનુભવી કે સંવેદી શકાય જ નહીં. અરે! આપણી ભાષાના કેટલાક શબ્દ તો હવે આ અંગ્રેજી માધ્યમને લીધે લુપ્ત થતા જાય છે. જેમ કે, ડામચિયો, મજૂસ, ગોખ, વરગણી, ચાડું, મહોતું, બુહલું, ગાગર, પરસાળ... આ બધા શબ્દો સાંભળીને અત્યારના આ વિચિત્ર ગુજલીશ શીખેલા બાળકો બાઘા બની જોયા કરશે.
મા-બાપ ક્યાંક મારું બાળક પાછળ ન રહી જાય એની ઘેલછામાં તેને પોતાની ભાષાથી વિમુખ કરે છે. એમાં બાળક બિચારું મુંઝવણ અનુભવે. બેટા hand wash કરી લે, કે eat કરી લે. Leg fold કરો. જો અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાની મા-બાપની ઘેલછા હોય, તો આવી ગુજલીશ ભાષા જન્મે.
આ વિચિત્ર ભાષાથી એના બાળમાનસમાં ભાષાઓનો દ્વંદ્વ રચાય છે અને એ ન ઘરનું કે ન ઘાટનું એવી પરિસ્થિતિ સર્જાય છે. આમાં મારી કોઈ બીજી ભાષાને નીચી પાડવાની વાત નથી. અંગ્રેજી શીખવું જરૂરી છે, પણ મારી માતૃભાષાના ભોગે તો નહીં જ.
દરેક મહાન વ્યક્તિઓ કે વૈજ્ઞાનિકોએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ લીધું છે અને સિદ્ધિ મેળવી છે. ગુજરાતી ભાષા સમૃદ્ધ સાહિત્ય ધરાવતી ભાષા છે. એ માત્ર લખાતી કે બોલતી નહીં પણ જીવંત ભાષા છે. કવિ નર્મદ, મેઘાણી, કલાપી, દલપતરામ, જેવા લોકોએ ઉત્તમ સાહિત્ય આપેલું છે. વળી, સંગીતના સાહિત્યના પ્રકારોમાંનો એક એવું ગઝલ ગાયન જે બધી ભાષાઓમાં નથી ગવાતું. છતાં, ઉર્દુ અને હિંદી પછી ગઝલ સૌથી વધુ ગવાતી હોય તો એ આપણી માતૃભાષા ગુજરાતીમાં.
છેલ્લે, અંકિત ત્રિવેદીની પંક્તિ ટાંકવાનું મન થાય,
બધાને કરી દંડવત્ એ નમે છે,
મજા બહું પડે જીન્સમાં જે રમે છે.
આ જીવન એક એના સહારે ગમે છે,
મને મારી ભાષા વધારે ગમે છે.
વિશ્વ માતૃભાષા દિવસની સૌને શુભેચ્છાઓ...