આ સમયની બલિહારી છે. ઈ.સ. ૧૮૫૭માં ભારતમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જુલ્મી શાસનને તગેડવા માટે જે જુવાળ જાગ્યો એમાં અલ્વર સ્ટેટ અને આસપાસના વિસ્તારોના ૬૦૦૦ જેટલા મેઓ-મેવાતી મુસ્લિમો માર્યા ગયા હતા. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાતા આ બળવામાં હિંદુ-મુસ્લિમ સંગઠિત થઈને લડ્યા હતા. જોકે, રાષ્ટ્રીય સ્તરે એ ક્રાંતિનું સુસંકલન નહોતું અને મોટાભાગનાં દેશી રજવાડાંએ અંગ્રેજોનું પડખું સેવવાનું પસંદ કર્યું એટલે ક્રાંતિ નિષ્ફળ રહી. આઝાદી આવતાં ૯૦ વર્ષ લાગ્યાં. ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટ આવતાં સુધીમાં તો દેશનો માહોલ એટલો બદલાઈ ચૂક્યો હતો કે હિંદુ-મુસ્લિમ રમખાણો સામાન્ય થઈ ગયાં હતાં.
૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ત્યારે એનો વિરોધ કરનાર કોંગ્રેસી આગેવાન બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાએ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ આવતાં લગી તો ઈસ્લામને નામે અલગ પાકિસ્તાન મેળવી પણ લીધું. જે વિભાજન માટે મહાત્મા ગાંધી જવાબદાર નહોતા એના માટે એમણે નથુરામ ગોડસેની ગોળીએ વીંધાઈને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મોતને ભેટવું પડ્યું. હત્યારા નથુરામ ગોડસેને ફાંસી થઈ, પણ હજુ હમણાં એટલે કે બે વર્ષ પૂર્વે જ રાજસ્થાન સરકારે ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા ફ્લાયઓવરને ‘રાષ્ટ્રવાદી નથુરામ ગોડસે પુલ’ નામ આપવામાં આવ્યું ત્યારે એ સમાચાર માત્ર દેશમાં જ નહીં, દુનિયાભરમાં કૂતુહલ બનીને પ્રગટ્યા! જિલ્લાના કલેક્ટર મહાવીર સ્વામીએ તો આ ફ્લાયઓવરને નથુરામ ગોડસેનું નામ આપવાનું કેટલાંક અસામાજિક તત્વોનું કામ ગણાવીને હાથ ખંખેરી નાખ્યાં, પણ અલવર અને મહાત્મા ગાંધીની હત્યાના સંબંધનો પણ એક ઈતિહાસ છે. ગાંધી હત્યાના કાવતરામાં સંડોવાયેલા એક આરોપીને અલવરમાં છૂપાવાયો હતો.
કોંગ્રેસી પ્રીમિયર ડો. ખરે વાઈસરોયની કાઉન્સિલમાં
વડા પ્રધાન ડો. મનમોહન સિંહની સરકારમાં રાજ્યપ્રધાન રહેલા અલવરના ‘મહારાજા’ જિતેન્દ્ર સિંહ ફેબ્રુઆરી ૨૦૧૫માં અલવરના ફ્લાયઓવરને ‘રાષ્ટ્રવાદી’ ગોડસેનું નામ અપાયાના મુદ્દે આઘાત પામ્યા હતા. એમણે તપાસની માગણી પણ કરી હતી. અલવરના છેલ્લા મહારાજા સર તેજ સિંહના પૌત્ર જિતેન્દ્ર સિંહ સ્પષ્ટ કરવાનું પસંદ કરે છે કે મહાત્મા ગાંધીની હત્યા સાથે પોતાના દાદા કે દીવાન ડો. એન. બી. ખરેનો સંબંધ નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યા છતાં બેઉને દિલ્હીમાં નજરકેદ જરૂર રખાયા હતા. એનું કારણ બહુ સ્પષ્ટ હતુંઃ અલવરના રાજવી તેજ સિંહ મહાત્મા ગાંધીની અસહકાર ચળવળના વિરોધી હતા. તેઓ હિંદુ મહાસભા સાથે સંકળાયેલા હતા અને હિંદુ રાષ્ટ્રવાદના પુરસ્કર્તા હતા.
ઓછામાં પૂરું, એમણે પોતાના દીવાન તરીકે કોંગ્રેસ છોડી ગયેલા ડો. ખરેને નિયુક્ત કર્યા હતા. આ ડો. ખરે મધ્ય પ્રાંતના પ્રીમિયર હતા. એમને એ હોદ્દેથી દૂર કરવા પાછળ સરદાર પટેલની ભૂમિકા હોવાનો ભારે કકળાટ એમણે કર્યો હતો. ગાંધીજી સમક્ષ ફરિયાદ પણ કરી હતી. નવાઈ તો એ વાતની હતી કે કોંગ્રેસે એમને પ્રીમિયર તરીકે દૂર કર્યા પછી ડો. ખરે હિંદુ મહાસભામાં જોડાયા અને એક તબક્કે અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ બન્યા હતા. કોંગ્રેસને બતાવી દેવા માટે મધ્ય પ્રાંતના પ્રીમિયર થવા માટે એમણે મુસ્લિમ લીગનો ટેકો લેવા વારંવાર મોહમ્મદ અલી ઝીણાને પત્રો લખીને વિનંતી કરી હતી, પણ કાયદે આઝમે એમને દાદ આપી નહોતી. આવા ડો. ખરે કોંગ્રેસ છોડ્યા પછી વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય (પ્રધાન) પણ બન્યા હતા. અલવરના પ્રાઈમ મિનિસ્ટર તરીકે સેવારત હતા ત્યારે મહારાજાએ એમને બંધારણ સભામાં નિયુક્ત પણ કર્યા હતા. જોકે, મહાત્માની હત્યાના કેસમાં અલવરના મહારાજા અને ડો. ખરે બેઉની સંડોવણીની તપાસ ચાલી ત્યાં લગી તેમને બેઉને નજરકેદ રખાયા અને બંધારણ સભાથી દૂર રખાયા હતા.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ત્રિરંગો ના ફરક્યો
મૂળ અલવરના અને ભારતીય રિઝર્વ બેંકમાં સાડા ત્રણ દાયકા સુધી વિવિધ હોદ્દે કાર્યરત રહેલા આર. સી. મોદી ૧૯૪૭-૪૮ના સંસ્મરણો રજૂ કરતાં નોંધે છેઃ ‘૧૫ ઓગસ્ટ ૧૯૪૭ આવી અને ગઈ. અલવરમાં કોઈ જાહેર ઈમારત પર ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરક્યો જ નહીં. હા, કોંગ્રેસ સંલગ્ન પ્રજામંડળના કાર્યાલય કે અમારા જેવાં કેટલાંકના ઘર પર એ જરૂર ફરકાવાયો હતો. અલવર વહીવટી તંત્ર તરફથી ભારપૂર્વક જણાવાયું હતું કે આ દેશી રજવાડું ભારતમાં વિલય પામ્યું નથી, માત્ર સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશવ્યવહાર સહિતની ત્રણ બાબતોમાં જ એ ભારત સાથે જોડાયું છે. એટલે કરારનામા મુજબ અલવર ભારતનો હિસ્સો નહોતું.’ જોકે, અલવર ૭ એપ્રિલ ૧૯૪૯ના રોજ ભારતમાં વિલય પામ્યું. એ પહેલાં ગાંધીહત્યાના સંદર્ભમાં મહારાજા અને દીવાન બેઉને દિલ્હીમાં નજરકેદ રખાયા હતા એટલે માર્ચ ૧૯૪૮થી અલવરનું વહીવટી તંત્ર ભારત સરકારે સંભાળી લીધું હતું. કોમી રમખાણની દૃષ્ટિએ અલવર ખૂબ સંવેદનશીલ હોવાને કારણે નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલ અલવરની અણધારી મુલાકાતે આવી ચડ્યા હતા.
મહારાજા તેજ સિંહનું ૨૦૦૯માં અલવર હાઉસ, દિલ્હી ખાતે ૯૮ વર્ષની વયે નિધન થયું હતું. એમના પછી એમના પૌત્ર જિતેન્દ્ર સિંહ એમના અનુગામી બન્યા હતા. પુત્ર પ્રતાપ સિંહ અગાઉ ગુજરી ગયા હતા.
અલવરમાં મુસ્લિમોની શુદ્ધિ
અલવર સ્ટેટ હિંદુ રાજ્ય ગણાતું હોવાથી હિંદુ સિવાયના બીજા બધાને દુય્યમ દરજ્જાના નાગરિક (સેકન્ડ ક્લાસ સિટીઝન્સ) ગણવામાં આવતા હોવાનું મોદી નોંધે છે. અલવરમાં મુસ્લિમોને હિંદુ ધર્મમાં પાછા આણવા માટેના શુદ્ધિના કાર્યક્રમો પણ થતા રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો અનિચ્છાએ હિંદુ બનાવી દેવામાં આવેલાં કેટલાક મુસ્લિમ પરિવારોએ તો પાકિસ્તાનની વાટ પકડી હતી. શુદ્ધિની પ્રક્રિયા પણ કેવી ઘૃણાસ્પદ હતી એ જાણીને જ રૂવાડાં ખડાં થઈ જાય છે. ડુક્કરનું હાડકું સૂંઘવાનું કે એને ચાટવાનું સંબંધિત મુસ્લિમને જણાવાતું હતું. ઈસ્લામમાં ડુક્કરનું માંસ ખાવું પણ હરામ છે એટલે કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાને ખૂબ પસંદ પડતી હેમ સેન્ડવિચ એ છુપાઈને ખાવાનુ પસંદ કરતા હતા.
સ્ટેન્લી વોલ્પર્ટ લિખિત ‘જિન્નાહ ઓફ પાકિસ્તાન’માં નોંધાયું છે કે એમનાં યુવા પત્ની રૂટી એક બેઠકમાં પતિ માટે હેમ સેન્ડવિચ લઈને ગયાં ત્યારે ઝીણા રીતસર ભડક્યા હતા. ઝીણાએ ઈસ્લામને નામે પાકિસ્તાન મેળવ્યું તો ખરું, પણ એ ઈસ્લામે ફરમાવેલા આદેશોનું પાલન કરનાર નહોતા.
ગાંધીદ્રોહી દીવાન ડો. ખરેૉ
અલવરના દીવાન એટલે કે પ્રાઈમ મિનિસ્ટર ડો. એન. બી. ખરેના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આર. સી. મોદી એક વાર ગયા ત્યારે તેઓ ઉપસ્થિતોને ભારપૂર્વક કહી રહ્યા હતા કે ગાંધી અને બીજા દેશનેતાઓ ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે. ડો. ખરે ત્યારે બંધારણ સભાના સભ્ય હતા. એ વાત કરી જ રહ્યા હતા કે સમાચાર આવ્યા કે ગાંધીજીની હત્યા થઈ છે. ભારતનું ભાવિ આખું બદલાયું અને અલવરનું પણ. કારણ માત્ર ડો. ખરે જ નહીં, અલવરના મહારાજ પણ ગાંધીહત્યાના કાવતરાની શંકાના વલયમાં આવી ગયા હતા. સદ્દનસીબે તપાસમાં બેઉ નિર્દોષ જાહેર થયા હતા.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 5 August 2017 અથવા ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2tR9LnQ)