પ્રત્યેક વર્ષે ચૈત્ર વદ એકાદશી (આ વર્ષે 16 એપ્રિલ)એ વિશ્વભરમાં પુષ્ટિમાર્ગના આચાર્ય શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો પ્રાક્ટય મહોત્સવ ઊજવાય છે. વિશ્વને વૈષ્ણવના અને વૈષ્ણવને તેમના ધર્મના દર્શન કરાવનાર શ્રી મહાપ્રભુજી હતા. વૈષ્ણવતા શું છે? સાચો વૈષ્ણવ કેવો હોવો જોઈએ? આવા ગુણધર્મોનું માર્ગદર્શન શ્રી મહાપ્રભુજીએ ‘પુષ્ટિમાર્ગ’માં સમજાવ્યું છે.
શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા પગે સમગ્ર ભારતભરની ત્રણ વાર પરિક્રમા કરી હતી. શ્રી વલ્લભે જંગલોમાં ચાલીને આ પરિક્રમા કરી હતી. તેઓએ પ્રથમ પરિક્રમા વખતે ત્રણ પ્રતિજ્ઞાઓ લીધી હતીઃ (1) હું પગમાં પાદુકા પહેરીશ નહીં. (2) હું આજીવન સીવેલું વસ્ત્ર નહીં પહેરું, માત્ર ધોતી - ઉપરણું જ પહેરીશ. અને (3) યાત્રામાં ગામ બહાર કોઈ વૃક્ષ નીચે મુકામ કરીશ. આ પ્રતિજ્ઞાઓ જીવનભર તેમણે પાળી. યાત્રામાં શ્રી મહાપ્રભુજી જાતે જ રસોઈ બનાવતા હતા. તેઓએ અનેક જગ્યાએ ગામ બહાર રહીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો, ભાગવત પરાયણ કર્યું હતું. તેઓએ જ્યાં જ્યાં ભાગવત પરાયણ કર્યું તે સ્થળો આજે પુષ્ટિમાર્ગમાં બેઠકો તરીકે ઓળખાય છે. ભારતભરમાં આવી 84 બેઠકજી છે.
તેઓશ્રી પરિક્રમા કરતાં કરતાં વિદ્યાનગર આવ્યા, ત્યાંના રાજાએ દરબારમાં ધર્મસભા બોલાવી. મોટા મોટા પંડિતો શાસ્ત્રાર્થ માટે દરબારમાં આવ્યા હતા. ત્યારે ફક્ત 11 વર્ષની નાની વયે માયાવાદનું ખંડન કર્યું અને શુદ્ધ બ્રહ્મવાદની વ્યાખ્યા સમજાવી. બધા જ પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. ત્યાંના રાજાએ શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક કર્યો અને ‘જગદ્ગુરુ’ની મહાન પદવી આપીને સન્માન કર્યું.
તેઓ મથુરા પાસે ગોકુલ ગામમાં ઠકુરાણી ઘાટ ઉપર આવ્યા ત્યારે રાત્રે ચિંતિત હતા કે વૈષ્ણવોનો ઉદ્ધાર કેવી રીતે કરવો? શ્રીનાથજી બાવાએ રાત્રે સાક્ષાત્ દર્શન આપ્યાં અને કહ્યું કે હે શ્રી વલ્લભ! હું મંત્ર આપું છું અને તે મંત્ર દ્વારા જે વૈષ્ણવના બ્રહ્મસંબંધ મારી સાથે કરાવશો તે વૈષ્ણવનો હું સ્વીકાર કરીશ. પુષ્ટિમાર્ગમાં આ મંત્રનું ખૂબ જ મહત્ત્વ છે. પુષ્ટિમાર્ગમાં આ દિવસને પુષ્ટિમાર્ગના સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે.
‘શ્રી કૃષ્ણ શરણં મમ્’ આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર મનાય છે. આ મંત્ર વૈકુંઠમાં જવાની સીડી છે. જીવનનો કલ્યાણકારી મંત્ર છે. પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનો અવતાર મનાય છે.
શ્રી મહાપ્રભુજીનું પ્રાક્ટય ઇ.સ. 1479માં સંવત 1535માં ચૈત્ર વદ અગિયારશે ચંપારણ્ય (હાલના છત્તીસગઢ)માં થયું હતું. તેઓની માતાનું નામ ઇલમ્મા ગુરુ હતું. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ગ્રંથો લખ્યા છે. તેમના પૌત્ર યદુનાથજીએ જે ગ્રંથ લખ્યો છે જેનું નામ ‘શ્રી વલ્લભ દિગ્વિજય’ છે, તેમાં 84 ગ્રંથોનો ઉલ્લેખ છે. મુખ્યત્વે (1) યમુનાષ્ટક (2) બાલબોધ (3) સિદ્ધાંત મુક્તાવલી (4) સિદ્ધાંત રહસ્ય (5) વિવેક ધૈર્યાશ્રય (6) કૃષ્ણાશ્રય (7) સેવાફલ (8) પત્રાવલંબન (9) સુબોધિની. બધા જ ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. તેના અનેક ભાષામાં અનુવાદ થયેલા છે.
શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને સુંદર બોધ આપ્યો છે. એક જ શ્રીજીનો આશ્રય સ્વીકારવો. પ્રભુની સન્મુખ રહેવું. જીવનનું પ્રત્યેક કાર્ય પ્રભુના સુખ અથવા પ્રભુની સેવાર્થે કરવું. ક્યારેય લૌકિક ભાવ ન રાખવો. એક જ પ્રભુમાં દઢ આશ્રય એ પુષ્ટિમાર્ગનો પાયાનો સિદ્ધાંત છે.
શ્રી વલ્લભે પોતાનો છેલ્લો ઉપદેશ આપતાં રેતીમાં જમણા હાથની આંગળીથી સાડા ત્રણ શ્લોક લખ્યા હતા. તે ‘શિક્ષાશ્લોકી’ કહેવાય છે. શ્રી વલ્લભે અંતિમ ઉપદેશમાં લખ્યું છે કે ‘જ્યારે કોઈ પણ સમયે તમે ભગવાનથી વિમુખ થશો ત્યારે કાળરૂપી પ્રવાહ તમને ખેંચી જશે. તે તમારા શરીર અને ઇન્દ્રીયોને ખાઈ જશે. તેનાથી બચવા માટે ભગવાન શ્રીકૃષ્ણનું સદા સેવા સ્મરણ કરજો. શ્રીકૃષ્ણ લૌકિક નથી, તેમનામાં જ દઢ આશ્રય રાખશો. તેમને તમારું સર્વસ્વ માનજો. તેઓ તમારાં બધાં કાર્યો સિદ્ધ કરશે.
સંવત 1587ના અષાઢ સુદી બીજને રવિવારે બરાબર મધ્યાહ્ન સમયે શ્રી વલ્લભ ગંગાજીની મધ્યમાં પ્રવેશ્યા ગંગાજીના જળમાં નીચે નમ્યા. તરત જ શ્રી ગંગાજીમાંથી દિવ્ય તેજનો એક પૂંજ આકાશમાં છવાયો. શ્રી વલ્લભે ગોલોકમાં પ્રયાણ કર્યું. તેઓ આ પૃથ્વી ઉપર 52 વર્ષ 2 માસ અને 7 દિવસ બિરાજ્યા. જયશ્રી કૃષ્ણ! શ્રી વલ્લભચાર્યજીને દંડવત્...