આજકાલ રાજકારણમાં અમુકતમુક રાજનેતા કે આંદોલનકારીની સેક્સ સી.ડી. બહાર પાડીને એમના મનોબળને તોડવાના કે વશ કરવાના હીન કક્ષાના પ્રયાસો થાય છે. જોકે, આવા કારનામાં અત્યારે જ થાય છે એવું નહીં, આ તો પરંપરા ઘણી જૂની છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે પણ રાજા-મહારાજાઓ કે નવાબોને દબાવવા, વશ કરવા કે તેમની કનેથી નાણાં પડાવવા માટે આવાં સેક્સકૌભાંડોનો સહારો લેવાતો હતો. કાછડીછૂટા રાજા-મહારાજાઓને લંડન જાય ત્યારે ગોરી મેડમો સાથે ફાગ ખેલવાનું આકર્ષણ થતું અને એમાંથી જન્મતા વિષચક્રમાં એ એવા તે ફસાતા કે બદનામીને ખાળવા માટે એ વેળા લાખો રૂપિયા ઢીલા કરવા પડતા કે પછી બ્રિટિશ શાસકોને કરગરીને પોતાની બદનામી થાય નહીં એવા પ્રયાસોમાં મદદ માંગવી પડતી અને છતાં ષડયંત્રકારો તો મહારાજાઓને એવા ભીંસમાં લેતા કે લંડનની અદાલતના ખટલાઓમાં ભેરવી જ દેતા.
ઘરઆંગણે મસમોટાં જનાનખાનાં અને અનેક રાણીઓ ધરાવનારા રાજા-મહારાજા કે નવાબોને લંડનમાં ગોરી મેડમોના બાહુપાશમાં ભીડવવાના કાવતરાંમાં ક્યારેક તો એમના જ દરબારીઓ કે સ્ટાફના ગોરા અધિકારીઓ જ ફસાવતા હતા. આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે, પણ એમાંના બે ઉદાહરણની અહીં વાત કરવાનું યોગ્ય લેખ્યું છે કારણ કે આ બે મહારાજાના અંતરંગ અધિકારીઓએ જ એમનાં આવાં પ્રકરણોનો ઘટનાક્રમ પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યા છે એટલે એનાં તથ્ય વિશે શંકા કરવાની રહે નહીં. વળી મહારાજાઓ ભણી આદર જળવાય એ ભાવને જરાય ઉણો ઉતારવાની કોશિશ પણ નથી. ઈતિહાસના દસ્તાવેજોમાં મઢાઈને પડેલાં આવાં પ્રકરણો જે તે મહારાજાના ઉચ્ચ અધિકારી જ નહીં, એમના જ વંશજ પણ મહારાજાની જીવનકથાના અંશ તરીકે નોંધવાનું પસંદ કરે ત્યારે એ પ્રજા સમક્ષ લાવવામાં સંકોચ શાને?
મહારાજા હરિ સિંહે ૪૫ લાખ ખટાવ્યા
જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહ આદર્શ હિંદુ રાજવી તરીકે સુખ્યાત છે. એમના રજવાડાની બહુમતી પ્રજા મુસ્લિમ હોવા છતાં ન્યાયને જ પોતાનો ધર્મ માનનારા આ મહારાજા ગાદીનશીન થયા એના આગલા વર્ષે એટલે કે ૧૯૨૪માં લંડનમાં એક ગોરી મેડમ સાથે સફર કરવાની મજા એમને એટલી ભારે પડી કે પેલી મહિલા અને એના કાવતરાંખોર સાથીઓને રૂપિયા ૪૫ લાખ ખટાવ્યા છતાં મામલો અદાલતે ગયો એટલું જ નહીં, બ્રિટિશ સરકારે મહારાજાનું નામ બહાર ના આવે એ માટે એમના પર કૃપા કરવાની કોશિશ કર્યાં છતાં એનો ભંડો ફૂટી જ ગયો અને છેવટે બ્રિટિશ સરકારે જ પેલું ગુપ્ત રખાયેલું મહારાજા હરિ સિંહનું નામ દુનિયાભરમાં ચમકાવી દેતું નિવેદન કર્યું.
વર્ષ ૧૯૩૦થી ’૩૫ના ગાળામાં મહારાજા હરિ સિંહના રાજ્યના બંધારણ સલાહકાર રહેલા કે. એમ. પણિક્કરે પોતાની આત્મકથામાં આ ઘટના એકદમ વિગતે નોંધી છે. એમની આત્મકથા ૧૯૫૪માં પહેલી વાર પ્રકાશિત થઈ ત્યારે મહારાજા હરિ સિંહ કાશ્મીરવટે મુંબઈ અને પૂણેમાં વસતા હતા. મહારાજાનું નિધન ૧૯૬૧માં થયું હતું. પણિક્કર ૧૯૨૩માં દિલ્હીના ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી હતા અને આઝાદ ભારતના ચીન અને ઈજિપ્તમાં રાજદૂત પણ રહ્યા હતા. મહારાજા કનેથી નાણાં ઓકાવવા માટે હોબ્સ નામના એક ધારાશાસ્ત્રી અને મહારાજાના અંગ્રેજ એડીસીએ મળીને મિસેસ રોબિન્સન નામની મહિલા ભણી મહારાજાને આકર્ષિત કરીને પેરિસની એની સાથે સૈર કરાવી હતી. બ્રિટિશ ઈંડિયાના શાસક એવા અંગ્રેજોને નહીં ગાંઠતા મહારાજા હરિસિંહને વશ કરવા માટે આ કાવતરું ઘડાયાનું પણ મનાય છે.
મહારાજા સયાજીરાવની ઈશ્કેમિજાજી
બરોડા રાજ્યના આદર્શ અને પ્રજાવત્સલ રાજવી તરીકે દુનિયાભરમાં જાણીતા મહારાજા સયાજીરાવ ત્રીજા પણ મહારાણી ચીમનાબાઈ અને ગ્વાલિયરના મહારાજા સિંધિયા સાથે જેની સગાઈ કરાઈ હતી એ રાજકુમારી ઈંદિરા રાજે સાથે લંડનમાં હતા ત્યારે જ એક સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા. આ પણ અંગ્રેજ હાકેમોને નહીં ગાંઠતા મહારાજાને વશ કરવાનું કાવતરું હોવાની શંકા ઉપજ્યા વિના રહેતી નહીં. જોકે, મહારાજાના અંગત તબીબી અધિકારી ડો. સુમંત મહેતા એ વેળા મહારાજાની સાથે યુરોપનાં પ્રવાસે ગયેલા હતા. ડો. મહેતાએ ‘ડોસલાને નાની ઉંમરની કન્યાઓ સાથે મહાલતા’ જોયા હતા એટલું જ નહીં, એક પ્રકરણમાં તો મહારાજા એક મહિલાના પ્રેમીઓમાંના એક તરીકે એના પતિ થકી છૂટાછેડાના ખટલામાં બદનામી થાય એટલી હદે ફસાયા હતા. ડો. મહેતાએ આ બાબતો પોતાનાં સંસ્મરણોમાં વિગતે નોંધવા ઉપરાંત મહારાણી સાથેના ઝઘડાની વાત પણ નોંધી છે. સંયોગ એવો હતો કે મહારાજા ગ્વાલિયરનાં બીજા રાણી થવાનો સાફ ઈનકાર કરી દેનાર ઈંદિરા રાજે કૂચબિહારના મહારાજાના ભાઈ સાથે (જે પાછળથી મહારાજા બન્યા) ફાગ ખેલતાં હતાં એ જ ગાળામાં બરોડાના મહારાજાનું પેલું ‘સેક્સકાંડ’ બન્યાનું એમના પ્રપૌત્ર અને બરોડાના મહારાજા ફત્તેસિંહરાવે પણ સયાજીરાવની જીવનકથામાં નોંધ્યું છે. સયાજીરાવે બદનામીને ખાળવા માટે ઘણી મોટી રકમ વળતર તરીકે ચૂકવી છતાં એમની બદનામી તો થઈને રહી હતી, કારણ એ પણ મહારાજાને વશ કરવાનું કાવતરું જ હોવું ઘટે.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨ ડિસેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ ............................................)