હિન્દુ ધર્મ પરંપરાના મોટા ભાગના પર્વો-તહેવારો મહિનાના શુક્લ પક્ષમાં ઊજવાય છે, પણ મહા મહિનાના કૃષ્ણપક્ષમાં આવતી શિવરાત્રિનું આગવું મહત્ત્વ છે. કારણ? મહાશિવરાત્રિ (આ વર્ષે ૧ માર્ચ) પર્વે શિવજીની ચાર પ્રહરની પૂજા થાય છે અને એ દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ છે. શા માટે? વાર્તા એવી છે કે, એક શિકારી હરણનો શિકાર કરવા માટે આખી રાત વૃક્ષની ટોચે બેઠો રહ્યો. થોડી-થોડી વારે તે આ વૃક્ષનાં પાંદડાં તોડી-તોડીને નીચે ફેંકતો, આખી રાત ભૂખ્યો-તરસ્યો તે ત્યાં બેસી રહ્યો. શિકારી જે વૃક્ષ પર બેઠો હતો તે બિલ્વપત્રનું હતું અને વૃક્ષની નીચે એક શિવલિંગ હતું. આમ, સતત ચાર પ્રહર કંઈ પણ ગ્રહણ કર્યા વિના (અન્ન-જળ) તેણે શિવની આરાધના કરી પણ આ તો વાર્તા થઈ... મહાશિવરાત્રિની મહત્તા કે આ રાત્રિએ શિવનાં પૂજન-અર્ચનનું કારણ સમજાવતી નથી.
એક વર્ગ માને છે કે, આ રાત્રિએ શિવ-પાર્વતીના વિવાહ થયા હતા અને આથી શિવરાત્રિ એ પવિત્ર રાત્રિ છે. તો, એવું પણ કહેવાય છે કે, અજન્માનો લોકાઃ અર્થાત્ શિવ તો અજન્મા છે. આવી એકમેકથી વિપરિત કથાઓ અને ઉલ્લેખ મૂંઝવણ વધારે છે. ભારતના વિવિધ પ્રાંતોમાં પ્રચલિત કથાઓ અને માન્યતાઓના આધારે મહાશિવરાત્રિના મહિમાને સમજવાનો પ્રયાસ કરીએ.
મહાદેવની ઉપાસના માટે શિવરાત્રિ અર્થાત્ કૃષ્ણ પક્ષની તેમની તિથિની પસંદગીનું કારણ કેટલાક અંશે સમજી શકાય છે. શિવ સાથે સંકળાયેલું બધું જ પહેલી નજરે અશુભ લાગે એવું છે. ચિતાભસ્માલેપ, ભૂત-ગણ-પિશાચનો અનુચર ગણ, સરિસૃપો તેમના શરીર પર ફરે છે, રુદ્રાક્ષ તેમને ગમે છે અને ભાંગ, આંકડો અને ધતૂરો જેવા પદાર્થ તેમને પ્રિય છે. આમ, શિવના નામ સિવાય તેમને સાંકળતી બધી જ વસ્તુ અમંગળ છે. આથી તેમની આરાધના માટે અશુભ એવા કૃષ્ણ પક્ષમાં થાય તો એનાથી અશુભતા અને અનિષ્ટનો નાશ જ થાય.
શિવજીની જટા પર બીજનો ચંદ્ર બિરાજે છે... ધ્યાનથી જોતાં જણાશે કે બીજ અને તેરસના ચંદ્રની સ્થિતિમાં ખાસ ફેર હોતો નથી. મહાદેવે ચંદ્રને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે, એની પાછળપણ પુરાણ કથા છે. ચંદ્ર ૨૭ નક્ષત્રોને પરણ્યો હતો, પણ રોહિણી માટે તેને વિશિષ્ટ લગાવ હતો. આને કારણે બાકીની ૨૬ પત્નીઓને પોતાની ઉપેક્ષા થતી જણાઈ અને તેમણે પોતાના પિતા દક્ષ પ્રજાપતિને આ બાબતે ફરિયાદ કરી.
ક્રોધે ભરાયેલા દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શાપ આપ્યો કે તારી કળા ક્રમશઃ ઘટતી જશે. ચંદ્ર કૃશ થતો ગયો અને પ્રજાપતિના ક્રોધના ભયે કોઈ તેની મદદે પણ આવ્યું નહીં. આખરે, ચંદ્ર મહાદેવ પાસે આવ્યો અને તેમણે ચંદ્રને પોતાની જટા પર સ્થાન આપ્યું. જ્યાં પ્રજાપતિ શાપની અસર થતી નહીં. આમ ચંદ્રને પોતાની જટા પર સ્થાન આપી શિવે ન માત્ર તેને નામશેષ બચાવ્યો બલકે દેખાડી આપ્યું કે, વધવું અને ઘટવું જીવનનો, નિત્યનો, કાયમી ક્રમ છે. બંધ પડેલી ઘડિયાળ જેમ દિવસમાં બે વાર સાચો સમય દર્શાવે છે. તેમ શિવના શરણમાં આવેલી વ્યક્તિ ગમેતેવી હોય સમસ્તિ માટે કંઈક સારું કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.
મહાશિવરાત્રિએ શિવ-પાર્વતીનાં લગ્નની રાત હોવાની વાત માની લઈએ તો પણ માત્ર આ પવિત્ર લગ્નને કારણે નહીં, પણ વનવાસી શિવનું સંસારી શંકરમાં પરિવર્તન, વિશ્વને નકારવાથી તેનો સ્વીકાર અને દેવીનાં પાણિગ્રહણથી યોગીમાંથી સંસારી બનેલા શિવને જગદીશની પદવી મળી હોવાનો ઉલ્લેખ શંકરાચાર્ય દેવ્ય અપરાધપક્ષમાપન સ્તોત્રમાં કરે છે. આ લગ્ન દિવ્ય છે. શિવરાત્રિએ જાગતા રહેવું એ જીવનનાં દ્વૈતભાવનું મનન કરવા માટે લૌકિક ઇચ્છાઓ અને અલૌકિક પરમસુખ, ભૌતિક જવાબદારી અને સ્વર્ગીય આકાંક્ષાઓ, ઐહિક જરૂરિયાતો અને આધ્યાત્મિક આવશ્યકતાઓ, જ્યારે આ બાબતો વચ્ચે સંતુલન સધાય છે ત્યારે અંદરથી નાદ ઊઠે છે ‘શિવોહમ્ શિવોહમ્ સચ્ચિદાનંદોહમ્’. સત્ ચિત્ત અને આનંદની અનુભૂતિ શિવને શક્તિના સંગાથ દરમિયાન થઇ. શિવ અને શક્તિનાં મિલનનું પર્વ શિવરાત્રિ આ અર્થમાં યથાર્થ જણાય છે.
સમુદ્રમંથનમાં હળાહળ વિષ નીકળ્યું ત્યારે કોઈ તેની નિકટ આવવા તૈયાર નહોતું અને આ વિષથી વિશ્વ સામે જોખમ ઊભું થયું ત્યારે મહાદેવ આગળ આવ્યા. શિવ તો પોતાની ચિંતા કર્યા વિના હળાહળ ઝેર ગટગટાવવા લાગ્યા ત્યારે પાર્વતીએ તેમનું ગળું ઝાલી લીધું, જેથી ઝેર ગળાની નીચે ન ઊતરે. બીજી તરફ દેવો ઈચ્છતા નહોતા કે મહાદેવ આ હળાહળને બહાર કાઢે. આથી, દેવો શિવની સ્તુતિ-મહિમા ગાન કરવા લાગ્યા. એક તરફ પત્નીનો પ્રેમ છે, તો બીજી તરફ વિશ્વ માટેનો પ્રેમ. ન તો તેઓ પાર્વતીને નારાજ કરવા માગે છે, ન તો વિશ્વનો નાશ થવા દેવા માગે છે. આખી રાત દેવો સ્તુતિગાન કરતા અધ્ધર શ્વાસે રહે છે. તો પાર્વતી અને શિવ પણ અધ્ધર શ્વાસે છે. પ્રભાત થતાં જ શિવજીએ આ હળાહળને હંમેશ માટે પોતાના કંઠમાં સ્થાન આપ્યું... બધાનાં હિત સચવાઈ ગયાં. આમ શિવજીની ઉદારતા અને દરિયાદિલીના માનમાં શિવરાત્રી ઊજવાય છે. આખી રાત શિવપૂજા કરાય છે.
આ કથા અને શિવ-પાર્વતીનાં લગ્નની કથાને સાથે રાખીએ તો અનેક વિચાર આવે છે. વિશ્વને નવજીવન મળ્યું અને શિવ-પાર્વતીનાં લગ્નથી પણ નવસર્જનનો આરંભ થયો. આમ, શિવરાત્રિ એ નવજીવન અને નવસર્જનની પણ રાત છે. નવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ કદાચ એટલે જ આ રાત્રિનું મહત્ત્વ છે. રાત્રિ માત્ર ભોગી નહીં, પણ યોગી માટે પણ મહત્ત્વ ધરાવે છે.
શિવ અને પાર્વતીને બે જુદાં અસ્તિત્વ નથી અને એટલે જ તેમના સાથે આવવાની ઊજવણી કેવી? ઊજવણી તેમનાં ઐક્યની નથી, ઊજવણી આપણને એ બોધ આપવા માટે છે કે, શક્તિ વિના શિવ અધૂરા છે અને શિવ વિના શક્તિનું અસ્તિત્વ અપૂર્ણ છે. આ બંને સાથે આવે ત્યારે જ પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે શરૂઆતમાં એક કમળ ખીલ્યું અને તેમાં બ્રહ્મા બેઠા હતા. જાગતૃ થતાં બ્રહ્માએ જોયું કે તેઓ એકલા છે અને ભય પામ્યા. તેમને વિચાર આવ્યો કે પોતાને સાથ આપવા હજી કોઈક હોવું જોઈએ. અચાનક જ, તેમની આંખ સામે શિવ દેખાયા. જેમનું જમણું અંગ પુરુષનું તો ડાબુ અંગ સ્ત્રીનું હતું. આમાંથી પ્રેરણા લઈ બ્રહ્માએ પોતાનું દ્વિભાજન કર્યું. તેમના ડાબા અંગમાંથી તમામ સ્ત્રી બાબતો સર્જાઈ અને અધર્નારીશ્વર તથા શિવલિંગ આ સર્જનનું જ પ્રતીક છે.
એક પુરાણ કથા મુજબ ભ્રિંગી માત્ર શિવની પ્રદક્ષિણા કરવા માગતો હતો, પાર્વતીની નહીં. આથી પાર્વતી-શિવના ખોળામાં બેસી ગયા. હવે ભ્રિંગી પાસે કોઈ માર્ગ નહોતો એટલે તેણે ભ્રમણનું સ્વરૂપ લીધું અને શિવ-પાર્વતીનાં મસ્તક વચ્ચેની જગ્યામાંથી પસાર થવાનાં પ્રયાસ કર્યાં ત્યારે પાર્વતીએ પોતાની જાતને શિવમાં ભેળવી દીધી. પુરાણ કથા મુજબ, ભ્રિંગીએ હવે ઇયળનું રૂપ લઈ લીધું અને અર્ધનારેશ્વરના સ્ત્રી-પુરુષ ભાગ વચ્ચેથી પસાર થઈ પ્રદક્ષિણા કરવાનો પ્રયાસ કર્યો. ક્રોધિત દેવીએ તેને શાપ આપ્યો.
શિવ અને શક્તિમાંથી કોઇની પણ ઉપેક્ષા અયોગ્ય છે. આપણને જન્મ આપનાર માતા છે, એની ઉપેક્ષા કરવી અથવા સ્ત્રી જાતિની ઉપેક્ષા કરવી અથવા તેને હીન નજરે જોવી એ પોતાના અંતનો આરંભ કરવા સમાન છે. શિવે શક્તિને બરાબરીનો દરજ્જો આપ્યો છે. આ શિવરાત્રિએ આ બાબત પર મંથન-ચિંતન કરશું તો શિવને પ્રિય થવાની દિશામાં એક પગલું માંડ્યું ગણાશે.
•••
ૐ નમ: શિવાય
- શશિકાંત દવે, ટૂટીંગ, લંડન
ઇષ્ટદેવ છે જે મારા, તે દેવ શિવને નમન કરું છું
જીવુ છું જેને આધારે, તે શિવને હું નમન કરું છું
ભોળા દિલના દીનદયાળુ, તે શિવને હું નમન કરું છું
પૂજનઅર્ચન સીધુ-સાદુ, તે શિવને હું નમન કરું છું
જળધારાથી રાજી રાજી, તે શિવને હું નમન કરું છું
બિલ્વપત્ર છે ચંદન સાથે તે શિવને હું નમન કરું છું
આભૂષણમાં ભષ્મ શરીરે તે શિવને હું નમન કરું છું
અલંકાર છે નાગ ગળામાં, તે શિવને હું નમન કરું છું
મા ગંગાને વહેતી રાખે, તે શિવને હું નમન કરું છું
અર્ધ ચંદ્ર છે જેના માથે, તે શિવને હું નમન કરું છું
હિમનિવાસી વાહન નંદી, તે શિવને હું નમન કરું છું
ત્રિશુળધારી ત્રિપુંડ ભાલે તે શિવને હું નમન કરું છું
રુદ્રાક્ષ શોભે જેના અંગે તે શિવને હું નમન કરું છું
ડમરું નાદે નૃત્ય કરે જે , તે શિવને હું નમન કરું છું
ન જન્મ જરા કે ના મૃત્યુ, તે શિવને હું નમન કરું છું
બાર તીર્થમાં જ્યોતિર્લ્રિંગ તે શિવને હું નમન કરું છું
હે ત્રિલોચન હે ત્રિપુરારિ, તે શિવને હું નમન કરું છું
હે જટાધર મહાકાલેશ્વર તે શિવને હું નમન કરું છું
દેવોનાં પણ મહાદેવ છે તે શિવને હું નમન કરું છું
જાપ જપું છું મનમાં જેના, તે શિવને હું નમન કરું છું
નમ: શિવાય, નમ: શિવાય, ૐ નમ: શિવાય