તમારા નામ અને કામને લઈને કોઈ તમને ઓળખે તેવું બને છે? ક્યારેક આપણે કોઈક સ્થળે જઈએ અને ત્યાંના લોકો આપણને પહેલાથી જ ઓળખાતા હોય તેવું બનતું હોય છે. તમે કોઈ અજાણી વ્યક્તિને પોતાનો પરિચય આપો અને તે બોલે કે, ‘ઓહો, તમારા વિશે તો ઘણું સાંભળ્યું છે.’ આ પ્રકારની આપણી કીર્તિ અને પ્રસંશા જયારે આપણા કરતા વધારે સ્થળોએ પહોંચે ત્યારે માનવું કે આપણે જીવનમાં કૈંક સારું કામ કરી રહ્યા છીએ અને લોકોને કોઈક રીતે મદદરૂપ બની રહ્યા છીએ. માત્ર વ્યક્તિગત રીતે સફળ થવાથી કે પોતાના ખુદના માટે જ કામ કરવાથી આવી વાત આપણા વિશે કોઈ કરતું નથી. એવું ભાગ્યે જ બને છે કે કોઈ આપણી ગાડીની વાત કે આપણા મોટા બંગલાની વાત સાંભળીને આવો પ્રતિભાવ આપે. આપણા વિશે ખરાબ સાંભળ્યું હોય, આપણી અપકીર્તિ થતી હોય તો પણ ભાગ્યે જ લોકો આપણા મોઢે એવું કહે છે કે તમારું નામ સાંભળ્યું છે.
યશ, સન્માન, કીર્તિ, પ્રસંશા વગેરે એવા ફળ છે જે સૌના નસીબમાં હોતા નથી અને જેને મળે છે તેમને પણ ઘણી મહેનત અને સંયમ બાદ મળે છે. ધીરજ ગુમાવીને પોતાનું નામ કમાવા ઇચ્છતા લોકો ઘણી વાર અપયશ પાત્ર બનતા હોય છે. શોર્ટ-કટથી નામના મેળવી શકાય છે પરંતુ તે લાંબો સમય ટકતી નથી. કેટલાય પ્રખ્યાત વિદ્વાનો અને નેતાઓ જલ્દી જલ્દી સફળતાની સીડી ચડી તો જાય છે પરંતુ ત્યાં ટકવું આસાન નથી. લોકો ક્યારેક પોતાના પૈસે અને પ્રયત્ને પણ કીર્તિ ખરીદતા હોય છે. આજના જમાનામાં જાતે પૈસા આપીને મેળવેલા એવોર્ડ્સ કે પછી પોતાના જ ચમચાઓ થકી મેળવેલી પ્રસંશા પણ ક્ષણજીવી છે. ક્યારેક લોકો પોતાના પાવર, પદ કે હોદાનો ઉપયોગ કરીને પણ પોતાની જાતને પ્રખ્યાત બનાવવા મથતા હોય છે.
આજે જયારે સોશ્યિલ મીડિયાનો જમાનો છે અને દરેક લોકોને પોતાના ફોટો અને પોસ્ટ પર લાઈક મેળવવાની રેસ લાગી છે ત્યારે એવું બની રહ્યું છે કે લોકો મેન્ટલ સ્ટ્રેસનો શિકાર બનવા લાગ્યા છે. જયારે પોતે મૂકેલી કોઈ પોસ્ટ કે ફોટો પર પૂરતા લાઈક અને કમેન્ટ ન આવે ત્યારે આવા લોકો પોતાની સ્વીકૃતિ ઘટી હોવાનું માની લે છે અને તેને કારણે માનસિક તણાવ અનુભવે છે. પરંતુ સોશ્યિલ મીડિયાને પોતાની સામાજિક સ્વીકૃતિ તરીકે ગણવાથી આખરે તો ટેન્શન સિવાય બીજું કશું જ હાથ લાગતું નથી. આવા આભાસી સમાજમાં આજે એક તો કાલે બીજું કોઈ વધારે મોટી સેલિબ્રિટી બની જાય છે તે વાત સમજવા જેવી છે.
આખરે જો કોઈ વ્યક્તિ વાસ્તવમાં એવું ઇચ્છતી હોય કે દીર્ઘકાલીન યશ અને સમ્માન પ્રાપ્ત થાય તો તેના માટે માર્ગ પણ લાંબો, પ્રામાણિક અને નીતિમતા વાળો જ લેવો પડે છે. તેમાં કોઈ કચાશ રહી જાય તો પરિણામમાં પણ કચાશ જોવા મળે છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)