મહેન્દ્ર મેઘાણી વિશિષ્ટ વ્યક્તિત્વ છે, કારણ કે તેમણે જે કર્યું તે વિશિષ્ટ કર્યું. અમેરિકા પત્રકારત્વનું ભણવા ગયા તો ગુજરાતી ભાષામાં રીડર્સ ડાયજેસ્ટ જેવું સામયિક કરવાનો વિચાર લઈને આવ્યા. કંઈક કરવાનો આપણો વિચાર ક્યારેક વિચાર જ રહે પણ મહેન્દ્રભાઈ માટે તો તે સંકલ્પ જ હોય. 1950માં તેમણે ‘મિલાપ’નો પ્રારંભ કર્યો, જે 30 વર્ષ સુધી ચાલ્યું. ‘મિલાપ’ એ ગુજરાતી પત્રકારત્વનું એક ઝળહળતું પ્રકરણ છે. ઉત્તમ સંપાદન કોને કહેવાય તેનો જવાબ મિલાપમાંથી મળે.
લોકમિલાપના નેજા હેઠળ તેમણે ગુજરાતી વાચકોને અનેક સત્વશીલ પુસ્તકો, કિફાયતી દરે, ઘેરબેઠાં સુલભ કરાવીને ન્યાલ કર્યા. તેમની ‘અરધી સદીની વાચન યાત્રા’ હોય કે પછી ‘ગાંધીગંગા’ જેવું પુસ્તક હોય, તેઓ જે પણ કરે દષ્ટિપૂર્વક જ કરે. જેમ લેખનમાં લેખકની શૈલીની છાપ હોય તેમ મહેન્દ્રભાઈના સંપાદનમાં તેમની છાપ હોય.
જેને ભારતના રાષ્ટ્રીય પોશાક કહેવાય છે તેવો લેંઘો, ઝભ્ભો અને માથે ટોપી પહેરીને, પોતાના કાર્યમાં સમાધિ લગાવેલા મહેન્દ્રભાઈને જોવા એ લહાવો. આંબાવાડીથી ગૂજરાત વિદ્યાપીઠ સુધી, એક ચોક્કસ લયમાં તેમને સાયકલ પર જતા જોયા છે. એ દૃશ્ય આજે પણ આંખ-હૃદયમાં એમનું એમ સચવાયું છે.
તેમણે ગુજરાતી ભાષામાં લિપિના સુધારા સૂચવેલા અને વર્ષો સુધી તેનું આચરણ પણ કર્યું હતું. મુંબઇથી પ્રકાશિત થતાં ‘સમકાલીન’ દૈનિકમાં એ વખતે આદરણીય સૌરભ શાહે તેમની લિપિના સુધારાને ઝાટકી નાંખેલા, એ વખતે મેં અને અનિતાએ (એ વખતે અમે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતાં હતાં) ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં બેસીને મહેન્દ્રભાઇની મુલાકાત કરીને ‘સમકાલીન’ના તંત્રીને મોકલી તો અમારા આશ્ચર્ય વચ્ચે બીજા જ દિવસે તંત્રી પાના પર, અરધા પાનામાં એ મુલાકાત પ્રકાશિત થઈ હતી.
તેઓ કવિતાના મોટા ચાહક. એક વરસાદી સાંજે અમદાવાદમાં ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી ભાષા શુદ્ધિ અભિયાનની બેઠક હતી. તેમાં હું ગયો હતો. જ્યારે જોડણી સુધારાની વાત થઈ અને દીર્ધ ઈ અને રશવ ઉ રાખવાની ચર્ચા થઈ ત્યારે તેમણે દલીલ કરી કે તો પછી કવિતાનું શું થાય..?? એ પછી તેઓ તરત સાયકલ લઈને નીકળી ગયેલા.
તેમની પાસેથી ઘણું શીખવાનું મળ્યું
તેઓ એવું માને છે કે અગાઉના લેખકો-કવિઓ જ એટલું ઉત્તમ લખી ગયા છે કે નવું લખવાની શી જરૂર? તેથી જ તેમણે આજીવન નીવડેલા લેખકોની ઉત્તમ સામગ્રી વાચકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું.
જરૂર પડે ત્યારે જ બોલે. (એટલે ઘણાને મીઢા લાગે) શબ્દનો, પછી એ બોલાયેલો શબ્દ હોય કે લખેલો, મહિમા બરાબર જાણે. વિષયાંતરની વાત તો જવા દો... એમની મંજૂરી વિના એક પણ શબ્દ તેમના આલેખનમાં પ્રવેશી ના શકે. ભારત સરકાર ભલે ઘૂસણખોર બાંગ્લાદેશીઓને તગેડી શકી નથી, મહેન્દ્રભાઈએ તો ગુજરાતી સાહિત્યકારોના લેખોમાં આવેલા લાખો શબ્દોને સાદર રવાના કર્યા છે અને વિનોદ ભટ્ટે એક વખત કહ્યું હતું તેમ મહેન્દ્રભાઈએ ટૂંકાવેલો લેખ લેખકને તો પોતે લખેલા લેખ કરતાં વધુ સારો જ લાગતો...
પુસ્તકમેળા જેવો મૌલિક શબ્દ આપીને તેમણે એ શબ્દને સાર્થક પણ કર્યો. તેણે કરેલા પુસ્તકમેળા વિશે સંશોધન કરીને અલાયદો લેખ થઈ શકે. પુસ્તકના વ્યવસાયને તેમણે પુણ્યનો વેપાર એવો અર્થસભર શબ્દ આપ્યો.
1969માં, ગાંધીજીની જન્મ શતાબ્દીએ, સમગ્ર વિશ્વમાં ફરીને ગાંધી સાહિત્યનો તેમણે પ્રસાર કર્યો હતો.
તેમણે ફિલ્મ મિલાપ દ્વારા અનેક બાળકોને ઉત્તમ ફિલ્મો બતાવી.
આઈસક્રીમ ખાવાના શોખીન મહેન્દ્રભાઈ તાંસળામાં જ આઈસ્ક્રીમ ખાય. તેમની ઝંખના એવી કે સમગ્ર વિશ્વનાં બાળકોને આઈસ્ક્રીમ ખાવા મળવો જ જોઈએ.
પોતાનું કામ જાતે જ કરવાની ટેવ. ઉમાશંકર જોશીની કવિતા વાંચતા હોય કે મનુભાઈ પંચોળીનો લેખ ટૂંકાવતા હોય ત્યારે ઊભા થઈને વાસણ માંજી લે... લખાણ માંજવા જેટલું જ મહત્વ વાસણ માંજવાને આપે. ઘંટી પર જાતે અનાજ દળતા ત્યારે આજુબાજુના લોકોનાં દરણાં પણ દળી આપતા.
કોઈ પણ ભાષાને લેખકો તો મળતા જ હશે, પણ એટલું ચોક્કસ છે કે મહેન્દ્રભાઈ મેઘાણી તો ગુજરાતી ભાષાને જ મળ્યા છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા બન્ને બડભાગી.
આમ તો તેઓ સન્માન - પારિતોષિકો - એવોર્ડથી પર - ઉપર છે, પણ ગુજરાત સાહિત્ય સભાએ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપીને તેમનું સન્માન કરવું જોઈએ. (પહેલો રણજિતરામ ચંદ્રક ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો.)