આપણા સહુના રોજિંદા જીવન સાથે ઈન્ટરનેટ વણાઈ ગયું છે. દિગ્ગજ કંપનીઓ ગુગલ, માઇક્રોસોફ્ટ વગેરેના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ આસાન પણ બન્યો છે અને લોકભોગ્ય પણ. માઇક્રોસોફ્ટે વીતેલા સપ્તાહે ચોથી એપ્રિલે સ્થાપનાના શાનદા 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ઈન્ટરનેટના પ્રચાર-પ્રસારમાં તેણે મોખરાનું પ્રદાન આપ્યું છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. સ્વાભાવિક છે કે પાંચ દસકાની સફરની ઉજવણી પણ એવી શાનદાર જ હોવાની. આ પ્રસંગે તેણે એક સપ્તાહ લાંબી ઉજવણી કરી હતી. આ દરમિયાન માઇક્રોસોફ્ટે પોતાના ઇનોવેશન અને ભાવિ પ્લાન અંગે વીડિયો પણ રિલીઝ કર્યો છે.
અમેરિકાના સિએટલ સ્થિત માઈક્રોસોફ્ટ કંપની 1975માં બિલ ગેટ્સ અને પોલ એલને શરૂ કરી હતી. જ્યારે કંપની શરૂ કરી ત્યારે બિલ ગેટ્સની ઉંમર 19 વર્ષ તો પાઉલ એલનની ઉંમર માત્ર 22 વર્ષ હતી. સોશિયલ નેટવર્ક પર મૂકાયેલા આ વીડિયોમાં કંપનીના લોગોમાં પણ ઇતિહાસ કરવટ લેતો જોવા છે. તેમાં તબક્કાવાર કેવા ફેરફાર આવ્યા તે જોવા મળે છે તો કંપનીએ કેવા કેવા વચનો પાળ્યા છે અને ભવિષ્યમાં શું કરવા માંગે છે તે પણ બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. માઈક્રોસોફ્ટ માને છે કે ઈન્ટરનેટ ટેકનોલોજી અને સંશોધનને સમજવા અમે દરેક વ્યક્તિને સક્ષમ બનાવવા માંગીએ છીએ. આજે માઈક્રોસોફ્ટ વિશ્વની ટોચની સોફ્ટવેર કંપનીઓની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
માઈક્રોસોફ્ટના સાથી ફાઉન્ડર અને ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સ બહુમુખી પ્રતિભા ધરાવે છે. દાનવીરોની યાદીમાં તેમનું નામ ચમકતું રહે છે. વોશિંગટનના રેડમોન્ડ ખાતેના હેડ ક્વાર્ટર ખાતે થયેલી સુવર્ણ જયંતીની ઉજવણીમાં બિલ ગેટ્સ હાજર રહ્યા હતા તો કંપનીના ટોચના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. વર્ષ 2000 સુધી કંપનીના સીઈઓ તરીકે રહેનાર બિલ ગેટ્સ હાલમાં 69 વર્ષના છે. કંપનીના આરંભકાળથી લઇને તેમાં ઓતપ્રોત રહેનાર બિલ ગેટ્સે કંપનીની શરૂઆતમાં તેઓ પોતાનું કામ કેવી રીતે કરતા હતા તેના ફોટો આ પ્રસંગે દર્શાવ્યા હતા.
દુનિયાભરમાં ચેરિટી કાર્યો માટે અબજો ડોલર આપવા છતાંય આજે બિલિયોનેરની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતા બિલ ગેટ્સે સેલિબ્રેશન દરમિયાન સોફા પર બેસીને સ્ટાફ સાથે હસી-ખુશીથી સેલ્ફી પણ પડાવી હતી. તો કંપનીની શરૂઆતના દિવસો કેવા સંઘર્ષ ભર્યા હતા તેની વાતો પણ શેર કરી હતી. આજે 3.3 ટ્રિલિયન ડોલરનું અધધધ મૂલ્ય ધરાવતી કંપનીની 1975માં સ્થાપના થઇ ત્યારે કોઈ ખાસ મૂડી નહોતી. અંદાજે 1000 ડોલર સાથે કંપનીએ કામ શરૂ કર્યું હતું. આજે તે ટ્રિલિયન ડોલર કંપની તરીકે વિશ્વની પાંચમી સૌથી મોટી કંપની છે.
ટોપ ફાઇવ કંપનીમાં સ્થાન
આઇટી જાયન્ટ માઇક્રોસોફ્ટ અને ટેક્નોલોજી જાયન્ટ એપલ - બન્ને સંપત્તિની દૃષ્ટિએ લગોલગ ચાલે છે. બન્નેની સંપત્તિ 3.3 ટ્રિલિયન ડોલરની આસપાસ ગણાય છે. એપલ 3.4 ટ્રિલિયનના આળેગાળે છે તો માઇક્રોસોફ્ટ 3.3 ટ્રિલિયન ડોલર પર છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમમાં 10.2 ટ્રિલિયન ડોલરની સંપત્તિ સાથે ડચ ઇસ્ટ કંપની ટોપ પર છે. 8.4ટ્રિલીયન ડોલરની સાથે ધ મીસીસીપી બીજા સ્થાને છે, તો 5.5 ટ્રિલિયન ડોલરની નેટવર્થ સાથે સાઉથ સી કંપની ત્રીજા સ્થાને છે. ચોથા અને પાંચમે અનુક્રમે એપલ અને માઈક્રોસોફ્ટ આવે છે.
માઇક્રોસોફ્ટના નેતૃત્વને વસવસો એ વાતનો છે કે પાંચ દસકાની સફરમાંથી 15 વર્ષ તો કોઇ પણ જાતના ઈનોવેશન વિનાના ગયા છે, જેના કારણે તેમના પ્રતિસ્પર્ધીઓ ફાવી ગયા હતા. માઇક્રોસોફ્ટને એ વાતનો પણ વસવસો છે કે કંપનીએ મોબાઈલ ફોન યુગનો આરંભ થયો ત્યારે તેણે માર્કેટમાં ઝૂકાવ્યું નહીં જેના પરિણામે આગેકૂચ ધીમી પડી છે.
ઈન્ટરનેટ ટેકનોલોજી સાથે સંકળાયેલા અને માઈક્રોસોફ્ટની ચડતીપડતીના સાક્ષી રહેલા નિષ્ણાતો કંપનીની પ્રગતિને ચાર દશકામાં વહેંચી રહ્યા છે. જેમ કે, 1975થી 1985 ટેકઓફ માટેની તૈયારી, 1989થી 1999 ધ રોકેટશીપ યર, 2000 થી 2014 ધ લોસ્ટ યર અને 2015થી 2025 ટુ ધ ક્લાઉડ. બિલ ગેટ્સે 1986માં માઈક્રોસોફ્ટનું પહેલું લેપટોપ બજારમાં મૂક્યું હતું. માઈક્રોસોફ્ટની પાંચ દસકાની સફર દરમિયાન ત્રણ સીઇઓએ કંપનીનું સુકાન સંભાળ્યું છે જેમાં બિલ ગેટ્સ, સ્ટીવ બાલ્મેર અને સત્ય નડેલાનો સમાવેશ થાય છે.
કંપનીના આરંભે બજારમાં વેચાતી તેની પ્રોડક્ટ હતી MITS Altair 8080. કોલેજનું શિક્ષણ પડતું મૂકીને આવેલા બિલ ગેટ્સ અને પોલ એલન માટે તેમની પ્રોડક્ટનું જંગી વેચાણ અને 16,000 ડોલરનો વકરો અપેક્ષા કરતાં પણ ઘણો વધુ હતો. શરૂઆતમાં તેમની સાથે માત્ર એક જ કર્મચારી હતો, પણ સમયના વહેવા સાથે સિએટલમાં શિફ્ટ થયા પછી આંકડો વધતો વધતો 1000 કર્મચારી પર પહોંચ્યો હતો. આઈબીએમના પ્રોસેસર આવ્યા પછી તો કંપનીનું નામ બજારમાં છવાઇ ગયું હતું. ઇન્ટરનેટના વપરાશકારો પૈકી 90 ટકા લોકો માઈક્રોસોફ્ટ ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. 1995માં પહેલી વખત માઇક્રોસોફ્ટ વિન્ડોઝ-95 લોન્ચ કર્યા બાદ ઈન્ટરનેટના વપરાશકારોમાં તેનું નામ ગાજતું થયું હતું. આજે તો કમ્પ્યુટર યુઝર્સના દિલોદિમાગ પર ‘વિન્ડોઝ’ શબ્દ એવો છવાયો છે કે તેના ઉલ્લેખ વગર કોમ્પ્યુટરની થઇ જ ના શકે. આ જ કારણ છે કે માત્ર 1000 ડોલરની મૂડી સાથે શરૂ થયેલી કંપનીનું ટર્નઓવર 3.3 ટ્રિલિયન ડોલરે પહોંચ્યુ છે.