મા અને બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. નવ નવ મહિના સુધી ગર્ભમાં ધારણ કરવા દરમિયાન અને પ્રસવ પીડા સહન કર્યા પછી બાળકનો જન્મ થાય છે તો તે ક્ષણ દરેક માતા માટે ખુશનુમા હોય છે. મા માટે કોઈ પણ શબ્દ, લેખ કે માનવંતુ સંબોધન અપૂરતું જ ગણાશે. તેના પ્રેમ અને સમર્પણનું ઋણ આખું જીવન સમર્પિત કરીને પણ ચૂકવી શકાતું નથી. વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને સંતાનનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. જેથી આ દિવસે તેમને વિશેષ રૂપે યાદ કરી શકાય.
મધર્સ ડેની ઉજવણી પર એક નજર કરીએ તો, તેની શરૂઆત અમેરિકાથી થઈ હતી. આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના એન્ના એમ. જાર્વિસને જાય છે. મધર્સ ડેની ઉજવણી 9 મે 1914 ના રોજ શરૂ કરાઈ હતી. એવું કહેવામાં આવે છે કે અમેરિકન કાર્યકર એન્ના જાર્વિસ તેમની માતાને ખૂબ પ્રેમ કરતાં હતાં. જેના કારણે તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા. માતાના અવસાન પછી, તેમણે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. અમેરિકા અને ભારતમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે તો બ્રિટનમાં માર્ચ મહિનાના બીજા રવિવારે.
દિવસ કોઇ પણ હોય, મહત્ત્વ મધર્સ ડેનું છે. માતૃપ્રેમના મોલ પારખવાનું છે. કોઈ એક દિવસને માતાના નામે કરવો પૂરતું નથી. પરંતુ, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના આ યુગમાં મધર્સ ડેની ઉજવણીની પ્રથા વધી ગઈ છે. જેના કારણે ઘણાં લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. બાકી ભારતીય સંસ્કાર પરંપરામાં તો સૈકાઓ પૂર્વેથી શાસ્ત્રોમાં માતા પ્રત્યે સન્માન - પ્રેમ - આદર વ્યક્ત થતો રહ્યો છે, તેમનું મહિમાગાન થતું રહ્યું છે. જેમ કે, માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ સુભાષિત. આમાં વર્ષના કોઇ એક ચોક્કસ દિવસે માતા-પિતાના ગુણગાન ગાવાની વાત નથી, પણ તેમને સદૈવ માટે દેવનો દરજ્જો અપાયો છે.
સ્કંદ પુરાણના અધ્યાય છમાં પૃષ્ઠ 103-104 પર ઉલ્લેખ છેઃ
नास्ति मातृसमा छाया, नास्ति मातृसमा गति ।
नास्ति मातृसमं त्राणं, नास्ति मातृसमा प्रपा ।।
(અર્થાત્ માતા જેવો કોઈ છાંયડો નથી, કોઈ આશ્રય નથી, કોઈ સુરક્ષા નથી; માતાની જેમ આ સમગ્ર દુનિયામાં કોઈ જીવનદાતા નથી.)
દેવીપુરાણમાં માતાનું મહિમાગાન કરતાં લખાયું છેઃ માતામાં સાગર જેવું ગાંભીર્ય છે, પૃથ્વી જેવી સહિષ્ણુતા છે, વાયુ જેવી સુગંધવાહિતા છે, ચંદ્ર જેવી શીતળતા છે અને આકાશ જેવી ઉદારતા છે.
માતાના પ્રેમ - લાગણી - બલિદાનનું સન્માન કરવા માટે વર્ષનો આ ખાસ દિવસ છે. સ્ત્રીઓને કરુણાનું પ્રતીક માનવામાં આવે છે, તેમનું મૂલ્ય કોઇ આંકી શકતું નથી, તે હંમેશાં માતા, પત્ની, બહેન, મિત્ર, કાકી, દાદી, દાદી અને અન્ય સ્વરૂપોમાં આપણા ઘરોમાં સેવા આપે છે.
દરેક સંબંધની પોતાની એક જુદી ઓળખ હોય છે મહત્વ હોય છે, પરંતુ માતા-સંતાનનો સંબંધ વિશ્વમાં સૌથી અલગ અને કિંમતી છે. આથી તો માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે.
તમામ માતાને માતૃ દિવસની શુભેચ્છા. તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ આભાર.
•••
- મા માંગુ તારી પાસે...
- મિનાક્ષી ચાંપાનેરી
મારી જન્મદાત્રી જનની માંગુ તારી પાસે...
ઘણી વાર ચાલતાં, ઠોકર વાગતાં ‘ઓ....મા’ના
ઉદ્ગારોથી તું મને સામે દેખાય.
આજે પચીસ વર્ષના વહેણ વહી ગયા...
પણ મારા હૃદયમાં હંમેશા આપની વ્હાલરૂપી છબિ સ્થગિત છે.
મા બાળપણમાં અમે બધી બહેનો પથારી પર સૂતી,
તમે મને ભરઊંઘમાં માથે તેલની મસાજ કરતા,
સવાર થતાં હું ખીજાતી, મને નથી ગમતું તેલ કરતી મા,
અને તું કહેતી દીકરા તું સ્કૂલે જાય, માથે ઠંડક લાગે ને વાળ વધુ ટકે એટલે.
સ્કૂલેથી ઘરે આવું તો સિતાફળ ને
ચીકૂ થેલીમાં રાખતી,
પોતે ખાતી નહીં, મને પ્રેમથી માથે
હાથ ફેરવી ખવડાવતી.
મારી જન્મદાત્રી જનની બસ માંગુ
તારી પાસે એટલું,
તું ફરી મને માથે તેલની મસાજ કરી આપ, વાળ ખરે છે મારા,
તારી હૂંફ અને પ્રેમની ભૂખની ખોટ સાલે છે
આજે કાશ સ્વર્ગની સીડી હોત તો હું
આવીને મળી જઉં ને તારા દર્શનનો લ્હાવો લઉં.
કાશ એ સમય WhatsApp અને વીડિયોનો
હોત તો
હું તમને મનફાવે ત્યારે વાતો કરત અને
ફોટા મોકલાવત.
પાંચ પાઉન્ડનાં કાર્ડમાં ફક્ત હલ્લો - હાયની વાતો થતી,
તેથી જ તો મારા અને આપની પૌત્રીઓના સંવાદો ટેપમાં રેકોર્ડ કરી, કો’ક આવતાં-જતાં સગાં-સંબંધી સાથે મોકલાવતી
આજે તો હાલતાં-ચાલતાં,
મનફાવે ત્યારે વીડિયોના
માધ્યમથી સંવાદોની,
છબી સાથે આપ–લે થતી દેખાય છે.
આજે હું મારી દીકરીઓ અને પૌત્રો-પૌત્રીઓ
સાથે
અઠવાડિયે-મહિને તેમને સામે જોઈને વાર્તાલાપ સહેલાઈથી કરું છું.
તે ઘડીએ મારી ‘મા’ આ તારી દીકરીની
આંખો ભીની થાય છે.
ને... સહેજે બોલાઈ જાય! મા તું ક્યાં છે? પછી
હું આંખની પાંપણ બંધ કરી તને નિહાળું છું,
મારી જન્મદાત્રી જનની માંગુ તારી પાસે
બસ તું મારે રોમેરોમમાં કાયમ સ્થાન રાખજે.
વંદન કરું મારી માવડી...
પાય લાગુ મારી જનનીને.
---