સમગ્ર બ્રિટન 27 માર્ચના રોજ માતૃદિન ઉજવશે. એક ચોક્કસ દિવસ માતૃશક્તિને સમર્પિત કરવાનો વિચાર મૂળે તો પશ્ચિમી દેશોનો. ભારતમાં તો પૌરાણિક કાળથી કહેવાતું રહ્યું છે માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને સદૈવ મુઠ્ઠીઉંચેરું સ્થાન અપાયું છે. આ પુણ્યભૂમિ પર એવા કેટલાંય સંત-મહાત્મા થઈ ગયા છે, જેમની માતૃભક્તિ અનન્ય છે. અહીં પ્રસ્તુત છે માતૃઋણનો આદર કરી માતાનો મહિમા વધારનાર માતૃભક્ત સંતોની માતૃવંદનાની વાતો.
ભારતની ભૂમિ બહુરત્ના વસુંધરા છે. આ ભૂમિનાં સંતાનોએ દેશ-વિદેશોમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. તેમાંયે સ્ત્રીશક્તિની મહાનતા તો અદભુત, અવર્ણનીય છે. સંસ્કૃતિમાં કહ્યું છે કે ‘જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે.
રામના જન્મ વખતે કૌશલ્યાને, કૃષ્ણના જન્મ વખતે દેવકીને, વર્ધમાનના જન્મ વખતે ત્રિશલાદેવીને એ અનુભૂતિ થઈ હતી કે એમની કૂખે જન્મ લેનાર સંતાનો વિરલ કોટિનાં છે. વાસ્તવમાં કોઈ વર્ણવે કે ન વર્ણવે પણ માના ત્યાગ, સમર્પણના પાયા ઉપર જ મહાવિભૂતિઓ ગૌરવશાળી થયેલ છે.
કેટલીક એવી વિભૂતિઓ પણ થઈ છે કે જેમણે માતૃઋણનો આદર કરીને માતૃશક્તિને વંદના કરી છે, એમનો મહિમા ગાયો છે. પ્રાચીન ઋષિ પરંપરાથી તેની શરૂઆત થઈ છે. દેવહૂતિ અને કર્દમઋષિના પુત્રનું નામ કપિલમુનિ. અવતારી પુરુષ તરીકે, મહાન આચાર્ય તરીકે, સર્વપ્રથમ સાંખ્યશાસ્ત્રનું સર્જન કરનાર સર્જક તરીકે તેઓ જાણીતા છે. આ મહામુનિએ તપ કરીને રિદ્ધિ, સિદ્ધિઓ મેળવી હતી. તેમને પોતાના માતા દેવહૂતિ તરફ અતિ આદર અને સન્માનની ભાવના હતી. માતાનું ગૌરવ વધે તે માટે તેઓ ચિંતન કરતા હતા. એમણે પોતાના માતાને રિદ્ધિ-સિદ્ધિના ઉપાયો બતાવ્યા. માતા સિદ્ધ સ્વરૂપ બને તેવું તેઓ ઇચ્છતા હતા. તેનો હેતુ લોકોનું કલ્યાણ કરવાનો જ હતો. કપિલમુનિએ પોતાના માતાને સિદ્ધ સ્વરૂપ બનાવીને ભક્તિમાર્ગ તરફ વાર્યા.
આદિ શંકરાચાર્યનો જન્મ કેરળ પ્રદેશમાં પૂર્ણા નદીના તટ પર આવેલા કાલકી ગામે થયો હતો. પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ સુભદ્રા. શંકર ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું.
આઠ વર્ષની વયે તો શંકરે સર્વશાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. જ્યારે એમણે માતાની પાસે સંન્યાસી બનવાની રજા માગી, તો માતાએ કહ્યું કે ‘જો તું સંન્યાસી બની જાય, તો મારા મૃત્યુ પછી મારા અગ્નિસંસ્કાર કોણ કરે?’
માતૃભક્ત શંકરે તે ઘડીએ તો ભગવા ધારણ કરવાનો વિચાર દિલમાં ધરબી દીધો. જોકે નિયતિએ કંઇ જૂદું જ ધાર્યું હતું. એક ઘટનાથી તેમના જીવનમાં અણધાર્યો વણાંક આવ્યો. તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે મગરે એમનો પગ પકડ્યો. શંકરે માતાને વિનંતી કરી કે મગર મને ઊંડા પાણીમાં ખેંચી જશે, મારું મૃત્યુ થઈ જશે તે પહેલાં મને સંન્યાસી બનવાની રજા આપો. માતાએ રજા આપી. અને મગરે શંકરનો પગ છોડી દીધો. સંન્યાસી બનવા ગામમાંથી નીકળતા પહેલાં તેમણે સગાંસંબંધીઓને માતાનું ધ્યાન રાખવા કહ્યું અને માતાને ખાતરી આપી કે મા, તારા અગ્નિસંસ્કાર કરવા હું અચૂક આવીશ. સંન્યાસી બનીને શંકરાચાર્યજીએ જે બહુમૂલ્ય પ્રદાન કર્યું તે સુવિદિત છે.
શંકરાચાર્યને માતાની માદંગીના સમાચાર મળ્યા. માતાને આપેલું વચન યાદ આવ્યું. બાર વર્ષથી વિખૂટા પડેલા શંકરાચાર્ય માતાને મળ્યા. પુત્રનાં દર્શનથી માતાએ ધન્યતા અનુભવી. હર્ષનાં આંસુ આવ્યાં. થોડા જ સમયમાં માએ દેહત્યાગ કર્યો. ત્યારે સંન્યાસીનાં ભગવા વસ્ત્રો ઉતારીને સફેદ વસ્ત્રો ધારણ કર્યાં તેથી ધર્માંધ અને રૂઢિચુસ્ત સગાંસંબંધીઓએ શંકરાચાર્યનો બહિષ્કાર કર્યો. કોઈએ માતાના અગ્નિસંસ્કારમાં મદદ ના કરી. પણ પોતે એકલા હાથે જ માતાના અગ્નિસંસ્કાર કર્યા. તેમણે સંન્યાસ ધર્મને યથાર્થ રીતે દીપાવ્યો.
સમાજને બેઠો કરવા ભિન્ન ભિન્ન પ્રકારે માનવતાવાદી કાર્યો કરનાર સમર્થ સંત પૂજ્ય મોટાએ નારીના સર્વાંગી વિકાસ માટે ‘મહાજન શક્તિદળ’ની સ્થાપના કરી હતી, જે આજેય કાર્યરત છે. તેઓ કહેતા કે ‘પુરુષોએ પોતાની જાતને સર્વોપરી માની લઈને જગતભરમાં વાસનાને વધારે પોષી છે ને સ્ત્રીઓને પણ તેવી બનાવી મૂકી છે.’ તેઓ કહે છે કે, ‘મારે બહેનો સાથે વર્તવાનું થાય છે ત્યારે હું તો ફૂલ જેવો કોમળ બનું છું ને કઠણમાં કઠણ પણ બનું છું.’ પૂજ્ય મોટા માતૃવંદના કરનાર મહાન સંત હતા.
કાલોલની શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઘરની નબળી આર્થિક સ્થિતિના કારણે મોટાને વેપારીને ત્યાં નોકરી જોડાવું પડે તેમ હતું. તેઓ તેમના શિક્ષક ઘનશ્યામરાય નટવરરાય મહેતાને ત્યાં જતા. કુટુંબીઓ આ શિક્ષકને ઘનુભાઈના નામે સંબોધન કરતા. ઘનુભાઈને મોટા ઉપર અપાર હેત હતું.
પેટલાદમાં ઘનુભાઈનાં માસીબા-પ્રભાબા રહેતાં હતાં. કામગરા અને કહ્યાગરા વિદ્યાર્થી ચીનુભાઈ (પૂ. મોટા)થી પ્રભાબા પરિચિત હતાં એટલે મોટાએ પેટલાદમાં પ્રભાબાના ઘેર રહીને હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યું. વડોદરાના કોલેજ શિક્ષણ વખતે હોસ્ટેલના જમવાના ખર્ચની વ્યવસ્થા પ્રભાબાએ કરી હતી. મોટાએ ‘વસંતબહાર’ ટેપવાણીમાં પ્રભાબાનો ઉલ્લેખ કર્યો છે.
જ્યારે પૂ. મોટા ભૂજ (કચ્છ)ની એક ટેકરી ઉપર સાધના કરવા રોકાયા હતા ત્યારે તેમણે પ્રભાબા સંબંધિત એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જે પૂજ્ય મોટાના શબ્દોમાં જોઈએઃ
‘એ રાતવાસો જીવનમાં ખૂબ જ યાદગાર રહી ગયો. મારાં આધ્યાત્મિક મા (પ્રભાબા)ના શરીરની અંત ઘડીએ મારાથી હાજર રહેવાયું ન હતું. તે દિલમાં સાલતું હતું. એ ટેકરી ઉપર મધરાતે તેઓ પ્રત્યક્ષ થયાં અને તેમના ખોળામાં સૂવાનો લહાવો પણ લેવાયો, વાતો પણ થઈ પરંતુ પડખું ફેરવતાં જ મા અદૃશ્ય થઈ ગયાં. એ તંદ્રાવસ્થાનો કે સ્વપ્નમાંનો અનુભવ ન હતો. તે તો પૂરી જાગૃત અવસ્થામાં જેમ તમને હું જોઉં છું તેમ તેમના પ્રત્યક્ષ શરીરનાં દર્શન હતાં.’
નારેશ્વરના સંત પૂ. રંગ અવધૂતજી મહારાજ સિદ્ધયોગી હોવાની સાથે સાથે માતૃભક્ત હતા. માતા જ્યારે એકલાં રહ્યાં ત્યારે તેમણે પોતાની માતાને પોતાના આશ્રમમાં રાખ્યાં. એક સંતાન તરીકે માતાની સેવાચાકરી કરી. સંન્યાસી જીવનમાં માતૃવંદનાની આ ઘટના અતિ ઉલ્લેખનીય અને પ્રશંસાને પાત્ર છે. માતાનું મૃત્યુ થતાં મોરટક્કા (ખંડવા પાસે) એમની અંતિમક્રિયા કરીને માતૃઋણ ચૂકવ્યું.
ગુજરાતના પ્રભાવશાળી સંત પુનિત મહારાજે ઘરગૃહસ્થીને સુખમય બનાવવા માટે, ભક્તિભાવની વૃદ્ધિ માટે, ગુણોના સંવર્ધન અને ચારિત્ર્ય ઘડતર માટે સત્સંગો કર્યા. ભજનો, પદોની રચના કરી છે. તેઓને માતા પ્રત્યે અપાર આદર હતો. પરિવારમાં માતાપિતાનું સ્થાન ગૌરવવંતુ રહે તે માટે તેઓ પ્રેરણા આપતા હતા. તેમના પદના શબ્દો છે.
‘ધન ખરચતાં મળશે બધું,
પણ માતા-પિતા મળશે નહીં,
એનાં પુનિત ચરણો તણી,
ચાહના કદી ભૂલશો નહીં.’
આમ, ભારતના સંત-મહાત્માઓની માતૃવંદના અનન્ય છે.
---
ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે
‘જનની જોડ સખી! નહીં જડે રે લોલ’ કાવ્યમાં કહ્યું છે...
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ...
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ....