હવે જયારે લોકડાઉન ખુલવા માંડ્યું છે અને લોકો ભીડમાં બહાર ઉમટ્યા છે ત્યારે વિચાર કરતા લાગે છે કે ખરેખર તો લોકડાઉન દરમિયાન પણ લોકો શાંતિથી બેઠા જ નથી. બધા લોકોએ વાતો કરી કે આપણે થોડા ધીમા પડવાની જરૂર છે, પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે અને અંતરાત્માની ખોજ કરવા તરફ થોડું ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ આ પૈકી એકેય દિશામાં ભાગ્યે જ કોઈએ નોંધપાત્ર પગલું ભર્યું હશે. કોરોના જેવી મહામારી કે જેમાં કરોડો લોકો બીમાર થયા અને લાખો લોકોના મૃત્યુ થયા છે - તેનાથી પણ માનવજાતની વિચારસરણીમાં કઈ ખાસ પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું નથી.
એક વાત યાદ કરાવી દઉં કે ભલે ટ્રાન્સપોર્ટ દ્વારા થતું પ્રદુષણ ઘટ્યું હશે પરંતુ લોકોએ જે પ્રમાણમાં ઈન્ટરનેટ પર વેબિનાર અને લાઈવ સ્ટ્રીમિંગ કરીને વીજળી અને કન્ટેન્ટનો ઉપયોગ કર્યો છે તેનાથી પણ પ્રદુષણ થયું જ હશેને? સમજાયું ન હોય તો ચોખવટ કરીએ કે વીજળીનું ઉત્પાદન કરવામાં પણ ઇંધણનો ઉપયોગ થાય છે. જો પુનઃ પ્રાપ્ય વીજળીના સ્ત્રોતોનો ઉપયોગ વધારે કરીએ તો પણ ૧૦૦ ટકા તો નથી જ થવાનો. વીજળી પેદા કરવા ઉપયોગમાં આવતા ઉપકરણો બનાવવામાં તો ઇંધણનો ઉપયોગ થયો જ હશે ને? વળી બેફામ વીડિયો, વેબસીરીઝ અને ફિલ્મો જોવાથી મગજમાં જે કચરો ભરાયો છે તેને કાઢવો મુશ્કેલ બનશે.
લોકોએ આંતરિક શાંતિ અને આત્માના વિકાસ કરવા અંગેના એટલા તો ફ્રી વેબિનાર કર્યા કે તેનાથી પણ અશાંતિ જેવું લાગવા માંડેલું. કેટલાક સમય બાદ તો મેં કોઈ પણ ફ્રી વેબિનારની લિંક પર ક્લિક કરવાનું જ છોડી દીધેલું. જેને પોતાના ઘરમાં પણ કોઈ સાંભળતું ન હોય તેવા લોકો પણ નિષ્ણાત બનીને ફ્રી ઝૂમ વેબિનારની લિંક મોકલવા લાગેલા. આવું તમારી સૌની સાથે પણ થયું જ હશે. એક મિત્રે સાચું જ કહ્યું કે બહુ થયું, હવે કામે લાગી જાઓ અને પાછા જેવા હતા તેવા થઇ જાઓ.
આપણને કોરોના જેવી મહામારીથી પણ કઈ ઝાઝો ફરક પડ્યો નથી. તેનું કારણ છે આપણી અંદર રહેલું સામાજિક વલણ. લોકડાઉનમાં ઘરે રહીને પણ ઓનલાઇન ડિસ્કાઉન્ટમાં કપડાંની અઢળક શોપિંગ કરનારા વ્યક્તિઓને શું કહેવું? એટલે કે ઉપભોગ ઘટ્યો નથી. ઘણી દુકાનો બંધ થઇ ગઈ અને કેટલાય બિઝનેસ પડી ભાંગ્યા તેનું કારણ માત્ર ઓછી ખરીદી નથી પરંતુ તેના માટે જવાબદાર છે બિઝનેસ કરવાનું ક્ષતિપૂર્ણ મોડેલ. તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે કરિયાણાની કોઈ દુકાન લોકડાઉનને કારણે બંધ થઇ ગઈ હોય. અરે, હજામને લોકડાઉન દરમિયાન કોઈ કામ ન મળ્યું હોવા છતાં તેઓ ફરીથી ધોમધીખતા ધંધા સાથે પોતાનું કામ શરૂ કરી દેશે. તો શા માટે અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી મોટી મોટી કંપનીઓ ત્રણ-ચાર મહિનાની મંદી સહન ન કરી શકી?
આપણે પણ પોતાના જીવનમાં આ બાબત પર ધ્યાન મુકવા જેવું છે. જે રોજનું કમાઈને રોજ ખાય તેને મુશ્કેલી પડે. પરંતુ જેણે રોજની આવકમાંથી થોડું ઘણું સંઘરી રાખ્યું હોય તે આવી પરિસ્થિતિને જીવી જાય. તેવું જ આપણા અંગત જીવનમાં બને છે. એક-બે મહિના એવા આવી જાય કે કોઈને મળી ન શકીએ, બહાર ન જઈ શકીએ તો શા માટે એકલું એકલું લાગવા માંડે? શા માટે સંબંધોમાં કડવાશ આવે અને શા માટે ઘરમાં જેલ જેવું લાગે? તેનું કારણ આ બધી મોટી મોટી કંપનીઓ જેવું જ.
વધારે સારી રીતે સમજવા ટીવી અને લેપટોપનું ઉદાહરણ લો. ટીવીને જ્યાં સુધી કરંટ આપો ત્યાં સુધી ચાલે પરંતુ લેપટોપમાં વીજળી સંગ્રહાયેલી રહે અને પરિણામે તેને કરંટનો પ્રવાહ ન મળે તો પણ ચાલી જાય. આ મોટા બિઝનેસ બધાય ટીવી જેવા હતા એટલે જેવી લાઈટ ગઈ કે બંધ થઇ ગયા. આપણું જીવન પણ ટીવી જેવું ન હોવું જોઈએ. તેને ચલાવવા માટે જરૂરી ઉર્જા, પ્રોત્સાહન અને સદ્ગુણોનું ચાર્જ, લેપટોપની જેમ, હંમેશા બેટરીમાં રહેવું જોઈએ.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)