માનવસેવાના સમર્થકઃ રતિલાલ ગામી

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 09th June 2017 04:03 EDT
 
 

ચરોતરના બોરસદમાં ત્યારે મુસ્લિમ અને પાટીદાર બેની મુખ્ય વસતી. આ પછી વણિક અને બ્રાહ્મણ. આસપાસના ગામોમાં બારૈયા અને હરિજન વસે. આ બધા ગરીબ. વણિકો ત્યારે ધીરધાર કરે અને શોષણ કરે. હજી ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ન હતા. કોંગ્રેસને સ્થપાયે એક વર્ષ વીત્યું હતું. બ્રિટિશ રાજ્યનો સૂર્ય તપતો હતો ત્યારે ૧૮૮૬માં. રતિલાલ નડિયાદના, પણ બોરસદમાં વસતા. ખડાયતા વણિક નારણદાસ કાલિદાસ ગામીને ત્યાં જન્મ્યા. બોરસદમાં હજી અંગ્રેજી શાળા ન હતી. ખ્રિસ્તી મિશનરીઓ શાળા ચલાવે. ગરીબોના બાળકો તેમાં આવે. સારા ઘરના બાળકોય આવે. મિશનરીઓ બધાને સરખા ગણે. ગરીબ બાળકો સાથે પ્રેમથી વર્તે. તેમને સાચવે. આવે વખતે બોરસદમાં ઉછરતા અને મિશન શાળામાં ભણતા રતિલાલને મિશનરીઓની સેવા ગમી. ગરીબોનું કામ કરતા મિશનરીઓના જેવી ગામડાના ગરીબોને મદદ કરવાની લાગણીના બી વવાયાં. ઘરમાં દાદા કાલિદાસ સેવા-પૂજા કરે. દાદાની ધર્મનિષ્ઠા અને મિશનરીઓની સેવાનિષ્ઠા એ બાલ રતિલાલ પ્રભાવિત થયા. જનસેવા એ જ પ્રભુસેવાની વાત. તેમને ગમી.

રતિલાલ માંડ મેટ્રીક સુધી પહોંચ્યા અને ૧૯૭૪માં માસિક ત્રીસ રૂપિયાના પગારે દાદાજી ધીકજી નામની રંગની વેપારી પેઢીની દિલ્હી શાખામાં નોકરી કરતા થયા. તે જમાનામાં રૂપિયાનું ચાર કે પાંચ રતલ ઘી મળે. ૨૫થી ૪૦ રૂપિયે ભેંસ મળતી. આણંદમાં હાઈસ્કૂલ ન હતી. ખેડા જિલ્લાના નડિયાદમાં મેટ્રીક સુધીનું શિક્ષણ હતું. રતિલાલને મહિને ત્રીસ રૂપિયા પગાર ત્યારે શિક્ષકને મહિને દશ રૂપિયા પણ ન મળતો. છતાં રતિલાલને સંતોષ ના થયો. આ સમયે હજી દિલ્હી ભારતનું પાટનગર ન હતું. રતિલાલે નોકરી છોડી અને દિલ્હીમાં રહીને વેપાર શરૂ કર્યો.
વેપારમાં એમની ધગશ અને સૂઝથી ફાવ્યા. એવામાં પ્રથમ વિશ્વયુદ્ધ આવ્યું અને દરેક વસ્તુના ભાવ વધી ગયા. ૧૯૧૧માં દિલ્હી ભારતનું પાટનગર બન્યા પછીથી વેપારમાં ચીજવસ્તુઓની વિવિધતા વધી હતી. દિલ્હી પાટનગર થયા પછી ગુજરાતીઓનું આવવાનું વધ્યું. આમાં કેટલાક નવેનવા વેપાર કરવા આવ્યા. આવા વખતે રતિલાલ તેને જરૂરી ઓળખાણો કરાવે. જરૂર પડ્યે એના વતી બીજાને ખાતરી આપે. દિલ્હી-આગ્રાના પ્રવાસે આવતા ગુજરાતીઓ ઓળખાણ શોધીને આવે ત્યારે તેમના યજમાન બનતા. આ બધાથી ગામી પરિવારની નામના વધી.
દિલ્હીમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં આવતા થયા તેથી તેમના ઉતારા માટેની સગવડ કરવામાં તેમણે સારી રકમની મદદ કરી. તે જમાનામાં નાતજાત પ્રત્યે લોકો વિચારતા હતા. રતિલાલે પોતાની ખડાયતા વણિક જ્ઞાતિના બાળકો અને સ્ત્રીઓના શિક્ષણમાં મદદ કરવા એક લાખ રૂપિયા ટ્રસ્ટમાં આપ્યા. બે કે પાંચ હજારનું દાન ત્યારે ખૂબ મોટું અને તક્તિયોગ્ય મનાતું. ત્યારે આ રકમ ખૂબ મોટી ગણાય. ધાર્મિક ભાવનાને લીધે દિલ્હીમાં પંદર હજાર રૂપિયા આપ્યા. વિઠ્ઠલ કન્યા વિદ્યાલય શરૂ થતાં તેમાં પાંચ હજાર રૂપિયા આપ્યા. નાનાભાઈ ભટ્ટે ગામડાના બાળકો માટે રચનાત્મક શિક્ષણ આપવા ગ્રામ દક્ષિણામૂર્તિ સ્થાપતાં તેમને અને સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયને બબ્બે હજાર રૂપિયા આપ્યા. રેંટિયા અને હાથવણાટની તાલીમ માટે દાન આપ્યું. રતિલાલે આમ જુદા જુદા ક્ષેત્રમાં દાન આપ્યાં.
મહાત્મા ગાંધી પ્રત્યે તેમને ખૂબ આદરભાવ હતો. આથી તેમણે ગાંધીજીને અવારનવાર મળવા જવાય માટે ભંગી કોલોની નજીકના વિસ્તારમાં મકાન રાખ્યું હતું. ગાંધીજીની રેંટિયા પ્રવૃત્તિ, ખાદી, ગ્રામોદ્યોગ અને શિક્ષણની પ્રવૃત્તિમાં તેમને ખૂબ રસ હતો. તેઓ તાતા, બિરલા કે બજાજ જેવા ધનિક ન હતા. અંગ્રેજો દંડ કરે કે ખફા થાય તો તેમનું બધું છીનવાઈ જવાનો ડર હતો. આવા વખતે સામાન્ય, મહેનતુ, પ્રામાણિક રીતે પૈસા કમાયેલા એવા ગુજરાતી પ્રામાણિક વેપારીએ દિલ્હીમાં રહીને ગાંધીજી અને રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને થાય તેટલી મદદ કરી. અંગ્રેજ શાસનના કેન્દ્ર એવા દિલ્હીમાં રહીને આવી પ્રવૃત્તિ કરવાનું જોખમ તેમણે લીધું.
૧૯૪૨માં આઝાદી આવવાને હજી વાર હતી ત્યારે ૫૬ વર્ષની વયે રતિલાલ ગામીએ દિલ્હીની ધરતી પર જ કાયમી સોડ તાણી. રતિલાલની મદદથી ત્યારે દિલ્હીમાં સ્થિર થયેલા સેંકડો ગુજરાતીઓ અને ગાંધીજીના ચાહકો શોકગ્રસ્ત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter