જન્મઃ તા. 27-1-1914. અભ્યાસ પાંચ ધોરણ. નિવૃત્ત આચાર્ય. લોકસાહિત્યના આરાધક. દિલ્હીનો લોકસંગીત એવોર્ડ એમનો પ્રાપ્ત થયો.
•••
(એની) માફી તમે તો સૌ માગજો પવીતર થાજો ધોઈ પાય,
અંતર મેલાંને કરો ઊજળાં, જોગીડો માગે છે જવાબ.
કર બે હતા પણ કામ નો કર્યાં, પાંવ રે હતા તે ખેડ્યા નહિ પંથ,
જીભ રે હતી ને અસત્ ભાખિયા, આંખ્યું રે હતી ને ફર્યા થઈ અંધ.
માફી રે શ્રવણ કરી માગજો, સુણ્યો નહિ ગરીબોનો સાદ,
લક્ષ્મીદેવીને પાયે લાગજો દીધી નહિ દુઃખિયાને દાદ.
કલમશાહીની માફી રે માગજો લખ્યા હોઈ ખોટો ચોપડામાં લેખ,
સહી રે લઈને અભણ છેતર્યાં, માથે ખોટો સાક્ષી મેખ.
વ્યાજ રે ખાધાં હોય જો વાણિયા, તોળવામાં કીધા ખોટા તોલ,
હજારો નફો રે કીધો હરામનો, અંતે તારા હૃદિયાને ખોલ.
કણના કોઠારે કીધા સંઘરા, આપ્યાં નહીં ભૂખ્યાંને અનાજ,
વાટું રે જુએ છે કપરા કાળની, ને ખાધા પેટ ભરીને સમાજ.
માફી રે ભૂમિની માગતી, પ્રાચીન કીધાં તજી રાજપાટ,
શ્રીમંત હજી કાં નવ ચેતતા? ઉઘાડો ને દીધેલાં કબાટ.
હિસાબ લેવા રે દખલ દેશનો આવ્યો છે બાવલિયો અવધૂત,
સોંપી રે દિયો ને કાળા ચોપડા, ભડકા થાશે નહીંતર ભૂત.
અણ રે સમજ થઈને અંધને, દોહ્યલું કઘાટું લાગ્યું અરે દૂધ,
આવું રે ગળે ક્યાંથી ઊતરે, સઘળી ખવાઈ ગઈ છે સૂધ.
પીંગળશી કે’ હજી પરિયાણમાં બેઠા કાં થઈને બધિર,
વેળા રે રે’શે નહીં એકેય વાતની, તાણિયાં છે કાળે જબરાં તીર.
•