માદરે વતનથી હજારો માઇલ બ્રિટનમાં આવીને વસ્યાં છો? હોમ સિકનેસ અનુભવો છો? વતનઝુરાપો વર્તાય છે? ઘરમાંથી બહાર નીકળો, કેન્ટન પહોંચો અને એક લટાર મારો. તમારા પોતાના ‘દેશ’માં ફરતાં હોવાની લાગણી અનુભવશો. કેન્ટન એવો વિસ્તાર છે, જે તમને ઘરથી દૂર એક ઘરનો અનુભવ કરાવે છે. આજે આ વિસ્તાર ખીલ્યો છે તેમાં આપણા ભારતીય - ગુજરાતી સમુદાયનું આગવું યોગદાન છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં આ વિસ્તારમાં એશિયન સમુદાયની વસ્તી બહુ જ ઓછી હતી. આ વિસ્તારમાં એશિયન - ભારતીય સમુદાયનું સૌપ્રથમ આગમન ૧૯૪૭-૪૮માં થયું એમ કહી શકાય. ભારત સ્વતંત્ર થયું તેના શરૂઆતના વર્ષોમાં આશરે એકાદ લાખ એંગ્લો-ઇંડિયન અહીં આવીને વસ્યા. કેટલાક લંડનના નૈઋત્યમાં હેરોમાં સ્થાયી થયા તો ઘણા કેન્ટનમાં આવીને સ્થાયી થયા. સમયાંતરે ઉચ્ચ અભ્યાસ માટે આશાસ્પદ ભારતીય વિદ્યાર્થીઓનું બ્રિટનમાં આગમન શરૂ થયું, જેમાં કાયદો, મેડિસીન ક્ષેત્રના વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ હતી. આ વિદ્યાર્થીઓએ પણ સ્થાયી થવા માટે કેન્ટનને પ્રાધાન્ય આપ્યું.
હેરો-બ્રેન્ટના સૌથી અનુભવી અને જાણકાર શ્રી નવીનભાઇ શાહે એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો તેમ હેરો બરોની આશરે બેથી અઢી લાખની વસ્તીમાં અડધોઅડધ - 50 ટકા એશિયન હોવાનું નોંધાયું છે. આમાં પણ 80 હજાર જેટલા તો ભારતીય વંશજો છે. અને આ ભારતીય વંશજોમાં ગુજરાતીઓની સંખ્યા નોંધનીય છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ જ તો કારણ છે કે કેન્ટન વિસ્તાર ગુજરાતીઓનો ગઢ ગણાય છે. એક સમય હતો લેસ્ટરમાં ભારતીય - ગુજરાતી સમુદાયની વધી રહેલી વસ્તીની બ્રિટનના જ નહીં, ભારતના અખબારોમાં પણ નોંધ લેવાતી હતી. આજે કેન્ટનમાં જોવા મળતો ગુજરાતીઓનો દબદબો ન્યૂ નોર્મલ છે.
કેન્ટન રોડ પર લટાર મારવા નીકળશો તો - શોપ્સના હોર્ડીંગ્સથી માંડીને ચહેરામહોરા, બોલચાલમાં - બધે જ ગુજરાતીઓની હાજરી ઊડીને આંખે વળગશે. તમને એક પળ પણ એવું લાગશે નહીં કે તમે દરિયાપારના કોઇ દેશમાં છો કે અંગ્રેજોની ધરતી પર છો. આ વિસ્તારમાં એશિયનો, ભારતીયો, ગુજરાતીઓ આવ્યા છે, સમૃદ્ધિથી ફૂલ્યાફાલ્યા છે, અને સમયના વહેવા સાથે વિસ્તર્યા છે. 1947-48માં અહીં એંગ્લો-ઇંડિયન સમુદાય મોટી સંખ્યામાં આવીને વસ્યો તો 1963માં કેન્યાથી હિજરત કરીને આવેલા ભારતીયોએ પણ સ્થાયી થવા આ જ વિસ્તાર પર પસંદગી ઉતારી. સરમુખત્યાર ઇદી અમીનના અમાનુષી અત્યાચારે લોકોને પહેર્યા કપડે દેશ છોડવા મજબૂર કર્યા હતા. આજે સમૃદ્ધ ગણાતો કેન્ટન વિસ્તાર તે સમયે હજુ વિકસી રહ્યો હતો. કેટલાય ગુજરાતી પરિવારોએ તે વેળા વસવાટ માટે આ મિડલ ક્લાસ વિસ્તાર પર પસંદગી ઉતારી તેનું મુખ્ય કારણ એ હતું કે અહીં ઔદ્યોગિક એકમો ઓછા હતા, અને વેપાર-ધંધાનું પ્રમાણ અધિક હતું. વેપારી કોમની ઓળખ ધરાવતા આપણા સમુદાયને આ વિસ્તાર પસંદ પડે તેમાં કંઇ નવાઇની વાત નહોતી. વળી, ઉદ્યોગો ઓછા હોવાના કારણે પ્રદૂષણ પણ ઓછું હતું. એક સમય હતો જ્યારે કેન્ટન રોડ સિવાયના વિસ્તારમાં લોકોની ખાસ અવરજવર, વસવાટ કે વ્યાવસાયિક પ્રવૃત્તિઓનો ધમધમાટ નહોતો. આજે આપણને આ વિસ્તારની શકલ-સુરત બદલાયેલી જોવા મળે છે, ચોમેર સમૃદ્ધિની છમાછમ જોવા મળે છે કેમ કે આ વિસ્તારના વિકાસને મહેનતકશ એશિયન સમુદાયે પોતાના પરસેવાથી સિંચ્યો છે.
જેમ જેમ માનવવસ્તી વધવાની તેમ તેમ સમાજ વિસ્તરવાનો અને જેમ જેમ સમાજનો વ્યાપ વધવાનો તેમ તેમ સંસ્થાઓ-સંગઠનો પણ આકાર લેવાના. કેન્ટનને પણ આ જ નિયમ લાગુ પડે છે. આજે આ વિસ્તારમાં અનેક સામાજિક - સાંસ્કૃતિક - ધાર્મિક સંસ્થાઓ ધમધમે છે. યાદી બહુ લાંબી છે, પણ એક સંસ્થાનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. આ સંસ્થા એટલે એંગ્લો ઇંડિયન સર્કલ. 1973માં આ સંસ્થાની સ્થાપના થઇ. અને તેણે સમુદાયને જોડવાની કડીરૂપ કામગીરી કરી. સમયના વહેવા સાથે આ સંસ્થા સંગત સેન્ટર બન્યું. લોકોને સુખેદુઃખે સાથસહકાર આપવા - કાનૂની સલાહસૂચન - માર્ગદર્શન આપવા સદા તત્પર રહેતી આ સંસ્થા વિશે આ જ અંકમાં - ‘આપણી પ્રાણવાન સંસ્થા’ વિભાગ અંતર્ગત વિગતવાર રજૂઆત કરી હોવાથી પુનરોક્તિ ટાળી રહ્યો છું, પણ એટલું જરૂર કહીશ કે આ સંસ્થાએ તેના નામને ચરિતાર્થ કરી દેખાડ્યું છે. ‘સંગત’ - ત્રણ અક્ષરનું નાનકડું નામ ધરાવતી આ સંસ્થાનું સામાજિક ક્ષેત્રે બહુ મોટેરું પ્રદાન છે. સમય પસાર થતો ગયો તેમ તેમ અહીં જ્ઞાતિ સંસ્થાનો, ધાર્મિક સંસ્થાનો, સામાજિક સંસ્થાનોએ આકાર લીધો. હિન્દુ સમુદાય, જૈન સમુદાય, સિંધી સમુદાય... અરે અહીં શીખોનું ધર્મસ્થાન ગુરુદ્વારા પણ છે! કેટકેટલી જ્ઞાતિ-જાતિ-સંપ્રદાયોની ધાર્મિક ગતિવિધિથી કેન્ટન ધમધમે છે.
દરિયાપારના દેશોમાં જઇ વસેલા મોટા ભાગના સમુદાયની ગતિવિધિ - સક્રિયતા પોતાની જ્ઞાતિ-જાતિ-ધર્મ પૂરતી સીમિત રહી જતી જોવા મળતી હોય છે, પરંતુ કેન્ટન માટે ગૌરવભેર કહી શકાય કે આપણો સમુદાય અહીં એક ડગલું આગળ વધ્યો છે. સ્થાનિક વહીવટી તંત્રથી માંડીને રાજકીય ગતિવિધિમાં સક્રિય સામેલગીરીના પરિણામે હેરો કાઉન્સિલમાં ભારતીય - ગુજરાતી કાઉન્સિલર્સની સંખ્યા સવિશેષ જોવા મળે છે. વર્ષોથી જાહેરજીવનમાં સક્રિય નવીન શાહ સ્થાનિક રાજકારણમાં પીઢ - અનુભવી અને મુઠ્ઠીઉંચેરું નામ ગણાય છે તો આશાસ્પદ ઉભરતા નેતૃત્વનો ઉલ્લેખ કરીએ ત્યારે ભાઇશ્રી કૃપેશ હિરાણીનું નામ આગળ મૂકવું જ પડે. રાજકીય તંત્ર હોય કે વહીવટી તંત્ર, આપણું પ્રતિનિધિત્વ દર્શાવે છે કે સ્થાનિક પ્રજાજનોએ પણ આપણને પોતાના ગણીને સ્વીકાર્યા છે, અપનાવ્યા છે. 60ના દસકાની વાત કરું તો તે વેળા એજવેરમાં અમારા પરિવારની માલિકીની શોપ હતી. તે સમયે બહુ જૂજ ભારતીયો આવા નસીબદાર હતા. આજે આ વિસ્તારમાં લટાર મારશો તો આપણા સમાજના કેટલાય વેપાર સાહસિકોની હાજરી જોવા મળશે. અનેક શોપ્સ, સ્ટોર્સ, રેસ્ટોરાંની માલિકી આપણા લોકોના હાથમાં જ જોવા મળશે. આપણા અનેક સામાજિક - સાંસ્કૃતિક - ધાર્મિક સંસ્થાનો રંગેચંગે ધમધમે છે, અને છતાંય ક્યારેય સ્થાનિક પ્રજાજનો સાથે સંઘર્ષ થયાનું જાણ્યું નથી. કેન્ટનમાં આપણે ભારતીયો - ગુજરાતીઓ ફૂલ્યાં છીએ, ફાલ્યાં છીએ કેમ કે આપણે આ દેશની, આ પ્રદેશની નીતિ-રીતિ-સંસ્કૃતિમાં સાકરની જેમ ભળી ગયા છીએ. આથી જ કેન્ટનમાં જ્યારે જ્યારે લટાર મારું છું ત્યારે ત્યારે મેરા ગાંવ, મેરા દેશની લાગણી અનુભવું છું.