ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે - 18 જૂને માતા હીરાબાને મળવા ગાંધીનગરના રાયસણસ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વડા પ્રધાને માતાના ચરણ ધોઇને પૂજન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા. વડા પ્રધાને તેમના માતા અને પરિવારજનો સાથે અડધો કલાક વીતાવ્યો હતો. માતા હીરાબા એકસોમા વર્ષમાં પ્રવેશ્યાં છે ત્યારે વડા પ્રધાન પુત્રે એક ભાવનાત્મક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે બાળપણની કેટલીક ખાસ ક્ષણોની યાદ તાજી કરી છે, જે તેમણે માતા સાથે વિતાવી હતી. નરેન્દ્ર મોદીના બ્લોગના અંશોઃ
“મા, આ માત્ર એક શબ્દ જ નથી. જીવનની આ એવી ભાવના છે જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ, અન્ય પણ ઘણું બધું સમાયેલું હોય છે. આજે હું પોતાની ખુશી, પોતાના સૌભાગ્ય વિશે આપ સૌને વાત કરવા માગું છું. મારા મા, હીરાબા આજે 18 જૂનના રોજ પોતાના એકસોમા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે, એટલે કે તેમનો જન્મ શતાબ્દી વર્ષ પ્રારંભ થઈ રહ્યો છે.
જો પિતાજી આજે હયાત હોત તો ગત અઠવાડિયે તેઓ પણ 100 વર્ષના થઈ ગયા હોત. એટલે કે વર્ષ 2022 એક એવું વર્ષ છે જ્યારે મારાના જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થયું છે તેમજ આ જ વર્ષે મારા પિતાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે. વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે આમ તો અમારે ત્યાં જન્મદિવસ ઊજવવાની કોઈ પરંપરા નથી રહી. પરંતુ પરિવારના નવી પેઢીનાં બાળકોએ પિતાજીના જન્મશતાબ્દી વર્ષમાં આ વર્ષે 100 છોડ વાવ્યા છે.
મોદીએ પોતાના જીવન સંદર્ભે લખ્યું છેઃ આજે મારા જીવનમાં જે પણ કાંઈ સારું છે, મારા વ્યક્તિત્વમાં જે કાંઈ પણ સારું છે, તે માતા અને પિતાજીની દેણ છે. આજે જ્યારે હું અહીં દિલ્હીમાં બેઠો છું, ત્યારે ઘણું બધું જૂનું યાદ આવી રહ્યું છે.
મકાન નાનું, પણ હૃદય વિશાળ
હીરાબા સાથે જોડાયેલી વાતો કરતાં વડા પ્રધાન મોદીએ અબ્બાસ નામની એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો. મોદીના બ્લોગનો આ ભાગ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ છે. હીરાબાની આદતોનો ઉલ્લેખ કરતાં મોદીએ લખ્યું છે, “માતા હંમેશાં બીજાને ખુશ રાખવામાં ખુશ રહેતાં. ઘરમાં ભલે જગ્યા ઓછી હોય પરંતુ તેમનું હૃદય ખૂબ મોટું છે. અમારા ઘરથી થોડાક અંતરે એક ગામ હતું જ્યાં માતા-પિતાના ખૂબ સારા મિત્ર રહેતા હતા. તેમનો પુત્ર હતો અબ્બાસ.” તેઓ આગળ લખે છે, “મિત્રના અકાળે મૃત્યુ પછી પિતા અબ્બાસને અમારી ઘરે લઈ આવ્યા હતા. એક રીતે અબ્બાસ અમારા ઘરમાં રહીને જ ભણ્યો. અમે બધા બાળકોની જેમ જ માતા અબ્બાસનું ધ્યાન રાખતાં. ઈદ પર તેમની પસંદના પકવાન બનાવતાં. તહેવારોના સમયમાં આસપાસના કેટલાંક બાળકો અમારા ઘરે આવીને જમતાં હતાં. તેમને પણ મારાં માતાના હાથની રસોઈ ખૂબ ભાવતી."
માતા હીરાબા વિશે જણાવી અંગત વાતો
• વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે માતાનું જન્મ મહેસાણા જિલ્લાના વિસનગર. હીરાબાના જન્મના અમુક દિવસ બાદ જ તેમનાં માતા એટલે કે મારા નાનીમાનું મૃત્યુ થયું હતું. મોદી લખે છે કે, “આમ મારી માતાનું બાળપણ માતાવિહોણું જ વીત્યું, તેઓ પોતાનાં માતા સામે ક્યારેય હઠ ન કરી શક્યાં, માતાને અક્ષરજ્ઞાન પણ ન મળી શક્યું, તેમને શાળાનો દરવાજો પણ નથી જોવા મળ્યો. તેમણે કંઇ જોયું હોય તો માત્ર ગરીબી અને ચારેબાજુ અભાવ.”
• વડા પ્રધાન લખે છે કે તેમનાં માતા પરિવારમાં સૌથી મોટાં હતાં અને જ્યારે લગ્ન થયાં ત્યારે પણ સૌથી મોટાં વહુ બન્યાં.
• વડા પ્રધાને પોતાના બાળપણનો ઉલ્લેખ કરતાં લખ્યું છેઃ વડનગરના જે ઘરમાં અમે લોકો રહેતાં હતાં તે ખૂબ નાનું હતું. તેમાં કોઈ બારી નહોતી. કોઈ બાથરૂમ નહોતું, અમે તમામ ભાઈબહેન ત્યાં રહેતાં હતાં. એ નાનકડા ઘરમાં માને ભોજન રાંધવામાં સરળતા રહે તે માટે પિતાજીએ વાંસ અને લાકડાના પાટીયાની મદદથી સ્ટેન્ડ બનાવી દીધું હતું. તે જ માતાનું રસોડું હતું. માતા તેના પર જ ચઢીને રસોઈ કરતાં. અને અમે એના પર જ બેસીને ભોજન કરતાં. વરસાદ દરમિયાન અમારી છતમાંથી પાણી ટપકતું અને ઘરમાં પાણી ભરાઈ જતું. તેઓ વરસાદી પાણી ટપકતું હોય ત્યાં પાણી એકઠું કરવા ડોલ અને વાસણો મૂકતાં. આટલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ, માતા સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બની રહેતાં.
• પિતાનો ઉલ્લેખ કરતાં મોદી લખે છેઃ પિતાજી સવારના ચાર વાગ્યામાં ઘરેથી નીકળી પડતા. મા પણ સમય બાબતે આગ્રહી હતાં. તેમને પણ સવારે ચાર વાગ્યે ઊઠી જવાની ટેવ હતી.
• માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેઓ લખે છેઃ ઘર ચલાવવા માટે બે-ચાર પૈસાં વધુ મળી જાય, તે માટે માતા બીજાનાં ઘરે જઈને વાસણ ધોતાં, સમય કાઢીને ચરખો પણ કાંતતાં જેનાથી અમુક પૈસા મળવાની આશા રહેતી. કપાસના ઝીંડવામાંથી રૂ કાઢવાનું કામ, રૂમાંથી દોરા બનાવવાનું કામ, આ સઘળું મા જાતે જ કરતાં, તેમને હંમેશા ડર રહેતો કે ક્યાંક કપાસના ઝીંડવાના કાંટા અમને ન વાગી જાય.
• માતાના સ્વચ્છતા અને ચોકસાઇ માટેના આગ્રહને ટાંકતા વડા પ્રધાન લખે છેઃ માતા શરૂથી જ સાફ-સફાઈને વિશેષ મહત્ત્વ આપતાં હતાં. ઘર સાફ રહે એટલે પોતે જ ઘરને લીપતાં હતાં, ઘરની દીવાલો પર કાચના ટુકડા ચીપકાવીને વિવિધ આકૃતિઓ બનાવતાં હતાં. માતા આજે પણ પરફેક્શન પર ધ્યાન આપે છે. દરેક કામમાં પરફેક્શનની તેમની ભાવના આ ઉંમરમાં પણ તેવી જ છે અને હવે તો ગાંધીનગરમાં ભાઈનો પરિવાર છે, ભત્રીજાનો પરિવાર છે, પરંતુ તેઓ પ્રયત્ન કરે છે કે પોતાનું બધું કામ હાથે જ કરે.
• જેમ કોઈ માતા જમાડ્યા પછી પોતાના બાળકનું મોં સાફ કરે છે તેવી જ રીતે માતા હજી પણ આવું જ કરે છે. તેઓ લખે છેઃ “હું જ્યારે પણ તેમને મળવા પહોંચું છું ત્યારે તેઓ મને પોતાના હાથ વડે મિઠાઈ ખવડાવે છે. મારાં માતા આજે પણ મને કંઈક ખવડાવે તો રુમાલથી મારું મોઢું સાફ કરે છે. તેઓ હંમેશાં એક રુમાલ અથવા નાનો નેપકીન સાડીમાં ભરાવેલો રાખે છે.
• વડા પ્રધાન લખે છે કે જો કોઇ તેમને કોઇ પૂછે છે કે તેઓ વડા પ્રધાનનાં માતા છે તો કેવું લાગે છે, કેવું ગૌરવ થાય છે? આ બાબત પર તેમનો જવાબ હોય છે કે, “જેટલો તમને ગર્વ થાય છે... આમ પણ મારું કંઈ નથી. હું તો નિમિત્ત માત્ર છું. એ તો ભગવાનનો છે.’
• વડા પ્રધાન મોદીએ લખ્યું છેઃ તમે જોયું હશે, મારાં માતા ક્યારેય કોઈ પણ સરકારી કે જાહેર કાર્યક્રમમાં મારી સાથે હોતાં નથી. અત્યાર સુધીમાં માત્ર બે કાર્યક્રમોમાં જ તેઓ મારી સાથે આવ્યાં હતાં. પ્રસંગોનો ઉલ્લેખ કરતાં લખે છે કે “પહેલી વખત, જ્યારે હું એકતા યાત્રા દરમિયાન શ્રીનગરના લાલ ચૌક પર તિરંગો ફરકાવીને પાછા ફર્યો હતો ત્યારે અમદાવાદમાં યોજાયેલા નાગરિક સન્માન કાર્યક્રમમાં માતાએ મારા લલાટે તિલક કર્યું હતું. બીજી વખત, તેઓ સાર્વજનિક રીતે મારી સાથે ત્યારે જોવા મળ્યા હતાં જ્યારે હું પહેલી વખત મુખ્ય મંત્રી બન્યો હતો. 20 વર્ષ પહેલાં તેઓ શપથગ્રહણમાં છેલ્લી વખત જાહેર કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ કોઈ પણ કાર્યક્રમમાં મારી સાથે નથી આવ્યાં.”
• મોદીએ ઉલ્લેખ કર્યો છે કે એક કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે માતાએ પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.
• માતાની અત્યંત સાદી-સરળ જીવનશૈલી પર મોદીએ લખ્યું છેઃ આજે પણ તેમની માતાના નામે કોઈ સંપત્તિ નથી. મેં તેમને ક્યારેય સોનાના ઘરેણાં પહેરતાં જોયા નથી, અને તેમને એમાં કોઈ રસ પણ નથી. અગાઉની જેમ, તેમણે નાના રૂમમાં અત્યંત સરળ જીવનશૈલી જીવવાનું ચાલુ રાખ્યું છે.”
• વડા પ્રધાન મોદીએ 2017નો એક દાખલો જણાવ્યો છે જે હીરાબાની વૃદ્ધાવસ્થા તીક્ષણ યાદશક્તિ દર્શાવે છે. 2017માં મોદી કાશીથી સીધા તેમને મળવા ગયા હતા અને તેમના માટે પ્રસાદ લઈ ગયા હતા. “જ્યારે હું માતાને મળ્યો, ત્યારે તેમણે મને તરત જ પૂછ્યું કે શું મેં કાશી વિશ્વનાથ મહાદેવને પ્રણામ કર્યા છે. માતા હજુ પણ આખું નામ વાપરે છે – કાશી વિશ્વનાથ મહાદેવ. પછી વાતચીત દરમિયાન, તેમણે મને પૂછ્યું કે શું કાશી વિશ્વનાથ મંદિર તરફ લઈ જતી ગલીઓ હજુ પણ એવી જ છે, જાણે કોઈના ઘરની અંદર મંદિર હોય. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું કે તેમણે ક્યારે મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ખુલાસો કર્યો કે તે ઘણા વર્ષો પહેલા કાશી ગયા હતાં, પરંતુ આશ્ચર્યજનક રીતે બધું યાદ હતું.”
• મોદીએ લખ્યું છે કે તેમના માતા વિશ્વની વર્તમાન ઘટનાઓથી વાકેફ રહે છે. તેમણે બ્લોગમાં ઉલ્લેખ કર્યો છેઃ “તાજેતરમાં, મેં તેમને પૂછ્યું કે દરરોજ કેટલો સમય ટીવી જુઓ છો? તો તેમણે જવાબ આપ્યો કે ટીવી પર મોટા ભાગના લોકો એકબીજા સાથે લડવામાં વ્યસ્ત છે, અને તેઓ ફક્ત તે જ જુએ છે જેઓ શાંતિથી સમાચાર વાંચે છે અને બધું સમજાવે છે. મને સાનંદ આશ્ચર્ય થયું કે માતા આટલું બધું ધ્યાન રાખે છે.”
• મોદીએ લખ્યું છે કે જ્યારે પોતે જાહેર જીવનમાં પ્રવેશ્યા નહોતા ત્યારે તેમનાં માતા તેમને ‘તું’ કહીને સંબોધતાં હતાં, પરંતુ હવે તેઓ ‘તમે’ કહીને સંબોધે છે. માતા અવારનવાર પૂછે છે કે “દિલ્હીમાં ગમે છે?"
• મોદીએ જણાવ્યું હતું કે માતા બીજાની પસંદગીનો માત્ર આદર જ નથી કરતાં, પણ તેમની પસંદગીઓ લાદવાનું પણ ટાળે છે. “ખાસ કરીને મારા પોતાના કિસ્સામાં, તેમણે મારા નિર્ણયોનો આદર કર્યો, ક્યારેય કોઈ અડચણો ઊભી ન કરી અને મને પ્રોત્સાહિત કર્યો. નાનપણથી જ, તેઓ જોઇ શકતા હતાં કે મારી અંદર એક અલગ વિચારધારા ઉગી ગઈ છે.” જ્યારે મોદીએ ઘર છોડવાનું નક્કી કર્યું ત્યારે તેમને માતાએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તેમની ઈચ્છા સમજીને આશીર્વાદ આપતા માતાએ કહ્યું, “તારું મન કહે તેમ કર.”
• વડા પ્રધાન મોદીએ કહ્યું કે માતાએ તેમને હંમેશા મજબૂત સંકલ્પ કરવા અને ગરીબ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની પ્રેરણા આપી છે. મોદીએ 2001નો એક દાખલો શેર કર્યો છે જ્યારે તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરાયા હતા. ગુજરાત પહોંચ્યા બાદ મોદી સીધા જ માતાને મળવા પહોંચ્યા હતા. તેઓ અત્યંત ઉત્સાહિત હતાં કહ્યું હતું, “મને સરકારમાં તમારું કામ તો સમજાતું નથી, પરંતુ હું ઈચ્છું છું કે તમે ક્યારેય લાંચ ન લો.” આ સમયે મેં માતાને ખાતરી આપી હતી કે તમારે આ બાબતે ચિંતા ન કરવી જોઈએ. જ્યારે પણ પોતે માતા સાથે ફોન પર વાત કરે છે, ત્યારે તેઓ કહે છે, “કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો અને હંમેશા ગરીબો માટે કામ કરતા રહો.”
• વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેમના માતા-પિતાની પ્રમાણિકતા અને આત્મસન્માન તેમના સૌથી મોટા ગુણ છે. ગરીબી અને તેની સાથેના પડકારો સાથે સંઘર્ષ કરવા છતાં માતા-પિતાએ ક્યારેય ઈમાનદારીનો માર્ગ છોડ્યો નથી કે તેમના સ્વાભિમાન સાથે સમાધાન કર્યું નથી. કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સતત મહેનત એ તેમનો મુખ્ય મંત્ર હતો!
• મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, “મારી માતાની જીવનકથામાં હું તપસ્યા, બલિદાન અને ભારતની માતૃશક્તિનું યોગદાન જોઉં છું. જ્યારે પણ હું માતા અને તેમના જેવી કરોડો મહિલાઓને જોઉં છું, ત્યારે મને લાગે છે કે ભારતીય મહિલાઓ માટે એવું કંઈ નથી જે અગમ્ય છે.