આજની દુનિયાના સકળ માનવમહેરામણને એક સમૂહ સંકલ્પ કરીને એનું સંપૂર્ણ પાલન કરવાનો સમય પાકી ગયો છે. આ પૃથ્વી પરના ૮૫૦ કરોડ, અનેક દેશોમાં વહેંચાઈ ગયેલા મનુષ્યો એક યા બીજી રીતે અસહિષ્ણુતા, વેરઝેર, ઈર્ષ્યા, વહેમ, શંકાઓ અમે અણઈચ્છીત માન્યતાઓથી પીડાતા નજરે પડે છે. આ બધા વિષયોમાં બુદ્ધિજન્ય તર્કશાસ્ત્ર (લોજીક)નો જરાય ઉપયોગ કરતા હોય તેવું ભાગ્યે જ જણાય છે. બસ આગે સે ચલી આતી હૈ એવી રગ પકડીને બેઠા હોય છે. ઘણાં દેશો પણ ચડસાચડસી અને અદેખાઈમાં પરોવાઈ ગયા છે. હજારો વર્ષોથી કોઠે પડી ગયેલી રંગ, જાતિ, રીતિ, ધર્મ અને બીજી અનેક વિનાશક બદીઓથી પીડાતી પ્રજાના માનસમાં ઘર કરી ગઈ લાગે છે. આવી ઘાતક માનવવૃત્તિને વળગીને પોતાની બુદ્ધિથી વિશ્લેષણ કર્યા સિવાય જ કોઈકે કહેલું ગળી જતાં નજરે પડે છે. હા આમાં સચોટ સુધારો લાવવા માટે હજારો સમાજસેવકો, ફિલસુફો અને અનેક પ્રકારના મીડિયા પણ પ્રયત્નો કરી રહ્યા હોવા છતાં એમાં કંઈ ફેર પડે એ પણ શંકાસ્પદ જણાય છે. જો દરેક માણસ આજના જ્ઞાનથી ત્રાજવે તોળીને વર્તન કરે તોજ કંઈક બદલાવ લાવી શકાય.
આવી હાનિકારક પરિસ્થિતિમાં મનુષ્યોની એકતામાં અનેક ગાબડા પડી ગયા છે. અરે કોવિડ ૧૯ કે બીજા વાયરસો પણ જરાય ભેદભાવ કર્યા સિવાય વર્તતા હોય છે, તો આપણે એની માફક સંપૂર્ણ એકતા સાધીએ તો જ આવા કઠોર સંકલ્પનું પાલન કરીને આ દીવાસ્વપ્નને સાકાર કરી શકીએ. એમાં કોઈ જ વિવાદ કે શંકા નથી.