મહારાષ્ટ્ર સરકારની વસાહત વિકાસ નીતિ અનુસાર દાઉદી વહોરા કોમ્યુનિટી મુખ્યત્વે શિયા મુસ્લિમો સહિત ૨૦,૦૦૦ લોકોના પુનર્વસન માટે મુંબઈના ભીંડીબજાર વિસ્તારની કાયાપલટ સાથે તેનો પુનર્વિકાસ કરવાનું આયોજન કરી રહી છે. રૂપિયા ૪,૦૦૦ કરોડના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ૨૫૦ બિલ્ડિંગ્સ, ૧,૨૫૦ દુકાન તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને નવ ઉપવસાહતોમાં ૧૭ ટાવરનું બાંધકામ કરવામાં આવશે. આના પરિણામે, ભીંડીબજારના ૩,૨૦૦ મકાન ગગનને આંબશે અને ઉદ્યાનો, પાર્કિંગ તેમજ અન્ય સવલતો માટે વધુ ખુલ્લી જગ્યા મળી રહેશે.
નિવાસીઓને ઓછામાં ઓછાં ૩૫૦ ચોરસ ફીટનો કાર્પેટ એરિયા (સૌથી નાના યુનિટમાં) મળી રહેશે. ટાપુનગર મુંબઈમાં સૌથી ભરચક વિસ્તારોમાં એક અને ૧૬.૫ એકરમાં ફેલાયેલું ભીંડીબજાર શહેરના વેપાર અને વાણિજ્યના લાંબા ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અહીંની વસ્તી જ કોઈ પ્રકારના વિકાસકાર્યમાં ડરાવનારું પરિબળ હોવાના કારણે આ ૪,૦૦૦ કરોડ રૂપિયા (૪૧૦ મિલિયન પાઉન્ડ)ના પ્રોજેક્ટને ભારે રસથી નિહાળવામાં આવે છે. ટ્રસ્ટીઓના દાવા અનુસાર આ પ્રોજેક્ટ માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર લોકશાહીવાદી રાષ્ટ્રોમાં હાથ ધરાનારો સૌથી મોટો પુનર્વિકાસ પ્રોજેક્ટ બની રહેશે. આ પ્રોજેક્ટ તેના નિવાસીઓને વધુ મોકળાશપૂર્ણ અંગત જગ્યા તેમજ લિફ્ટ્સ અને ખાનગી ટોઈલેટ્સ સહિત આધુનિક સવલતો પૂરી પાડવા વચનબદ્ધ છે. સરકારી નિયમો અનુસાર વિકાસ હેઠળના વિસ્તારના રહેવાસીઓને તેમના અગાઉના ઘર નાના હોય તો પણ નવા પ્રોજેક્ટમાં એકસમાન જગ્યા મળવી જ જોઈએ. મોટા યુનિટ સાથેના પરિવારોને તેમની પાસે અગાઉ હતી તેના કરતા ૧૦ ટકા વધુ જગ્યા મળશે.
લલચાવનારા શેરીબજારના ખોરાક-ખાદ્યપદાર્થો અને જીર્ણ મકાનોની નીચે ગીચ દુકાનો માટે જાણીતું ભીંડીબજાર ભારતીય શહેરોના અનેક સંસ્થાનવાદી લાક્ષણિકતા ધરાવતો વિસ્તાર છે. લાકડાની સીધા દાદરાં સાથે ચાર માળની ૧૫૦ વર્ષ જૂની ઈમારતો મૂળ તો હોસ્ટેલ જેવા નાના ખંડોમાં પુરુષ વસાહતીઓને રહેવા માટે તૈયાર કરાયા હતા, જેમાં દરેક માટે સામૂહિક લેવેટરી રખાઈ હતી. હવે અનેક પેઢીઓના પરિવારો ઈમારતના નાના ખંડો, જેમાંના કેટલાક તો ૨૦૦ ચોરસ ફીટથી ઓછાં માપના હોય છે- માં ખીચોખીચ ઠસાઈને રહે છે. મુંબઈમાં સરકાર નિયંત્રિત રુમભાડાં દાયકાઓથી સ્થગિત કરાયાના પરિણામે ઈમારતના માલિકો તેના સમારકામમાં નાણા રોકવા તૈયાર હોતાં નથી. સમયાંતરે અને મુંબઈના ચોમાસામાં ભારે વરસાદથી તેમાં ભારે નુકસાન થતું રહ્યું છે.
આ પ્રકારના અન્ય વિસ્તારોથી ભીંડીબજાર અલગ જ છે. ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક લેખ અનુસાર આ વિસ્તારના મોટા ભાગના રહેવાસીઓ દાઉદી વહોરા મુસ્લિમ (ગાઢપણે ગુંથાયેલી શિયા સંપ્રદાય) છે, જેના સભ્યો તેમના ધર્મનિરપેક્ષ શિક્ષણ, બિઝનેસ અને વ્યાવસાયિક કુશાગ્રતા માટે જાણીતા છે. કોમ્યુનિટીના તત્કાલીન ૯૮ વર્ષીય આધ્યાત્મિક નેતા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને ૨૦૦૯માં એક ક્રાંતિકારી પ્રસ્તાવ રાખ્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે ધાર્મિક સ્થળોને બાકાત રાખી ભીંડીબજારને તોડી પાડવામાં આવે અને તેના સ્થાને ઊંચે પ્રગતિ કરતા લોકોને અનુકૂળ રહે તેવા આધુનિક મકાનો પૂરાં પાડવા નવા સ્કાયસ્ક્રેપર્સ બાંધવામાં આવે. જ્યાં એક પણ જર્જરિત મકાનને તોડી પાડવું કેટલાક હઠાગ્રહીઓના લીધે વર્ષો સુધી અટકાવી શકાતું હોય તેવા અને ભાડૂતના શક્તિશાળી અધિકારો સાથેના શહેરમાં અનેક શહેરી બ્લોક્સને જમીનદોસ્ત કરવાનું કાર્ય અતિ કઠિન હોય છે. આમ છતાં, ભીંડીબજારની રીડેવલપમેન્ટનું કાર્ય સુચારુપણે આગળ વધી રહ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ સાથેના આ પ્રોજેક્ટને આ પ્રકારની શહેરી વસાહતો માટે સંભવિત આદર્શ ગણાવાઈ રહ્યો છે. વહોરા ઈમામ મંડળની કોમ્યુનિટી વહીવટી અથવા ‘દવાત’ની પાંખ ધ સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT)’ દ્વારા ૨૫૦માંથી ૨૧૫ ઈમારતનો કબજો મેળવી લેવાયો છે, જેમાંથી ૭૦ ઈમારતને જમીનદોસ્ત કરી દેવાઈ છે. જમીનદોસ્ત કરાયેલી ઈમારતોમાં રહેતાં ૧૭૦૦ પરિવારને ખાસ આ હેતુ માટે જ બનાવાયેલાં કામચલાઉ વસવાટોમાં રહેવાની સુવિધા અપાઈ છે. તેમના નવા મકાનો તૈયાર ન થાય ત્યાં સુધી તેઓ અહીં નિઃશુલ્ક રહેશે. આ પ્રોજેક્ટનો મોટા ભાગનો યશ સત્તાવાર રીતે દાઈ અલ-મુતલાક તરીકે ઓળખાતા ખાનદાની નેતા સૈયદનાના વ્યાપક પ્રભાવના ફાળે જાય છે.
FT દ્વારા કાયદાશાસ્ત્રની ૨૨ વર્ષીય વિદ્યાર્થિની ફાતેમા ટાંકીવાલા અને તેના પરિવારનો ઈન્ટરવ્યુ લેવાયો હતો. કિંમત માટે જરા પણ રકઝક કર્યા વિના પોતાની માલિકીનું મકાન વેચવામાં આ પરિવાર સૌપ્રથમ હતો. તેણે જણાવ્યું હતું કે,‘અમે હોલીનેસના લીધે જ આટલી ઝડપે વેચાણ માટે રાજી થયા હતા. અમને તેમનામાં ભારે શ્રદ્ધા છે.... તેમણે કહ્યું આ અમારા ભલા માટે છે. આથી અમે કહ્યું બરાબર છે, અમે તૈયાર છીએ.’
આ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનર અને આર્કિટેક્ટ કુતુબ માંડવીવાલાએ ધ હિન્દુને જણાવ્યું હતું કે,‘ગીચતા અને દુકાનદારીના વિસ્તારો અમારી સમક્ષના સૌથી મોટા પડકારો છે. અમે ભીંડી બજારની જીવંતતા, સાંસ્કૃતિક પરિબળ, આહારગૃહો અને બજારોને જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. આ બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવી બોટલમાં જૂના વાઈન જેવું છે. અમે મોલ અનુભવોથી વિરુદ્ધ હાઈ-સ્ટ્રીટ ખરીદીનો અનુભવ આપવા માગીએ છીએ. બિઝનેસને જરા પણ અસર ન થાય તેવી ચોકસાઈ પણ રખાશે. આ ઉપરાંત, અમે ધાર્મિક ઈમારતોને પણ યથાવત રાખી છે.’
તેમણે FTને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ, ‘વર્તમાન સમાજની જરૂરિયાતો અને આવશ્યકતાઓ તેમજ લોકોએ સુઘડ વાતાવરણ અથવા સુઘડ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ તેના વર્તમાન ખ્યાલોને પરિપૂર્ણ કરશે.’ જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ વિસ્તાર જૂના બિઝનેસીસ દ્વારા ભરાયેલાં બહુસ્તરીય, સ્ટ્રીટમાં સામે જ રહેલાં શોફિંગ આર્કેડ્ઝ સાથે સમગ્ર મુંબઈના લોકોને આકર્ષિત કરનારું ‘ચેતનવંતુ, સાંસ્કૃતિક સ્થળ’ તો રહેશે જ.
SBUTના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અબ્બાસ માસ્ટરે જણાવ્યું હતું કે,‘પ્રોજેક્ટની સંકલ્પના, પ્રેરણા તેમજ આયોજનમાં વહોરા આવર્તી વિચાર સ્પષ્ટ થાય છે. કોમ્યુનિટીની સખાવતી સંસ્થા SBUTની સ્થાપના પણ ભીંડી બજારના હાર્દમાં રૌદત તાહેરા મકબરો આવેલો છે તેવા આ વિસ્તારને રીડેવલપ કરવા માટે જ થઈ છે. ‘આ સમગ્ર વિચાર લોકોના જીવનના ઉત્થાન માટે છે. દિવંગત હિઝ હોલીનેસ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન હંમેશાંથી જાણતા હતા કે આ વિસ્તાર ખરાબ હાલતમાં છે અને તેઓ તેના વિશે કશું કરવા ઈચ્છતા હતા.’
હિન્દુ સંપ્રદાયો
હિન્દુ સંપ્રદાયોમાં BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું તેના અનુયાયીઓ તરફનું પ્રદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. શ્રી પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ શિક્ષણ હોય કે કોમ્યુનિટીનો વિકાસ હોય અથવા વિવિધ જાગરુકતા લાવનારા કાર્યક્રમો હોય, સ્વામીનારાયણ સંપ્રદાય હંમેશાં સક્રિય રહ્યો છે અને તેના અનુયાયીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ચોકસાઈ ધરાવે છે.
આગા ખાન અને ઈસ્માઈલી સમુદાય
દાઉદી વહોરાની માફક અન્ય શિયા ઈસ્માઈલી સંપ્રદાય પણ તેની કોમ્યુનિટીઓનાં ઉત્થાન માટે ઘણો જાણીતો છે. તેમના પ્રગતિશીલ સ્વભાવનો યશ તેમના આધ્યાત્મિક નેતા ધ આગા ખાન અથવા હિઝ હાઈનેસ પ્રિન્સ કરીમ આગા ખાન ચતુર્થના ફાળે જાય છે. ઈસ્લામના પયગમ્બર મુહમ્મદના પ્રત્યક્ષ વંશજ મનાતા ૭૫ વર્ષીય આગા ખાન ઈસ્માઈલી સંપ્રદાયના ૪૯મા ઈમામ અથવા આધ્યાત્મિક નેતા છે.
‘ફોર્બસ’ મેગેઝિન આગા ખાનને અંદાજિત ૮૦૦ મિલિયન ડોલરની ચોખ્ખી સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનવાન ૧૦ રાજવંશીમાં સ્થાન આપે છે. અન્ય સૂત્રોના અંદાજ અનુસાર તેમની સંપત્તિ ત્રણ બિલિયન ડોલર છે. તેઓ ૨૫થી વધુ દેશોમાં આશરે ૧૫ મિલિયન અનુયાયી ધરાવે છે.
નિઝારી ઈસ્માઈલીઓ તરીકે પણ ઓળખાતા મોટા ભાગના ઈસ્માઈલીઓ ઈરાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન સહિતના આફ્રિકન અને એશિયન દેશોમાં વસે છે. યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને બ્રિટનમાં પણ તેમની નોંધપાત્ર કોમ્યુનિટીઝ છે.
આગા ખાન ૧૯૫૭માં નિઝારી ઈસ્માઈલીઓના ઈમામપદે આરુઢ થયા પછી સંસ્થાનવાદી શાસનમાંથી આફ્રિકન દેશોની આઝાદી, યુગાન્ડાથી એશિયનોની હકાલપટ્ટી, પૂર્વ સોવિયેટ યુનિયનમાંથી તાજિકિસ્તાન સહિત મધ્ય એશિયન દેશોની સ્વતંત્રતા તેમજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સતત અરાજકતાપૂર્ણ પરિસ્થિતિ સહિત નિઝારી ઈસ્માઈલી અનુયાયીઓને અસર કરનારા જટિલ રાજકીય અને આર્થિક પરિવર્તનો સાથે સંકળાયેલા રહ્યા છે. આગા ખાન ચોથા ૨૦૧૪ની ૨૭ ફેબ્રુઆરીએ કેનેડિયન પાર્લામેન્ટના સંયુક્ત સત્રને સંબોધિત કરનારા પ્રથમ ધાર્મિક નેતા બન્યા હતા.
આગા ખાને પોતાના ધ્યેયો વિશે જણાવ્યું છે કે તેઓ વૈશ્વિક ગરીબી નિવારણ; બિનસાંપ્રદાયિક બહુવાદના ઉત્તેજન અને અમલ; સ્ત્રીઓના દરજ્જાની ઉન્નતિ; અને ઈસ્લામિક કળા અને સ્થાપત્યના ગૌરવ વિશે કાર્ય કરી રહ્યા છે. તેઓ વિશ્વના સૌથી મોટા ખાનગી ડેવલપમેન્ટ નેટવર્કોમાં એક આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને ચેરમેન છે. આ સંસ્થાએ જણાવ્યા અનુસાર તે પર્યાવરણમાં સુધાર, આરોગ્ય, શિક્ષણ, સ્થાપત્ય, સંસ્કૃતિ, ગ્રામ્ય વિકાસ, માઈક્રોફાઈનાન્સ, આપત્તિમાં ઘટાડો, ખાનગી સેક્ટરના સાહસોને ઉત્તેજન અને ઐતિહાસિક નગરોનાં પુનરુદ્ધાર સંબંધિત કાર્યો કરી રહેલ છે.