મોતીચંદ શેઠના પિતા અમીચંદ અને દાદા સાંકળચંદ સોજિત્રા વતન છોડીને અમીચંદ ખંભાત બંદરે પહોંચ્યા. ખંભાતમાં મજૂરી કરવા કરતાં મુંબઈમાં સારી તક મળશે એમ ધારીને ખંભાતથી ઈ.સ. ૧૭૫૮માં મુંબઈ ગયા. આ વખતે મુંબઈની વસતિ માંડ ૬૦ હજાર હતી. અમીચંદ ઝવેરાતના વેપારમાં થયેલી ખોટના આઘાતથી મરણ પામ્યા. મોટા દીકરા નેમીચંદે વહાણવટાના ધંધામાં દલાલી શરૂ કરી. તેમને હોરમસજી બમનજી વાડિયાનો પરિચય થયો. વાડિયા પરિવાર ત્યારે વહાણો બાંધવામાં જાણીતો. એમણે બાંધેલા વહાણો અંગ્રેજો, ફ્રેંચો, પોર્ટુગીઝો વગેરે ખરીદતા. વાડિયાના સંબંધે અમીચંદ ધંધામાં ફાલ્યાફુલ્યા. ત્યારના મુંબઈમાં ગંદકીને કારણે ચેપી રોગો ફાલતાફૂલતા. નેમચંદ આવા રોગમાં મરણ પામતાં ધંધાની જવાબદારી મોતીચંદે ઉપાડી. તેઓ અમીચંદના બીજા પુત્ર હતા. ૧૭૮૨માં જન્મેલા મોતીચંદ કાબેલ હતા. ૩૦ વર્ષની વયે ધંધાની ધૂરા ઉપાડીને તેમણે વાડિયા શેઠના સાથથી પોતાના વહાણો બાંધ્યા અને કમાયા.
મોતીચંદ પોતાનાં જ વહાણોમાં મસ્કત, બહેરિન, માંડવી, મડાગાસ્કર, ઘોઘા, સુરત, ભરુચ વગેરેમાં માલ મોકલતા. વહાણો પાછા ફરતાં માલ ભરીને આવતાં. મોતીચંદ બીજાનો માલ પણ ભાડું લઈને લાવતા. આમાં મોતીચંદ ખુબ કમાતા. મોતીચંદનાં વહાણો કોલંબો અને મલેશિયાના પિનાંગ બંદરે ખેપ કરતાં. ચીન સાથે અફીણનો વેપાર ચાલતો.
મોતીચંદે કાબેલિયતથી વિના પરદેશ ગયે વિશ્વાસુ માણસો પસંદ કરીને ધંધો ખૂબ ખૂબ વિક્સાવ્યો. મોતીચંદે સોનું, રૂપું, અફીણ, મોતી, રેશમ અને ઝવેરાતના વેપારમાં ખૂબ કમાણી કરી. તેમનું નામ દેશ-વિદેશમાં જાણીતું થયું. તેમની પ્રામાણિકતા, પરગજુપણુ, વેપારીકુનેહ અને સાહસિકતાને લીધે એ મુંબઈના આગેવાન વેપારી તરીકે ગણાતા થયા. મુંબઈના ગોરા વેપારી અને અમલદારોમાં તેમની પ્રતિષ્ઠા ઊભી થઈ.
મોતીચંદે પિતાનું દેવું ચૂકવવા માંડ્યું. ત્યારના કાયદા મુજબ બાપનું દેવું ચૂકવવાની તેમની જવાબદારી ન હતી. પિતાના નામે જ દેવું ચૂકવાય માટે સદ્ગત પિતાના નામે એમણે કેટલાક વેપાર શરૂ કર્યા અને એનો નફો પેલા દેવા પેટે ચૂકવી દીધો. ‘મુંબઈનો બહાર’ નામના પુસ્તકમાં પારસી લેખક રતનજી ફરામજી વાછાએ આ માટે તેમની ખૂબ પ્રશંસા કરી છે.
મોતીચંદને કેટલાંક પારસી અને યુરોપિયન કુટુંબો સાથે ગાઢ સંબંધ હતો. આ કુટુંબો મોતીચંદના દરિયાપારના વેપારની સફળતાને લીધે મોતીચંદની ધંધાકીય સલાહ લેતાં. આમાં મોતીચંદ પોતાને નુકસાન થાય તેવું હોય તો પણ સાચી સલાહ આપતા. આને લીધે કેટલાક ગોરા અને પારસી પરિવાર લાભ પામીને ધનિક થયા હતા.
મુંબઈના ખૂબ મોટા વેપારી અને ઉદ્યોગપતિ જમશેદજી જીજીભાઈ તેમના જીવનના આરંભે મોતીચંદના ગાડીવાન હતા. મોટા વહાણવટી હોરમસજી બમનજી શેઠ સાથે એમને ગાઢ સંબંધ હતો. તેમણે મરતી વખતે મોતીચંદને પોતાના દીકરાઓની ભાળવણી કરી હતી. મોતીચંદે આજીવન સંભાળ લીધી હતી.
મોતીચંદ ધર્મચુસ્ત શ્રાવક હતા. ત્યારે મુંબઈમાં જૈન દેરાસર ન હતું. મુંબઈના કોટ વિસ્તારમાં પ્રથમ જૈન દેરાસર બનાવનાર મોતીચંદ શેઠ હતા. આ પછી બીજા જૈનોને સાથ આપીને પાયધૂનીમાં તેમણે જૈન દેરાસરો કર્યાં હતાં. ભાયખલાની વાડીમાં તેમણે શેત્રુંજયની ટૂંક જેવું ભવ્ય દેરાસર બનાવ્યું હતું. દેરાસરમાં આદિનાથ ભગવાનની પ્રતિમા એવી રીતે પધરાવી હતી કે પોતાના બંગલામાં બેઠાં-બેઠાં શેઠને એનાં, શિખરનાં અને તેની ધજાનાં દર્શન થાય. શેઠે આ મંદિરના સલાટને ખુશ થઈને સૂંડલો ભરીને સોનાનાં ઘરેણાં ભેટ આપ્યાં હતાં. મજાની વાત એ થઈ કે ઉડાઉ રામજી સલાટે શેઠે આપેલા ઘરેણાં ગીરો મૂકી પૈસા લીધા. મોતીચંદની ઉદારતા જબરી. આ જાણ થતાં તેમણે પૈસા ચૂકવીને રામજી સલાટને ઘરેણાં પાછાં અપાવ્યાં.
મોતીચંદ વણિક હતા પણ સ્વમાન અને સત્ય માટે ક્ષાત્રવટ ધરાવતા. તે જમાનામાં મુંબઈના કોટ વિસ્તારમાં મુખ્યત્વે ગોરા, પારસી, જૈન, ભાટિયા વગેરે ધનિક વસતા. એક વાર કોટ વિસ્તારમાં આગ લાગતાં ઘણાં મકાનો બળી ગયાં. આ વખતે ગોરા લોકોએ સરકારમાં રજૂઆત કરી કે, ‘કોટ વિસ્તારમાં માત્ર ગોરા લોકોને જ વસવા દેવા.’ આ સમયે અંગ્રેજો સામે બોલવાની કોઈની હિંમત ન હતી. મોતીચંદે આ પ્રસ્તાવના વિરોધની આગેવાની લીધી અને ગોરાઓ માટે અનામત વસવાટની વાત ન સ્વીકારાઈ.
મુંબઈમાં કૂતરાંની વસતિ વધી ગઈ. અંગ્રેજ અમલદારે કૂતરાંને મારી નાંખવા ફરમાન કરતાં કૂતરાંના શબના ઠેર ઠેર ઢગલાં થયાં. જૈન મોતીચંદનો આત્મા કકળી ઊઠ્યો. વિરોધમાં હડતાલ પડાવી. તોફાનો થતાં લશ્કરી પગલાંમાં સેંકડો મરાયાં અને ઘવાયાં. સેંકડોની ધરપકડ થઈ અને મુંબઈમાં પ્રથમ બંડ શમી ગયું.
મોતીચંદે જીવદયાને નામે આગેવાની લીધી. ગામ બહાર પાંજરાપોળ કરીને મહાજન એ નિભાવે. કૂતરાંને પાંજરાપોળ નિભાવે. સરકારને આવી રજૂઆત કરી. સરકાર કૂતરાં ન મારવા સંમત થઈ. મોતીચંદના આ કાર્યમાં જૈન, પારસી, વહોરા વગેરેએ સાથ આપ્યો. મોતીચંદે સી. પી. ટેંક પાસેથી પોતાની જમીન પાંજરાપોળ કરવા ભેટ આપી અને ઉપરથી ૧૮ હજાર રૂપિયાની રકમ પણ આપી. તે જમાનામાં સામાન્ય માણસનો માસિક પગાર એક કે બે રૂપિયા હતો.
તે જમાનામાં મુંબઈમાં જૈન મુનિઓ ન હતા. વસઈની ખાડી સુધી પગપાળા આવે. આગળ ના આવે. જૈનમુનિઓ પદયાત્રા કરતા. તે જમાનામાં જૈન અને હિંદુમાં ઝાઝો ફેર નહીં. જૈનો ગોંસાઈજી મહારાજને ય માનતા. ત્યારે હવેલીના ગોંસાઈજી મહારાજે શેઠને ઘરે પધરામણી કરી. શેઠે ચાંદીનો મોટો થાળ ભરીને રત્નો આપ્યા અને પંદર હજાર રૂપિયા યોગ્ય લાગે તેમ વાપરવા આપવા. મહારાજ કહે, ‘આટલી મોટી ભેટ ના હોય?’ મોતીચંદ કહે, ‘મેં આપ્યા તે પ્રેમથી આપ્યા છે.’ મહારાજ કહે, ‘મારે લાયક કામકાજ હોય તો કહેજો.’ મોતીચંદ કહે, ‘મારે તો આશીર્વાદ પૂરતા છે. છતાં થઈ શકે તો મૂંગા જનાવરોને ગોરા મારી નાંખે છે તે અટકાવવા મેં પાંજરાપોળનું કામ ઉપાડ્યું છે. મકાન થશે પણ કાયમ માટે નભે, એનું ખર્ચ નીકળે એવું થાય તો સારું.’
ગોંસાઈજી મહારાજે કહ્યું, ‘મૂંગા જાનવર માટેનું આ કામ ઈશ્વરને ગમતું કામ છે. કાલ સાંજ સુધીમાં એની જોગવાઈ થશે. ચિંતા ના કરો.’
બીજા દિવસે સવારે ભક્તો મંગળાદર્શન માટે હવેલીમાં પહોંચ્યા, પણ ઠાકોરજીના દર્શનનો દરવાજો બંધ હતો. ચર્ચા ચાલી. તપાસ કરાવી તો જાણ્યું મહારાજની સૂચનાથી જ આ થયું છે. વૈષ્ણવ આગેવાનો મહારાજશ્રી પાસે પહોંચ્યા અને દરવાજો ખોલવા વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું, ‘પાંજરાપોળના નિભાવની ટીપ નહીં થાય ત્યાં સુધી દરવાજો નહીં ખુલે અને હું ત્યાં સુધી અન્નજળ નહીં લઉં.’ અંતે જુદાં જુદાં મહાજને મંત્રણા કરીને મુંબઈ બંદરે થતી હેરફેરમાં કિંમત પ્રમાણે લાગો નક્કી કર્યો. રૂ, અફીણની પેટી, ખાંડ, મોતી વગેરે પર. બધાંએ સહી કરી મહારાજના હાથમાં પત્ર આપ્યો. ૧૮૩૫માં આ રકમ વર્ષે ૩ લાખ રૂપિયા હતી.
આમ કાયમ માટે પાંજરાપોળના નિભાવનું કામ મોતીચંદે કરાવ્યું. ચરોતરના આ મોતીની વધારાની ચમક હવે પછીના અંકે...