(ગતાંકથી ચાલુ)
મોતીચંદ શેઠ સત્કાર્યના સારથિ પણ યશ લેવામાં પાછળ. કીર્તિદાનમાં એમને રસ નહીં. મુંબઈમાં પાંજરાપોળ કરવામાં અને એના કાયમી નિભાવ ખર્ચની ગોઠવણમાં એ આગેવાન હતા, પણ એના વહીવટકર્તા તરીકે પારસી આગેવાન જમશેદજી જીજીભાઈ બેરોનેટને રાખ્યા. મોટાં રજવાડાંને ય શરમાવે એવી એમણે સખાવતો કરી હતી. ૧૮૩૬માં જ્યારે એ મરણ પામ્યા ત્યારે માત્ર જૈન મંદિરો પાછળ તેમણે ખર્ચેલી રકમનો સરવાળો ૨૮ લાખ રૂપિયાનો હતો.
પોતાના દીકરા ખીમચંદભાઈને એમણે વારસામાં ૩૫ લાખ રૂપિયાની રકમ આપી હતી. મોતીચંદને જ્યારે લાગ્યું કે હવે ઝાઝું જીવાશે નહીં, ત્યારે જેની પાસે શેઠની લેણી રકમ નીકળતી હતી તેવા બધા દેણદારોને વારાફરતી મળવા બોલાવ્યા. પારસી, જૈન, મુસલમાન અને હિંદુ બધાનું દેવું ચોપડે માંડવાળ કરીને બધાંને દેવામુક્ત કર્યાં. આ રકમ લાખ રૂપિયા હતી. વળી, હાથઉછીના લાખો રૂપિયા જતા કર્યાં. સામે ચાલીને જે તે દેણદારને મુક્ત કર્યાં. તે જમાનામાં આખા દિવસની મજૂરી છ પૈસા જેટલી હતી ત્યારે લાખો રૂપિયા સ્વેચ્છાએ જતા કર્યાં.
મોતીચંદની ઉદારતા ગજબની હતી. કોઈ જરા પણ ઉપકાર કરે તો તે બદલો વાળવાનું ચૂકતા નહીં. અમદાવાદમાં શેઠ હઠીસિંગના દેરાં બંધાવનાર શેઠ હઠીસિંગ મોતીચંદના મિત્ર હતા. એક વાર શેઠ હઠીસિંગે ગિરનારનો સંઘ કાઢ્યો. સંઘના ઉતારા વખતે શેઠે ચોરવાડ નજીક ઉતારો રાખેલો. તે વખતે શેઠે સમગ્ર ચોરવાડ ગામને મિત્ર મોતીચંદના નામે નોતરાં મોકલીને જમાડ્યું. પોતાના મિત્રને યશ અપાવવા હઠીસિંગે આ કર્યું. મોતીચંદ આ જાણી ગયાં. પોતાના ચીન સાથેના વેપારમાં કેટલીક પેટીઓ એમણે હઠીસિંગ શેઠના નામે મોકલી. નફો થયો ત્રણ લાખ રૂપિયા. આ નફો તેમણે આગ્રહપૂર્વક હઠીસિંગને મોકલી દીધો. મનના સંકલ્પમાત્રથી થયેલો ગંજાવર નફો એમણે ઉદારતાથી હઠીસિંગને આપ્યો.
મોતીચંદ શેઠનું ચીન જતું અફીણ કોલકાતા બંદરેથી આડતીયા મારફતે મોકલાતું. આમાં ગોલમાલ થયાનું જણાતાં એમણે માંગરોળના નાનજી જેકરણને ત્યાં મોકલ્યા. તેમણે ગોલમાલ અટકાવી દીધી. આ પછી એક વાર જરૂર પડતાં તેમણે નાનજીને વહાણ સાથે ચીન મોકલ્યા. બે વર્ષ સુધી નાનજી પાછા ના આવ્યા. ત્યારે ચીન જતાં છથી બાર માસ થતાં. ક્યારેક મોસમ અનુકૂળ ના આવે તો થોડોક વધારે સમય થાય. ચાંચિયાઓ વહાણના માણસોને ગુલામ પકડી જાય કે વહાણ ડૂબી જાય તેવું થાય તો વહાણ ના પણ આવે. બે વર્ષ થયાં. નાનજી પાછા ના આવતાં શેઠે કુટુંબની જવાબદારી ઉપાડવા એક મોટું વાહન ખરીદીને નાનજીના પરિવારને આપ્યું. જેથી ભાડાની આવકમાં પરિવાર જીવી શકે. બાર વર્ષ પછી એક દિવસ નાનજી વહાણ સાથે મુંબઈ આવ્યા. નાનજીને ચીનમાં ધંધાની સારી તક મળતાં રોકાઈ ગયેલા. શેઠે નાનજીને વહાણ અને એમણે કરેલો બધો નફો ભેટમાં આપ્યો. અગાઉ મકાન તો આપ્યું જ હતું. આવા હતા મોતીચંદ શેઠ.
શેત્રુંજયની યાત્રાએ પાલિતાણા જતા યાત્રીઓ માટે એક મોટી ધર્મશાળાની જરૂરિયાત હતી. શેઠે ૮૬ હજાર રૂપિયા ખર્ચીને એક મોટી ધર્મશાળા બાંધી. પાલિતાણાની એ સૌપ્રથમ મોટી ધર્મશાળા. શેઠની નામના વધી અને ત્યારથી પાલિતાણા આવતા કોઈ પણ સંઘનું શેઠ મોતીચંદના નામે સ્વાગત થાય છે.
મોતીચંદ શેઠને અંગ્રેજો સાથે જકાત અંગે વાંધો પડ્યો. જીતે તો બધી રકમથી શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોનો સમૂહ બાંધવા સંકલ્પ કર્યો. જીત્યા અને ૧૩ લાખ રૂપિયા મળ્યા. ત્યારે ખીણ પૂરે તો જ મંદિર થાય. ખીણ પૂરવા પથ્થરો ખેંચીને ઉપર ચઢાવવામાં ૮૦ લાખ રૂપિયાનાં દોરડાં વપરાયાં. ૧૧૦૦ કારીગરો અને ત્રણ હજાર કારીગરોનું કામ ચાલ્યું. પવિત્રતા જળવાય તેથી મૂર્તિ બનાવનાર કારીગરને વાછૂટ થાય તો ન્હાવું પડતું. મૂર્તિને સલાટના શ્વાસની દુર્ગંધ ન અડે માટે સલાટને કેસર અને કસ્તૂરીનો મુખવાસ અપાતો અને છતાંય મોં બંધ રાખવા કપડાંનો મુખબંધ રાખવો પડતો. સલાટે નાહીધોઈને સ્વચ્છ કપડામાં બેસીને કામ કરવું પડતું. કામ ચાલતું હતું. મોતીચંદની તબિયત લથડી. મૂર્તિપ્રતિષ્ઠાનો દિવસ નક્કી હતો. શેઠે કહ્યું, ‘મારું અવસાન થાય તો પણ મૂર્તિપ્રતિષ્ઠા નિયત સમયે જ કરશો.’ થયું પણ તેમજ. શેઠનું અવસાન થયું.
નિયત સમયે મૂર્તિ પ્રતિષ્ઠા માટે શેઠના પુત્ર ખીમચંદભાઈ પાલિતાણા જવા નીકળતા હતા ત્યારે જમશેદજી શેઠે એક લાખ રૂપિયા મિત્ર મોતીચંદની યાદમાં આપ્યા. પાલિતાણામાં મૂર્તિપ્રતિષ્ઠાનો વરઘોડો સવા બે કિલોમીટર લાંબો હતો. રેલવે આવવાને હજી બીજા ૨૦ વર્ષની વાર હતી. નદીઓ પર પૂલ ન હતા. રસ્તા ન હતા ત્યારે દોઢ લાખ માણસો મૂર્તિપ્રતિષ્ઠામાં આવ્યા હતા. આવા હતા મોતીચંદ શેઠ. મુંબઈ અને ચરોતરનું મોતી હતાં.